શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
શ્રીમદ્ ભાગવતનો મુખ્ય વિચાર ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા અને ઐશ્વર્ય સુદૃઢ કરવાનો છે અને આવશ્યક રીતે એમના તરફ ભક્તિનું ભાથું બંધાવવાનો છે. વિષ્ણુના અન્ય અવતારોની કથાઓ સહિત અન્ય વિષયવસ્તુના ઉલ્લેખો આ મુખ્ય વસ્તુની અપેક્ષાએ ગૌણ બાબત છે. કોઈ પણ વિવરણનો આ તો એક સર્વસ્વીકૃત સિદ્ધાંત છે કે કોઈ પુસ્તકનું વિષયવસ્તુ એની ભૂમિકામાં અને ઉપસંહારમાં પ્રતિબિંબિત થાય છે. આ દૃષ્ટિકોણથી વિચાર કરતાં ભાગવતનો આખોય પ્રથમ સ્કંધ શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણે પાંડવો પર કરેલા અનુગ્રહ વિષે જ સંબંધ છે. અને ભાગવતના છેલ્લા ત્રણ સ્કંધો તો સીધી રીતે જ શ્રીકૃષ્ણ સાથે સંબંધ ધરાવે છે. એમના ઉપદેશો અને તેમના નિધન સાથે સંબંધ ધરાવે છે.
નૈમિષારણ્યના ૠષિઓના પ્રશ્નના ઉત્તરમાં શુકદેવે કહેલું આ ભાગવત ખૂબ જ વિશિષ્ટ રીતે શ્રીકૃષ્ણ સાથે સબંધ ધરાવે છે. ઋષિઓ કહે છે : ‘હે શુક, ક્યા હેતુથી ભગવાન દેવકી વિશે વસુદેવના પુત્ર રૂપે જન્મ્યા, તે અમને કહો. ઋષિ-મુનિઓએ ગાયેલાં તેમનાં ઉમદા અને લીલામય ચરિત્રો વિશે કોણ કોણ આધ્યાત્મિક મસ્તીથી બક્ષાયા હતા તે અમને કહો, હિરેના અવતારની એ ઘટનાઓ વિશે પણ અમને કહો, કે જેમાં એમણે પોતાની રહસ્યમય શક્તિ દ્વારા, લીલામય સ્વરૂપને પ્રગટ કર્યું હોય! ભગવાનનાં ઐશ્વર્યશાળી ચરિત્રોને સાંભળતાં અમે તો ક્યારેય ધરાતા નથી. એનાં વર્ણનો સાચા રસિકજનોને ડગલે ને પગલે ખૂબ મધુર જણાય છે. ભગવાને માનવ દેહનો અંચળો ઓઢીને (બલ) રામની સાથે કેવાં કેવાં અદ્ભૂત – દિવ્ય કાર્યો કર્યાં છે!’ (ભાગવત ૧/૧/૧૨ ૧૭-૨૦) આખુંય ભાગવત આ પ્રશ્નોના ઉત્તરરૂપે જ કહેવાયું છે.
વળી, બીજા એક ખાસ કારણે વ્યાસને ભાગવતની રચના કરવા માટે ઉતાવળે પ્રેર્યા હતા. અને તે કા૨ણ વાસુદેવની કીર્તિગાથાને વિશિષ્ટ રીતે વરેલા ખાસ ભક્તિ પ્રચુર ગ્રંથની રચના કરવાની તેમની તીવ્ર લાગણી હતી. ભાગવતમાં એવું કહ્યું છે કે વ્યાસ એક વખત જ્યારે હતાશા અને ઉદ્વિગ્નતાના ઓળા નીચે બેઠા હતા, અને પોતાની એવી અવસ્થાનું કારણ શોધવા મથી રહ્યા હતા, ત્યારે મહાન ઋષિ નારદ વ્યાસની સમક્ષ પ્રગટ થયા અને તેમણે વ્યાસને જણાવ્યું કે ‘તમારી હતાશાનું ખરું કારણ એ છે કે તમારી બધી જ રચનાઓમાં તમે માનવીય મૂલ્યો સંબંધે જ વિચાર કર્યો છે. અલબત એને થોડો ભક્તિતત્ત્વનો સ્પર્શ કરાવ્યો છે ખરો. પણ તે વ્યાસ મુનિ, તમે એમાં ધર્મ કે નીતિ કે અર્થ સંબંધી વિશેષ રૂપે જેટલું લખ્યું છે, તેટલું વિશેષ રૂપે ભગવાન વાસુદેવના દિવ્યાતિદિવ્ય ઐશ્વર્ય વિશે વિશેષરૂપે ક્યાંય વર્ણવ્યું નથી!!’ (ભાગવત, ૧/૫/૯) અને આ સલાહને પરિણામે ભાગવતનો જન્મ થયો. ભાગવત પોતે જ કહે છે કે ‘અન્ય રચનાઓમાં કઠોર કલિકાલનાં સર્વ પાપોનો નાશ કરના૨ ૫રમાત્મા હરિના ગુણાનુવાદ કોઈ સ્થળે ક૨વામાં આવ્યા નથી પરંતુ આ ભાગવતના કથાનકમાં એનો મહિમા શબ્દે શબ્દે ભર્યો છે.’ (ભાગવત, ૭/૨/૬૫)
વળી, કૃષ્ણ જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થયા ત્યારે, તેમની સાથે જ ધર્મ ને જ્ઞાન પણ નષ્ટ થયાં, ત્યારે આ ભાગવત પુરાણ રૂપી સૂર્ય માનવજાતના માર્ગદર્શક તરીકે ઉદય પામ્યો અને એણે આ કલિકાલના અંધકારને હટાવી મૂક્યો. (ભાગવત, ૧/૧/૧૩). ‘જે કોઈ મનુષ્ય ભગવાન પુરુષોત્તમનાં ચરિત્રો વર્ણવતા આ ભાગવતને વાંચે કે સાંભળે, તેના હૃદયમાં ભગવાન સત્ત્વરે આવિર્ભૂત થાય છે. આમ, ભક્તોના કાનમાંથી હૃદયમાં પ્રવેશેલા કૃષ્ણ એના ચિત્તને, જેમ વસંત ઋતુ બધી નદીઓને નિર્મળ કરી દે છે, તેમ શુદ્ધ કરી દે છે અને જે મનુષ્યનું ચિત્ત આ રીતે નિર્મળ થયું હોય તે, જેમ કોઈ મુસાફર રસ્તે કેટકેટલી મુશ્કેલીઓ અને પીડાઓ સહન કરીને આખરે ઘેર પહોંચીને આરામ શાંતિ પ્રાપ્ત કરે છે, તેવી રીતે શ્રીકૃષ્ણનાં ચરણકમળોમાં શાંતિ પ્રાપ્ત કરે છે’ (ભાગવત, ૨/૮/૪-૬).
ભાગવત કેવળ એના સારતત્ત્વરૂપે જ નહિ પરંતુ એની રચનારીતિમાં પણ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વથી પુરસ્કૃત થયેલું છે. એના બાર સ્કન્ધોમાંથી, આખાય ગ્રંથને અડધો અડધ ભાગ રોકતા દશમા અને અગિયારમાં સ્કન્ધમાં તો કૃષ્ણનું જીવન અને એના ઉપદેશો જ સંઘરાયેલા છે; જ્યારે પહેલા બે સ્કન્ધો સીધી રીતે જ તેમના જીવન પર કેન્દ્રિત થયા છે. ત્રીજો સ્કન્ધ શ્રીકૃષ્ણના બે મહાન અને સમકાલીન ભક્તો – વિદુર અને ઉદ્ધવના સંવાદરૂપે અપાયો છે.
મહાવિષ્ણુની વિભાવનાના સંદર્ભમાં શ્રીકૃષ્ણ :
આ બધી બાબતોને લક્ષમાં લેતાં એવું સ્વીકારવું જ જોઈએ કે ભાગવત એક વૈષ્ણવશાસ્ત્ર હોવા ઉપરાંત સર્વસ્વીકૃત રીતે વિષ્ણુના – કૃષ્ણાવતારના ગુણ સંકીર્તનનો અને તેમણે ઉપદેશેલા ભાગવતધર્મનો ગ્રંથ છે. પરંતુ કેટલાક કૃષ્ણભક્તોએ ભાગવતમાં દર્શાવેલી આ કૃષ્ણ સંબંધી વિભાવનાને પ્રયત્નપૂર્વક ગૂંચવી મારી છે. તેઓ આ વિષયને આગળ વધારીને એવા સંઘર્ષમાં પડ્યા છે કે કૃષ્ણ એ કંઈ સામાન્ય રીતે મનાય છે તેમ વિષ્ણુ ભગવાનના અવતાર નથી. પરંતુ તેઓ તો સ્વયં ભગવાન જ છે. અને વિષ્ણુ તો ફક્ત કૃષ્ણમાંથી નીકળેલું સ્વરૂપ છે! ઉદારહૃદયી ભક્તજન માટે આ વિવાદનું કશું મહત્ત્વ નથી. એવા ભક્તોને આમાં રસ પણ નથી. પરંતુ ભાગવત જેવા મહાન ગ્રંથમાં જ્યારે આ વાત યુક્તિપૂર્વક જ ઠોકી બેસાડવામાં આવી છે, ત્યારે એ વિશે કશુંક લક્ષ આપવાની જરૂર છે. આ ખાસ સિદ્ધાંત બંગાળી વૈષ્ણવોના ચૈતન્ય સંપ્રદાયનો છે. પરંતુ અહીં ખાસ મહત્ત્વની વાત તો એ છે કે તાજેતરમાં જ પૂરી છણાવટપૂર્વક કરાયેલા ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્યના સંશોધનગ્રંથ ‘The Philosophy of Bhagavata’ માં આ વાતનું સબૂત મળે છે! ભાગવત-નિર્દિષ્ટ કૃષ્ણના વ્યક્તિત્વની દેખીતી પ્રધાનતા ઉપરાંત ઉપર દર્શાવેલ ચૈતન્યમતના પાયામાં ભાગવતનો આ સુવિખ્યાત શ્લોક છે : ‘अन्ये चांशकलाः पुंसः कृष्णस्तु भगवान्स्वयम्’ – ઉપરની બધી તો પુરુષની (પરમાત્માની) અંશકલાઓ (આંશિક અભિવ્યક્તિઓ) છે, પણ કૃષ્ણ તો ભગવાન પોતે જ છે?’ (ભાગવત, ૧/૩/૨૮). જે સંદર્ભમાં આ શ્લોક દેખાય છે, તે ખરેખર ગૂંચવાડો ઊભો કરે છે. આ શ્લોક વિષ્ણુના ચોવીસ અવતારોને ગણાવતા ડઝનેક જેટલા શ્લોકોના અંતે આપવામાં આવેલો છે. એમાં કૃષ્ણને પણ બીજા કોઈ અવતાર કરતાં વિશેષ મોભો આપ્યા વગર વિષ્ણુના એક અવતાર તરીકે જ સમાવેશ કરવામાં આવ્યો છે. અવતારોની યાદી પૂરી થયા પછી એકલો અટૂલો આવા વલણને દાખવતો આ શ્લોક – આખા ભાગવતમાં આવેલો આવો એકમાત્ર શ્લોક – ભાગવતના અર્ક – સારથી વિરુદ્ધ દિશામાં જાય છે. આગળ આપેલી અવતારોની યાદીથી એ વિરુદ્ધ જાય છે જ એટલું જ નહિ, પણ આ ગ્રંથના અન્ય ભાગોમાં આવેલા બીજા અનેક શ્લોકોથી પણ વિરુદ્ધ જાય છે. એ બધા શ્લોકોમાં કૃષ્ણને સુસ્પષ્ટ રીતે પરમતત્ત્વરૂપ મહાવિષ્ણુના અંશ કે કલાના રૂપમાં ઉદ્ઘોષિત કરવામાં આવ્યા છે. ભાગવતની એવી ધારણા છે. પોતાના જન્મ વખતે પિતા વસુદેવ અને માતા દેવકીની આગળ કૃષ્ણ પોતાના જે રૂપનું ઉદ્ઘાટન કરે છે, તે બધાં વૈષ્ણવ પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણેનું મહાવિષ્ણુનું દિવ્ય સ્વરૂપ છે. અને છેલ્લે જ્યારે કૃષ્ણ પારધિના બાણથી ઘાયલ થઈને અવસાન પામે છે, ત્યારે તેઓ પોતાના પાર્થિવ શરીરને (?) છોડીને મહાવિષ્ણુમાં વિલીન થતા જણાય છે. ભાગવતમાં અભિવ્યક્ત થયેલાં બધાં વિધાનોના પ્રકાશમાં, કૃષ્ણ મહાવિષ્ણુના અવતાર હતા એવું પરિણામ પામ્યા પછીય જો કોઈ એનાથી વિરોધી એવા વિધાનને – ‘મહાવિષ્ણુ કૃષ્ણમાંથી નીપજ્યા છે.’ એવા વિધાનને યોગ્ય માને તો તો એ ભાગવતને એક ખાસ સંપ્રદાયના ગ્રંથ તરીકે ઠોકી બેસાડવાનો જ પ્રયત્ન થયો કહેવાય! કૃષ્ણ વિશે કહેવાયેલો, ‘कृष्णस्तु भगवान्स्वयम्’- કૃષ્ણ તો ભગવાન પોતે જ છે.’-વાળો શ્લોક ગ્રંથમાંનાં તેમને વિશેનાં અન્ય વિધાનોના સહાયક વિધાન તરીકે સાબિત થવો જોઈએ. અને એમ હોય તો જ ભાગવતની દૃષ્ટિએ એવો અર્થ થઈ શકે કે કૃષ્ણમાં બીજા કોઈ અવતારો કરતાં દિવ્યતા – ઐશ્વર્ય-ની અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં હતી. એ શ્લોક, અવતાર – પુરુષ શ્રીકૃષ્ણમાં ભગવાનની બધી જ ભવ્યતા દર્શાવે છે. અને એથી એને ‘અભિવ્યક્તિની પૂર્ણતા’ના અર્થમાં સ્વયં ભગવાનની સમાનતા આપે છે. પણ એનો અર્થ એવો નથી કે કૃષ્ણ પોતે સ્વયં ભગવાન જ બની જાય અને મહાવિષ્ણુ ભગવાન એમનો અંશ બની જાય! ખરી રીતે તો દરેક અવતાર, દિવ્યતાની સંકલ્પના છે. અને ‘એ બધા અવતારોમાં કૃષ્ણની વિશેષતા જો દર્શાવવી હોય તો ફક્ત દિવ્યતાની અભિવ્યક્તિ, સામર્થ્ય અને ગુણોની બાબતમાં જ દર્શાવી શકાય. કૃષ્ણના જીવનને અને એની મહત્તાનાં વર્ણનને વરેલા ગ્રંથ માટે આ ઘણું જ સ્વાભાવિક છે. રામનાં પરાક્રમો અને જીવનને વર્ણવતું રામાયણ પણ રામને વિશે આમ જ કહેશે. દરેક ભક્ત પોતાની પસંદગીના આદર્શ દિવ્યતત્ત્વની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ શોધશે જ.
બધાં પુરાણોની પેઠે ભાગવત પણ એક સાંપ્રદાયિક દેવ સાથે – અહીં મહાવિષ્ણુ સાથે જોડાયેલું છે. ભલે અહીં મહાવિષ્ણુ પરમાત્મા તરીકે, સર્વેશ્વર તરીકે માનવામાં આવ્યા હોય, છતાં શિવ કે દેવીને પરમ તત્ત્વ તરીકે પૂજતા અન્ય સંપ્રદાયોનો એ વિરોધી ગ્રંથ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ એક જ પરમતત્ત્વની ત્રણ અવસ્થાઓ, આ વિશ્વના સર્જન, પાલન અને સંહારનાં અલગ અલગ કાર્યો માટેની છે. વિશ્વનાં આ કાર્યો પ્રમાણે તે પરમ તત્ત્વ, સત્ત્વ, રજસ અને તમસ્ એ પણ પોતાની પ્રકૃતિ કે સામર્થ્ય – શક્તિના ગુણોથી યુક્ત છે. આ રીતે આ ભેદ કેવળ કાર્યગત જ છે, મૂળ સ્વરૂપમાં કશો ભેદ નથી. તેથી આ ત્રણમાંથી ગમે તેની ઉપાસના થાય, તો એ પરમ તત્ત્વની જ ઉપાસના થઇ રહે છે. ગમે તેમ પણ આ ત્રણ માંહેના બ્રહ્મા, ઉપાસના માટે અલગ લેવાયા નથી. તેમનો અંતર્ભાવ, વિષ્ણુની વિભાવનામાં થયેલો જણાય છે. વિષ્ણુ ભગવાનના નાભિકમલમાં બ્રહ્માનું સ્થાન આ વાત સૂચવે છે. એટલે આપણી પાસે શિવ અને વિષ્ણુ એ બે જ સાંપ્રદાયિક દેવો રહ્યા. અને ભાગવતની પ્રચેતસ્ની કથામાં એમ કહેવાયું છે કે શિવના ભક્તો એ વિષ્ણુના ભક્તો છે અને વિષ્ણુના ભક્તો એ શિવના ભક્તો છે. વળી કહ્યું છે કે એ બન્ને વચ્ચે ઉચ્ચતા – નિમ્નતાના પાયા પર કોઈ ભેદભાવ ઊભો કરવો એ તો શાસ્ત્રોનું અપમાન છે. ભાગવતમાં એ બન્નેનું ઐક્ય બતાવતા ઘણા શ્લોકો મળે છે. આમ છતાંય ભાગવત વિષ્ણુને પ્રાધાન્ય આપે છે, કારણ કે સત્ત્વગુણ સાથેનું તેમનું સંયોજન નિષ્કલંક અને વિશુદ્ધ હોવાથી, જેમ સ્વચ્છ કાચમાં પડતું વસ્તુનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે પરમ તત્ત્વને એ પૂર્ણ રીતે અભિવ્યક્ત કરે છે. આ અર્થમાં પરમ તત્ત્વ પોતાના પૂર્ણરૂપે, પોતાનાં બધા ‘ભગ’ (દિવ્ય ઐશ્વર્યો) સાથે, મહાવિષ્ણુના સ્વરૂપમાં આવિર્ભૂત થાય છે. અને એટલા માટે અને ‘સ્વયં પરમ તત્ત્વ’ તરીકે જ ઓળખવામાં આવે છે. (भगवान्स्वयम्) એ પરમમુક્તના પ્રદાયક છે. જ્યારે જગતનાં કે સ્વર્ગના ભોગોને ઝંખતા લોકો અન્ય દેવોને પૂજે-ભજે છે, ત્યારે મુક્તિને ઝંખતો જન, મહાવિષ્ણુ પાસે જ જાય છે, અને એ મહાવિષ્ણુ જ સ્વયં પરમ તત્ત્વ છે.
આમ આ મહાવિષ્ણુની ભાગવતની વિભાવનામાં જ્યારે સાંપ્રદાયિકતાને દેશવટો અપાયો છે, અને એક વૈશ્વિક ઈશ્વરનો ઉદ્ઘોષ કરાયો છે, ત્યારે કોઈ સમાલોચકને આશ્ચર્ય થશે કે તો પછી પ્રકૃતિના દરેક ગુણ સાથે જોડીને આ એક જ પરમ તત્ત્વને જુદા જુદા વ્યક્તિત્વમાં શા માટે કહેવું જોઈએ? એથી તો ઊલટું કોઈના મનમાં થશે કે આ ત્રણેય સાવ જુદી જુદી વ્યક્તિઓ જ છે! વેદાન્તે આપેલી સગુણ બ્રહ્મની તાત્ત્વિક વિભાવનામાં આવા ત્રિકોણ ઈશ્વર જ્ઞાનનો નિરાદર કરેલો દેખાય છે. નૃવંશ શાસ્ત્ર, પ્રાણીવંશશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રની પરિભાષામાં તાત્ત્વિક બાબતોને નિરૂપતી પૌરાણિક પદ્ધતિને માટે તો એનાં વિસ્તૃત વર્ણનોમાં નાટકીય અને સાહિત્યિક અસરો ઉપજાવવા માટે વિવિધ કર્તવ્યો અને કાર્યકલાપો સાથેની દિવ્યતાઓના આવા કમઠાણની જરૂર પડે છે. તત્ત્વજ્ઞાનની પદ્ધતિથી જ જો પુરાણો સગુણ બ્રહ્મની વિભાવના કરીને અટકી ગયાં હોત તો પુરાણોએ પોતાના આકર્ષક સાહિત્ય દ્વારા જે તત્ત્વજ્ઞાનની જાળ ગૂંથી છે, તે અશક્ય જ બની જાત. મુખ્યત્વે તો વિશાળ જનસમુદાયને શિક્ષણ આપવાનું કામ પુરાણોને હૈયે વસ્યું હતું. અને એથી આવાં ખૂબ આકર્ષક ચિત્રો દ્વારા અને કેટલાક વિશિષ્ટ દાવાઓ દ્વારા પણ તેમણે ભક્તિના આદર્શનું ચિત્રણ કર્યું. – ભક્તિ આદર્શને વહાવ્યો – વિસ્તાર્યો અને એ માટે પ્રધાન સાધન બની રહ્યાં. કવિની સમસ્યા, ફિલસૂફની સમસ્યા કરતાં જુદી હોય છે. પુરાણકારો માટે આ બન્ને સમસ્યાઓ હતી. પુરાણો એક બાજુ (આકર્ષક) લલિત વાઙ્મય પણ છે, અને બીજી બાજુ વેદાન્તનું સરળ બનાવેલું તત્ત્વજ્ઞાન પણ છે. પુરાણોનું સામર્થ્ય – એની ગરિમા તો ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે એ સમજી શકીએ કે પુરાણોએ કેવી આશ્ચર્યકારક રીતે સંવાદિતાનું આ કપરું કાર્ય પાર પાડ્યું છે.
રૂપાન્તરકાર :
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here





