સ્વામી વિવેકાનંદ બે માળીઓની વાત કરતા: એક ધનવાન માણસને ત્યાં બે માળી કામ કરતા. એમાંનો એક માળી ભારે આળસુ. તે ધનવાન માણસનાં બગીચામાં બિલકુલ કામ કરતો નહિ. તેણે એક બાબતની કાળજી રાખી હતી : માલિક બગીચામાં લટાર મારવા આવે ત્યારે તે જયાં હોય ત્યાંથી બેઠો થઈ જતો અને શેઠને હાથ જોડીને કહેતો: ‘મારા માલિકનું મુખ કેટલું બધું સુંદર છે!’ આટલું કહી તે તેની સમક્ષ નાચવા લાગતો.

બીજો માળી પ્રથમ માળીથી તદ્દન જુદો પડી જતો. તે સખત મહેનત કરતો. જ્યાં ફૂલઝાડ ન ઊગ્યાં હોય તેવી જગ્યામાં તે વિવિધ પ્રકારનાં ફળાઉ વૃક્ષો વાવી તેની પૂરેપૂરી સંભાળ રાખતો અને શાકભાજી ઉગાડતો અને ફળ તેમ જ શાક તૈયાર થતાં મસ્તક પર ઊંચકી માલિકને ઘરે પહોંચાડતો.

આ બેમાંથી ક્યો માળી માલિકને વધારે વહાલો હશે? એની પ્રશંસા કરી નાચતો હતો તે કે પછી તનતોડ મહેનત કરી બગીચાને ખૂબ સુંદર રાખતો અને તેમાં જે પેદાશ થતી તે નિષ્ઠાપૂર્વક તેના માલિકને પહોંચાડતો હતો તે? આમ તો આ પ્રશ્નનો ઉત્તર એકદમ સ્પષ્ટ છે. કામ કરતો પુત્ર પિતાને વહાલો હોય છે, તેમ જે માળી ખૂબ મહેનત કરી જે કાંઈ પ્રાપ્ત થાય તે માલિકને સોંપી દે તે પ્રિય લાગે છે.

અહીં સ્વામીજીએ માલિકને ભગવાન કહ્યો છે અને જગતને તેનો બગીચો કહ્યો છે. આ બગીચામાં બે પ્રકારના માળીઓ હોય છે: ‘એક છે કપટી માળી, જે કાંઈ કામ કરતો નથી, પરંતુ કેવળ ભગવાનનાં સુંદર નેત્રો, નાક અને બીજા અંગોનાં વર્ણન કર્યા કરે છે, જયારે બીજો માળી દીનદુખિયાં અને દુર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓ, અરે, તેમની સમગ્ર સૃષ્ટિની સંભાળ લે છે.’ આ બેમાંથી કોણ પ્રિય હોય તે આપણે જાણીએ છીએ છતાં વર્તન કરવાનું આવે છે ત્યારે હુંપણાનો અને મારાપણાનો ભાવ જાગૃત થઈ જાય છે.

મનુષ્ય કર્મો કરવા પર તદૃન ચોકડી મૂકી શક્તો નથી. ન છૂટકે પણ તેને કેટલાંક કર્યો તો કરવાં જ પડે છે. પણ તેનાં બધાં કર્મોમાં પોતાનાં અને પોતે જેમની સાથે સંબંધોથી જોડાયેલો છે તે સૌનાં સુખ-સગવડો કેન્દ્રસ્થાને હોય છે. આ જગતમાંથી જેટલું હાથમાં આવે તેટલું પોતાની માલિકીનું કરી દેવા તે આતુર હોય છે. તેને માટે તે સામ, દામ, દંડ, ભેદ, જૂઠાણું, છેતરપિંડી કે જે કાંઈ અનુચિત કરવું પડે તે કરવા તૈયાર થઈ જાય છે. કન્યા પરણાવતા સામાન્ય ગોર મહારાજનું વલણ ક્યા પ્રકારનું હોય છે? તે ભલે મુખે ન બોલતા હોય પણ મનોમન તો કહેતા હોય કે ‘વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો.’ અન્યનું જે થવાનું હોય તે થાય, પણ મારો સ્વાર્થ સધાવો જોઈએ, એવી ધારણા સાથે જ સામાન્ય મનુષ્ય પ્રવૃત્તિ કરતો હોય છે, અને આજીવિકા મેળવતો હોય છે.

ભગવાન બુદ્ધે સમ્યક્ આજીવિકાની વાત કરી છે. તેનો અર્થ એ થાય કે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટેનો ઉઘમ. એ ક્યારે શક્ય બને? મનુષ્યમાં સમ્યક્ જ્ઞાન હોય, શુભ કર્મો કરવાનો નિશ્ચય હોય, તેની વાણી સત્ય, પ્રિય અને હિતકર હોય, સત્કર્મોમાં જ પ્રવૃત્તિ હોય. પોતે શું કરે છે, શું બોલે છે, શું વિચારે છે એનું તેને નિરંતર ભાન હોય અને ભગવાન બુદ્ધે કહે છે તેમ તેના કર્મમાં એકાગ્રતા, તેના નિશ્ચયમાં એકાગ્રતા, તેના પુરુષાર્થમાં એકાગ્રતા અને તેની ભાવનામાં એકાગ્રતા હોય. સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ ભાવનામાં એકાગ્રતાનો અર્થ એમ કર્યો છે કે કદીક મેત્રી – કદીક દ્વેષ, કદિક અહિંસા – કદિક હિંસા, કદિક જ્ઞાન – કદીક અજ્ઞાન, કદીક વૈરાગ્ય – કદીક વિષયેચ્છા, એમ નહિ; પણ નિરંતર મૈત્રી, અહિંસા, જ્ઞાન, વૈરાગ્યમાં સ્થિતિ.

સ્વામીજીએ બે પ્રકારના મનુષ્યો બતાવ્યા છે તે તેમના કાળે ચાલે એવું હતું. હવે મનુષ્યોને આળસુ અને ઉઘી એમ માત્ર બે વિભાગમાં વહેંચી શકાય તેમ નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે કે માણસને આળસુ રહેવું પોસાય તેમ નથી. વળી સુખ-સગવડનાં સાધનો પણ એટલાં વધતાં જાય છે કે માણસ તેનાથી તદ્ન વંચિત રહી જાય તે તેને માફક આવે તેવું નથી. એટલે જેમને તદૃન આળસુ કહી શકીએ તેવા માણસો હવે જૂજ મળવાના. થોડી આળસ કેટલાક માણસોમાં રહેવાની, કારણ કે એમને કામ પ્રત્યે રુચિ હોતી નથી. એટલે ન છૂટકે જેટલું કરવું પડે તેટલું કરે. બીજી જાતના માણસો ઉદ્યમ કરે છે, પણ બીજા માળીની જેમ નહિ, લોકોની નીતિ હવે બદલાઈ છે. તેઓ મહેનત કરે છે, પણ તેનો બધો જ લાભ માલિક કે શેઠ લઈ જાય તેવું તે ઈચ્છતો નથી. તે લાભમાં ભાગીદાર થવા માગે છે. માણસો પહેલાના જેવા સરળ-સીધા નથી રહ્યા. પોતાને લીધે જ માલિક કે શેઠ કમાય છે, વર્ષો સુધી માલિકે શોષણ કર્યું છે, હવે મહેનત કરનારને વધુ મળવું જોઈએ એવી જાગૃતિ આવવા માંડી છે. એટલે કાં તો એ તેને મળતા વળતર પ્રમાણે મહેનત કરે છે અથવા વધુ મહેનત કરીને બદલો માગે છે. ટૂંકમાં, ઉદ્યમશીલ માણસોની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે; પણ આવા ઉદ્યમશીલ લોકો અન્યના ભલા માટે જ ઉદ્યમ કરતા નથી, પોતાના ભલા માટે, પોતાના સ્વાર્થને પોષવા માટે, ઉદ્યમ કરે છે. મોટાભાગના લોકોનો આ વિભાગમાં સમાવેશ થાય છે. તેઓ માત્ર માલિકના જ ભલા માટે મહેનત નથી કરતા, પણ પોતાનુંય ભલું થાય તેની કાળજી લે છે.

અન્ય પ્રકારનાં લોકોય છે, જેમને બીજામાં રસ નથી. પોતે પોતાનું કૂંડાળું દોરી બેસી ગયા છે. તેઓ કોઈને બોજારૂપ થતા નથી, તેમ અન્યનો બોજો ઉઠાવવા માગતા નથી. સૌ-સૌનાં કર્મ ભોગવે એવું એમનું વલણ હોય છે. કોઈના દુ:ખે દુ:ખી થવામાં તેમને રસ પડતો નથી. તેમણે પરમાર્થ માટે શરીર ધારણ કર્યું નથી. આ વિશાળ ટોળામાંથી સંતજનને, પરોપકારીને અથવા ‘વૈષ્ણવજન’ને વિચારપૂર્વક બાકાત રાખવા છે.

વિવેકાનંદે જે વાત કરી છે તે મનુષ્ય અને શેઠ વચ્ચે સીમિત નથી. તેમનો પ્રશ્ન એ છે કે ભગવાનને ક્યો મનુષ્ય પ્રિય છે: આળસુ કે ઉદ્યમી? જે માણસ ઠાકોરજીની સેવા-પૂજામાં, સ્થૂલ યિાકાંડમાં, તેમને શણગારવામાં કે ખવડાવવા-પિવડાવવામાં જ સમય પૂરો કરી નાખે છે તે વહાલો છે કે પછી આ જગતને પરમાત્માનું સર્જન ગણી અને પ્રાણીમાત્રને પરમાત્માની સંતતિ ગણી નિષ્કામ ભાવે તેમની સેવા કરે છે તે ? જે દરેકમાં ભગવત્ સત્તાનું દર્શન કરી યશાર્થે કર્મ કરે છે તે? યશાર્થે કર્મો કરવાં એટલે લોકસંગ્રહવૃત્તિથી કર્મો કરવાં જેમાં લોકસમૂહનું ધારણ-પોષણ થાય. થોડાને લાભ મળે અને ઘણા લાભથી વંચિત રહી જાય તેને યજ્ઞકર્મ ન કહેવાય.

ભગવાનને ઉદ્યમી જ પ્રિય છે. અહીં ઉદ્યમી શબ્દને એના વ્યાપક અર્થમાં લેવાનો છે. ઉદ્યમી એટલે યત્નશીલ, અનેક ક્ષેત્રોમાં યત્નશીલ, સર્વાંગી જીવનને પામવામાં પ્રયત્નશીલ. આવો પ્રયત્નશીલ માત્ર ભક્ત જ હોય છે. સ્વામીજીએ ખરેખર તો બે પ્રકારના ભક્તોની જ વાત કરી છે. ભક્તોમાં અજાણપણે એક એવો વર્ગ છે જે માત્ર ભગવાનના ગુણગાન જ ગાયા કરે છે; બીજું કાંઈ કરતો નથી.

શ્રીમદ્ભગવદ્ગીતાના બારમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણે પોતાના પ્રિય ભક્તનું વર્ણન કર્યું છે, જે ભક્તના બીજા વર્ગ માટે છે. વિવેકાનંદે બીજા માળીની વાત કરી છે ત્યારે તેમના મનમાં શ્રીકૃષ્ણે વર્ણવેલો ભક્ત હોય તેવી સંભાવના છે.

શ્રીકૃષ્ણ કહે છે: “જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વનો મિત્ર, દયાવાન, ક્ષમાવાન, અહંતા-મમતા-રહિત, સુખ-દુ:ખને વિષે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઈંદ્રિય-નિગ્રહી, દૃઢ નિશ્ચયવાળો છે અને મારે વિષે જેણે પોતાનાં બુદ્ધિ ને મન અર્પણ કર્યાં છે, એવો મારો ભક્ત મને પ્રિય છે.

“જેનાથી લોકો ઉદ્દેગ પામતાં નથી, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભય અને ઉર્દૂગથી મુક્ત છે, તે મને પ્રિય છે.”

“જે ઇચ્છા-રહિત છે, પવિત્ર છે, દક્ષ એટલે સાવધાન છે, લપ્રાપ્તિ વિષે તટસ્થ છે, ભય કે ચિંતારહિત છે, સંકલ્પ (વિકલ્પ) માત્રનો જેણે ત્યાગ કર્યો છે તે મારો ભક્ત છે, તે મને પ્રિય છે.”

“જે હર્ષ પામતો નથી જે દ્વેષ કરતો નથી, જે ચિંતા કરતો નથી, જે આશાઓ બાંધતો નથી, જે શુભા-શુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે.”

“શત્રુ-મિત્ર, માન-અપમાન, ટાઢ-તડકો, સુખ-દુ:ખ આ બધાંને વિષે જે સમતાવાન છે, જેણે આસક્તિ છોડી છે, જે નિંદા અને સ્તુતિમાં સરખો વર્તે છે અને મૌન ધારણ કરે છે, કાંઈ મળે તેથી જેને સંતોષ છે, જેનું પોતાનું કહી શકાય તેવું કોઈ આશ્રયસ્થાન નથી, જે સ્થર ચિત્તવાળો છે, એવો ભક્ત મને પ્રિય છે.”

આળસુ કે પ્રમાદી માળી થવું સહેલું છે. કાંઈ કામ કરવાનું નહિ, માલિકની પ્રશંસા કરવાની અને નાચવાનું. ઉદ્યમી કે સક્ક્સિ માળી થવું અઘરું છે ; ભારે પુરુષાર્થ માગી લે તેવું છે. શ્રીકૃષ્ણનાં પ્રિય ભક્ત થવું હોય તો તેમણે જે અપેક્ષાઓ રાખી છે તે પૂરી કરવી પડે. એક માણસનો પ્રેમ મેળવવો હોય તો કેટકેટલું કરવું પડે છે! સાચા પ્રેમમાં તો પોતાના અહંકારને પૂર્ણપણે ઓગાળી નાખવો પડે છે, તો પરમાત્માને પ્રિય થવું હોય તો શું કરવું પડે તેની કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે ભગવાને જ તેની પાત્રતા નક્કી કરી આપી છે.

તો શું ૫રમાત્માએ નક્કી કરેલાં ધોરણોને સતત યાદ રાખવાનાં? ના. યાદી ગોખવાની જરૂર નથી. તેની સ્મૃતિ રહેવી જોઈએ, જાગૃતિ રહેવી જોઈએ. કર્તાભાવ કે ડુંપણાનો અને મારાપણાનો ભાવ ન લાવીએ, કર્મના ફળની માલિકી અને તેને ભોગવવાની લાલસા ન રાખીએ અને પરમાત્માને કેન્દ્રમાં રાખીએ, પરમાત્માની સત્તાથી બધું થાય છે એમ પાકું સમજી વર્તીએ, તો એ ભક્તિ જ છે.

કહે છે કે શિવાજી છત્રપતિ કોંકણના સાગરકિનારે વિજયદુર્ગ બાંધતા હતા. શિવાજી દુર્ગનું કામ જોવા ગયા ત્યારે તેમની સાથે તેમના ગુરુ રામદાસ સ્વામી હતા. બે દુર્ગોના બાંધકામમાં હજારો મજૂરો રોકાયેલા હતા. શિવાજી મહારાજને થયું કે આટલા બધા માણસોનું હું ભરણપોષણ કરું છું. આ કાંઈ નાનીસૂની વાત છે!

સ્વામી રામદાસે શિવાજી મહારાજના ગર્વનો ખ્યાલ આવી ગયો. તેમણે શિવાજીને કહ્યું: શિવા, આ મોટો પથ્થર રસ્તા વચ્ચે નકામો પડ્યો છે. તેને ખસેડાવી દે. મહારાજની આજ્ઞા થતાં પથ્થર ખસેડ્યો તો નીચે પાણીના ખાબોચિયામાં એક દેડકો હતો. રામદાસ સ્વામીએ કહ્યું: શિવા, આ દેડકાને કોણ ખોરાક પહોંચાડતું હશે? શિવાજી શરમાઈ ગયા. ગુરુની ક્ષમા માગી. તેમનો કર્તાભાવ ક્ષીણ થઈ ગયો.

 

પરમાત્માએ આપેલી શક્તિને કારણે જ મનુષ્ય બધું કરી શક્યો હોય તો એ શક્તિનો ઉપયોગ સર્જનહારે ઉત્પન્ન કરેલ પ્રાણીમાત્ર માટે કરવો જોઈએ કે આળસુ થઈ પડ્યું રહેવું જોઈએ? વળી જે ઉદ્યમી છે તેણે હું કરું છું એમ વિચારી સ્વાર્થ સિદ્ધ કરવો જોઈએ કે લોકહિતાર્થે કાંઈક કરવું જોઈએ, પરમાત્માનું જ બધું છે એમ સમજી વર્તવું જોઈએ કે પોતાનું છે એમ માનીને?

આ પ્રશ્નોના ઉત્તર સૌ કોઈ જાણે છે. જે મનુષ્ય અન્યની અવગણના કરી માત્ર પોતાનો સ્વાર્થ જ જુએ છે અને પોતાને જ સુખ-સગવડો મળે તેવું વર્તન કરતો રહે છે તેને બીજો મનુષ્ય કઈ રીતે ચાહી શકે ? હવે બીજો માણસ પણ તેને ચાહતો ન હોય તો તે ભગવાનનો પ્રિય કઈ રીતે થઈ શકે? વૈષ્ણવજન થવા માટે તો પરાયી પીડને બરાબર જાણવી જોઈએ અને પરદુ:ખભંજન થયા પછી મનમાં અભિમાન ન લાવવું જોઈએ. શ્રીકૃષ્ણે ભક્તનાં જે લક્ષણો ગણાવ્યાં છે તેનું જીવનમાં યથાતથ પાલન કરવું જોઈએ, પરમાત્માને કેન્દ્રમાં રાખી પ્રત્યેક કર્મ કરવું જોઈએ અને પરમાત્મા રાખે તેમ રાજીખુશીથી રહેવું જોઈએ.

જે આટલું કરે તેનો બેડો પાર થયા વિના રહે ખરો?

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.