૧૩ મી ઑગસ્ટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
ગીતાનું મધ્યવર્તી પાત્ર શ્રીકૃષ્ણનું છે. જેમ તમે નૅઝરેથના ઈશુને માનવસ્વરૂપમાં ઈશ્વર લેખો છો તેમ હિંદુઓ પણ ઈશ્વરના ઘણા અવતારોને પૂજે છે. તેઓ જગતની જરૂરિયાત પ્રમાણે ધર્મના રક્ષણ અને અધર્મના નાશ માટે જન્મ ધારણ કરનારા એકબે નહીં પણ અનેક અવતારોમાં માને છે. દરેક સંપ્રદાયમાં એક અવતારી પુરુષ છે અને શ્રીકૃષ્ણ પણ આવા એક અવતાર છે. ભારતમાં ઈશ્વરના બીજા કોઈ અવતારો કરતાં શ્રીકૃષ્ણના ભક્તોની સંખ્યા ઘણી મોટી છે. તેમના અનુયાયીઓ તેમને પૂર્ણાવતાર માને છે. શા માટે? તેઓ કહેશે : “બુદ્ધ અને બીજા અવતારોને જુઓ તેઓ માત્ર સાધુઓ હતા, અને ગૃહસ્થી જીવન જીવનાર પ્રત્યે તેમને સહાનુભૂતિ ન હતી. તેમને એવી સહાનુભૂતિ હોઈ પણ કેમ શકે? પણ શ્રીકૃષ્ણ તરફ જુઓ. પુત્ર તરીકે, રાજા તરીકે, પિતા તરીકે તેઓ મહાન હતા; તેમણે જે અદ્ભુત ઉપદેશ આપ્યો હતો, તે પોતાના જીવનમાં તેમણે જીવી બતાવ્યો હતો.” “જે વધારેમાં વધારે પ્રવૃત્તિમાં પણ મધુરમાં મધુર નિવૃત્તિની શાંતિ અનુભવે છે, અને મોટામાં મોટી નિવૃત્તિમાં પણ જે વધુમાં વધુ પ્રવૃત્તિમય હોય છે, તેણે જીવનનું રહસ્ય જાણ્યું છે.” આસક્તિરહિત બનવાથી આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય, તેવો માર્ગ શ્રીકૃષ્ણ બતાવે છે. કર્મો બધાં ભલે કરો, પણ તેમનામાં આસક્ત ન બનો. તમે આત્મા છો, શુદ્ધ છો, સર્વદા મુક્ત છો; તમે માત્ર સાક્ષી છો, આપણે કર્મ કર્યાથી દુ:ખી નથી થતા. પરંતુ કોઈ વસ્તુમાં આસક્ત થવાથી દુ:ખી થઈએ છીએ. ઉદાહરણ તરીકે ધનનો દાખલો લો. શ્રીકૃષ્ણ કહે છે કે લક્ષ્મી મેળવવી એ મોટી વસ્તુ છે; તે તમે મેળવો, તે મેળવવા માટે મહેનત પણ કરો, પણ તેમાં તમે આસક્ત ન બનો. એ જ પ્રમાણે સંતાન, સ્ત્રી, પતિ, સ્વજનો, કીર્તિ વગેરે બધી બાબતમાં સમજો, તેમનો ત્યાગ કરવાની જરૂર નથી; માત્ર તેમનામાં મમતા ન રાખો. આસક્તિ એક જ ઠેકાણે હોવી જોઈએ અને તે ઈશ્વરમાં, અન્ય કોઈ વસ્તુમાં હોવી ન જોઈએ. સંબંધીઓ માટે કામ કરો; તેમને ચાહો; તેમનું કલ્યાણ કરો; તેમના માટે જરૂર પડે તો સો સો જિંદગીઓની કુરબાની કરો; પરંતુ આસક્ત કદીય બનો નહીં. શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન આ ઉપદેશનું સુંદર ઉદાહરણ હતું….
કોઈ પણ દૃષ્ટિકોણથી જુઓ તોપણ તમને પ્રતીતિ થશે કે શ્રીકૃષ્ણનું ચરિત્ર સર્વાંગસંપૂર્ણ છે. એમ જ માનો કે જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ એ સર્વનું તેઓ પ્રત્યક્ષ રૂપ છે. શ્રીકૃષ્ણના આ રૂપની આજકાલ વિશેષ ચર્ચા થવી જોઈએ. આજે હવે વૃન્દાવનનાં બંસીધારી કૃષ્ણનું ધ્યાન કરવાથી કશું વળવાનું નથી. તેનાથી જીવનનો ઉદ્ધાર નહીં થાય. આજે જરૂર છે ગીતાના સિંહનાદકારી શ્રીકૃષ્ણની, ધનુર્ધારી શ્રી રામચંદ્રની, મહાવીર હનુમાનની અને મહાકાલીની પૂજાની. તેનાથી લોકો મહાઉદ્યમની સાથે કર્મરત બનશે અને શક્તિશાળી થશે. મેં સારી પેઠે વિચાર કરીને જોયું છે કે વર્તમાનકાળમાં જે લોકો ધર્મનું રટણ કરી રહ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો પાશવી દુર્બળતાથી ભરેલા છે, વિકૃત બુદ્ધિવાળા અથવા પાગલ છે. રજોગુણના પાલન વિના હવે તમને નહીં મળે આ લોક કે નહીં મળે પરલોક. આજે આ દેશ ઘોર તમોગુણથી ભરાઈ ગયો છે. અને તેનું પરિણામ પણ એવું જ આવી રહ્યું છે – આ જીવનમાં ગુલામી અને ત્યાર બાદ નરક.
[ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા (૧૯૮૮) પૃ.સં. ૧૩-૧૫]Your Content Goes Here




