(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)
ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વચ્ચે અભેદ સૂત્ર જોવા મળે છે. જો કે પારમાર્થિક સત્યની ગમ્યતા ઇન્દ્રિય-અગોચર છે, છતાં લૌકિક દૃષ્ટિએ એનું અછડતું વિવેચન કરીએ.
શિવ-સંભૂત સ્વામીજી
સ્વામી વિવેકાનંદનાં માતા ભુવનેશ્વરીદેવીનું પ્રથમ સંતાન એક પુત્ર અને બીજું સંતાન એક પુત્રી બાલ્યકાળમાં જ માતાને દુ:ખના દરિયામાં ડુબાડીને વિદાય થઈ ગયાં હતાં. ત્યાર બાદ ત્રણ દીકરીઓ જ જન્મેલી. એટલે પુત્રરત્ન પ્રાપ્ત કરવાની અતૃપ્ત લાલસાપૂર્તિ નિમિત્તે ભુવનેશ્વરીદેવી મન-પ્રાણ રેડીને દેવાધિદેવ મહાદેવનાં શ્રીચરણોમાં નિત્ય વ્યાકુળપણે પ્રાર્થના કરવા લાગ્યાં. બીજા ઉપાયના અવલંબનરૂપે દત્ત પરિવારનાં સગાં એક વૃદ્ધા કાશીમાં વાસ કરતાં હતાં તેમને ભુવનેશ્વરીદેવીએ પત્ર દ્વારા દરરોજ કાશીમાં આવેલ વીરેશ્વર શિવમંદિરે પૂજા, નૈવેદ્ય અને પ્રાર્થનાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તદનુસાર વૃદ્ધાએ પુત્રરત્નના જન્મનું વરદાન પ્રાપ્ત કરવા પૂજા-અર્ચનાનો આરંભ કર્યો. પૂજાથી પ્રસન્ન થયેલા મહાદેવ ભુવનેશ્વરીની મનોકામના પૂર્ણ કરવા તત્પર થયા. એક રાતે માતા પથારીમાં સૂતાં હતાં ત્યારે તેમણે સ્પષ્ટપણે જોયું કે જટાજૂટ સુશોભિત જ્યોતિર્મય, તુષારધવલ મહાદેવની મૂર્તિ તેમના સમક્ષ ઊભેલી છે. દેવાધિદેવે સમાધિમાંથી ઉત્થાન પામીને એક શિશુનો આકાર ધારણ કર્યો – જાણે કે ભુવનેશ્વરીનું પોતાનું જ સંતાન. આ દર્શનના થોડા મહિના બાદ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩, પોષ સંક્રાંતિ, સોમવારના પાવન દિને દત્તગૃહને હર્ષોજ્વલ કરીને શિવ-અંશથી અવતર્યા નવયુગના પથપ્રદર્શક વિશ્વવરેણ્ય સ્વામી વિવેકાનંદ. એમના જન્મના થોડા સમય પહેલાં શ્રીરામકૃષ્ણદેવે જોયું હતું કે એક પ્રકાશિત જ્યોતિ સમસ્ત દિશાઓને આલોકિત કરતી આકાશની ઉત્તર-પશ્ચિમ બાજુએથી આવીને કોલકાતાના ઉત્તર ભાગમાં આવેલા સિમલા મહોલ્લામાં ઊતરી છે.
પુત્ર મોટો થતાં નામકરણ સમયે અનેક વ્યક્તિએ અલગ અલગ નામ સૂચવ્યાં. પણ માતા ભુવનેશ્વરી બોલ્યાં, ‘નામ? એનું નામ વીરેશ્વર.’ ત્યારથી સૌ વીરેશ્વર અથવા ટૂંકમાં ‘બિલે’ કહીને સંબોધવા લાગ્યા. આ થયું ઘરનું નામ. બહારના સૌને માટે સુંદર ઓળખ-નામ પડ્યું, નરેન્દ્રનાથ.
શિવ-ભૂત સ્વામીજી
શિવ-અંશથી આવિર્ભૂત થયેલા નરેન્દ્રનાથને ત્રીજું વરસ બેઠું. એનાં તોફાનો અંગેની ફરિયાદો વધતી ગઈ, એનાં કારસ્તાન દિન-પ્રતિદિન વધતાં ગયાં. લલચાવવાથી, વઢવાથી, ધમકી આપવાથી, બીક દેખાડવાથી—કશાયથી કંઈ વળતું નહીં ત્યારે માતા એક રામબાણ અજમાવતાં. ગુસ્સે થઈને માતા બૂમો પાડતાં નરેન્દ્રનાથના માથા પર ઠંડું પાણી રેડતાં અને એના કાનમાં ધીરે ધીરે શિવનું નામ બોલીને કહેતાં, ‘કેટલાંયે માથાં પટકીને શિવજી પાસેથી એક દીકરો માગેલો, પણ એમણે મોકલી દીધું છે એક ભૂત.’ વળી નરેન્દ્રને ધમકીરૂપે કહેતાં, ‘જો તું આવાં તોફાનો કરીશ તો શિવજી તને કૈલાસમાં પ્રવેશવા નહીં દે.’
આ પ્રસંગ સૂચવે છે સ્વામીજીનો શિવ સાથેનો અતૂટ અનુબંધ.
શિવ-નામ અને સ્વામીજી
સ્વામીજીનું સમગ્ર અસ્તિત્વ શિવ-તત્ત્વથી ઘડાયું હતું. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગો ધર્મપરિષદમાંના સંક્ષિપ્ત છતાં, વિશ્વપ્રસિદ્ધ વક્તવ્યમાં તેમણે જે સંસ્કૃત-સ્તોત્રનો અંશ ટાંક્યો હતો, તે શિવમહિમ્ન સ્તોત્રનો સાતમો શ્લોક હતો. હિંદુશાસ્ત્રોમાં અનેક દેવ-દેવીઓનાં સ્તોત્ર-સ્તવન છે, તેમાંથી સ્વામીજીની પસંદગી સંસાર સમક્ષના સર્વોત્તમ વક્તવ્યમાં શિવ-સ્તવનના શ્લોક પર ઊતરી એ વિસ્મયજનક છે.
रुचिनां वैचित्र्यादृॠजुकुटिलनानापथजुषाम्।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥
‘હે ભગવાન, જેમ વિવિધ જળપ્રવાહનું લક્ષ્ય સમુદ્ર છે તેવી જ રીતે જેઓ પોતાના વ્યક્તિગત હિતો અનુસાર જુદા જુદા માર્ગો લે છે તે બધા મનુષ્યો માટે આપ જ લક્ષ્યસ્થાન છો.’
સ્વામીજીમાં શિવ-નામ સદાય ઘોળાયા કરતું હતું. સ્વામીજીનાં માનસપુત્રી ભગિની નિવેદિતા પોતાના પ્રથમ દર્શનનું વર્ણન કરતાં લખે છે, “… તેઓ વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર ‘શિવ’ ‘શિવ’ બોલતા હતા.” અર્થાત્ સ્વામીજીના મુખે સદાય ‘શિવ’રટણ રમ્યા કરતું હતું.
સ્વામીજીએ શબ્દબદ્ધ કરેલી રચનાઓમાં પણ શિવસત્તાનું બાહુલ્ય છે. શ્રીરામકૃષ્ણદેવની સંધ્યા-આરતીની રચનાના અંત્યપદમાં સ્વામીજી પોતાના ગુરુદેવને ઉદ્દેશીને લખે છે: ‘હર હર આરતિ તોમાર, શિવ શિવ આરતિ તોમાર’, આમ પોતાના ઇષ્ટ, ગુરુદેવમાં તેમને ‘શિવ’નાં જ દર્શન થાય છે.
સ્વામીજીએ સંસ્કૃત ભાષામાં પાંચ સ્તોત્ર-શ્લોકની રચના કરી છે, તેમાંનું બીજા ક્રમનું છે – ‘શિવસ્તોત્રમ્’. છ પદના આ સ્તોત્રમાં સ્વામીજી પોતાના શિવ પ્રત્યેના પ્રેમને દૃઢ તથા ઉજ્જ્વળ કરવા સ્તવન-વંદના કરે છે. ૧૮૮૭માં શિવરાત્રિ નિમિત્તે સ્વામીજીએ વરાહનગર મઠમાં બે રચનાઓ કરી હતી. પ્રથમ ‘આનંદમગ્ન શિવ’ નામનું ચાર પંક્તિનું ગીત અને બીજું ‘શિવતાંડવ’ નામનું ચાર પંક્તિનું અન્ય ગીતકાવ્ય.
વળી સ્વામીજીના ‘ઉદ્બોધન’ માસિકમાં પ્રકાશિત ‘સખાર પ્રતિ’ (મિત્રને) કાવ્યમાંની છેલ્લી પંક્તિઓ છે, ‘બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને, બીજે શોધો શાને? જીવ-પૂજનમાં છે શિવપૂજા.’ આ પંક્તિઓમાં સ્વામીજીના જીવનની અનુભૂતિ મુખ્ય શિવ-ભાવરૂપે અભિવ્યક્ત થઈ છે.
સ્વામીજીએ ચાર સંસ્કૃત રચનાઓ ભાષાંતરિત કરી હતી. તેમાંની પ્રથમ છે, ‘નિર્વાણષ્ટકમ્’. ચાર-ચાર પંક્તિના છ પદની આ રચનામાં પ્રત્યેક પદની અંતિમ પંક્તિ છે, ‘ચિદાનંદરૂપ: શિવોઽહમ્ શિવોઽહમ્’.
શિવ-ક્ષેત્ર-ભ્રમણ અને સ્વામીજી
સ્વામીજીમાં ઓતપ્રોત શિવભાવ તેમને ઝંપીને બેસવા દેતો ન હતો. તેમનાં ચરણોને તે ભાવ બળપૂર્વક શિવક્ષેત્રોનું ભ્રમણ કરવા દોરી જતો કે ધકેલી દેતો.
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ વરાહનગર મઠની સ્થાપના પછી સ્વામીજી તીર્થોનાં દર્શન કરવાનો સંકલ્પ કરીને સૌ પ્રથમ શિવક્ષેત્ર કાશીધામ ગયા હતા ત્યાં એક અઠવાડિયું રોકાઈને પાછા ફર્યા હતા. પુન: તીર્થદર્શન પર નીકળ્યા ત્યારે પણ તેઓ સૌ પ્રથમ કાશીધામ પહોંચ્યા. આમ, બંને વખત તેમના શ્રીચરણ શિવક્ષેત્ર પ્રતિ જ ખેંચાયા હતા. અહીંથી તેમને ઋષિમુનિઓની નિવાસભૂમિ, આધ્યાત્મિક સંપત્તિ અને દિવ્યભાવોથી પરિપૂર્ણ ગિરિરાજ હિમાલય જવાની પ્રબળ આકાંક્ષા જાગી. આ સ્થાન સાથે તેમને બાળપણથી જ એક પ્રકારનો આત્મીય સંબંધ હતો. હિમાલયનાં અલમોડા ઇત્યાદિ સ્થાનોમાં તેમણે આહ્લાદક કાળ વિતાવ્યો હતો.
અહીંના ભ્રમણકાળમાં તેઓ રાજપુરના બાવડી શિવમંદિર, હૃષીકેશના ચંડેશ્વર મહાદેવનાં દર્શન કરીને કૃતાર્થ થયા હતા. રાજસ્થાન-ભ્રમણકાળમાં તેઓ ટાહલાના નીલકંઠ મહાદેવના મંદિરમાં મૃત્યુંજય શિવ સમક્ષ ધ્યાનમગ્ન બની ગયા હતા. પશ્ચિમ ભારતના ભ્રમણ કાળે તેઓએ અહલ્યાબાઈ નિર્મિત સોમનાથ મંદિરનાં દર્શન કર્યાં હતાં. દક્ષિણ ભારતના ભ્રમણકાળે તેઓ રામેશ્વરધામ પધાર્યા હતા. અહીં દેવદર્શન તથા પૂજાપાઠ કરીને સ્વામીજીની ચિર અભિપ્સિત આકાંક્ષા પરિપૂર્ણ થઈ હતી.
સ્વામીજી નિવેદિતા સાથે અમરનાથનાં દર્શને ગયા હતા. અમરનાથની ગુફામાં પ્રવેશીને તેમણે ભક્તિથી વ્યાકુળ બનીને, બીજાની નજરે ચઢ્યા વગર જ કેટલીયે વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના ભાવાવેગને સંયમિત કરવા માટે જલદીથી ગુફાની બહાર નીકળી ગયા. એ સમયે એમનું મુખમંડળ રક્તવર્ણ થઈ ગયું હતું, એમનાં નેત્રો સમક્ષ જાણે શિવલોકનાં સમસ્ત દ્વાર ખુલ્લાં થઈ ગયાં હતાં—એમણે દેવાધિદેવનાં શ્રીચરણોનો સ્પર્શ કરી લીધો હતો. તેમણે પછીથી નિવેદિતાને કહ્યું હતું, “મેં ખૂબ આનંદથી દર્શન કર્યાં. મને લાગે છે કે હિમલિંગ સાક્ષાત્ શિવ જ છે… બીજા કોઈ પણ તીર્થસ્થાનમાં મને આટલો આનંદ નથી મળ્યો.” તેઓ આ દર્શન બાબતે પછીથી કહ્યા કરતા કે ચિત્તને વ્યાકુળ કરી દેનારું એ દર્શન, જાણે એવું લાગતું કે ચક્રવાતની જેમ મને કેન્દ્રમાં ખેંચી જશે. આ કેન્દ્ર એટલે શું? એ કેન્દ્ર એટલે સ્વામીજીનું ઉદ્ગમસ્થાન ‘શિવ’. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભગવાન અમરનાથે તેમને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું.
૧૯૦૨માં સ્વામીજી અંતિમ વખત કાશીધામ ગયા હતા. પછી તેઓ અન્યત્ર ક્યાંય ગયા ન હતા. આ હતું બેલુર મઠની બહારનું અંતિમ નિવાસસ્થાન. અહીંના વસવાટ દરમિયાન તેઓ વિશ્વનાથ મંદિરમાં ખાસ જતા. તેઓ કહેતા, ‘બનારસ તરફ તો મને ખાસ પક્ષપાત છે.’ અહીં એક વખત તેઓ કેદારનાથ ઘાટ પરના શિવમંદિરમાં ગયા ત્યારે મંદિરમાં પ્રવેશતાંવેંત સંપૂર્ણ સમાધિસ્થ, બાહ્યભાવરહિત, નિશ્ચલ અને નિસ્પંદ બનીને ઊભા રહી ગયા હતા. તેમને અર્ધ બાહ્યસ્થિતિમાં જ બહાર લઈ જવાયા.
શિવરાત્રીની ઉજવણી
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ સ્થાપિત વરાહનગર મઠમાં પહેલી શિવરાત્રી સૌ ગુરુભાઈઓએ વિલક્ષણ રીતે ઊજવી હતી. સ્વામીજીએ રચેલા શિવમહિમાના સ્તોત્રથી તેમણે દિવસનો પ્રારંભ કર્યો. અને શિવ-ભસ્મ ચોળીને સૌ ‘હર, હર! મહાદેવ!’ કે ‘શિવગુરુ! શિવગુરુ!’ની ધૂન મચાવવામાં લાગી ગયા. આ મઠમાં શરૂઆતમાં કાશી વિશ્વનાથના મંદિરમાં ‘જય શિવ ૐકારા! ભજ શિવ ૐકારા!’ આરતી નિત્ય ગવાતી હતી.
પ્રકીર્ણ
થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં ૫ જુલાઈ, ૧૮૯૫ના રોજ ઉચ્ચારાયેલું સ્વામીજીનું કથન અત્યંત નોંધનીય છે, “આપણે શિવ સ્વરૂપ છીએ.” માર્ગરેટ નોબલને ભગિની નિવેદિતારૂપે દીક્ષા આપતાં સ્વામીજીએ તેમને સૌ પ્રથમ શિવપૂજા શીખવી હતી.
અંતે શિવ-સાંનિધ્ય
બિલ્વવૃક્ષ અને બિલ્વપત્ર શિવને અત્યંત પ્રિય. શિવ-અંશથી જન્મેલ સ્વામીજીને પોતાની જીવનલીલા બિલ્વવૃક્ષ સમીપ સંકેલવાની આજીવન એષણા રહી હતી. આના સંદર્ભમાં સ્વામીજી દેહત્યાગના ત્રણ દિવસ પહેલાં બપોર પછીના સમયે બેલુર મઠના લીલાછમ મેદાનમાં ટહેલતા હતા ત્યારે તેમણે દક્ષિણ તરફના બિલ્વવૃક્ષની પાસેના ગંગાકિનારા પરની એક જગ્યાએ ઇશારો કરીને ગંભીરતાપૂર્વક કહ્યું હતું, “જ્યારે મારું શરીર જાય, ત્યારે અહીં અંતિમ સંસ્કાર કરજો.” આ શબ્દોનું સ્મરણ કરાવતા તે વખતના બિલ્વવૃક્ષના સ્થાને અત્યારે નવું બિલ્વવૃક્ષ ઊભું છે.
સ્વામીજી વિશે રચાયેલાં સ્તવન કે ભજનોમાં પણ રચયિતાઓએ સ્વામીજીના શિવભાવને અગ્રીમતા આપી છે. ‘વિવેકાનંદગીતિ સ્તોત્રમ્’નું પ્રથમ પદ છે, ‘મૂર્ત મહેશ્વરમ્’ અર્થાત્ આપ સાક્ષાત્ શિવ છો. ‘જય વીરેશ્વર વિવેક ભાસ્કર’ જેવાં અનેક ભજનોમાં પણ સ્વામીજીના શિવભાવનું નિરૂપણ જોવા મળે છે.
ચાલો, આપણે સૌ સ્વામીજીના દિવ્ય જીવન સંબંધિત શિવભાવોનું ચિંતન-મનન કરીને આપણામાં શિવત્વનું આરોપણ કરીએ.
Your Content Goes Here





