શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને ‘મહાપુરુષ’ કહીને બોલાવતા. માટે સંન્યાસીઓ અને ભક્તો વચ્ચે તેઓ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાય છે. તેમની સાથે થયેલા ધર્મપ્રસંગો બંગાળી ગ્રંથ ‘શિવાનંદ વાણી’માં સંગ્રહીત કરવામાં આવ્યા છે. તેનું ગુજરાતી રૂપાંતર ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. અહીં તેના થોડા અંશો રજૂ કરીએ છીએ.
બેલુર-મઠ-રવિવાર-૧૦મી જુલાઈ, ૧૯૨૭
આજે રવિવાર છે. શ્રી મહાપુરુષ મહારાજના ખંડમાં ભક્તોની ભીડ છે. બરીસાલથી આવેલાં ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત છે. એક વૃદ્ધ સજ્જને એમના પ્રતિનિધિ તરીકે કહ્યું : મહારાજ! અમને બધાને કંઈક ઉપદેશ આપો. અમે સંસારી લોકો છીએ. આશીર્વાદ આપો કે, જીવનમાં શાંતિ મળે.
શ્રી મહાપુરુષ મહારાજ વૃદ્ધ સજ્જનનો આગ્રહ જોઈને ખૂબ કરુણામય સ્વરે બોલ્યા, ઉપદેશ શો આપું, ભાઈ? અમારો તો એક જ ઉપદેશ છે કે, ભગવાનને ભૂલશો નહિ. આ જ મૂળ વાત છે. અમે બધા પણ આનો અમલ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ, બીજો કોઈ જિજ્ઞાસા કરે તો એ જ કહીએ કે, શ્રીભગવાનને ભૂલશો નહિ તમે સંસારમાં રહ્યા છો, એમાં ખોટું શું છે? સંસાર વગરનું કોણ છે? પરંતુ શ્રીભગવાનનું સતત ચિંતન કરો. સંસારનું સમસ્ત કાર્ય કરો. પરંતુ એમાં હૃદયપૂર્વક ભગવાનને પોકારો. સંસારનાં કામકાજ તો છે. એમને છોડવાનું તો હું કહેતો નથી. પરંતુ કામકાજની વચમાં સ્મરણ-મનન, એમની પાસે પ્રાર્થના, એમના નામજપ, આ બધું કરવું. વૈષ્ણવ ગ્રંથોમાં છે – ‘હાથે કામ અને મુખે હરિ નામ’, એ વાત સાચી અને સારી, બધાં કામ કરતાં કરતાં શ્રીભગવાનનાં ગુણગાન ગાવાં. જેવી રીતે દરેક કાર્યને માટે ચોક્કસ સમય હોય છે અને હેતુ પણ હોય છે. તેવી જ રીતે શ્રીભગવાનનું સ્મરણ કરવાનો પણ ચોક્કસ સમય રાખવો. એ સમયે હજારો કામ કરતાં કરતાં પણ શ્રીભગવાનનું સ્મરણ કરવું. જે કંઈ કરો તે ખરા હૃદયપૂર્વક કરો, તેઓ તો અંતર્યામી છે. તેઓ હૃદયનો ભાવ જુએ છે. આ અત્યંત ગૂઢ વાત છે. સંસારમાં થોડીક પણ શાંતિથી રહેવા માટે આ જ એકમાત્ર ઉપાય છે. એમાં ભૂલ થાય તો ગરબડ થવાનો સંભવ છે.
એક સ્ત્રીભક્ત :- મહારાજ, શા માટે અમે ભગવાનને ભૂલી જઈએ છીએ? કેમ અમારું મન એમના તરફ વળતું નથી?
શ્રી મહારાજ :- મા! શા માટે ભૂલીને રહો છો? એનું જ નામ માયા. માયાથી બદ્ધ છો, માટે જ એમને ભૂલી જાઓ છો. તેથી તમારું મન ભગવાનને ભૂલીને અનિત્ય વસ્તુમાં લિપ્ત થાય છે. જેવી રીતે વિષયો પ્રત્યે મોહ છે. તેવો જ શું ભગવાન પ્રત્યે પ્રેમ છે? આ સંસાર બે દિવસનો છે. તમારો દેહ, તમારા સગાંવહાલાં કે જેને હું અને મારાં સમજીને તેમની પાછળ પાછળ પાગલ થઈને ફરો છો એ બધું અનિત્ય છે, એ શું કહીને સમજાવવું પડશે? નજર સામે રોજ જુઓ છો કે આજે છે અને કાલે નથી, હમણાં છે, થોડી વાર પછી નથી. જન્મે છે અને મરે છે. હમણાં સુખ છે, બે દિવસ પછી દુ:ખ, તો પણ આ બધું લઈને જ, તેમાં જ રચ્યા પચ્યાં રહો છો.
સ્ત્રીભક્ત:- અમારો કેવી રીતે ઉદ્ધાર થશે? કેવી રીતે આ માયામાંથી મુક્ત થઇએ? આપ આશીર્વાદ આપો.
શ્રી મહાપુરુષ મહારાજ :- આ સંસાર અનિત્ય છે તેવું જ્ઞાન શ્રી ભગવાનની કૃપા સિવાય થઈ શકે નહિ. એકમાત્ર અનન્ય શરણાગતિ સિવાય આ માયાજાળ કાપવાનો બીજો કોઈ ઉપાય નથી. શ્રીભગવાન પોતે ગીતામાં કહે છે. –
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥ (ગીતા : ૭-૧૪)
‘આ દૈવી માયા જેણે જીવને મોહિત રાખ્યા છે તે ખરેખર જ દુસ્તર છે. માયાની જાળમાંથી બચવું ખરેખર જ અઘરું છે પરંતુ જેઓ મને અનન્ય ભાવથી ભજે છે તેઓ આ દૈવી માયાને પાર કરી શકે છે અને તેના બંધનમાંથી મુક્તિ મેળવે છે.’
અનન્ય ભાવથી શ્રીભગવાનને પોકાર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમે સંસારમાં રહ્યા છો, વિવિધ પ્રકારનાં કામકાજ હોય છે, તમને તો સાધન-ભજન કરવાનો સમય મળતો નથી. તમે એમના શરણાગત થઈને પડ્યા રહો, અને ક્રંદન કરો. આંસુ સારો અને પ્રાર્થના કરો – “પ્રભુ, દયા કરો, દયા કરો.” અશ્રુથી મનનો મેલ ધોવાઈ જશે. ત્યારે શ્રીભગવાન સહસ્ત્ર સૂર્યના તેજથી પ્રકાશિત થશે. ત્યારે અનુભવશો કે તેઓ હૃદયમાં જ વિરાજમાન છે. ખૂબ આક્રંદ કરવું અને વચમાં વચમાં સારાસારનો વિચાર કરવો. એકમાત્ર ભગવાન જ સત્ય છે અને સંસાર જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખ એ બધું અનિત્ય છે. આ પ્રમાણે વિચાર અને પ્રાર્થના કરતાં કરતાં શ્રીભગવાનની કૃપા થશે. સંસાર પ્રત્યે ઘૃણા જન્મશે અને મન શ્રીભગવાન તરફ વળશે.
સ્ત્રીભક્ત :- મહારાજ, આપ આશીર્વાદ આપો. આપની કૃપાથી જાણે કે આ સંસાર સાગર તરી જઈએ.
શ્રી મહાપુરુષ મહારાજ :- અમારું તો મા, આશીર્વાદ સિવાય બીજું કંઈ નથી. લોકો આ સંસારસાગર પાર કરે એ જ તો અમારી ખરા હૃદયની ઇચ્છા છે. અમે તો એ જ ઇચ્છીએ છીએ. હું ખરા હૃદયથી પ્રાર્થના કરું છું કે, તમને શ્રીભગવાન પ્રત્યે અનુરાગ થાય. વધારે શું કહું?
ભક્તવૃંદ સંતુષ્ટ હૃદયે શ્રી મહાપુરુષ મહારાજને ભક્તિપૂર્વક પ્રણામ કરી વિદાય થયું.
Your Content Goes Here





