૫મી સપ્ટેમ્બર શ્રી પર્યુષણ પર્વ પ્રસંગે
(હવે જૈનોનું પર્યૂષણ પર્વ શરૂ થશે. પર્યૂષણને ‘પર્વાધિરાજ’ કહેવાય છે. ‘પર્યૂષણા’ એટલે સમગ્રતામાં વાસ કરવો અને ધર્મનું ચિંતન કરવું. જેમ ઉપ-નિષદ્નો અર્થ આત્માની સમીપ બેસવું એવો થાય છે તેવી રીતે જૈન દર્શનમાં પર્યુષણ-પર્વમાં આત્માની સમીપે બેસવું એવો ભાવ છે. પર્યુષણ આઠ દિવસનું હોઈને એને ‘અઠ્ઠાઈ મહોત્સવ’ પણ કહે છે. આ પર્વમાં તપશ્ચર્યા અને ત્યાગ સમર્પણનું ઘણું મહત્ત્વ છે. વળી, તેમાં ક્ષમા, દાન અને દયાનો પણ એટલો જ મહિમા છે. ટૂંકમાં, આ દિવસો દરમિયાન ધર્મ આરાધના કરવી, સંયમ અને સાધના આચરવાં, વ્રત-પૂજા કરવાં અને શુભ સંકલ્પોને દૃઢ કરવા એવો ધર્મભાવ રહેલો છે. આ પર્વમાં પાપનો ક્ષય કરવો અને પુણ્યની ઉપલબ્ધિ કરવી તથા અંતિમ મોક્ષ પ્રાપ્ત કરવો એવો ઉપક્રમ રહેલો છે. આ પ્રસંગે અહીં જાણીતા લેખક ડૉ. યશવંત ત્રિવેદીનો આ લેખ રજૂ કરીએ છીએ.)
જૈન દર્શનનું મોટામાં મોટું યોગદાન છે એનો ધર્મભાવ અને સમ્યક્ત્વ; જ્ઞાત સત્યનું આચરણ તથા આચરિત સત્યનું જ્ઞાન. એ માને છે કે, વસ્તુમાત્રનો સ્વભાવ ધર્મ છે. આત્માની ઓળખ, આત્મજ્ઞાન અને આત્મલીલામયતા મનુષ્યને પૂર્ણ મુક્તિ અપાવે છે, સિદ્ધશિલાના મુક્ત લોકમાં લઈ જાય છે. દેશકાળથી પર, વસ્તુસ્વભાવની આધારશીલા પર, આત્માની સત્તા પર જૈન દર્શને ભાર મૂકીને સમાજના વર્ણો, ભેદો અને વિષમતાઓનો છેદ ઉડાડ્યો છે. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછીના પ્રથમ પ્રવચનમાં મહાવીર સ્વામીએ કહ્યું કે, સત્ય જ ભગવાન છે. આમ, સતની ખોજ પર જૈન દર્શન ઊભું છે. વાદવિવાદ છોડીને, ખંડદર્શન છોડીને સમગ્રતાનો અનુભવ કરવા ઉપર જૈન દર્શને ભાર મૂક્યો છે. એ અનેકાન્તવાદને લીધે જ શક્ય બને. ‘વસ્તુ’ને એની સમગ્રતામાં જોવી, ગ્રંથિઓ તોડવી; એટલે મહાવીર સ્વામીએ નિર્ગ્રંથ થવા પર ખૂબ ભાર આપ્યો છે. સત્યનો પૂર્ણ સ્વીકાર કરવો અને વસ્તુ સ્વરૂપનું સાચું દર્શન કરવું-આ બન્યું કે તરત જ મૈત્રીભાવ અને અહિંસા ભાવનો ઉદય થશે. ભગવાન મહાવીરે ‘અનારંભ’ પર એટલે કે કર્મત્યાગ પર ભાર મૂક્યો છે. કર્મ બંધન બાંધવું જ નહિ, પરિગ્રહ કરવો જ નહિ એટલે કે અનાસક્ત રહેવું. આવો મુનિધર્મ પાળે તે જ ‘સંબોધિ’ પામે – મુક્તિ પામે.
જૈન દર્શને નવ તત્ત્વો, કષાયમુક્તિ, કર્મસિદ્ધાંત, પાંચ મહાવ્રતો, બાર ભાવના અને મુનિધર્મ વિશે ખૂબ ઊંડાણથી મીમાંસા કરી છે. તીર્થંકરો અને આચાર્યોએ આ જૈન દર્શનને આકાર આપવા સતત ચિંતન કર્યું છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર હતા. ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમ, સુધર્મા સ્વામી, આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ, આચાર્ય સિદ્ધસેન દીવાકરસૂરિ મલ્લવાદી, આચાર્ય શ્રી કુન્દકુન્દ, હેમચંદ્રાચાર્યજી, માનતુંગાચાર્યજી, આનંદઘનજી, યશોવિજયજી સુધીની આચાર્યોની ઉજ્જવલ પરંપરા રહી છે. ઉપરાંત, મુનિશ્રીઓએ અને અન્ય વિદ્વાન ચિંતકોએ શ્રીમદ્ રાજચંદ્ર, શ.પં. મુનિશ્રી રત્નચંદ્રજી, શ્રી વીરચંદ ગાંધી, વા. મો. શાહ, મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી, મુનિશ્રી ન્યાયવિજયજી, પંડિત બેચરદાસજી, આચાર્યશ્રી તુલસીજી, આચાર્યશ્રી રજનીશજી, યુવાચાર્ય મહાયજ્ઞજી, ગુરુદેવશ્રી ચિત્રભાનુજી, જસ્ટિસ તુકોલ, ડૉ. દલસુખભાઈ માલવણિયા, ગોએન્કાજી, બંધુ ત્રિપુટીના ગુરુ મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી, ચીમનલાલ ચકુભાઈ શાહ, વગેરેએ જૈન દર્શનમાં વૈજ્ઞાનિકતા, આધુનિકતા, શાસ્ત્રીયતા અને માનવીય સંદર્ભ રચ્યો છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવે જૈન ધર્મ પ્રવર્તાવ્યો અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરે જૈન ધર્મને પણ પુન: સુગ્રથિત કરીને પ્રતિષ્ઠિત કર્યો.
ભગવાન મહાવીરનું ધર્મ દર્શન સાર્વજનીન છે. એમની વાણી સ્થળ – કાળથી પર શાશ્વતી, પ્રકાશમય અને પ્રેમપૂર્ણ છે. એમનો જન્મ ઈ.સ. પૂ. ૫૯૯ના ચૈત્ર માસમાં સુદ તેરસને દિવસે બિહાર રાજ્યના વૈશાલીના પર કુન્દગ્રામમાં થયો હતો. પિતાનું નામ સિદ્ધાર્થ હતું. માતાનું નામ ત્રિશલા. મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન. પણ તે હાથીને કાબૂમાં રાખી શક્તા અને સર્પને પકડી શક્તા એટલે પરાક્રમી હોવાને લીધે તેમનું નામ મહાવીર પડ્યું. પત્નીનું નામ રાજકુંવરી યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શના. ભગવાન બુદ્ધની માફક એમણે ગૃહત્યાગ – મહાભિનિષ્ક્રમણ – કર્યો ૩૦ મે વર્ષે. બાર વર્ષ પછી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે પછી ૩૦ વર્ષ ધર્મોપદેશ કર્યો. ઈ. પૂ. પ૨૭માં પાવાપુરી મુકામે અશ્વિન માસની અમાસે તેઓ નિર્વાણ પામ્યા.
ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર અને ઈશુ ખ્રિસ્ત, વગેરેનું જીવન લોકોત્તર છે, એ એમના જન્મ અને ધર્મોપદેશ દ્વારા સમજાય છે.
ભગવાન મહાવીરની દિવ્ય વાણી સૂત્રોરૂપી રત્નમાળામાં સુગ્રથિત છે. કોઈકે ૨૫ સૂત્રોમાં તો કોઈકે ૩૮ સૂત્રોમાં વિભાગવાર તેનું ગ્રંથન કર્યું છે. મંગલસૂત્રથી પ્રારંભ કરીને ક્ષામણાસૂત્ર સુધી કે ક્રાન્તવાણી સુધીના વિભાગોમાં તેની ગોઠવણી કરી છે. મહાવીર સ્વામીએ ધર્મજીવન વિષે સમગ્રતામાં આલેખ્યું છે. મંગલસૂત્ર, ધર્મસૂત્ર, અહિંસાસૂત્ર, સત્યસૂત્ર, અપરિગ્રહસૂત્ર, કષાયસૂત્ર, મોક્ષ માર્ગસૂત્ર જેવાં ૨૮ સૂત્રોમાં એમની વાણી વિસ્તરે છે. એમણે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની -રત્નત્રયીની અદ્ભુત વિચારણા આપી છે. સદ્ભાવ, સદ્-વિચાર અને સદાચાર પર એમણે ભાર મૂક્યો છે. ગ્રંથ એટલે શરીર; જ્ઞાન એટલે આત્મા. મહાવીર સ્વામીએ દિવ્ય ધ્વનિ અને તેના સ્વરૂપ વિશે ઊંડું ચિંતન કર્યું છે. આત્મા અને શબ્દને અનાવૃત્ત કરીને એમણે જોયા છે. એટલે તમામ આવરણો હટી ગયા પછીની એક અનાવરણની Unhiddennessની, Opennessની પ્રાજલ વાણી એમને ફૂટે છે. ગ્રીકોએ આવી વ્યવસ્થા માટે એલેથીઆ alethia શબ્દપ્રયોગ કર્યો છે. આવી ભાષાને Phaimomenon – પ્રકટ ભાષા – કહેવાય. ભગવાન મહાવીરે માનવજાતિને હૃદયમાં સ્થાપી હતી. એટલે એમણે ત્યારની લોકભાષા – અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો છે. જેવી રીતે વ્યાસજી બોલે અને ગણપતિ લખે એમ શ્રી મહાવીર બોલતા ગયા અને શ્રી ગૌતમ ગણધર લખતા રહ્યા. તૈત્તિરીય ઉપનિષદે ‘લોકમ્ ઇતિ આત્માનમ્ ઉપાસિત’ કહ્યું છે. એટલે કે લોકસમુદાયની પોતાના આત્માની જેમ ઉપાસના કરવી. મહાવીર સ્વામીએ પોતાની આત્મ-ઉન્નતિ સાધીને કૈવલ્યપદ પ્રાપ્ત કર્યું. તે રીતે લોકસમુદાયને હૃદયસ્થ કરીને એમણે મહાન ધર્મ-તીર્થંકરનું પદ પણ પ્રાપ્ત કર્યું. એમની વાણી અર્ધમાગધીની સ્તરાભિમુખતાથી માંડીને દ્વિત્વવર્ણ-બાહુલ્ય લગીની સર્વ છટાને કાવ્યમય રીતે ઝીલે છે. એમની વાણી સત્ય-શિવ-સુંદરની-સુષ્માની વાણી છે. તેમની વાણીની મુખ્ય છટાઓ સૂત્રાત્મક સૈદ્ધાંતિક અને કાવ્યપૂર્ણ છે. એમની સન્મુખે બેઠેલા લોકોને ધર્મદેશના કરતા હોવાથી એમની શૈલી પ્રવચન શૈલી છે. એમણે ગાથા આર્યા છંદમાં લખાવ્યું છે. પોતે ધર્મના સરોવરમાં નિમજ્જન કરેલા હોવાથી એમની વાણીમાં ઉપશમનો શાંતરસ સેલારા મારે છે. રૂપક, ઉપમા, દૃષ્ટાંત, વગેરે અલંકારોની સમૃદ્ધિ એમની ભાષામાં વરતાય છે. ચિત્રણા, દૃશ્યાત્મક્તા તથા કથનશૈલીની નાનાવિધતા ધ્યાન ખેંચે છે. હૃદયસ્પર્શિતા અને માર્મિકતા સહજપણે એમની વાણીમાંથી પ્રગટ થાય છે. બાઈબલનું અનવદ્ય ગદ્ય જુઓ-ઈશુની પ્રકાશપૂર્ણ ભાષા જુઓ! બુદ્ધની કરુણામયી વાણી જુઓ. સોક્રેટીસની વ્યવહારુ અને પ્રજ્ઞાપૂર્ણ સંવાદની ભાષાના કાકુઓ જુઓ! સહજાનંદ સ્વામીનાં વચનામૃતોની અમૃતા ભાષા જુઓ! ગાંધીજીની, આબે પિયરે કહી છે તેવી, બાઈબલ જેવી વાણી જુઓ! આંદ્રે જિદ લખે છે કે, બાઈબલની ચોપડી પકડું છું તો એ દૈવી પ્રકાશમાં ઝળહળે છે. ઈશુ ખ્રિસ્તનો શબ્દ પ્રકાશપૂર્ણ અને દૈવી છે. કારણ કે એ પાણી અને સૂર્યના જેવી સત્યપૂર્ણ શૈલીની ખોજ કરી બેઠો છે! આવી જ ઉત્ક્રાંત અને પ્રકાશપૂર્ણ વાણી મહાવીર સ્વામીની છે. શું ગદ્યમાં કે શું પદ્યમાં! આ ધર્મપુરુષોએ આત્માને અને શબ્દને જે જ્યોતિર્મયતા બક્ષી છે તે અપૂર્વ અને અનવદ્ય છે.
મહાવીર સ્વામીએ ચાર્વાકની લૌકિક ભોગ-આનંદની વૃત્તિનો વિરોધ કર્યો. એમણે જોયું કે, ઐહિક સુખ પાછળ માણસ ફાંફાં મારશે તો એ શાશ્વત આનંદને નહીં પામે. મુક્તિને નહીં પામે. સુખભોગ પાછળ લાગે છે એ પ્રમાદી થાય છે એટલે એમણે કહ્યું કે, ‘મા પમાય એ – પ્રમાદ ન કરો.’ એમણે ઈન્દ્રભૂતિ ગૌતમને ઉપદેશ કર્યો છે તેમાં સમયની વિભાવના અને સભાનતા સુપેરે પ્રગટ થાય છે. એમણે કહ્યું છે કે, ધર્મ જ માણસને ઉગારે છે. મુમુક્ષુએ ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવું જોઈએ. રત્નત્રયનો આદર કરવો જોઈએ. જે જાણે છે તે આત્મા છે. આત્મા અરૂપી સત્તા છે. આત્મા જ્ઞાન પ્રમાણ, દર્શન યુક્ત અતીન્દ્રિય, મહાતત્ત્વ, ધ્રુવ, અચલ, અનાલમ્બ અને શુદ્ધ છે એમ મહાવીર સ્વામી માને છે. પરદ્રવ્યમાં રાગ રાખવાથી માણસ દુર્ગતિ પામે છે. આત્માના દુર્ગુણો સાથે જ યુદ્ધ કરવાનું એમણે કહ્યું : ‘आत्म जयः परम जय’ અને ‘अत्ताहि अतनोनाथ’ – એટલે કે માણસ પોતે જ પોતાનો જ નાથ છે. જે માણસ આત્માને ઓળખે છે તેનો વિજય થાય છે. જે જાગૃત આત્મા છે એ જ ધર્મભાવ તરફ વળે છે. ધર્મ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ ટકાવે છે. એટલે પ્રથમ ‘મંગલસૂત્ર’માં મહાવીર સ્વામીએ એમને નમસ્કાર કરવાનું કહ્યું છે. કેવલીઓએ નિરૂપેલા ધર્મનું શરણ સ્વીકારવાનું મહાવીર સ્વામી કહે છે. બુદ્ધે જે રીતે ‘ધમ્મં શરણં ગચ્છામિ’ કહ્યું હતું તેમ, ‘મંગલ-સૂત્ર’ પછી તરત જ મૂક્યું છે “ધર્મ-સૂત્ર’. કહ્યું છે કે, ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ-આ સર્વ ધર્મ છે. જેમનું મન સર્વદા ધર્મમાં રમમાણ છે, તેમને દેવો પણ નમસ્કાર કરે છે. આગળ કહ્યું છે કે, પંડિતોએ અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ – એ પાંચ મહાવ્રતોનું પાલન કરવું. માણસ મૃત્યુ સમીપે હોય છે ત્યારે માત્ર ધર્મ જ એને ખપ આવે છે. એટલે રાત વીતી જાય છે તે પહેલાં મનુષ્યે ધર્મભાવમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ.
ઘોર હિંસાના સમયે બુદ્ધ – મહાવીર પ્રગટ થયા હતા. તેમણે ભારતના ભાવગદ્દ આત્માને ફરી શુદ્ધ કર્યો. ‘ધમ્મો મંગલ મુક્કિ-અહિંસા સંજમોતવો’ના સૂત્ર માથે મહાવીર સ્વામીએ અહિંસાને ધર્મમાં પ્રથમ સ્થાન આપ્યું. ત્યારનો યુગધર્મ જ એ હતો કે, અહિંસાને પાંચ વ્રતોમાં પ્રથમ સ્થાને મૂકવાનું અનિવાર્ય હતું. વિશાળ સમભાવ કેળવવાનું ખૂબ જરૂરી હતું. કારણ કે તો જ આ ઘોર હિંસામાંથી પાછા વળવાનું શક્ય હતું. ગિદરડાને-ઘેટાના બચ્ચાને ખભે નાખીને ભગવાન બુદ્ધે રાજા બિંબિસારને મર્મપૂર્ણ રીતે કહેવાનો સમય પાકી ગયો હતો કે, બિંબિસાર! આ નિર્દોષ ઘેટાને મારવાથી, તેમને યજ્ઞમાં ધરવાથી શું તને પુણ્ય મળશે? બુદ્ધ-મહાવીરે એક મોટી આધ્યાત્મિક ક્રાન્તિ કરવાની હતી. નિયતિએ પણ એવો જ ક્રમ ગોઠવ્યો હતો કે, આ જબ્બર ધર્મપ્રવર્તન શક્ય બન્યું. તત્ત્વજ્ઞાન અને ધર્મના ઈતિહાસમાં અહિંસા-વિષયક આ ક્રાન્તિનું પ્રકરણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
મહાવીર સ્વામીએ અહિંસા-સૂત્રોમાં ઊંડી અને મર્મપૂર્ણ મીમાંસા કરી છે. નાનામોટા તમામ જીવો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિઓમાં તેમણે તેજસ્વી અહિંસા જોઈ. એમણે ત્રસ અને સ્થાવર પ્રાણીઓની ષડજીવનીકાયની, છએ પ્રકારના જીવોની અર્થપૂર્ણ મીમાંસા કરી છે. એમણે કહ્યું કે, ત્રસ કે સ્થાવર કોઈ પણ પ્રાણીની હત્યા ન કરો, તેમ અન્ય દ્વારા પણ તેની હત્યા ન કરાવો. એમણે જીવનના મૂળમાં જઈને જોયું કે માણસ પરિગ્રહવૃત્તિ રાખે છે – માલિકીભાવ રાખે છે એના મૂળમાં હિંસા રહેલી છે. પરિગ્રહ કરનારાઓ પ્રાણીના પ્રાણોને હણે છે કે બીજા પાસે હણાવે છે. દરેક જીવને જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે. ‘सव्वे जीवा पि इच्छन्ति; जीविउंन मरिजिउं.! આ પરમ સત્ય છે એટલે નિગ્રંથોએ પ્રાણીવધનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. એમણે જોયું કે, દુ:ખો હિંસામાંથી જન્મે છે. પૂર્ણ હિંસા, દેશ-હિંસા, અર્થહિંસા, અનર્થ હિંસા, આરંભની હિંસા, વિરોધની હિંસા, સંકલ્પની હિંસા-આવી કોઇ પણ પ્રકારની હિંસામાં દુ:ખનું મૂળ છે. એટલે કોઇ પણ પ્રકારની હિંસાનો નિર્ગ્રંથે ત્યાગ કરવો. અનારંભ અને અપરિગ્રહ વગર માણસ પૂર્ણ મુક્ત નહિ થાય. એટલે એમણે ‘છંદાવણીયા અજઝવવણણા’ની ઊંડાણથી વાત કરી છે. ઇચ્છાને લીધે માણસ આસક્ત થાય છે. આસક્તિમાંથી વસ્તુનો – કર્મનો આરંભ થાય છે. આરંભનું આ ચક્ર ચાલુ થયું કે તેમાંથી પતન અને તેમાંથી રક્તપાત શરૂ થાય છે. એટલે એમણે પરિજ્ઞાતકમાં થવાનું – કર્મમાંથી નિવૃત્ત થવાનું રહ્યું. આત્માના પરિશુદ્ધ સ્વરૂપને ઓળખવા અનારંભથી અપરિગ્રહ સુધીનું સ્વીકાર્યે જ છૂટકો છે. વૈશ્વિક સ્વભાવ કેળવ્યા સિવાય છૂટકો જ નથી. આત્મૌપમ્ય વગર માર્ગ જ નથી. અર્થ અને કામ અંતે નહિ ઉગારે; ધર્મ અને મોક્ષ જ ઉગારશે. જાતીય વૃત્તિનાં મધુર લાગતાં ઝેરી ફળો વિષે અને ચંદ્ર સુધી સોનામહોરનો ઢગલો કરો તો પણ એ કામ નહીં લાગે, એ વિશે એમણે દૃષ્ટાંતો સાથે વાતો કરી છે. એમનું લક્ષ ધર્મ અને મોક્ષ પર જ છે. ‘સ્થાવિર ધર્મમોક્ષ’ – કહીને કામસૂત્ર લખનાર વાત્સ્યાયને પણ કામ અને અર્થથી ધર્મ અને મોક્ષ સર્વોપરી કહ્યા છે. ભગવાન બુદ્ધે, ભગવાન મહાવીરે, ખ્રિસ્તે અને ગાંધીજીએ ધર્મધાતુમાંથી ઘડાયેલી તેજસ્વી અહિંસાને લીધે મહાન આધ્યાત્મિક ક્રાન્તિ કરી છે.
મહાવીર સ્વામીએ ‘સત્ય-સૂત્ર’માં ભાષા અને સત્ય વિશે સંપ્રજ્ઞતાથી મીમાંસા કરી છે. એમણે કહ્યું છે કે, આત્માર્થી માણસે પોતે જાતે જોયેલી વાત પણ પરિમિત શબ્દોમાં, સર્વ પ્રકારે સ્પષ્ટતાવાળી, બડબડાટ વિનાની અને કલેશ ન કરાવે તેવી ભાષામાં બોલવી. પોતાની સૂઝથી સમજીને અથવા સાધુ સંતો પાસેથી સાંભળીને પ્રજાનું કલ્યાણ કરે એવી ધર્મમય ભાષા જ બોલવી, સત્ય પોતે જ પરમાત્મા છે. જે સત્યરૂપ થઈ જાય છે તે ભગવાન સ્વરૂપ સ્વયં બની જાય છે.
આવો સત્યરૂપ બનેલો મનુષ્ય મોક્ષની જિજ્ઞાસાવાળો રહે છે. જિનશાસનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-આ ચારેયના સમાયોગને મોક્ષ કહ્યો છે. કામભોગમાં કર્મોના ઉપલેપ એ જ બંધન છે. ‘આતુરા પરિતાવેંતિ’. તૃષ્ણા અને દુ:ખ પીડા તરફ મનુષ્યને દોરે છે. સમાધિ, સ્વાધ્યાય, તપ, ધ્યાન અને નિષ્પત્તિ દ્વારા મનુષ્ય દુ:ખ અને તૃષ્ણાથી મુક્ત થાય છે. ‘કામસૂત્ર’માં એમણે કહ્યું છે કે, વાસનાઓ ઝેર જેવી છે. ભયંકર સર્પ જેવી છે. જે મનુષ્ય કામભોગને ઝંખ્યા કરે છે તે દુર્ગતિ પામે છે. આ કામ ભોગો આત્માના પૂર્ણ સ્વાતંત્ર્યના શત્રુઓ છે. કિંપાકનાં ફળો ઈન્દ્રવર્ણનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. પણ એ ખાવાથી મૃત્યુ નીપજે છે. કામભોગથી પણ આ જ પરિણામ આવે છે. જીવનને અધ્રુવ સમજીને અને પૂર્ણ સ્વાતંત્ર્યના માર્ગને બરાબર સમજીને તથા આયુષ્ય સાવ પરિમિત છે એ ધ્યાનમાં રાખીને મનુષ્યે કામભોગથી અટકવું જોઈએ. મહાવ્રતોને આચરનારા સાધુજનો આ કામભોગના અને વાસનાના સમુદ્રને તરી જાય છે. જૈન દર્શને કર્મસિદ્ધાંત વિષે ઊંડી મીમાંસા કરી છે. આઠ પ્રકારનાં કર્મોનું તેણે ઝીણવટથી પૃથક્કરણ કર્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ અષ્ટ કર્મો છે. શુભ કર્મો પુણ્યનું ઉપાર્જન કરી આપે છે. જ્યારે અશુભ કર્મોથી પાપ બંધાય છે. કેટલાંક ચીકણાં કર્મો ભોગવ્યા વિના મનુષ્યનો આરો નથી. કર્મ બાંધતી વખતે માણસ સ્વતંત્ર છે પરંતુ તેનું પરિણામ ભોગવતી વખતે આત્મા પરાધીન બને છે. કર્મના પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ બંધાઈ જાય છે, તેમાંથી બંધ થાય છે. એટલે જૈન દર્શને આસ્રવનો નિરોધ કરવાનું કહ્યું છે. જે નિમિત્તથી કર્મ બંધાય છે, તે નિમિત્તને રોકવું અત્યંત જરૂરી છે એટલે પૂર્વ સમયમાં બંધાયેલ કર્મોનો ક્ષય કરવામાં આવે તો જ આત્મા મોક્ષ તરફ ગતિ કરે. આવી કર્મક્ષયની પ્રક્રિયાને નિર્જરા કહેવાય છે. બધાં જ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે તેને મોક્ષની અવસ્થા કહેવાય છે. સર્વ કર્મોમાંથી મુક્ત થયેલો જીવાત્મા શુદ્ધ આત્મસ્વરૂપ બને છે અને મુક્તિ પામે છે. ‘મોક્ષમાર્ગ-સૂત્ર’માં મહાવીર સ્વામીએ સાધકની અવસ્થાઓનું વર્ણન કર્યું છે, જેથી તેને પાપકર્મનું બંધન ન પડે. સાધનામાં પ્રથમ સ્થાન જ્ઞાનનું અને ધ્યાનનું છે. શ્રેય અને અશ્રેયને સાધકોએ ઝીણવટથી જાણવાનું છે. સાધકે જીવ અને અજીવને તથા વસ્તુમાત્રની સમગ્રતાને જાણવાનું છે. પુણ્ય અને પાપનું તથા બંધન અને મોક્ષનું સ્વરૂપ જાણનાર સાધકને માનવી-ભોગો તરફ અરુચિ થાય છે. સંસાર સાથેનો આપોઆપ છૂટી જાય છે. સાધક સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને પ્રાપ્ત કરે છે ત્યારે તે જિન થાય છે, એટલે કે રાગદ્વેષ ઉપર પૂર્ણ વિજય મેળવે છે. તે કેવળ આત્મામય થાય છે. લોક તથા અલોકના સ્વરૂપને જાણી શકે છે. આવો સાધક સિદ્ધ થઈને પૂર્ણ મુક્તિ પામે છે અને સિદ્ધશિલા ઉપર વાસ કરે છે.
જૈન દર્શનમાં ક્ષમાપનાનું ભારે મહત્ત્વ છે. ‘ક્ષામણા સૂત્ર’માં મહાવીર સ્વામીએ ક્ષમાભાવ અંગે અર્થપૂર્ણ વિચારણા આપી છે. ધર્મ પ્રવૃત્તિમાં અંત:કરણપૂર્વક સુસ્થિર થયેલો એવો હું, તમામ જીવો પાસે મેં કરેલા અપરાધોની ક્ષમા માગું છું. મસ્તક પર હાથ જોડીને નમ્રતાપૂર્વક સમગ્ર શ્રમણ સંઘ પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. હું ક્ષમા માગું છું અને સર્વ જીવો મને પણ તેમના પ્રત્યેના મારા અપરાધોની ક્ષમા આપો! તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ રહો! એમણે કહ્યું કે, ‘મિથ્યા મે દુષ્કૃતમ્’ કે મારાં તમામ દુષ્કૃત્યો વ્યર્થ થાઓ. મન વડે, કર્મ વડે અને વાચા વડે જે કોઈ અપરાધ થયો હોય તેને, હે કરુણાસાગર, ક્ષમા કરો!
ભગવાન મહાવીરની વાણી એ ક્રાંતદ્રષ્ટાની વાણી છે. એમણે ઉત્તમ સમાજ રચવા સંઘભાવના આપી. ઊંચા કે નીચા કોઈ પણ કુટુંબમાં જન્મ લેનાર માટે એમણે રિક્તભાવ દર્શાવ્યો છે. એમણે કહ્યું છે કે, આ જીવ અનેક વાર ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો છે તો અનેક વાર નીચ ગોત્રમાં જનમ્યો છે. એનાથી કોઈ મોટું કે નાનું થયું નથી. જીવ સદા સર્વદા અગણિત પ્રદેશોનો નિવાસી રહ્યો છે અને તેનું અનેક ભવોનું ભ્રમણ છૂટ્યું નથી. માટે ઉચ્ચ ગોત્રની સ્પૃહા ન રાખો. ઘણી વાર ઉચ્ચ કુટુંબમાં જન્મેલો નીચ ભાવને પામે છે અને નીચ કુટુંબમાં જન્મેલો ઉચ્ચ ભાવને પામે છે. ઊલટાનું, ઊંચા કુળનું અભિમાન અનેક ભવોમાં નીચું ગોત્ર પ્રાપ્ત કરાવે છે. એમણે અંતિમતાએ કહી દીધું કે, જાતિ જન્મની કોઈ વિશેષતા નથી. જે કંઈ વિશેષતા છે તે ત૫ અને ધર્મભાવની છે. આમ, એમણે એક ધર્મમય સમાજવાદની ઈમારત બાંધી છે.
આજના વર્તમાન સમાજમાં મહાવીર સ્વામીના દર્શનનું ખૂબ મહત્વ છે. એમના અહિંસા અને પ્રેમના સિદ્ધાંતો દ્વારા આપણે નિ:શસ્ત્રીકરણ કરીને પૂર્ણ વિશ્વશાંતિ સ્થાપી શકીએ છીએ. એમના દર્શનમાં વિશાળ સમન્વય છે એટલે તેમની વિચારસરણીમાં “haves” અને “have nots”નો સંઘર્ષ નથી. જાતિ, વર્ણ, રંગ, લિંગ આદિ કોઈ ભેદને તેઓ સ્વીકારતા નથી. શોષણ વગરનો અને હિંસા વગરનો એક પ્રેમાળ સમાજ બાંધવા તેમણે ધર્મોપદેશ આપ્યો છે.
પરિગ્રહના વિસર્જનના વિચારમાં એક પ્રેમપૂર્ણ સમાજવાદની દિશા તેમણે દર્શાવી છે. અને કાન્તનું દર્શન આપીને તેમણે વિભિન્ન મતનો સ્વીકાર કરવાનું સમજાવ્યું છે. ધાર્મિક, રાજનૈતિક અને સામાજિક સ્તરે દરેકના મતનું તેમણે સામંજસ્ય સ્થાપ્યું છે. સર્વના મતનું મહત્ત્વ સ્વીકાર્યું છે. આ વિચારણાને લીધે સરમુખત્યારશાહીને બદલે જાગરણપૂર્વકની સંઘભાવના વિકસી. આ રીતે એમણે ઘડતરનું અપ્રતીમ કાર્ય કર્યું છે. તો બીજી બાજુથી વૈયક્તિક ચેતનાના સ્તરે, ધર્મભાવનાના કેન્દ્ર પર ઊભા રહીને મનુષ્ય ‘સંબોધિ’ પ્રાપ્ત કરી શકે છે, એ અમૃતમય સત્ય તેમણે આપ્યું છે. એમણે કહ્યું છે કે, અકલુષિત અને આત્માની પ્રસન્ન લેશ્યાવાળો ધર્મ મારું હૃદ – જલાશય છે. આમ, ચિત્તને ધર્મલેશ્યામાં કેન્દ્રસ્થ કરવાનું કહીને એમણે માનવ જાતિને પૂર્ણ મુક્તિની દિશા ઉઘાડી આપી છે. એમની સત્યપૂત, પ્રેમમય અને પ્રકાશપૂર્ણ વાણીના અમૃત વડે હજી આજેય આપણે નવો પ્રેમળ વિશ્વ સમાજ બાંધી શકીએ એમ છીએ.
Your Content Goes Here




