ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક અસત્યનો આશરો પણ લેતો. ભગવાન બુદ્ધનો પુત્ર હતો એટલે બીજા ભિખ્ખુઓ એની નાની નાની ભૂલોને માફ કરી દેતા હતા. પરંતુ બુદ્ધને પોતાના પુત્રના દોષો ખ્યાલમાં આવતાં એમણે રાહુલને આમ્રયષ્ટિકા નામના ગામના એક વિહારમાં તત્કાલ મોકલી આપ્યો. થોડા દિવસ પછી તથાગત પણ આ વિહારની મુલાકાતે આવ્યા. રાહુલ તો પિતાને જોઈને ખુશખુશાલ હતો. ભગવાન બુદ્ધે રાહુલને એક તાંબાના કળશામાં પાણી લાવીને તેમના પગ ધોવા કહ્યું. રાહુલે બુદ્ધે કહ્યું તે પ્રમાણે જ કર્યું. પગ ધોયા પછી તથાગતે રાહુલને પૂછ્યું, ‘હવે આ પાણી પી શકાય ખરું?’ રાહુલે જવાબ આપ્યો, ‘ના તથાગત, આ પાણી ન પી શકાય. હવે એ ગંદુ છે.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘તું તારા આ શબ્દો પર વિચાર કર, રાહુલ. તું ગૌતમનો પુત્ર છે અને તેં તારી મેળે જ સંસારત્યાગ કર્યો છે અને સંન્યાસી બન્યો છે. પણ, હજી સુધી તું તારી વાણી પર (જીભ પર) સંયમ લાવી શક્યો નથી. એટલે જ તું આ પાણીની જેમ તારા મનને અવળે માર્ગે લઈ જાય છે, બગાડે છે.’ રાહુલની આંખ ઊઘડી ગઈ. એણે વાસણ લીધું અને ગંદુ પાણી ફેંકી દીધું. પછી બુદ્ધે તેને પૂછ્યું, ‘હવે પીવાનું પાણી આ વાસણમાં રાખી શકાય?’ રાહુલે કહ્યું, ‘ના મહારાજ, આ વાસણ ગંદુ અસ્વચ્છ છે, અપવિત્ર છે.’ ભગવાન બુદ્ધે ફરીથી કહ્યું, ‘તું તારા આ બોલાયેલા શબ્દો પર ફરી એક વખત ઊંડો વિચાર કરી જો. જો કે તેં સંન્યાસી તરીકે ભગવાં ધારણ કર્યાં છે પણ હજીએ તારામાં સત્યનિષ્ઠા-સન્નિષ્ઠા નથી. તારું પાત્ર પણ આ ગંદા વાસણ જેવું છે. આવાં વલણથી જીવનનું ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત ન થાય.’ વળી પાછું એક ખાલી વાસણ એના હાથમાં મૂકીને વાસણને ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં પૂછ્યું, ‘રાહુલ, તને એ ચિંતા થતી હશે કે જો આ વાસણ પડી જાય અને તૂટી જાય તો, ખરું ને?’ રાહુલે પ્રત્યુત્તરમાં કહ્યું, ‘ના મહારાજ, મને એની ચિંતા થતી નથી. આવું વાસણ તો સરળતાથી બજારમાં મળી રહેશે. એટલે એ ભાંગે તૂટે એની મને ચિંતા નથી.’ ભગવાન બુદ્ધે શાંત શબ્દોમાં કહ્યું, ‘વત્સ રાહુલ, આટલું યાદ રાખજે કે તું પણ આવી જ રીતે જન્મોજન્મના ચકરાવામાં ફરવાનો છો. જેમ પેલું વાસણ ભાંગે તૂટે તો કાંઈ આપણે ગુમાવતા નથી તેમ આપણા આ દેહનો નાશ થાય તો આપણે કાંઈ ગુમાવવાનું રહેતું નથી. પણ જો તમે સત્યનિષ્ઠાના પથેથી નીચે ઉતર્યા કે વિદ્વાનો તમારા પ્રત્યે હીણીનજરે જોવાના જ છે.’ રાહુલને આજે અદ્‌ભુત સંદેશ મળ્યો. તેનું માથું શરમથી ઝૂકી ગયું. પરમ કરુણાદૃષ્ટિ સાથે ભગવાન બુદ્ધે એને એક વાર્તા કહી: 

‘એક રાજા પાસે એક ભીમકાય હાથી હતો. પાંચસો સામાન્ય હાથીઓને એ એકલો જ પૂરતો પડે એવો એ હાથી હતો. મહાવતે એને પોતાની સૂંઢ વાંકીચૂકી રાખવાની તાલીમ આપી હતી. જેથી કોઈ બાણ-ભાલો એને સીધો સૂંઢમાં ન લાગે અને એ જીવલેણ ઘાથી પોતાની જાતને બચાવી શકે. એક વખત આ હાથીનો ઉપયોગ એક યુદ્ધમાં કરવામાં આવ્યો. એના દંતશૂળ પર તલવારો બાંધી દીધી, પૂંછડે લોખંડના ગોળા બાંધી દીધા, અને આવી રીતે એના શરીરને સંરક્ષિત કરી દેવામાં આવ્યું. છતાંય એ હાથીએ યુદ્ધમાં પોતાની સૂંઢ ગમે તેમ બહાર કાઢી. પેલો મહાવત તો તરત જ હાથીને પાછો લઈ આવ્યો અને રાજાને કહ્યું, ‘મહારાજ, આ હાથીને આપણે યુદ્ધમાં ઉપયોગમાં ન લઈ શકીએ. એ તો આપણા માટે ભયંકર ભયાનક બની જશે.’’ ભગવાન બુદ્ધે કહ્યું: ‘રાહુલ, તને ખ્યાલ આવ્યો ને કે જો માનવ પોતાની જીભને-વાણીને સંયમમાં રાખે, અંકુશમાં રાખે તો બધું બરાબર ચાલે. સત્ય પ્રત્યેનો પ્રેમ અને સાદગી સાથેની પવિત્રતા માનવને કંઈક ખોટું કરતાં બચાવે છે, સત્યનિષ્ઠાના માર્ગેથી નીચે ઊતરી જતાં બચાવી લે છે. જો તારે ધર્મનું અનુસરણ નિષ્ઠા અને ગંભીરતાથી કરવું હોય તો શાંત બનજે, વીર્યવાન બનજે, અને તારા જીવનને નિયમિત સંયમિત રાખજે.’

ડૉ. અપર્ણા સુર

(પ્રબુદ્ધભારત – એપ્રિલ, ૨૦૦૦માંથી સાભાર)

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.