આ બુદ્ધના યાદગાર શબ્દો છે : “પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એટલે માની ન લેવું. તમારા પૂર્વજોએ કહ્યું છે એટલે માની ન લેવું. તમારા જેવા બીજા માનવોની પ્રચલિત માન્યતા છે, એટલે પણ એમ માની ન લેવું. દરેક બાબતને કસોટીની એરણે તો ચડાવો જ. કસોટીની એરણ પરથી પાર થાય ત્યારે અને ફક્ત ત્યારે જ તેને ચરિતાર્થ કરો, તેમાં શ્રદ્ધનું અનુશીલન કરો. અને બહુજનહિતાય બહુજનસુખાય માટે યોગ્ય લાગે તો સર્વ કોઈને, દરેકેદરેકને તે અર્પણરૂપે ધરી દો.” આ શબ્દો સાથે આ મહામાનવે વિદાય લીધી.
આ માનવની પ્રજ્ઞા તો જુઓ. નહીં દેવો, નહીં દાનવો, ન દેવદૂતો-કોઈ જ નહીં-એવું કશું જ નહીં એકદમ આગ્રહી, પ્રજ્ઞાવાન. મૃત્યુની ક્ષણે પણ મગજનો એક એક કોષ પૂર્ણ અને મૃત્યુની પળે પણ સ્વસ્થ. કોઈ પણ પ્રકારનો ભ્રમ નહીં. તેમના ઘણા સિદ્ધાંતો સાથે હું સંમત થતો નથી. તમે પણ ન થાઓ એમ બને. પણ મારા મતે, -અરે, મારામાં તેમની શક્તિનું એકાદ બુંદ પણ હોત! જગતે કદી ન જોયો હોય તેવો પ્રજ્ઞાવાન મહાપુરુષ! જગતનો સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિવાન ઉપદેશક. એ માનવ કદી અન્યાયી, જુલમી બ્રાહ્મણો સામે ઝૂક્યો નહીં, કદી નમ્યો નહિ. બધે એક જ સમાન. દુ:ખી સાથે રડતો, પીડિતોને મદદ કરતો, ગીતો ગાતા લોકો સાથે ગીતો ગાતો, શક્તિમાન સામે શક્તિમાન અને બધે જ સંપૂર્ણ સ્વસ્થ શક્તિમાન મહામાનવ!…….
બુદ્ધ કહે છે કે સ્વાર્થ એ જગતનો મહા અભિશાપ છે. આપણો હેતુ કદીએ સ્વાર્થી ન હોવો જોઈએ. તમે નદી જેવા સતત પ્રવાહશીલ છો. ઈશ્વરની જરૂર નથી. આત્માની આવશ્યકતા નથી. તમારા પગ પર ઊભા થઈ જાઓ અને ભલું કરવા ખાતર જ ભલું કરો. શિક્ષાના ડરથી કે બીજે ક્યાંક જવાના ડરથી નહીં. નિર્હેતુક અને સ્વસ્થ જીવન જીવો. એક હેતુ નજર સામે રાખો અને એ મારે ભલું કરવું છે, ભલું કરવા ખાતર જ. વાહ! ભવ્ય! ભવ્ય! મને તેમના અધ્યાત્મ સાથે જરાય સહાનુભૂતિ નથી પણ તેમની નૈતિક શક્તિ માટે મને તેમની ઈર્ષ્યા થાય છે. જરા તમારી જાતને પૂછી તો જુઓ કે તમારામાંથી કોઈ પણ એક સ્વસ્થ પુરુષની જેમ, હિંમતપૂર્વક, કોઈ પણ જાતના અવલંબન વિના એક કલાક પણ ઊભા રહી શકે છે? હું તો પાંચ મિનિટ પણ તેમ કરી શક્યો નથી. હું તો કાયર બનીને બીજાનો સહારો ઈચ્છું જ. (એ રીતે) હું દુર્બળ છું. કાયર છું. આ મહામાનવની વિચારણા માત્ર જ મને ઉષ્મા આપે છે. આપણે તેમના સામર્થ્યને નહી આંબી શકીએ. જગતે આવી શક્તિ કદી જોઈ નથી. મેં કદી આવી શક્તિ જોઈ નથી. આપણે બધા તો જન્મથી જ કાયર છીએ. માત્ર આપણી જાતને સુરક્ષિત રાખી એટલે બસ. જોકે બીજી કોઈ દરકાર પણ ક્યાં કરીએ છીએ કદીએ? અંદર તો ભયંકર ભય છે. હરહંમેશાં મોટો ઈરાદો,- આપણો સ્વાર્થ જ આપણને પૂરા કાયર બનાવી દે છે. આપણો સ્વાર્થ જ ભય અને કાયરતાનું કારણ છે. એમણે તો કહ્યું: “ભલું કરો, કારણ કે તે જ ભલું છે. વધુ પ્રશ્નો પૂછો નહીં બસ, આ જ પૂરતું છે. દંતકથા, વાર્તા કે અંધશ્રદ્ધથી માનવને ભલો બનાવશો તો જેવી તક આવી કે તરત જ તે ખોટું કરવાનો. એ જ સારો માનવ છે જે સારું કરવા માટે જ સારું કરે છે. એ જ છે માનવ ચારિત્ર્ય.”
– સ્વામી વિવેકાનંદ
(બુદ્ધકાલીન ભારત: સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ (૧૨) પૃ.સં. ૩૩૭-૩૩૮)
Your Content Goes Here




