ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં

શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને તેની પોથીમાં શું છે, એમ એક જણે પૂછ્યું. સાધુએ પોથી ઉઘાડીને બતાવ્યું. પાને પાને ‘ૐ રામ’ લખેલું, બીજું કાંઈ નહિ.

ગીતાનો અર્થ શો? દશ વાર ‘ગીતા’ બોલવાથી જે થાય તે. ‘ગીતા’ ‘ગીતા’ દશ વાર બોલવા જતાં ‘ત્યાગી’ ‘ત્યાગી’ થઈ જાય.

ગીતાનો આ ઉપદેશ, કે હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને મેળવવાનો પ્રયાસ કરો. સાધુ હો, કે સંસારી હો, મનમાંથી બધી આસક્તિનો ત્યાગ કરવો જોઈએ.

ચૈતન્યદેવ જ્યારે દક્ષિણમાં તીર્થભ્રમણ કરતા હતા ત્યારે તેમણે જોયું કે એક જગ્યાએ એક માણસ ગીતા વાંચે છે. બીજો એક માણસ જરા દૂર બેસીને તે સાંભળે છે અને રડે છે. તેની આંખમાંથી આંસુની ધારા વહે છે.

ચૈતન્યદેવે પૂછ્યું, ‘તમે આ બધું સમજી શકો છો?’

પેલાએ જવાબ આપ્યો કે, ‘મહારાજ? હું શ્લોક, ભાષ્ય વગેરે કાંઈ સમજી શકતો નથી.’

‘ત્યારે તમે કેમ રડો છો?’ ચૈતન્યદેવે પૂછ્યું.

એટલે ભક્તે કહ્યું, ‘પ્રભો, હું જોઉં છું અર્જુનનો રથ; અને તેની સામે ભગવાન અને અર્જુન વાત કરી રહ્યા છે. એ જોઈને હું રડું છું.’ (1.60)

વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે?

શ્રીરામકૃષ્ણ: વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે? તેનું કારણ એ કે ‘અહંબુદ્ધિ’ જાય નહિ. સમાધિ અવસ્થામાં જાય ખરી, પણ વળી પાછી આવી પડે. અને સાધારણ જીવનો અહંભાવ કેમેય જાય નહિ. પીપળાનું ઝાડ આજ સાવ કાપી નાખો, તોય પાછું બીજે દિવસે કૂંપળ ફૂટી જ નીકળી છે! (સૌનું હાસ્ય.)

જ્ઞાનપ્રાપ્તિ પછીયે વળી કોણ જાણે ક્યાંથી અહં આવી પડે! સ્વપ્નામાં વાઘ જોયો હોય, પછી જાગી ઊઠ્યા; તોય છાતી ધબક્યા કરે! જીવને ‘હું’પણાને લીધે જ આ બધું દુઃખ.

બળદ હમ્મા (હું), હમ્મા (હું) કરે; તેથી તો એને આટલું દુઃખ. એને હળે જોડે, એ તડકો, વરસાદ સહન કરે, છેવટે વળી કસાઈ કાપે; એના ચામડામાંથી જોડા થાય, તથા ઢોલ થાય. ત્યારે ખૂબ પીટે (સૌનું હાસ્ય.) તોય એનો છુટકારો નહિ! છેવટે એનાં આંતરડામાંથી તાંત તૈયાર થાય; એ તાંતથી પિંજારાની પિંજણ બને; ત્યારે પછી હમ્મા (હું) એમ બોલે નહિ. ત્યાર પછી બોલે ‘તુંહુ’ ‘તુંહુ’ (તમે તમે). એ જ્યારે ‘તમે’ ‘તમે’ કહે ત્યારે છુટકારો.

‘હે ઈશ્વર! હું દાસ, તમે પ્રભુ; હું બાળક, તમે મા.’

રામે હનુમાનને પૂછ્યું, ‘હનુમાન, તમે મને કયા ભાવે જુઓ છો?’

ત્યારે હનુમાન બોલ્યા કે ‘રામ! જ્યારે ‘હું’ એવું મને ભાન હોય છે, ત્યારે જોઉં છું કે તમે પૂર્ણ, હું અંશ; તમે પ્રભુ, હું દાસ; અને હે રામ, જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે જોઉં છું તો તમે તે જ હું, હું એ જ તમે.’

સેવ્ય-સેવક ભાવ જ સારો. અહં તો જવાનો નથી, તો પછી રહે સાલા ‘દાસ હું’ થઈને.

‘હું અને મારું’ એ બે અજ્ઞાન. ‘મારું ઘર’, ‘મારો પૈસો’, ‘મારી વિદ્યા’, ‘મારું આ બધું ઐશ્વર્ય’ એવો જે ભાવ તે અજ્ઞાનથી આવે. હે ઈશ્વર, તમે માલિક અને આ બધી વસ્તુઓ તમારી—ઘરબાર, સ્ત્રીપુત્રાદિ, માણસો, સગાં-વહાલાં, એ બધી તમારી વસ્તુઓ—એવો ભાવ જ્ઞાનથી આવે.

મૃત્યુને હંમેશાં યાદ રાખવું—મૃત્યુ પછી કશુંય રહેવાનું નથી

શ્રીરામકૃષ્ણઃ મૃત્યુને હંમેશાં યાદ રાખવું. મૃત્યુ પછી કશુંય રહેવાનું નથી. અહીં તો કેટલાંક કર્મો કરવા આવવાનું; જેમ કે ગામડામાં ઘર, અને શહેરમાં કામ કરવા આવવાનું. કોઈ મોટા માણસના બાગનો માળી, જો કોઈ બાગ જોવા આવે તો કહેશે કે આ બગીચો અમારો, આ તળાવ અમારું. પરંતુ કોઈક વાંકમાં આવતાં શેઠ જો કાઢી મૂકે તો તેની આંબાના લાકડાની પેટીયે સાથે લઈ જવાની પરવાનગી ન મળે. એ પેટીયે દરવાન પાસે ઉપડાવીને મોકલી દે. (હાસ્ય).

ભગવાન બે વાતે હસે. એક તો જ્યારે વૈદરાજ દરદીની માને કહેશે કે ‘મા, તમે ડરો છો શું કામ? હું તમારા છોકરાને સાજો કરી દઉં!’ એ વખતે ભગવાન એક વાર હસે. એમ જાણીને હસે કે હું મારું છું, અને આ વૈદ છે ને તે કહે છે કે હું સાજો કરી દઉં! વૈદરાજ માને કે હું બચાવનાર. ઈશ્વર બચાવનાર છે એ વાત વૈદ ભૂલી ગયો છે.

ત્યાર પછી જ્યારે બે ભાઈ દોરી નાખીને જમીનના ભાગ પાડે અને કહે, ‘આ બાજુની મારી અને પેલી બાજુની તારી’, ત્યારે ઈશ્વર વળી એક વાર હસે. એમ ધારીને હસે કે આખું જગત બ્રહ્માંડ મારું છે, પરંતુ પેલા કહે છે કે આ જગા ‘મારી’ ને પેલી ‘તારી’.

Total Views: 600

One Comment

  1. Deviben vyas September 3, 2022 at 11:08 am - Reply

    Thakurbhagvan Krupa drashti rakhjo jethi aapno updesha grahn krishkiye aapno sday jy Thao

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.