(ગતાંકથી આગળ…)

માનવ જીવનને નિયમનમાં રાખવાને તથા માનવભાવિને સિદ્ધ કરવાને માટે બુદ્ધિ અનન્ય ઉપકરણ છે. એટલે શ્રીકૃષ્ણ અહીં કહે છે, बुद्धौ शरणम् अनविच्छ, ‘બુદ્ધિનું શરણ લે’; રથ, ઘોડા કે લગામને તારી યાત્રાનું નિયમન કરવા નહીં દે. એ જ રીતે માનવતંત્રમાં, તમારા જીવનહેતુનો નિર્ણય ઈન્દ્રિયતંત્ર પર નહીં છોડૉ. ઈન્દ્રિયતંત્રને નહીં, મનને પણ એ નિર્ણય ના કરવા દો, કિંતુ બુદ્ધિ પર જ એ કામ છોડૉ. મન કંજૂસ છે, कृपणाः નો અર્થ એ છે. એનો અર્થ અહીં ક્ષુલ્લક, ક્ષુદ્ર છે, તે કશું મોટું કામ સિદ્ધ નહીં કરી શકે. આમ નાત, જાત, રાષ્ટ્ર, સંપ્રદાય કે ધર્મના ભેદભાવ વિના, પ્રત્યેક મનુષ્યના કાર્યની અને જીવનની સુંદર વિભાવના આ ૪૯ના શ્લોકમાં રજૂ થઈ છે; વૃદ્ધ કે જુવાન કોઈપણ માનવીને એ લાગુ પડે છે. એ સૌ કેવી રીતે જીવશે ને કામ કરશે ? આનો વધારે સ્પષ્ટ ઉત્તર પછીના શ્લોકમાં સાંપડે છે; તેમાં શ્રીકૃષ્ણ યોગની વધારે સઘન અને વિસ્તીર્ણ વ્યાખ્યા આપે છે. યોગના હાર્દને રજૂ કરતો, યોગની ઉત્તમ અને લઘુતમ વ્યાખ્યા આપતો એ શ્લોક ખૂબ અગત્યનો છે.

સર જુલિયન હકસ્લીએ ઘડેલા એક શબ્દખંડમાં સમગ્ર વેદાંતને વર્ણવી શકાય. આજનું વિજ્ઞાન જ્યાં છે ત્યાંથી તેને, ‘માનવ શકયતાઓના વિજ્ઞાન’માં એ વિકસાવા ચાહે છે; અર્થાત્, ભૌતિક પ્રકૃતિની શકયતાઓના વિજ્ઞાનમાં. આપણા સૌમાં પ્રચંડ શકયતાઓ ગોપિત છે. મારે શા માટે બધો સમય નિર્બળ અને નિરાધાર રહેવું જોઈએ ? જીવનનાં દૈહિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં સમાંતર વિકાસ થવો જોઈએ. બીજા અધ્યાયના આ શ્લોકોમાં આ વિચારો વ્યક્ત થયેલા છે. અને પ્રાર્થનામાં, ધ્યાનમાં કે રહસ્યમાં ગરકાવ નહીં પણ કર્મરત માનવીના સંદર્ભમાં આખી માંડણી થઈ છે. મોટાભાગના લોકો કર્મરત હોય છે. કર્મ કરતા મનુષ્ય તરીકે, મારું ચિત્ત અને હૃદય વિકાસ પામે અને ભીતર રહેલી વિપુલ શકયતાઓનો આવિષ્કાર થાય તે માટે કર્મની પરિસ્થિતિનો વિનિયોગ મારે શી રીતે કરવો ? મનુષ્યની એ સાચી કેળવણી છે ને, તેથી, પછીના ૫૦મા શ્લોકમાં ગીતાબોધનું ચાવીરૂપ કથન ઓછામાં ઓછા શબ્દોમાં વ્યક્ત થયેલું સાંપડે છે. વાસ્તવમાં, ૫૦ શ્લોકમાંની યોગની લઘુતમ વ્યાખ્યામાં ગીતાનું સમગ્ર દર્શન વ્યક્ત થયું છે :

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ।।50।।

‘બુદ્ધિના આ સંતુલનના પ્રદાનથી, સત્કૃત્ય અને દુષ્કૃત્યમાંથી, મનુષ્ય આ જીવનમાં જ મુક્ત થઈ જાય છે; માટે તું આ યોગમાં લાગી જા. કર્મકૌશલ યોગ છે.’ કેવી તો ટૂંકી વ્યાખ્યા ! बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते. ‘સુકૃત અને દુષ્કૃતની, સારાં અને ખરાબ કૃત્યોની; નિમ્નતર જીવનમાં આપણે જે કંઈ સારાંમાઠાં કૃત્યો કરીએ છીએ તે સઘળાં આ દ્વન્દ્વોથી ભરેલાં છે.’ પણ ‘તમે બુદ્ધિને સોપાને ચડો છો ત્યારે આ ઝઘડતાં દ્વન્દ્વોની પાર જાઓ છો.’ बुद्धियुक्तो जहाति इह उभे सुकृ तदुष्कृते. तस्मात्, ‘માટે’, योगाय युज्यस्व, ‘યોગના આ દર્શન અને રીતિ સાથે તું જોડાઈ જા.’ તારું સમગ્ર ચિત્ત અને હૃદય તું યોગમાં લગાડી દે. તો યોગ શું છે ? છેલ્લું ચરણ એ સમજાવે છે. योगः कर्मसु कौशलम्, ‘કર્મમાં કૌશલ તે યોગ.’ તમે કામ કરો છો; એ સરસ છે. એ માત્ર તમારા દુન્યવી કલ્યાણનું સાધન ન બની રહેતાં, તમારા આંતરિક વિકાસની પાઠશાળા પણ બની શકે. ગીતાબોધનું આ અનન્ય લક્ષણ છે. ભારતમાં કે પરદેશમાં, કોઈપણ ધર્મ સાહિત્યમાં અધ્યાત્મની આ વ્યાખ્યા નહીં સાંપડે. આધ્યાત્મ અહીં કર્મકૌશલ તરીકે વ્યાખ્યાયિત થયું છે. કેવા પ્રકારની વ્યાખ્યા આ છે ? બહાર ઉત્પાદન કૌશલ અને ભીતરમાં આધ્યાત્મિક કૌશલનો આ સમન્વય છે.

કૌશલ મોટો શબ્દ છે અને અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતાનું એ મોટું લક્ષણ છે. બધું કુશલ જોઈએ, કુશલ યંત્રો, કુશલ કારીગરો, કુશલ મેનેજરો, કુશલ ડોકટરો અને કુશલ પરિચારિકાઓ. આ ઉત્પાદનકૌશલ પર શ્રીકૃષ્ણ ભાર મૂકે છે. ઓછામાં ઓછો પરિશ્રમ અને વધારેમાં વધારે પરિણામ.

આધુનિક જીવનનાં અને કાર્યનાં વિભિન્ન ક્ષેત્રોમાં ત્યાં તમને કૌશલ જોવા મળે. આનો સ્વીકાર કરીને, કૌશલના બીજા અને ઉચ્ચતર પરિમાણને ગીતા લાવે છે; આજની આપણી સભ્યતામાં એની ઘણી આવશ્યકતા છે. કામમાં કૌશલની બે કક્ષાઓ છે. તમે કામ કરો છો ત્યારે તમારી આસપાસના જગતમાં તમે પરિવર્તન કરો છો. તમારી આસપાસના જગતમાં પરિવર્તન કામ આણે છે. તમે ખાડો ખોદ્યો; જગત તેટલું પલટાયું; તમે ઘર બાંધો છો, જગત પલટાયું. અને આજે આપણે આટલા બધા ઉદ્યોગો ને અન્ય ચીજો ઊભાં કરી રહ્યાં છીએ ને, જગત બદલાયું છે, કેટલીક વાર સારા માટે અને કેટલીક વાર ખરાબ માટે. કર્મનું એ જ પરિણામ છે; તમે કર્મ કરો તેથી તમારી આસપાસનાં પરિબળોના પ્રમાણમાં તમે પલટો કરો છો. અર્વાચીન પાશ્ચાત્ય સભ્યતામાં કર્મના આ સ્વરૂપ પર ખૂબ ભાર દેવાય છે અને અપાશ્ચાત્ય દેશો પણ આ વાતનો સ્વીકાર કરે છે.

પરંતુ આજની સભ્યતામાં ઉપેક્ષિત એવી બીજી બાબત ઉપર શ્રીકૃષ્ણ ભાર મૂકે છે. પેલા ઉત્પાદન કૌશલથી તમારા ચિત્ત પર શી અસર પડી છે તેને એ ઉલ્લેખે છે. એ કર્મે તમારા ચિત્તનું કંઈ ભલું કર્યું છે ખરું? એણે તમને વધારે સારા, વધારે વિશુદ્ધ, વધારે ઉદાર બનાવ્યા છે ? તમારા સાચા સ્વરૂપની અનુભૂતિ એણે કરાવી છે ? એમ થયું હોય તો કૌશલને બીજું પરિમાણ પ્રાપ્ત થાય છે.

Total Views: 659

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.