ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે વપરાતું. પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં પણ શાળાના સંચાલનમાં આર્થિક ખોટ આવતી ત્યારે તેઓ પોતે જ પોતાના વ્યક્તિગત ખર્ચમાં કેટલો અને કેવી રીતે ઘટાડો કરી શકાય એ માટે તેઓ તરત જ તત્પર બની જતાં. પોતાની અંગત આવશ્યકતાઓ માટેનો નાનો એવો ખર્ચ પણ તેમને માટે અસહ્ય બની જતો. પોતાના શરીરની આવી અવગણનાને પરિણામે તેમની તબિયત બગડતી રહી; દિવસે ને દિવસે તેઓ નબળા બનતા ગયાં અને સમય વીતતા લોહી વિનાના પીળાફક્ક બની ગયાં. અંતે હવા બદલો કરવા માટે તેમને થોડા દિવસો માટે કોલકાતાથી દૂર જવું પડ્યું. પોતાના કાર્ય માટે ઉત્કટ ઝંખનાથી મંડી પડવાની ભાવનાને કારણે તેમણે પોતાના દેહની જરાય કાળજી ન લીધી. અને એને પરિણામે એમનો દેહ ઓછામાં ઓછી કાળજી લેવાને લીધે દુર્બળ, ક્ષીણ બની ગયો. 

શાળાના સંચાલન માટે ધનભંડોળ એકઠું કરવા તેઓ ઘરેઘર જતાં નહિ. આપણા દેશવાસીઓ કે કોલકાતાના શહેરીજનો વિદ્યાલયને આર્થિક ભંડોળની આવશ્યકતા છે એ બાબતથી અજાણ હતા એવું ન હતું. નાની બાલિકાઓની શાળાની એક શાખાનું સંચાલન કરવું આર્થિક ભંડોળને કારણે મુશ્કેલ બન્યું. એ વખતે ભગિની નિવેદિતાએ તે સંસ્થાને ચાલુ રાખવા માટે ૩૦ રૂપિયાનું જ ભંડોળ એકઠું કરવા માટે વર્તમાન પત્રોમાં એક જાહેર વિનંતી પણ કરી. પરંતુ આનોયે કોઈ પ્રતિભાવ ન મળતાં તેમણે આ સંસ્થા બંધ કરી દેવી પડી. શ્રીરવીન્દ્રનાથ ટાગોરે ‘ભગિની નિવેદિતા’ એ શીર્ષક હેઠળના લેખમાં એ સત્ય હકીકતને આ રીતે વાચા આપી હતી: ‘એમણે પોતાની શાળાનું સંચાલન કોઈ જાહેર ફંડ ફાળા મેળવીને કે કોઈ વધારાની આર્થિક સુવિધાથી કર્યું ન હતું. એમણે તો પોતાના જીવનપોષણની સુવિધાઓમાં મોટો કાપ મૂકીને, પોતાની જાતને અર્પી દઈને આ સંસ્થાને ચલાવી હતી.’

અત્યારે ભગિની નિવેદિતા આપણી વચ્ચે નથી. તેમણે અર્ધાશન કે અનશન રહીને પણ ભારતવર્ષની સર્વ પ્રથમ અને એકમાત્ર નારી વિદ્યાલયની સ્થાપના કરી હતી. આપણા માટે એમણે કરેલા આ મહાન બલિદાન કે ત્યાગ માટે શું આપણા દેશના લોકો પોતાનાં આંખ-કાન બંધ કરી દેશે? આપણે આગળ જોયું તે પ્રમાણે ભગિની ક્રિસ્ટીન અને સુધીરાદેવી મોટી બાલિકાઓને શાળામાં શિક્ષણ આપતાં. પરંતુ જ્યારે જ્યારે ભગિની નિવેદિતાને સમય મળતો ત્યારે એમના શિક્ષણની જવાબદારી પોતે ઉપાડી લેતાં. તેઓ ગણિત અને ચિત્રકળા આ બે વિષયો મુખ્યત્વે શીખવતાં અને જ્યારે જ્યારે શક્ય બનતું ત્યારે અંગ્રેજીના વર્ગો પણ લેતાં. એમની શિક્ષણની પદ્ધતિ અત્યંત સુંદર હતી અને અસામાન્ય હતી. એમની ગણિત અને ચિત્રકળા શીખવવાની ઉત્તમકળાને લીધે નબળાં વિદ્યાર્થિનીઓ પણ સહજ-સરળ રીતે એને ગ્રહણ કરી લેતાં. આંબલિયા કે બીજાં ફળનાં બીજની મદદથી નાની નાની બાલિકાઓને રમતાં રમતાં અંકજ્ઞાન અપાતું. ‘એકી-બેકી અંક’ અને ‘સરવાળા બાદબાકી’નું જ્ઞાન નાની બાલિકાઓને રમત-ગમત દ્વારા અપાતું. પછી જ પાટીમાં એકડા-બગડા અને સરવાળા-બાદબાકી લખતાં શીખતાં. વિદ્યાર્થિનીઓને મૌખિક અંક જ્ઞાન માટે તેઓ બેકી સંખ્યાઓને બાદ કરીને – (૨-૪-૬-૮ ને બાદ કરીને) — ૧-૩-૫-૭ — ની મૌખિક ગણતરી કરાવતાં. વળી ક્યારેક એકી સંખ્યાઓને બાદ કરીને – (૧-૩-૫-૭ — ને બાદ કરીને) — ૨-૪-૬-૮ —ની ગણતરી કરાવતાં. પછી ક્રમશ: એકી સંખ્યામાંથી અમુક અંકને બાદ કરીને એટલે કે ૧-૫-૯ કે બેકી સંખ્યામાંથી અમુક અંકને બાદ કરીને એટલે કે ૨-૬-૧૦ એવી રીતે અંક ગણતરી કરાવતાં અને મોઢેથી બોલાવતાં. આ બધી માનસિક પ્રક્રિયાઓના અભ્યાસથી તેમજ અંકગણિતના શિક્ષણની આ નૂતન શિક્ષણ પ્રણાલીને લીધે નાની બાલિકાઓની સ્મૃતિશક્તિમાં તો વધારો થયો. સાથે ને સાથે એમની વિચારશક્તિ પણ વૃદ્ધિ પામી અને ગણિત-શાસ્ત્રને સમજવાની ઊંડી શક્તિ પણ ઉદિત થઈ.

મોટી બાલિકાઓ નાની બાલિકાઓને શિક્ષણ માટે પ્રેરતી અને શીખવતી. ભગિની નિવેદિતા જે રીતે શિક્ષણ આપવા વિશે જે સૂચનાઓ આપતાં તેમાંથી થોડો સારાંશ અહીં આપ્યો છે:

‘જો બાલિકાઓ કંઈ ન જાણતી-સમજતી હોય ત્યારે તેમને આટલું કહેજો : ‘સારું, જો આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ શીખી શકવાનાં.’ અને બાલિકાઓ જવાબ તો આપે પણ એમાં ભૂલો કરે તો તેમને આટલું કહેવું: ‘હા, છે તો સાચું પણ આપણે વધુ સારું કરવાનો પ્રયત્ન કરીએ.’ અને જો કેટલીક બાળાઓ સાવ સાચો જવાબ આપે તો તેમને આટલું કહેવું જરૂરી છે: ‘ઘણું સરસ. ઘણું સરસ.’ અને બીજી બાળાઓને આમ કહેવું: ‘આપણે બધા આવું કરી શકીએ ખરાં. આપણે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ.’ આવી રીતે વાતચીત કરતાં કરતાં તેઓ કેટલાક શબ્દો પર વધુ ભાર દેતાં. ઉદાહરણ તરીકે ‘ચોક્કસ’ એવો શબ્દ. અને વળી જ્યારે કોઈ બધું બરાબર કરી દેતી ત્યારે નાની બાળાની જેમ તાળીઓ પાડીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં ‘ઘણું સરસ, ઘણું સરસ’ એમ કહેતાં. વળી જ્યારે લેખનકાર્યમાં કે અંકલેખનમાં કોઈ બાલિકાઓની ભૂલ થતી ત્યારે એમની ભૂલને છેકી નાખતાં; પછી એને સુધારીને આમ કહેતા: ‘ભૂલ ક્યારેય જાળવી ન રાખવી એટલે કે ભૂલની ખબર પડે કે તરત ભૂંસીને સુધારી લેવી.

ભગિની નિવેદિતા ભારતીય કલા અને તેમાંય વિશેષ કરીને શિલ્પસ્થાપત્ય અને ચિત્રકળાના ચાહક હતાં. તેઓ દૃઢપણે માનતા કે ભારતની બધી કળાનાં સ્વરૂપો આધ્યાત્મિકતાના બીજમાંથી અંકુરિત થયાં છે. કોઈ પણ કલાકારે પોતાના ચિત્રમાં બાહ્ય સૌંદર્યને જ નિરૂપિત કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એના કરતાં ભગિની નિવેદિતાને ભીતરની ઊર્મિઓને અભિવ્યક્તિ આપતાં ચિત્રો વધુ ગમતાં. તાલીમ વિહોણા કલાકારો દ્વારા તૈયાર થયેલાં ચિત્રોમાં કલાની દૃષ્ટિએ દેખાતા કૌશલ્યના અભાવને કે કોઈ પણ ખામીને તેઓ નજરઅંદાજ કરી લેતાં. આવાં ચિત્રોમાં થોડી ઘણી પણ અંતરની લાગણીઓની અભિવ્યક્તિ થતી જોઈને તેઓ વધુ પ્રસન્ન થઈ ઊઠતાં. પશ્ચિમની શૈલીનું અનુકરણ કરીને દોરેલાં ચિત્રો આપનાર કલાકારના ચિત્રકૌશલ્ય કરતાં એમની દૃષ્ટિએ દીવાલ પર કે જમીન પર સ્ત્રીઓએ મુક્તપણે હાથે દોરેલાં ચિત્રો કે ગ્રામ્ય કલાકારોએ નાનાં મેજ કે આલ્પના (લોટ જેવા પદાર્થથી ઉપસાવેલાં રંગોળી-ચિત્રો) પરનાં હાથે દોરેલાં ચિત્રો વધુ મૂલ્યવાન હતાં. તેમણે પોતાના શયનખંડમાં પોતાની વિદ્યાર્થિનીએ દોરેલ આલ્પના ડિઝાઈન વાળું ચિત્ર રાખ્યું હતું. આ કલાકૃતિમાં અનેક પાંખડીવાળા અને નાના જુઈ-ચમેલીનાં ફૂલોથી ઘેરાયેલ કમળનું મોટું ચિત્ર હતું. એમને આવા ચિત્ર પ્રત્યે અતિ ચાહના હતી અને કોઈ કલાનો મર્મજ્ઞ ત્યાં મળવા આવે તો એમને તેઓ એ અચૂક બતાવતાં. એક દિવસ અત્યંત હર્ષોન્મિત થઈને ભગિની નિવેદિતાએ વિદ્યાર્થિનીઓને કહ્યું: ‘આજે કુમારસ્વામીએ આ આલ્પના ભાત ચિત્રની ઘણી પ્રશંસા કરી હતી.’ પોતાની વિદ્યાર્થિનીની આ ચિત્રકળાની કુમારસ્વામીએ પોતે પ્રશંસા કરી એનાથી બાળાનો ચહેરો આનંદથી ઝળકી ઊઠ્યો. ભગિની નિવેદિતાને ખીલતાં કમળચિત્રો ખૂબ ગમતાં. એમાંય વિશેષ કરીને સહસ્રદલ શ્વેતકમળ એમને અત્યંત પ્રિય હતું. તેઓ કહેતાં: ‘ભારતીય કલાકાર સિવાય કોઈ બીજા કલાકાર આ પુષ્પનું ચિત્ર દોરી ન શકે.’ આવા આલ્પના ભાતચિત્રમાં નાનાં ધવલવર્ણાં પુષ્પોથી ઘેરાયેલ વિશાળ કમળ પુષ્પ તરફ ઈશારો કરીને કહેતાં: ‘આ નાનાં ધવલવર્ણાં પુષ્પો કેવાં સુંદર છે! જાણે કે ‘અમે તમારી નજીક આવવા ઇચ્છીએ છીએ’ એમ કહેતાં હોય તેમ એ બધાં પુષ્પોનાં મુખ એ મહાપુષ્પ તરફ વળ્યાં છે.’

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.