(ગતાંકથી આગળ)

‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં વિચારોનો સાર આ છે : પાશ્ચાત્ય સંસ્કૃતિના સંઘર્ષને કારણે ભારતમાં સર્વત્ર એક અસંતોષ અને અશાંતિનું વાતાવરણ સાર્વત્રિક બની ગયું. એની સાથે આપણી તત્કાલીન પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી ઉન્નતિ સાધવા માટે અભાવને અજંપાને દૂર કરનારા ભિન્ન ભિન્ન રામબાણ ઉપાયો પણ આવિષ્કૃત થયા છે. સમાજની સાર્વત્રિક ઉન્નતિ ઇચ્છનારા એક સમૂહનું નામ સમાજ સંસ્કારક દળ હતું. એ લોકો માનતા હતા કે ભારતવર્ષની કેટલીક પ્રાચીન સામાજિક પ્રથાઓનો ધ્વંશ કરવાથી જ માતૃભૂમિનું પુનર્જાગરણ થઈ શકશે. સમાજના નવસંસ્કરણ માટે આ સમૂહનો પ્રબળ ઉત્સાહ જોતાં આપણને એવું લાગે કે ભારત હજુ પણ પ્રાણહીન, સત્ત્વહીન થયો નથી.ભારતનો જીવનદીપ જો સાવ હોલવાઈ ગયો હોત તો આ પ્રાચ્ય અને પાશ્ચાત્યની સંસ્કૃતિના સંઘર્ષને લીધે ભારતના નવસંસ્કરણ માટે જે અગ્નિસ્ફૂલિંગોનો અભ્યુદય થયો તેવું આપણને જોવા ન મળત. વળી, સમાજના આ સમૂહમાં ભાષાઓના અને ઉપરછલ્લા નવસંસ્કરણના પ્રયત્નોથી ભારત પ્રાચીન યુગની જેમ હજી પણ વિચલિત થયું નથી, આ બધું આપણને જોવા મળે છે. આ બધાંથી ભારતની ભીતરની ગહનગંભીરતા, ગુરુત્વ અને એની જીવંતતા, એમ ને એમ મૂળ સ્વરૂપમાં અને બહુલતા સાથે આજે પણ જળવાઈ રહ્યાં છે એ વાત પૂરવાર થાય છે.

ભારતની ઉન્નતિની કામના કરનારું એક બીજું દળ પણ હતું, અને એ હતું રાજનૈતિક આંદોલન કરનારાઓનું એટલે કે સ્વાતંત્ર્ય આંદોલન દળ. પાશ્ચાત્ય રાજનીતિના પ્રચલન દ્વારા ભારતને અધોગતિ રૂપી મૃત્યુના મુખમાંથી બચાવવાનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમ તેઓ માનતા. વાસ્તવમાં વિદેશની રાષ્ટ્રશાસન પ્રણાલીઓમાંના અનેક નિયમો ભારતે આજે ગ્રહણ કરવાની આવશ્યકતા વિશેની વાતમાં કોઈ સંદેહ નથી. પરંતુ ભારતના આજની રાજનૈતિક પરિસ્થિતિનું વર્ણન કરીએ તો તે એક માત્ર આત્મપ્રવંચના અને ક્લેશકારી છે. 

એક ત્રીજું દળ છે. એમના મતે ધર્મની વિભિન્ન શાખાઓને જાગ્રત કરવી એ ભારતની ઉન્નતિનો સાચો ઉપાય છે. વળી ચોથું દળ એવા મતનું છે કે અર્થનીતિ શાસ્ત્રના નિયમોના અવ્યવહારુ ઉપયોગ એ ભારતની પ્રવર્તમાન દુ:ખદ અવસ્થાનું એક માત્ર કારણ છે. અને એમનો પ્રતિકાર કરવાથી દરિદ્ર ભારતની દરિદ્રતા દૂર કરીએ તો જ દેશની ઉન્નતિ કે પ્રગતિને આડે કોઈ બીજી અડચણ કે મુશ્કેલી નડે તેમ નથી.

તત્કાલીન ભારતની ઉન્નતિ ઇચ્છનારા વિવિધ સમૂહોના દૃષ્ટિબિંદુઓનો ઉલ્લેખ કરીને તેમજ તેનો સાચો પરિચય આપીને ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે આવા વિવિધ સમૂહોના ભારત નવસંસ્કરણ વિશેના મત પ્રમાણે સામાજિક સુધારા ભલે થાય, રાજનૈતિક સુધારણા પણ ભલે આવે, નિર્જીવ બનેલા ધર્મને જીવંત ભલે બનાવાય, આર્થિક પરિસ્થિતિમાં સુધારણાથી દેશની ગરીબીને ભલે દૂર કરાય; પરંતુ આ બધાં કરતાં સૌથી વિશેષ મહત્ત્વનું અને આવશ્યક તત્ત્વ છે ભારતવર્ષનું જાતીયત્વ Her-culture-પોતિકાપણું. આ જાતીયત્વ વિશાળ ભારતના અસંખ્ય સંપ્રદાયોમાંથી કોઈ પણ એક સંપ્રદાયની પોતાની આગવી કહી શકાય એવી સંપત્તિ નથી. સર્વના મિલન સ્વરૂપ આ જાતીયત્વે એકેએક સંપ્રદાયને યથાસ્થાને રાખ્યો છે. સમાજનીતિ, અર્થનીતિ, રાજનીતિ કે ધર્મનીતિ – આમાંથી કોઈ પણ દ્વારા ભારતની ઉન્નતિના પ્રયત્નો થયા છે, એ બધા પ્રયાસ કરનારાઓએ પરોક્ષ રીતે આ જાતીયત્વને જાગ્રત કરવાનો વિશેષ પ્રયત્ન કર્યો છે, એમ કહી શકાય. આ નવજાતીયત્વનો અભ્યુદય જ ભારતની પ્રાચીન કલા, વિદ્યાનો નવવિકાસ બની રહેશે. આ છે પ્રાચીન પાંડિત્ય શક્તિની નવ આલોચના અને પુરાતન ધર્મશાસ્ત્ર સમૂહનું એક જીવતું જાગતું નૂતન ભાષ્ય. આપણે જો સંક્ષેપમાં કહીએ તો જાતીયતાનો આ નવો આદર્શ વિગત જાતીયતાનું આત્મજ સ્વરૂપ છે. આ નવો આદર્શ યુવાનોમાં નવજીવનનો સંચાર કરશે અને પ્રાચીનના શાણપણ અને જ્ઞાનની આધારશિલા બનશે. આ નવજાગરણના પ્રભાવે ભારતના પ્રત્યેક સમૂહ, લોકો, સંપ્રદાયો અને એમનું સમાજ જીવન ઉન્નત થશે અને એનાથી જ તેઓ પોતાની અંતર્નિહિત શક્તિનો પરિચય મેળવશે. પોતાના કેન્દ્રમાં બધાને લાવી મૂકીને બધાં ક્ષેત્રોમાં પોતાને ઉન્નત કરવાની ક્ષમતા ક્રમશ: એટલી બધી વધી જશે કે આવી ઉન્નતિ કે વિકાસની ક્ષમતા અત્યાર સુધીના બીજા કોઈ સંપ્રદાય કે ક્ષેત્રમાં પણ જોવા નહિ મળે. 

આપણા નવ આદર્શની મુક્ત અભિવ્યક્તિ માટે આપણા જાતીય જીવનમાં બે બાબતોની આવશ્યકતા છે. સર્વ પ્રથમ તો માતૃભૂમિ માટેનો પ્રેમ; એવો જ્વલંત પ્રેમ કે પોતાની જાત પરની ચાહના કરતાં અને પોતાના ધનસંપત્તિ તેમજ સંતતિ કરતાંય વધુ જ્વલંત હોય. આ માતૃભૂમિએ કોઈપણ જાતનો પક્ષપાત કર્યા વિના બધી જાતિઓ અને વર્ણોને પોતાના ઉત્સંગે લીધાં છે અને એણે કોઈ પણ જાતના ભેદભાવ વિના બધાં ધર્મભાવોને અનન્ય આશ્રય આપ્યો છે. આજે દરેકેદરેક માનવને પોતાની જાતિ માટે જે પ્રેમ અને ગર્વ છે તે અનેકગણો વૃદ્ધિ પામવો જોઈએ કારણ કે આ માતૃભૂમિ સર્વસહિષ્ણુ માતૃભૂમિ છે. જેમ એક ભાઈ પોતાના ભાઈને પોતાની જાત કરતાં પણ વધારે ચાહે છે તેવી જ રીતે આપણે પણ વધુ ગહનપ્રેમથી અને કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે ભેદભાવ વિના દરેકેદરેક ભારતીયને -પછી ભલે એ ભિન્ન ધર્મશ્રદ્ધાવાળો, અન્ય ભાષાવાળો, આદર્શવાળો, ગરીબ હોય કે તવંગર – ચાહવો જોઈએ. 

બીજું, આપણી કેળવણી ભૌતિક કે બાહ્ય જ્ઞાન કે શક્તિનો સરવાળો માત્ર નથી, પરંતુ સ્વપ્રયત્ન દ્વારા આપણી ભીતરની શક્તિઓની જાગૃતિની સાધના પણ એમાં સમાયેલી છે. ભારતવર્ષની કેળવણીની આધારશિલા પ્રેમ અને ત્યાગ છે. આત્મત્યાગમાંથી જ પ્રેમ ઉદ્‌ભવે છે અને પ્રેમ જ ત્યાગની ઉત્પત્તિ અને વ્યાપ્તિ પણ છે. ત્યાગનો અર્થ નિ:શબ્દભાવ નથી, પરંતુ અક્ષયધને ધનવાન બનવું એ ત્યાગનો સાચો અર્થ છે. ત્યાગનો અર્થ સંસારભયથી પલાયન થવું એ નથી, પરંતુ સમગ્ર વિશ્વસમાજ પર વિજયી થવા માટેનો એક માત્ર ઉપાય એટલે આત્મત્યાગ. પરંતુ આ ત્યાગ સંપૂર્ણપણે સ્વાર્થભાવવિહોણો હોવો જોઈએ. જેના ત્યાગમાં અજ્ઞાતભાવે પણ મિથ્યાગર્વ કે કામનાની થોડી પણ છાયા કે જરાતરા સ્પર્શ થાય તો એ અમૂલ્ય ત્યાગદાનનું મહત્ત્વ મૂઠીભર આપેલ ધૂળના દાન જેવું તુચ્છ બની જાય છે.

નિવેદિતાને મતે આ જ હતી પ્રાચીન ભારતની કેળવણી. આ પ્રકારની પ્રાચીન કેળવણી વંશપરંપરાગત રીતે દરેક ભારતવાસીમાં અંતર્નિહિત ભાવ રૂપે રહેલી છે; અને આનું પુનર્જાગરણ કરવું એ જ વર્તમાન કેળવણીનું પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. શિક્ષણ માત્ર ગ્રંથો પૂરતું જ બંધાઈ જાય તો એ શિક્ષણ પુસ્તકોનાં પૃષ્ઠો પૂરતું મર્યાદિત બની રહે છે. જ્ઞાનબુદ્ધિ શિક્ષણની અસ્પષ્ટ છાયામયી મૂર્તિને અંકિત કરી શકે પણ, તે લોકોને નવજીવન અર્પી ન શકે. શિક્ષણ માનવના મનહૃદયમાં વિચાર પ્રવાહ રૂપે જીવનમાં આવે છે. જે માનવના હૃદયમાં આ રીતે શિક્ષણનો ભાવ જાગ્રત થાય છે ત્યારે તેમના માટે શિક્ષણ બાહ્ય કે ભૌતિક પદાર્થોનું જ્ઞાન જ નથી રહેતું, પરંતુ એ શિક્ષણ પોતાના અંતરની અંતર્ભૂત અને અંતર્નિહિતભાવની અનુભૂતિ બને છે. ત્યારે એ માનવના સમગ્ર જીવનમાં નાના કે મોટાં, મન, વાણી કે કર્મની પ્રત્યેક પળે શિક્ષણની સફળતા ખીલી ઊઠતી જોવા મળે છે. ભગિની નિવેદિતા ભારતવર્ષની નારીઓમાં આવું શિક્ષણ આપીને એમને જાગ્રત કરવા ઇચ્છતાં હતાં. આ જ ઉદ્દેશ્ય માટે એમણે આગળ વર્ણવેલ વિદ્યાલયની સ્થાપના કરી હતી.

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.