સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની વ્યાખ્યા સુપેરે પ્રગટ કરે છે. – સં.

સ્વામી વિવેકાનંદ વિશે કોઈએ અદ્‌ભુત કાવ્ય રચ્યું છે. એમાંની બે પંક્તિઓ લઈએ:

‘ગુરુના સાહસિક બાળ!

અવિરત પ્રવૃત્ત, તું વજ્ર સાથે ક્રીડા કરે છે.’

ખરે જ સ્વામી વિવેકાનંદનો દેખાવ વૃત્રાસુરનો નાશ કરનાર ઇન્દ્રના જેવો છે. વૃત્ર એટલે અનિષ્ટની મૂર્તિ, સ્વાર્થની અને ઈંદ્રિયભોગની મૂર્તિ. અનિષ્ટના નાશ માટે, સ્વાર્થને હાંકી કાઢવા માટે અને, ઈંદ્રિયભોગની વાસનાને દૂર કરવા માટે, જેમાંથી વજ્ર બન્યું છે. ‘તે જ પદાર્થમાંથી બનેલા વ્યક્તિત્વની આવશ્યક્તા છે.’ વજ્રની માફક વજ્રનો પદાર્થ કશુંક અવિક્ષણ્ય અને, જેનો સામનો ન કરી શકાય એવું કશુંક નિર્દેશે છે. અને એ સંપૂર્ણ તથા નિરપેક્ષ બલિદાનમાંથી પ્રગટે છે. સ્વામી વિવેકાનંદને વજ્રની ઉપમાનો પ્રયોગ ખૂબ ગમતો. પોતાના દેશવાસીઓને વજ્ર બનવા તેમણે અનુરોધ કર્યો હતો. અલબત્ત, એમના આહ્‌વાનને એમના થોડાક દેશવાસીઓએ ઝીલ્યું હતું, પરંતુ, એમની ભૂમિની નહીં પણ, દૂર સુદૂરની ભોમકાની એક નારીએ સ્વામીજીનું આ આહ્‌વાન ઝીલ્યું હતું. એ નારી આયર્લેંડની કુમારી માર્ગરૅટ ઇલીઝાબૅથ નૉબલ હતી. પછીથી એ ‘સિસ્ટર નિવેદિતા’ (ભગિની નિવેદિતા) તરીકે ઓળખાયાં. સ્વામીજીની માભોમને, એનાં લોકોને, એની ધરતીને, એના ધર્મને, એની પરંપરાઓને, એની સંસ્કૃતિને, ખરેખરી રીતે સ્વામીજીના દેશની તમામ વસ્તુઓને એ ચાહતાં હતાં. જાતને વજ્રમાં વિકસાવવાના સ્વામીજીના અગ્નિમય આહ્‌વાનને તેમણે ઝડપ્યું હતું. સ્વામી વિવેકાનંદના કાર્ય અને દેશને માટે, આગળ આવી પોતાની જાતને સમર્પિત કરવાની પ્રેરણા તેમના અંતરના ઊંડાણમાં તેમણે અનુભવી. આમ સ્વામી વિવેકાનંદના હાથમાં વજ્ર બનવા માટે તેમણે જાતને વિકસાવી.

સ્વામી વિવેકાનંદના એક ભક્તને ત્યાં ૧૮૯૫માં નવેમ્બરની ૧૦મી મે, લંડનમાં, માર્ગરૅટ સ્વામી વિવેકાનંદને પહેલી વાર મળ્યાં. માર્ગરૅટ ખૂબ પ્રભાવિત થયાં અને, સ્વામીજીનાં વર્ગો અને વ્યાખ્યાનોમાં નિયમિત હાજરી આપવા લાગ્યાં. માર્ગરૅટે દીક્ષા ભલે થોડા મહિના પછીની સ્વામીજીની બીજી મુલાકાત વખતે લીધી હોય પણ, ૨૭મી નવેમ્બરે સ્વામીજી અમેરિકા જવા ઉપડ્યા તેની પહેલાંથીએ સ્વામીજીને ‘માસ્ટર’ (ગુરુ) તરીકે સંબોધવા લાગ્યાં. ‘પોતાના લોકો પરની સ્વામીજીની પ્રીતિનાં દાસ’ બનવા તે ચાહતાં હતાં, સ્વામીજીના ‘વીરતાના સત્ત્વે’ અને ‘ચારિત્ર્યે’ માર્ગરૅટને ખૂબ આકર્ષ્યાં હતાં. એમની સાથે તુલના થઈ શકે એવો ‘બીજો કોઈ ચિંતક કે મેધાવી’ તેમની નજરે ચડતો ન હતો.

થોડા મહિના પછી સ્વામી વિવેકાનંદ ફરી લંડન આવ્યા ત્યારે, માર્ગરૅટ અને બીજાં થોડાંક સ્વામીજીના પ્રશ્નોત્તર વર્ગોમાં જોડાયાં. શ્રોતાઓમાંથી ઘણાં સ્વામીજીને પ્રશ્નો પૂછતાં. માર્ગરૅટ પણ તેમ કરતાં. આવા એક વર્ગમાં સ્વામીજી પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હતા. ઊંડાં સંવેદન અને આધ્યાત્મિક ધગશ સાથે સ્વામી વિવેકાનંદે ગર્જના કરી: ‘રસ્તાને પેલે ખૂણે જઈ ઊભા રહેવાની અને, ઈશ્વર સિવાય કશું જ પોતાની પાસે નથી તેમ કહેવાની હિમ્મતવાળાં વીસ નરનારીઓની જગતને આજે જરૂર છે. કોણ જશે?’ બેઠા હતા ત્યાંથી આસ્તેથી સ્વામી વિવેકાનંદ ઊભા થયા. શ્રોતાઓની સામે એમણે જોયું. કદાચ, એ કોઈની પાસે ઉત્તરની અપેક્ષા સેવતા હોય. માર્ગરૅટ આશ્ચર્ય અનુભવવા લાગ્યાં: ‘શું સ્વામી વિવેકાનંદ મારી પાસે ઉત્તર માગે છે.’ દેવળના પાદરી એવા માર્ગરૅટના પિતાએ એક વાર પોતાની પત્નીને કહ્યું હતું: ‘આપણી મોટી દીકરી માર્ગરૅટને દિવ્ય સાદ એક દિવસ બોલાવશે. એ સાદનો પ્રત્યુત્તર દેવામાં દીકરીને તમે સહાય કરજો.’ ત્યારે માર્ગરૅટનું વય દસ વરસનું હતું. પોતાના મૃત્યુ સમયે પિતાએ ઉચ્ચારેલાએ બોલ એમને શું યાદ હતા? પોતાના જન્મ પહેલાં પોતાની માતાએ પ્રાર્થના કરી હતી કે, હું મારું બાળક પ્રભુને અર્પણ કરીશ’, શું તેનું એને સ્મરણ હતું? ભારતીય સાધુની ગર્જનામાં એમને એ શું દિવ્ય સાદ સંભળાયો? માર્ગરૅટ પ્રજ્વલિત થઈ ઊઠ્યાં. ‘મારે ઉત્તર આપવો જોઈએ’, એમ એમને લાગ્યું. સ્વામી વિવેકાનંદના શબ્દો એમણે સાંભળ્યા: ‘ભય શા માટે? (ઈશ્વરનું અસ્તિત્વ છે.’ એ સાચું હોય તો પછી, બીજાની શી ચિંતા? એ સાચું ન હોય તો, આપણા જીવનનો શો અર્થ?’

આ શબ્દો સાંભળ્યા અને માર્ગરૅટે અંતરમાં ભયંકર કંપન અનુભવ્યું. પણ તત્કાલ એ આહ્‌વાન એ ઝીલી શક્યાં નહીં. એ દિવસે વર્ગ પૂરો થયો પણ, સ્વામી વિવેકાનંદના શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા. એમની જીવનકથાના વિખ્યાત લેખકોના શબ્દોમાં, ‘માર્ગરૅટ સતત બળી રહ્યાં હતાં.’

ભયંકર હતી એ જ્વલનની વેદના! પણ માર્ગરૅટના કિસ્સામાં એ પીડા શારીરિક જ્વલનની ન હતી. શ્રીરામકૃષ્ણના જાણીતા કથન અનુસાર, એ વેદના ‘નાગરાજ’ના ‘વેધક’ ડંખને કારણે હતી. આગથી દાઝેલો માણસ સાજો થઈ શકે પણ, આ મહા ‘ડંખ’ પછી પુનર્જીવિત થવું અશક્ય. માર્ગરૅટને બરાબર એમ જ બન્યું હતું. સ્વામી વિવેકાનંદને મુખેથી ઉચ્ચારાયેલી ‘ઊઠો, જાગો, મહાન ગુરુઓ પાસે જાઓ અને પરમ સત્યને પ્રાપ્ત કરો’, ઉપનિષદ આ ગર્જના માર્ગરૅટના કાનમાં ગુંજતી રહી.

માર્ગરૅટ સ્વામી વિવેકાનંદ પહેલી વાર મળ્યાં તે જ દિવસે તેમણે સ્વામીજી પાસેથી સાંભળ્યું કે, ‘એક સંપ્રદાય (ચર્ચ)માં જન્મવું બરાબર છે પણ તેમાં જ મૃત્યુ પામવું ભયંકર છે.’ આ શબ્દો પોતાને સંબોધાયેલા હતા એમ માર્ગરૅટને લાગ્યું હતું ખરું? બીજા એક દિવસે સ્વામીજી બોલ્યા હતા: ‘અંગ્રેજો ટાપુ પર જન્મ્યા છે અને સદા ટાપુ પર જ રહેવા પ્રયત્નશીલ છે.’ માર્ગરૅટને જ્ઞાન થયું કે આ શબ્દો પોતાના સિવાય બીજા કોઈને સંબોધાયેલા ન હતા. આ સાદ માત્ર એને એકલીને જ હતો. પોતાની જનમભોમકાની સરહદમાંથી બહાર નીકળવાનો, પોતાની ધાર્મિક માન્યતાઓથી ઉપર ઊઠવાનો, પોતાનું જીવન અને ભાવિ ગુરુચરણે સમર્પિત કરવાનો એ સાદ હતો. પોતાની ‘શ્રદ્ધા’નો ‘સાક્ષાત્કાર’ કરવાનું એ આહ્‌વાન હતું. સ્વામી વિવેકાનંદ સાથેના પોતાના પ્રથમ મિલન વખતે, ‘શ્રદ્ધા’ શબ્દનો વિરોધ કરી સ્વામીજીએ ‘સાક્ષાત્કાર’ પર ભાર મૂક્યો હતો.

‘ડંખ’ની તીવ્ર બળતરાને કારણે તીવ્ર અસ્થિરતાની દશામાંથી માર્ગરૅટ પસાર થતાં હતાં. એમની આ અસ્થિરતાના ઊંડાણમાં જ સ્વામીજીના આહ્‌વાનમાં નિર્દેશિત નવા જન્મની તીવ્ર આકાંક્ષા રહેલી હતી. એમનો પ્રત્યેક દિવસ, એમની પ્રત્યેક રાત્રી, અને, એમની પ્રત્યેક પળ પણ એ પ્રેરણાની છલકાતી હતી ત્યારે, લંડનના સંત જૉર્જરૉડને સરનામેથી સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના જૂનની ૭મીએ લખેલો પત્ર તેમને મળ્યો. સ્વામી વિવેકાનંદના માર્ગરૅટ પરના પત્રોમાં ઉપલબ્ધ એ પ્રથમ પત્ર છે. માર્ગરૅટને સ્વામી વિવેકાનંદે આમ લખ્યું હતું:

પ્રિય કુમારી નોબલ,

‘…જગતને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળના નિયમ અનુસાર એ કામ બલિદાનનું છે. અને, હાય, યુગો સુધી, એમ જ રહેશે. સૃષ્ટિના ઉત્તમ વીરો અને શ્રેષ્ઠજનોએ અનેકના હિત અને સર્વના કલ્યાણ માટે આત્મબલિદાન આપવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાવાળા હજારો બુદ્ધોની જરૂર છે.

જગતના ધર્મો નિર્જીવ ઠઠ્ઠા બની ગયા છે. જગતને જરૂર છે ચારિત્ર્યની. જેમનું જીવન જ્વલંત, નિ:સ્વાર્થ પ્રેમ હોય એવા જનોને જગત ઝંખે છે. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રધ્વનિ બતાવશે.

જગતને હલાવવાની શક્તિ તમારામાં છે. તેની મને ખાતરી છે અને, બીજાંઓ પણ આવશે. હિમ્મતભર્યા શબ્દોની અને હિમ્મતભર્યાં કાર્યોની આપણને જરૂર છે.

જાગો, જાગો, મહામનાઓ! જગત દુ:ખથી સળગી રહ્યું છે. તમે ઊંઘી શકો છો શું? સૂતેલા દેવો જાગે નહીં ત્યાં સુધી આપણે સાદ ઉપર સાદ જ પાડ્યા કરીએ જેથી, ભીતરનો દેવ જાગે અને પ્રતિસાદ દે. જીવનમાં આથી વધુ શું છે? બીજું ક્યું કાર્ય મોટું છે? જાગો, જાગો..’

આ પત્ર છે કે યુદ્ધનું દદામું છે? પ્રત્યેક શબ્દ ત્રિપુરાસુરનો સંહાર કરનાર મહાદેવના હાથમાંના ડમરુના ઘેરા નાદ જેવો છે. ધ્વનિનો સંદેશ સ્પષ્ટ અને મુખરિત છે. ઊઠો, જાગો! તમારે આંગણે અસુરો ઊભા છે – એ અસુર તમારા ભ્રમનો છે, સુખના સ્વપ્નનો છે, તમારા સ્વાર્થીપણાનો, તમારી અહંકેંદ્રિતાનો છે. અજ્ઞાનની બેડીઓ કાપી નાખો. શૌર્યના મંત્રથી સબળ થઈને અને ધૈર્યની ભાવનાથી સ્ફૂર્તિદાયક થઈને, બંધનો તોડી નાખો અને, તમારા નાના વિશ્વમાંથી બહાર આવી ખુલ્લામાં ઊભાં રહો. તમારા મર્યાદિત, લઘુ અહંને વિશ્વના અનંતમાં ભેળવી દો.

માર્ગરૅટે નિર્ણય કર્યો – ‘ગુરુના કાર્યને જાત સમર્પિત કરીશ.’ શિવગુરુના ડમરુના સાદ એની ભીતર પડછંદા કરવા લાગ્યા.

થોડા મહિના પછી, ૧૮૯૬ના ડિસેમ્બરની ૧૬મીએ, ભારત આવવા માટે સ્વામી વિવેકાનંદે લંડન છોડ્યું. ભારત આવતાં વેંત, પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના વિચારોને અને આદર્શોને મૂર્ત સ્વરૂપ આપવા પૂરા જોશથી એ મંડ્યા. માર્ગરૅટના લંડનમાંના કાર્ય અંગે પ્રેરક પત્રો સ્વામીજી તેમને લખતા રહ્યા. પરંતુ, ભારતમાં સ્વામીજી સાથે જોડાવા અને, પૂરા દિલથી એમના કાર્યમાં લાગવા માટે માર્ગરૅટ આતુર હતાં. ફરી ફરી સ્વામીજીને પોતાનો ઇરાદો જણાવ્યા છતાં, એમની સ્વામીજી તરફથી પ્રોત્સાહન સાંપડતું ન હતું. એટલે એમનામાં નિરાશાની લાગણી જન્મતી હતી. ૨૩મી જુલાઈ, ૧૮૯૭ના એક પત્રમાં સ્વામી વિવેકાનંદે માર્ગરૅટને લખ્યું હતું કે, ‘અહીં આવવાને બદલે, ઈંગ્લૅન્ડમાં જ અમારે માટે તમે ઘણું કરી શકો. રાંક ભારતવાસીઓ માટેના તમારા આત્મબલિદાન માટે તમારી ઉપર ઈશ્વરના આશીર્વાદ ઊતરો.’ ઈંગ્લૅન્ડમાં જ રહી માર્ગરૅટ કાર્ય કરે તેવા સ્વામીજીના આદેશ માટે તથા, સ્વામીજીના મૌન કે મોળા વલણ માટે સચોટ કારણ હતાં. માર્ગરૅટ રાજકર્તાઓના વર્ગનાં હોઈ, ભારતમાંના કાર્ય સાથે એ કેટલાં ઓતપ્રોત થઈ શકશે, એમની તબિયતને અહીંનું ગરમ હવામાન કેટલું અનુકૂળ પડશે, કેટલે સુધી એ ભારત માટેના પોતાના પ્રેમને નભાવી શકશે અને, આકરી ગરીબાઈથી પીસાતાં અથવા વહેમો અને સંકુચિતતાથી પીડાતાં ભારતનાં લોકોની એ સેવા કરી શકશે એ વિશે સ્વામી વિવેકાનંદને ખાતરી ન હતી. આ વિચારો ઉપરાંત, માર્ગરૅટના ઉત્સાહની, એની પ્રીતિની એની શ્રદ્ધેયતાના ઊંડાણની અને એની નિશ્ચયાત્મક્તાની સ્વામીજી કસોટી કરવા ચાહતા હતા. ભાવના ગમે તેટલી સાચી હોય તો પણ, ભારતમાં કાર્ય કરવા માટે એ પૂરતી નથી. ઉપેક્ષા, દુર્લક્ષ, તિરસ્કાર અને ઝેરીલી ટીકાનો સામનો માર્ગરૅટે કરવો પડશે અને તે પણ જેમના હિતને માટે એ પોતાની જાતને સમર્પિત કરતાં હતાં તેમના તરફથી જ. એ સહન કરવા માટે અસાધારણ માનસિક તાકાતની, એ સહન કરવા માટે વિશાળ છતાં પ્રેમાળ દર્શનની આવશ્યક્તા હતી અને આ માટે સ્વામી વિવેકાનંદ એનું લક્ષ દોરી એને તૈયાર કરતા હતા. બધા પડકારને ઝીલવા માર્ગરૅટ પૂરાં તૈયાર થઈ ગયાં છે અને, બધી કસોટીઓમાંથી એ ઉત્તમ રીતે પાર ઊતર્યાં છે એમ સ્વામી વિવેકાનંદને લાગ્યું ત્યારે જ, એમણે સ્પષ્ટ સાદ દીધો. એમણે માર્ગરૅટને ૧૮૯૭ની ૨૦મી જુલાઈએ લખ્યું:

‘(ઈ.ટી.) સ્ટર્ડીના ગઈ કાલે મળેલા પત્રથી જાણવા મળ્યું કે, ભારત આવવા તું કૃતનિશ્ચયી છો… તારી યોજનાઓ વિશે કુ. (હૅન્રી એટ્ટા) મુલર પાસેથી મળેલી માહિતી આ પત્રને જરૂરી બતાવેછે અને એ તને જ સીધો લખાય તે વધારે સારું છે.

ભારતમાંના કાર્ય માટે તારું ભાવિ ઉજ્જ્વળ છે એ માટે તને નિખાલસપણે જણાવવું જોઈએ. ભારતના કાર્ય માટે, વિશેષે તો સ્ત્રીઓમાં કાર્ય માટે પુરુષની નહીં પણ સ્ત્રીની, એક સાચી સિંહણની જરૂર છે. ભારત હજી મહાન સ્ત્રીઓ ઉત્પન્ન કરી શકે તેમ નથી એટલે, બીજાં રાષ્ટ્રો પાસેથી ભારતે તે ઉછીની માગવી રહી. તારું શિક્ષણ, તારી નિષ્ઠા, તારી શુચિતા, તારો અગાધ પ્રેમ, તારો દૃઢ નિશ્ચય અને સૌથી વિશેષે તારું કેલ્ટિક લોહી અહીં જેની તાતી જરૂર છે તેવી નારી બનાવે છે.’

માર્ગરૅટ ભારત આવ્યાં અને એમનો પુનર્જન્મ થયો. માર્ગરૅટ ‘ભગિની નિવેદિતા’ બન્યાં. ૨૮મી જાન્યુઆરી ૧૮૯૮ને દિવસે એ આવ્યાં અને, ૧૩મી ઑક્ટોબર, ૧૯૧૧ને દિવસે એ અવસાન પામ્યાં, એ લાંબા ગાળાનાં તેર વરસો દરમિયાન ભગિની નિવેદિતા શું થયાં અને એમણે શું કર્યું તે શૌર્યભરી સિદ્ધિની અને અનન્ય ત્યાગની અદ્‌ભુત ગાથા છે. એમણે પોતાને માટે કશું જ રાખ્યું નહીં. એમનાં સમગ્ર ચિંતન અને ચેતના, સ્વપ્ન અને જાગ્રતિ, એમની મેધા, ખરેખર તો એમનું સર્વસ્વ એમણે એક ભારતમાં અને, માત્ર ભારતમાં જ, ન્યોછાવર કરી દીધું. પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને એ કહેતાં: ‘ભારતની પુત્રીઓ, તમે રોજ પાઠ કરો – ‘હે ભારતવર્ષ, ભારતવર્ષ, ભારતવર્ષ, મા, મા, મા!’ અને પછી પોતાની માળા ફેરવતાં એ જાતે રટણ કરવા લાગ્યાં: ‘ભારતવર્ષ, ભારતવર્ષ, ભારતવર્ષ, મા, મા, મા.’ એ ભારતની ચિન્મય, સત્ય અને ચેતનામય મૂર્તિ એમને પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદમાં પ્રત્યક્ષ થતી પ્રતીત થઈ હતી. એ બંને પ્રતિમાઓ એમના ચિત્તમાં એક અને અવિછિન્ન રીતે પ્રતિષ્ઠિત થઈ હતી. એમની ચેતનામાં ભારત અને સ્વામી વિવેકાનંદ એકરૂપ અને અવિભક્ત હતા.

સ્વામી વિવેકાનંદનું એક પ્રવચન વાગોળતાં પોતાની અંતરતમ ભાવનાઓને વાચા આપતાં, ન્યુયૉર્કથી ૪થી જૂન, ૧૯૦૦ના રોજ લખેલા એક પત્રમાં એમણે કહ્યું છે:

‘પછી એમના આગમનની વાટ જોતાં અમે બેઠાં હતાં ત્યારે, મને મોટી ધ્રુજારી આવી ગઈ કારણ, મને અનુભવ થયો કે, સાદી દેખાતી એ પળ, કસોટીની પળ હતી. મેં આ કર્યું તે પછી કેટલું વીતી ગયું હતું! મારું પોતાનું જીવન-ક્યાં હતું એ? ખોવાઈ ગયું હતું – આ પુરુષને ચરણે બેસી શકું એ માટે, ઉતારેલા વસ્ત્રની માફક ફેંકી દીધું હતું. એ ભૂલ હતી, ભ્રમ હતો કે વરણીનો વિજય હતો એ, થોડી મિનિટમાં ખબર પડી જશે.

ને એ આવ્યા; એમનો પ્રવેશ અને, આરંભ કરતાં પહેલાં વાટ જોતાં શાંત ઊભા તે એક સ્તોત્ર સમું હતું. જાણે કે એ સ્વયં પૂજોપચાર જ હતો.

આખરે એ બોલ્યા – એમનો ચહેરો મજાકથી છવાઈ ગયો. ‘મારે શા વિષય પર બોલવાનું છે?’ એમણે પૂછ્યું. ‘વેદાન્ત ફિલસૂફી’, કોઈકે સૂચવ્યું અને એમણે આરંભ કર્યો.

એકત્વ, સર્વ પદાર્થોની એકતા… બધાં તત્ત્વોનો સાર એકત્વ છે. સુવર્ણ, પ્રેમ, દુ:ખ, જગત-આ જે ભિન્ન જુઓ છો તે વાસ્તવમાં ઈશ્વર જ છે… આપણે અનેકનું દર્શન કરીએ છીએ પરંતુ, અસ્તિત્વ માત્ર એકનું જ છે… એમની અભિવ્યક્તિની માત્રામાં જ તફાવત છે. આજનો (ભૌતિક) પદાર્થ આવતી કાલનો આત્મારૂપ છે. આજનું તંતુ, આવતીકાલનો ઈશ્વર છે. આ બધા ભેદોને આપણે ચાહીએ છીએ તે, અનંત ઘટનાના ખંડ છે અને, અનંત ઘટના મુક્તિની પ્રાપ્તિ છે.

અને ભવ્ય વાક્યો એક પછી એક સરતાં જ રહ્યાં અને, અમે, અનંતમાં ઊંચકાઈ, સૂર્ય ચંદ્રને રમકડાં માની તેમને લઈ લેવા હાથ લંબાવતાં બાળકોના જેવી અમારી જાતને માનવા લાગ્યાં.

એ વિસ્મયકારક સ્વર આગળ વધ્યો.

વિચાર જ બધું છે, સ્વર કંઈ નથી એમ કહેનારા ખરે જ, ભાન ભૂલ્યા છે. જગતના હાટમાં આશ્રમ ઊભા કરતા, વિશ્રામના એ કલાક, કોઈ કેથેડ્રલમાંના સ્તોત્ર જેવો, શબ્દોને કાવ્યનું સંગીત બક્ષતા એ સ્વરના આરોહ અવરોહો હતા.

આખરે – ચિત્તમાં બધાંનું શમન-‘એક ક્ષણ પણ તમને હું મળી શક્યો નહીં કે તમારી સાથે વાત કરી શક્યો નહીં- બોલતો ને જોતો હું અહીં ઊભો છું-આ અનંત એકતા ક્ષણમાત્રને માટે પણ તૂટે તો-એક નાના અણુને ભાંગી એનું સ્થળાંતર કરી શકાય તો-હરિ ઓમ્ તત્ સત્!’

ને મારી વાત કરું તો, આપણે માટે જીવન ધારણ કરે છે તે બધી ગહન વસ્તુઓ મને પ્રાપ્ત થઈ હતી… સામે ઊભેલો આ માનવી મારા જીવનને એની અંજલિમાં ધારણ કરી ઊભો હતો-અને એકાદ વાર એની દૃષ્ટિ મારી ઉપર પડતી ત્યારે, મારા અંતરમાં અનુભવાતી હતી તે જ મને તેમાં દેખાતું હતું-પૂર્ણ શ્રદ્ધા અને હેતુની દૃઢ સમજ-એથી કશું ઉચ્ચતર ન હતું.’

આ અતિ મહાન ઘટના હતી. એણે માર્ગરૅટના જીવનમાં આણેલું પરિવર્તન પછીના બનાવોની પરંપરાએ બરાબર બતાવી આપ્યું છે. ૧૯૦૪ના જુલાઈની ૨૬મી એ એણે કુમારી મૅક્લેઑડને લખ્યું હતું: ‘સ્વામીજી એ સમયે લંડન આવ્યા ન હતા એમ ધાર તો! જીવન માથા વગરના ધડ જેવું હોત. કારણ હું બરાબર જાણતી હતી કે, હું કશુંક ઝંખી રહી હતી, મને સાદ પડશે એમ હું રોજ કહેતી અને, એ પડ્યો જ.’

પશ્ચિમના ઘણા મહાન આત્માઓ અને ઉદાત્ત મહિલાઓ ભારત આવ્યાં હતાં. ભારતને અને એની પ્રજાને એ ખૂબ ચાહતાં. પરંતુ, ભગિની નિવેદિતાની માફક અન્ય કોઈએ પોતાનાં શરીર, મન, આત્મા, ધર્મ, ચિંતન, જ્ઞાન, શક્તિ, બુદ્ધિ અને પ્રતિભાનું બલિદાન આપ્યું ન હતું. પોતાના અસ્તિત્વનાં છેલ્લાં બિંદુનું બલિદાન અને, સ્વપ્ન, સુષુપ્તિ તથા જાગ્રત અવસ્થાઓમાં પોતાની જાતનું પૂરું સમર્પણ બીજા કોઈએ કર્યું ન હતું. ને બદલામાં આ દેશના લોકો પાસેથી, સમાજ પાસેથી, સરકાર પાસેથી એને શું મળ્યું? અલબત્ત, થોડા અપવાદરૂપ લોકોએ એમને ખૂબ આદર આપ્યો અને, ખૂબ ઊંચે આસને બેસાડ્યાં. પણ એમણે જે આપ્યું છે તેનું પલ્લું, એમને સાંપડેલા પ્રતિભાવ કરતાં ક્યાંય વધારે વજનદાર છે. જો કે બદલાની કશી આશાથી એમણે કશું કર્યું જ ન હતું. પોતાના ગુરુને બોલે એ બધું આપવા જ અહીં આવ્યાં હતાં. અને પોતાના જીવનરક્તનું છેલ્લું બિંદુ પણ એમણે અર્પણ કરી દીધું. એમનો ત્યાગ પુરાણોના ઋષિ દધિચિની કથા યાદ આપે છે. જરા પણ હિચકિચાટ વિના એણે પોતાની પાંસળીઓનાં હાડકાં આપી દીધાં હતાં અને એમાંથી, ઇન્દ્રનું અમોઘ વજ્ર ઘડાયું હતું. ત્રાસ અને શોષણના આસુરી દુર્ગમ કિલ્લાને એ વજ્રે ધરાશાયી કરી શીર્ણવિશીર્ણ કરી નાખ્યો અને, દેવતાઓના પારંપરિક શત્રુઓ એવા દાનવોનો નાશ કર્યો. ઉત્તમોત્તમ શૌર્ય, સેવા અને ત્યાગનું વજ્ર આમ પ્રતીક મનાયું છે.

વજ્રનું દૃષ્ટાંત સ્વામી વિવેકાનંદને અતિ પ્રિય હતું અને, એમની પ્રિયતમ આધ્યાત્મિક પુત્રીને એમની એ વજ્રપ્રીતિ વારસામાં મળી હતી. પોતે પૂરાં સમર્પિત હોઈ, ભારતને આસુરી નાગચૂડમાંથી ભારતને મુક્ત કરાવવા, ભારતનાં સંતાનોનાં હૃદયમાં શૌર્ય અને ત્યાગનો જ્વલંત અગ્નિ પ્રદીપ્ત કરવા ચાહતાં હતાં અને એ રીતે, સ્વામી વિવેકાનંદના વજ્ર તરીકે પોતાની જાતને વિકસાવવા ચાહતાં હતાં. શૌર્ય, શુચિતા, સેવા અને ત્યાગના જ્વલંત પ્રતીક સમા વજ્રની અગત્ય વિશે ભગિની નિવેદિતાએ જાતે લખ્યું છે:

‘નિ:સ્વાર્થ માનવી વજ્ર છે. નિ:સ્વાર્થી થવા આપણે યત્ન કરીએ એટલે આપણે દેવોનું શસ્ત્ર બનીશું. કેમ? એ પૂછવાનો આપણો અધિકાર નથી. પદ્ધતિઓના આયોજનનો આપણો અધિકાર નથી. વેદી આગળ જાતને ધરી દેવાનો જ આપણો અધિકાર છે.’

ભારત અને સ્વામી વિવેકાનંદ સાથે યુક્ત ન હોય એવું એક પણ કાર્ય વિચારવા કે કરવા માટે ભગિની નિવેદિતાએ કદી એક ક્ષણ પણ વીતાવી ન હતી. સ્વામી વિવેકાનંદના જીવનકાળ દરમિયાન કે, એમના અવસાન પછીથી, ભગિની નિવેદિતાએ જે કંઈ કર્યું કે વિચાર્યું તે કદાચ, સ્વામી વિવેકાનંદના પંથથી ચાતરતું ગણાયું હોય પણ, વાસ્તવમાં, એ ભારતના હિતમાં અને ગુરુની ખુશી માટે જ કરવામાં આવ્યું હતું. છતાં, પોતે ગુરુચીંધ્યે માર્ગે જ જઈ રહેલ છે કે નહીં એ બાબતે અનેક વાર ચિંતા કરતાં. પોતાના ૧૯૦૪ના માર્ચની ૧૭મીના કુ. મૅકલોઑડ પરના પત્રમાં એ લખે છે: ‘સ્વામીજીને કશાક ખપની હું હતી એમ જોવાની મને તક મળશે ખરી? એમનો બોજ હું ઉઠાવતી રહું તે જ મારે હંમેશાં જોઈએ છે, જોઈતું હતું અને જોઈશે.’ શ્રીમતી ઑલૅ બુલને લખેલા ૧૨મી ડિસેમ્બર, ૧૮૯૬ના બીજા પત્રમાં ભગિની નિવેદિતાએ, ટૂંકમાં પણ, એ જ વેદના તીવ્રપણે ઠાલવી હતી. ‘હું ચીટકી રહીશ અને કોશિશ કરીશ. પણ, શાંતિ અને આજ્ઞાપાલન સિવાય મારે માટે બીજો કોઈ માર્ગ નથી… પરંતુ રે! હું શું વિશ્વાસભંગ કરું છું? હું કરું છું? હું? એનો ઉત્તર મને કોણ આપશે?’

મેરી લુઇઝ બર્ક સુંદર રીતે ટિપ્પણી કરે છે:

‘ઉત્તર કાળે આપ્યો છે. સ્વામીજીના નિધનને વર્ષો વીત્યાં તેમ, પોતાની આધ્યાત્મિક પુત્રી ઉપર વર્ષાવેલા અનેક આશીર્વાદો, એને આપેલી તાલીમ અને એમણે બક્ષેલી સૂક્ષ્મ દૃષ્ટિ ભગિની નિવેદિતામાં ઊંડી અને સમન્વિત રીતે સુદૃઢ થયાં અને, સૌ જાણે છે તેમ, એનાં સુંદર ફળ આવ્યાં.’

દેવોના રાજા દેવેન્દ્રના હાથમાં પુરાણોના ઋષિ દધિચિ વજ્ર બન્યા હતા. નરોના અધિપતિ નરેન્દ્રના હાથમાં ભગિની નિવેદિતા વજ્ર બન્યાં! સ્વામી વિવેકાનંદની વિશેષ પૂજાનાં અધિકારી દેવો નહીં મનુષ્યો હતા. સ્વામી વિવેકાનંદની કથા, ખરે જ, માનવમહિમાની કથા છે. આ મહાકાર્ય માટે સ્વામી વિવેકાનંદે ભગિની નિવેદિતાને અને એના જીવનના અંત સુધી પોતાની નિશ્રામાં સમર્પિત કર્યાં હતાં. એ પછી ભલે કલકત્તામાં પ્લેગરાહતનું કામ હોય, ભારતીય નારીશિક્ષણનું કાર્ય હોય, ભારતીય કલાની પુનર્જાગ્રતિનું કાર્ય હોય કે, ભારતીય વિજ્ઞાનના વિકાસનું કાર્ય હોય કે, ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં નવું બળ પૂરવાનું હોય, ભગિની નિવેદિતાનો મૂળભૂત ખ્યાલ એ હતો કે, ‘હું મારા ગુરુની, મારી નવી માતૃભૂમિ ભારતની અને માનવની સેવા કરું છું અને, મારા ગુરુના સ્વપ્નને સાકાર કરવા મારી જાતને સમર્પિત કરું છું. ભારતની અને માનવીની ઉત્તમ ગરિમા સ્વામી વિવેકાનંદમાં શ્રેષ્ઠ અને સુંદરતમ રૂપે પડતી એને દેખાઈ. એને લખેલા પોતાના પહેલા જ પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું: ‘ખરે જ મારો આદર્શ થોડા શબ્દોમાં મૂકી શકાય અને એ છે-મનુષ્યજાતને પોતાની દિવ્યતાનો બોધ કરવો અને, જીવનની પ્રત્યેક ક્ષણમાં એ દિવ્યતાને કેવી રીતે પ્રગટ કરવી.’ રવીન્દ્રનાથ ઠાકુરે જેને ‘લોકમાતા’ તરીકે ઓળખાવેલાં તે ભગિની નિવેદિતાની કથા એમના ગુરુના અદ્‌ભુત સંદેશના ફલીકરણને કરેલા પૂર્ણ સમર્પણની કથા છે.

પુરાણોના ઋષિ દધિચિના બલિદાનની કથા ભારતમાં ખૂબ જાણીતી છે. પણ દધિચિના ત્યાગની એ ગાથા એક પૌરાણિક પ્રસંગ પાત્ર છે એની ના કોણ કહી શકશે? આવી ઘટના વાસ્તવમાં બનતી જોવી શક્ય છે? જ્યાં ભગિની નિવેદિતાનો પાર્થિવ દેહ અગ્નિને સમર્પિત કરવામાં આવ્યો હતો ત્યાં દાર્જિલિંગમાં, સ્મારકશિલા પર લખવામાં આવ્યું છે:

‘પોતાનું સર્વસ્વ ભારતને આપનાર ભગિની નિવેદિતા અહીં સૂતા છે.’ અહીં ‘ભારત’ એટલે જેટલો ભારતવર્ષ-દેશ એટલા જ સ્વામી વિવેકાનંદ અને એટલો જ સામાન્ય નાગરિક. ઈતિહાસની દધિચિનારી વિશે આ, કદાચ, અંતિમ શબ્દ છે.

ભાષાંતર : દુષ્યંત પંડ્યા

(‘સિસ્ટર નિવેદીતા શતાબ્દી સ્મરણીકા’માંથી સાભાર)

Total Views: 549

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.