“મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે ચોક્કસ મારી અંદર મૃતપ્રાય થઈ ગયું હોવા છતાં મેં સત્યની શોધ ચાલુ રાખી.”

ભગિની નિવેદિતાએ પોતાની ડાયરીમાં લખેલાં આ વાક્યો એમના અંતરમાં રહેલી સત્યની શોધ માટેની તીવ્રતમ ઝંખનાને વ્યક્ત કરે છે. સત્યપ્રાપ્તિની અભીપ્સા તો એમના જન્મકાળથી જ એમની સાથે જડાયેલી હતી. વયના વધવા સાથે એ અભીપ્સા ઉત્કટ બનતી ગઈ. પરંતુ તેને સ્પષ્ટ દિશા મળતી ન હતી. જેમ જેમ તેમની બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમનો સંઘર્ષ પણ વધતો ગયો. તેમાં પણ સત્તરથી એકવીસ વર્ષનો તેમનો ગાળો એ તીવ્ર મનોમંથનનો કાળ હતો. બુદ્ધિના વિકસવાની સાથે ધર્મના રૂઢ ખ્યાલો પ્રત્યે તેમને શંકા ઉદ્‌ભવવા લાગી અને તે એટલી પ્રબળ બની કે તેમણે પછી દેવળમાં જવાનું જ બંધ કરી દીધું. ધર્મમાં અનાસ્થા, અંતરમાં અજંપો અને મનમાં અશાંતિ ભરી સ્થિતિ તેમને બૌદ્ધધર્મ પ્રત્યે દોરી ગઈ. ત્રણ વર્ષ સુધી તેમણે બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. આ અભ્યાસનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો પણ છતાં તેમની બુદ્ધિનો બળવો આ અભ્યાસથી પણ શમ્યો નહીં. તેમના મનમાં પ્રશ્નો તો સતત ઊઠતા જ રહ્યા કે શું જીવનનો ઉદ્દેશ માત્ર નિર્વાણની પ્રાપ્તિનો જ છે? જો નિર્વાણનું જ ધ્યેય હોય તો પછી જીવન શા માટે આપવામાં આવ્યું છે? આ પ્રશ્નોનું સમાધાન તેમને ક્યાંયથી મળતું ન હતું. જે પ્રકાશ અને સત્યને તેઓ ઝંખતાં હતાં તેમાં દર્શન થતાં ન હતાં. એમની આવી મનઃસ્થિતિથી પરિચિત એમના મિત્રો પણ ચિંતિત હતા અને એમને આ દિશામાં યોગ્ય માર્ગદર્શન મળે એ માટે પ્રયત્નો કરતા રહેતા.

એક દિવસ એમના પિતરાઈ લોર્ડ રિપન, જેઓ ભારતના એક વખતના વાઈસરૉય હતા, તેમણે તેમને કહ્યું: “માર્ગારેટ, તું મારે ત્યાં રવિવારે આવજે. તારો આત્મા જેને ઝંખે છે, તેમાં મદદરૂપ થાય, તેવા એક હિંદુ યોગીનું પ્રવચન છે. ત્યાં હું તને લઈ જઈશ.”

નવેમ્બર મહિનાના એ રવિવારે નિવેદિતા હિંદુયોગીને જોવા ને સાંભળવા લેડી ઈઝાબેલને ત્યાં પહોંચી ગયાં. ઠંડીના દિવસો હતા. તેથી ફાયર પ્લેસમાં અગ્નિ જલતો હતો. બધાં અર્ધવર્તુળાકારે અગ્નિની હૂંફમાં બેઠાં હતાં. તેમણે તેજસ્વી મુખમુદ્રા, પ્રકાશના કિરણો વેરતી દૃષ્ટિ, ગંભીર કંઠ ધ્વનિ, તેજથી આલોકિત ભવ્ય લલાટવાળા ને ઢીલા અને ભગવા રંગના ઝબ્બામાં શોભી રહેલા યુવાન હિંદુ યોગીને જોયા ત્યારે એવું લાગ્યું કે જાણે સાક્ષાત્ હિંદુધર્મ ત્યાં સદેહે ઊતરી આવ્યો ન હોય! એમના મુખમાંથી વાણીની અસ્ખલિત ધારા વહેતી હતી. તેઓ વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લોકો અને વાક્યોનું ઉચ્ચારણ કરતા હતા. તેમના મુખમાંથી થોડી થોડી વારે શિવના નામનો ઉદ્ઘોષ થતો સંભળાતો હતો. આ સમગ્ર દૃશ્ય જોતાં નિવેદિતાને એવું લાગ્યું કે જાણે ભારતના કોઈ ગામડાની ભાગોળે વૃક્ષની છાયા નીચે બેસીને કોઈ મહાત્મા વેદાંતના રહસ્યો સમજાવી રહ્યા ન હોય! સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાયેલી હતી એનો નિવેદિતાના આત્માને અનુભવ થયો. જ્ઞાનવાણીની એ અસ્ખલિત વહેતી ધારામાં ત્યાં હાજર રહેલાં સહુ તરબોળ બની ગયાં. ત્યારે તો નિવેદિતા આ હિંદુ યોગી શિકાગોની ધર્મસભાને ગજાવનાર સ્વામી વિવેકાનંદ છે, તે જાણતાં ન હતાં. પરંતુ તેઓ તેમના તેજોમય વ્યક્તિત્વ, વેદાંતનું તેમનું ઊંડું જ્ઞાન, તેમની સહજતા, સરળતા અને અસ્ખલિત જ્ઞાન ધારાથી પ્રભાવિત તો જરૂર થયાં. પણ તેમની તીવ્ર બુદ્ધિમત્તા અને સંશયવાદી મને સ્વામીજીની વાતોનો સ્વીકાર તો ન જ કર્યો. પ્રવચન બાદ તેમણે પોતાના મિત્રોને કહ્યું કે સ્વામીજીના પ્રવચનમાં કશું જ નવું ન હતું. આમ સ્વામીજીનું પ્રથમ પ્રવચન નિવેદિતાની જ્ઞાનપિપાસાને તત્કાલ તો છિપાવી શક્યું નહીં. પરંતુ ઘરે જઈને જ્યારે એમણે સ્વામીજીએ કહેલી બધી જ બાબતો પર ઊંડો વિચાર કર્યો, ત્યારે તેમને તેમાં ઘણું નવું જાણવા મળ્યું. તેમને થયું કે સત્ય સનાતન છે. શાશ્વત છે, મુક્ત છે, એ નૂતન પણ નથી ને પુરાતન પણ નથી. એ અવિકારી છે. માણસનું મન એને વિકૃત બનાવી દે છે. જેમ જેમ તેઓ સ્વામીજીના પ્રવચન પર વિચાર કરતાં ગયાં તેમ તેમ તેમની આંતરદૃષ્ટિ ખુલતી ગઈ અને પછી તેમને સ્વામીજીનું પ્રવચન જીવન દર્શનથી ધબકતું લાગ્યું. સ્વામીજીએ પ્રવચનમાં કહ્યું હતું: “બધા જ ધર્મો સત્ય છે. કોઈની પણ નિંદા કરો નહીં. ધર્મ એ તો સાક્ષાત્કારની વસ્તુ છે, માત્ર શ્રદ્ધાની નહી.” આ બધું તો નિવેદિતા માટે નવું જ હતું, અને એ જ તો હતું માનવજીવનનું પરમ સત્ય.

નિવેદિતા પર કોઈનો ય પ્રભાવ સહેલાઈથી પડી શકતો નહીં. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની કે તેના વિચારોની તેમના પર સહેલાઈથી અસર થઈ શકતી નહીં એવું એમનું આગવું વ્યક્તિત્વ હતું. પરંતુ તેઓ જેમ જેમ સ્વામીજીએ વ્યાખ્યાનમાં કહેલી બાબતો પર મનન ને ચિંતન કરતાં ગયાં, તેમ તેમ તેમના અંતરમનમાં સ્વામીજીએ કહેલી બાબતો નવા જ સ્વરૂપે સ્પષ્ટ થવા લાગી. તેમાં હવે તેમને સત્યદર્શનની ઝાંખી થવા લાગી. તેમને થયું કે આત્માના અનુભવ વગર શબ્દોમાં આટલી પ્રચંડ શક્તિ પ્રગટી શકે નહીં. હવે તેઓ સ્વામીજીનું બીજું પ્રવચન સાંભળવા ઉત્સુક બની ગયાં. તે વખતે લંડનમાં સ્વામીજીનાં બે જ પ્રવચનો બાકી હતાં. તેમણે એ બંને પ્રવચનોમાં હાજરી આપી. હજુ તેમનું સંશયવાદી મન શાંત થયું નહતું. તેમના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. પણ હવે તેઓ સ્વામીજી સમક્ષ આ પ્રશ્નો રજૂ કરવા લાગ્યાં અને સ્વામીજી પણ આ બુદ્ધિમતી મહિલાના અસંખ્ય પ્રશ્નોના ઉત્તર આપતાં કંટાળ્યા નહીં. ઊલટું તેમણે તો તેમને પ્રોત્સાહન આપતાં કહ્યું: “તમે કોઈ પણ વાત સહેલાઈથી સ્વીકારી શકતાં નથી. પણ આ બાબતમાં તમારે દિલગીર થવું નહીં. મેં છ વર્ષ સુધી મારા ગુરુદેવનો વિરોધ કર્યો હતો અને તેના પરિણામે હું રસ્તાનો એક એક કણ જોઈ શક્યો છું.” આ રીતે પ્રોત્સાહન મળતાં નિવેદિતા સ્વામીજી સાથે મુક્તપણે ચર્ચા કરવા લાગ્યાં. એટલું જ નહીં પણ સ્વામીજીએ કહેલી બાબતો જો પોતાને સાચી ન જણાતી હોય તો અસંમતિ પણ દર્શાવવા લાગ્યા. નિવેદિતા પોતાના મનને ખુલ્લું કરી શકે, પોતાની અંતઃ સ્થિતિને નિઃસંકોચ વ્યક્ત કરી શકે, તો જ સ્વામીજી એમને ધર્મની સાચી સમજ આપીને તેમના સાચા આંતર સ્વરૂપ સાથે તેમનું અનુસંધાન કરાવી શકે. અને એટલે જ સ્વામીજીએ એમને પ્રશ્નો પૂછતાં કે મતભેદ પ્રગટ કરતાં ક્યારેય અટકાવ્યાં નહીં.

સ્વામીજીના મહાન આદર્શો અને તેમના આત્માની ભવ્યતાથી નિવેદિતા ખૂબ પ્રભાવિત થયાં. ‘ધ માસ્ટર ઍઝ આઈ સૉ હીમ’ પુસ્તકમાં તેઓ આ વિષે લખે છે; “મેં જોયું કે ધાર્મિક ગુરુ તરીકે એમની પાસે રજૂ કરવાની વિચારની પદ્ધતિ હતી. છતાં પણ એમને જણાય કે સત્ય ક્યાંક બીજે જ દોરી જાય છે, તો તે જ ક્ષણે તેઓ તે પદ્ધતિનો ત્યાગ કરી દેતા. આ જોઈને જ હું તેમની શિષ્યા બની. મેં એમના ઉપદેશનો અને એ ઉપદેશની સુસંગતતાની ખાતરી કરવા પૂરો અભ્યાસ કર્યો. પરંતુ તેઓ જે કહેવા આવ્યા હતા તેના પ્રમાણભૂત અનુભવો મને ન થયા ત્યાં સુધી ક્યારેય મેં એનો અંતિમ સત્ય તરીકે સ્વીકાર કર્યો નહીં.” જેવા ગુરુ હતા, એવા જ શિષ્યા મળ્યાં. સ્વામી વિવેકાનંદે પણ પૂરી ખાતરી કર્યા બાદ જ પોતાના ગુરુદેવની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. એમ જ અહીં પણ બન્યું. નિવેદિતાએ પોતે જ જણાવ્યું છે કે સ્વામીજીના ઉપદેશનો સ્વીકાર કરતાં પહેલાં તેમણે મહિનાઓ સુધી એ બાબત પર ચિંતન કર્યું હતું. ઊંડું ચિંતન કરતાં એમને હિંદુ ધર્મની ગહનતાનો પરિચય થવા લાગ્યો. માનવ આત્માના ખરા રહસ્યની ઝાંખી થવા લાગી. ફરીથી સ્વામીજી પાછા એપ્રિલમાં લંડનમાં આવ્યા ત્યારે નિવેદિતા તેમના જ્ઞાનયોગ અને વેદાંતના વર્ગોમાં નિયમિત જવા લાગ્યાં.

એક દિવસ પ્રશ્નોત્તરીનો વર્ગ ચાલતો હતો, ત્યારે સ્વામીજી એકાએક ગર્જના કરીને બોલી ઊઠ્યાં.

“જગતને આજે એવાં વીસ સ્ત્રીપુરુષોની આવશ્યકતા છે, કે જેમનામાં એટલું સાહસ હોય કે જેઓ હિંમતપૂર્વક ઊભા થઈને પોકારીને કહી શકે કે ભગવાન સિવાય બીજું કશું જ એમની પાસે નથી. કોણ આગળ આવે છે? આગળ આવતાં કોઈએ શા માટે ડરવું જોઈએ? જો આ જ સત્ય હોય તો બીજાનું શું મહત્ત્વ છે? અને જો આ સત્ય ન હોય તો જીવનનું શું મહત્ત્વ છે?’’ સ્વામીજીના અંતરમાંથી ઉદ્‌ભવેલા આ શબ્દોએ નિવેદિતાના હૃદયને હચમચાવી નાખ્યું. એમણે અનુભવ્યું કે આ જ તો એ શબ્દો હતા કે જેની તેઓ વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. તેમાં એક પોકાર હતો. એક આહ્વાન હતું. તેમના જીવનપથને ઝબકારામાં પ્રગટ કરી દેતો એક વિદ્યુત્ચમત્કાર તેમણે જોયો. અને તે જ ક્ષણે તેમનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. આ વિષે “ધ વૅબ ઑફ ઈન્ડિયન લાઈફ” નામના પુસ્તકમાં તેમણે લખ્યું છે; “ધારો કે સ્વામીજી તે વખતે લંડન ન આવ્યા હોત તો! તો જીવન મસ્તક વગરના ધડ જેવું બન્યું હોત. કેમ કે હું કંઈક વસ્તુ માટે રાહ જોઈ રહી હતી. અને મેં હંમેશાં કહેલું કે આદેશ આવશે જ અને એ આવ્યો…”

જો હું જીવન વિષે વધારે જાણતી હોત, તો તે સમયે મેં શંકા કરી જ હોત કે એ આદેશ આવશે ત્યારે તેને હું ઓળખી શકીશ કે કેમ! પણ સદ્‌ભાગ્યે તે વખતે હું બહુ જ ઓછું જાણતી હતી અને તેથી તે આશંકામાંથી પણ બચી ગઈ. હવે હું પુસ્તક પ્રત્યે જોઉં છું ને કહું છું કે જો તેઓ ન આવ્યા હોત તો! કારણ કે એ સળગતો સાદ મારી અંદર હતો, પણ અભિવ્યક્તિ માટે કશું જ ન હતું.” નિવેદિતાના અંતરમાં રહેલા એ સળગતા સાદને સ્વામીજીએ પ્રગટ કર્યો ને તેમને યોગ્ય દિશામાં વાળી દીધો.

જેમ જેમ નિવેદિતાને સ્વામીજીનો વિશેષ પરિચય થતો ગયો, તેમ તેમ તેમને અંતરમાં પ્રતીતિ થવા લાગી કે આ જ મહાપુરુષ એમને એમના જીવનધ્યેય પ્રત્યે દોરી જવામાં સહાયક બની શકશે. સ્વામીજીને પણ નિવેદિતાની આંતરશક્તિઓનો પરિચય થતાં તેમને જણાયું કે આ શક્તિઓ પ્રગટ થઈ જો પ્રભુનાં કાર્યોમાં યોજાય તો ઘણાં મહાન કાર્યો થઈ શકશે. આથી તેઓ પણ તેમને માર્ગદર્શન આપતા રહ્યા અને આધ્યાત્મિક માર્ગે જવા પ્રેરતા રહ્યા. સ્વામીજીએ નિવેદિતાને એક પત્રમાં લખ્યું; “તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે. તમારામાં દુનિયા હલાવનારનું સામર્થ્ય છે અને બીજાઓ પણ આવશે, નીકળશે. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની આપણે જરૂર છે.”

“જગત આખું પીડાઈ રહ્યું છે, ત્યારે શું તમે ઊંઘી શકો? સૂતેલા દેવો જાગે અને આપણી અંદર રહેલા પ્રભુ આપણા પોકારનો જવાબ દે, ત્યાં સુધી ચાલો આપણે સતત પોકાર પાડીએ. જીવનમાં બીજું વધારે છે શું? આનાથી મોટું કાર્ય ક્યું છે? હું યોજનાઓ બનાવતો નથી, યોજનાઓ એની મેળે ઊભી થાય છે ને કાર્ય કરે છે. હું તો માત્ર એટલું જ કહું છું કે જાગો, જાગો.” આ પત્રમાં એવું તો સામર્થ્ય હતું કે તેણે નિવેદિતાની આંતરચેતનાને જગાડી દીધી. એ પછી એક દિવસ વાર્તાલાપમાં સ્વામીજીએ નિવેદિતાને કહ્યું: “મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે અને મને લાગે છે કે તમે તેમાં મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.” સ્વામીજીનાં આ વાક્યોએ નિવેદિતાને તેમના ભાવિ કાર્યની દિશા બતાવી દીધી. પણ તે સમયે આ યોજના શી છે, તે તેઓ જાણતાં ન હતાં, તેઓ લખે છે; “તે કઈ યોજનાઓ હતી, તે હું જાણતી ન હતી. અને એ ક્ષણે મારા પરિચિત કાર્યને છોડી દેવાનો પ્રયત્ન એટલો મોટો હતો કે તે યોજના વિષે પૂછવાની મને દરકાર ન હતી. પણ મને એટલું લાગ્યું કે મારે ખૂબ શીખવાનું હતું, કારણ કે મારે વિદેશી લોકો વિષે જગતના સંદર્ભમાં ઓળખ કરવાની હતી.” અને સ્વામીજીએ નિવેદિતાને એ ઓળખ કરાવી આપી. તેમણે તેમને હિંદનો સાચો પરિચય કરાવ્યો. પણ તે પહેલાં તેમણે એમની દૃઢતાની કસોટી પણ કરી હતી.

નિવેદિતા ભારત આવવા ઉત્સુક હતાં, તે માટેની તેમણે પૂરી તૈયારી પણ કરી લીધી હતી. પરંતુ સ્વામીજી તેમને હિંદમાં આવવાની ઉતાવળ કરવા દેવા ઈચ્છતા નહોતા. આથી તેમણે તેમને પત્રમાં લખ્યું; “અહીં આવવા કરતાં ઇંગ્લેંડમાં રહીને તમે અમારા માટે વધારે સારું કામ કરી શકશો. ગરીબ ભારતવાસીઓ માટે તમારા મહાન આત્મભોગ માટે ઈશ્વર તમારું કલ્યાણ કરો.” આમ સ્વામીજીએ નિવેદિતાની ભારતમાં આવીને કાર્ય કરવાની તેમની ઈચ્છાનો ત્યારે તો સ્વીકાર કર્યો નહીં. કેમ કે એક વિદેશી સુશિક્ષિત નારીને હિંદમાં અશિક્ષિત અને ચૂસ્ત રૂઢિવાદી લોકોની વચ્ચે રહેવામાં અને કામ કરવામાં કેવી મુશ્કેલીઓ ઉભી થાય તે તેઓ જાણતા હતા અને એ વાતાવરણમાં નિવેદિતા પોતાનો માર્ગ કાઢી શકે એવી એમની આંતરિક શક્તિ અને દૃઢતાની તેમને ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ તેમને અહીં આવવા માટે ઉતાવળ કરવા દેવા ઈચ્છતા ન હતા, જ્યારે નિવેદિતાને પોતાના આ મહાન ગુરુના દેશમાં આવીને એમના લોકો માટે કામ કરવું હતું. તે માટે તેમની આંતરિક તૈયારી પૂરી હતી. સ્વામીજી પ્રત્યે તેમને હવે પૂર્ણ શ્રદ્ધા હતી પરંતુ સ્વામીજી એવું પણ ઈચ્છતા હતા કે ભારતમાં આવીને નિવેદિતા ફક્ત એમના પર જ આધારિત ન બની રહે પણ તેમનો સ્વતંત્ર વિકાસ થાય એ માટે પણ ભારતમાં આવ્યા પહેલાં જ સ્વામીજીએ એમને ચેતવણી આપી દીધી હતી. એક પત્રમાં તેમણે લખ્યું; “પોતાનો સમગ્ર પ્રેમ મને આપતાં લોકોને હું જોઉં છું, પણ બદલામાં મારે કોઈને મારો સમગ્ર પ્રેમ આપવો ન જોઈએ… કારણકે એ દિવસે કાર્ય નાશ પામશે… નેતાએ નિરપેક્ષ રહેવું જોઈએ. મને ખાતરી છે કે તમે આ સમજો છો.” આમ પોતાના પ્રત્યેના પ્રેમ ભક્તિના બંધનમાં નિવેદિતા બંધાઈ ન રહે એની પણ સ્વામીજીએ પૂરેપૂરી કાળજી રાખી હતી. અને ભારતમાં પણ જ્યારે જ્યારે નિવેદિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ રૂંધાતું હોય એમ જણાયું ત્યારે તેમણે તેમને એ બાબતમાં સજાગ કર્યાં હતાં.

ભારતમાં એમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેની પણ સ્વામીજીએ તેમને સ્પષ્ટ ચેતવણી આપી હતી. પત્રમાં તેમણે લખ્યું; “અહીં મુશ્કેલી ઘણી છે. અહીં કેટલું દુઃખ, કેટલા વહેમો અને કેટલી ગુલામી છે, તેનો તમને કશો જ ખ્યાલ આવી શકશે નહીં. તમે અહીં જ્ઞાતિ અને અલગતાના વિચિત્ર ખ્યાલોવાળા ધોળી ચામડીવાળાના ભય કે ધિક્કારથી દૂર રહેનારા અને તેમનાથી અત્યંત તિરસ્કૃત બનેલા અર્ધનગ્ન સ્ત્રી પુરુષોવાળી માનવતાના સમૂહ વચ્ચે આવી પડશો. બીજી બાજુ ગોરા લોકો તમને પાગલ ગણશે. અને તમારી દરેક હિલચાલ ઉપર વહેમથી ચોકી રાખશે.

તમે આમાં કુદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો અને જો કાર્ય કર્યા પછી, તેમાં નિષ્ફળ જાઓ કે કંટાળી જાઓ તો મારા વતી હું તમને વચન આપું છું કે તમે ભારત માટે કામ કરો કે ન કરો. વેદાંત, રાખો કે છોડી દો, હું છેલ્લી ઘડી સુધી તમારી પડખે ઊભો રહીશ.

મારે તમને બીજી પણ એક ચેતવણી આપવી જોઈએ કે તમારે તમારા પોતાના પગ પર ઊભા રહેવું.”

હિંદની મુશ્કેલીઓનું સ્પષ્ટ દર્શન સ્વાવલંબનનો આદેશ અને કોઈ પણ સ્થિતિમાં ગુરુદેવની સહાયનું અભય વરદાન વ્યક્ત કરતા આ પત્રે તો નિવેદિતાને પોતાના ગુરુની મહાનતાનો પૂરો પરિચય કરાવી દીધો અને તેમણે હિંદમાં આવવાનું નક્કી જ કરી લીધું. આખરે તેઓ હિંદમાં આવી પહોંચ્યાં.

હિંદમાં આવ્યા પછી નિવેદિતાનું નવું જ જીવન શરૂ થયું. ચુસ્ત, રૂઢિગત, હિંદુ આચારમાં જીવતા લોકોની છૂતાછૂત, તિરસ્કાર અને શંકાની દૃષ્ટિની સામે, ભારતની ગરમ આબોહવામાં, કલકત્તામાં રહીને સ્વામીજીના શિષ્યા બનવાની સાધના કંઈ સરળ તો નહોતી જ. પરંતુ સ્વામીજીનું માર્ગદર્શન એમની આ આકરી તપશ્ચર્યાને સહ્ય બનાવી રહ્યું હતું. પોતાના વિદેશી શિષ્યોનો શ્રીરામકૃષ્ણ સંઘમાં સ્વીકાર થાય તે માટે સ્વામીજી સતત પ્રયત્ન કરી રહ્યા હતા. મા શારદામણિએ તો પ્રથમ મુલાકાતે જ સ્વામીજીની વિદેશી શિષ્યાઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. તેની નિવેદિતા પર ઘણી ઊંડી અસર પડી. તેઓ લખે છે: “અમારા આશ્ચર્ય વચ્ચે માએ અમારાં ફળ સ્વીકાર્યાં. આ બાબતે અમને બધાંને ખૂબ ગૌ૨વ અપાવ્યું અને આ પ્રસંગે મારા ભવિષ્યના કાર્યને શક્ય બનાવ્યું. જે બીજું કોઈ કરી શક્યું ન હોત!” શ્રીમાના આશીર્વાદ મળતાં શ્રીરામકૃષ્ણ સંઘમાં તો નિવેદિતાનો સ્વીકાર થઈ ગયો, પણ સમગ્ર હિંદુ સમાજમાં તો તેમણે પોતાના કાર્યથી અને અંતરમાં પ્રેમથી પોતાનું સ્થાન મેળવવાનું બાકી હતું. પણ સ્વામીજીને હવે ખાતરી થઈ ગઈ હતી કે નિવેદિતા પોતાના પગ પર ઊભા રહીને કાર્ય કરી શકશે. તેથી એક દિવસ તેમણે નિવેદિતાને કહ્યું, “હવે તમને મઠમાં સ્થાન મળી ગયું છે, પણ હજુ બ્રહ્મચર્યની દીક્ષા આપવાની બાકી છે. અને હવે એ માટેની તૈયારી કરવાની છે.” દીક્ષાનો દિવસ એ નિવેદિતાના જીવનનો અવિસ્મરણીય દિવસ બની રહ્યો. એ દિવસે સ્વામીજીએ દીક્ષા બાદ માર્ગરેટ નોબલને જગન્માતાના ચરણે નિવેદિત બનેલી પુત્રી નિવેદિતા કહી ઉદ્બોધ્યાં અને આદેશ આપતા હોય તે રીતે કહ્યું, “જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં, જે વ્યક્તિએ પાંચસો વખત જન્મ લઈને, બીજા લોકો માટે જીવન સમર્પણ કર્યું, તેને અનુસરો”, હવે નિવેદિતા પ્રભુના કાર્ય માટે સમર્પિત બની ગયાં. આ દિવસની સ્મૃતિ વિષે તેમણે લખ્યું છે, “એ દિવસની સ્મૃતિ એ પણ મારા જીવનનો મહોત્સવ છે, ગંગાની પવિત્ર સુગંધ, સ્વામીજી સાથેનો લાંબો વાર્તાલાપ, રૂઢિચુસ્ત સ્ત્રીઓનાં હૃદય જીતીને એમને વિદેશી શિષ્યો સાથે ભોજન માટે તૈયાર ક૨વાની જૉસૅફાઈને બજાવેલી સેવા, આ બધું હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં.”

સ્વામીજીએ નિવેદિતાને હિંદુ ધર્મ – સંસ્કૃતિ, હિંદુઓની ધર્મભાવના, શ્રદ્ધા ભક્તિ વગેરેનો વાર્તાલાપો દ્વારા ઊંડો પરિચય કરાવ્યો. શ્રીમતી સારા બુલ, જૉસૅફાઈન મૅક્લાઉડ અને નિવેદિતાને ઉત્તર ભારતની યાત્રા પણ કરાવી. યાત્રા દરમિયાન સ્વામીજીએ તેમને ભારતનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું. માર્ગમાં આવતાં શહેરો, મંદિરો, પર્વતો, તળાવો, શિલાલેખો વગેરેનો ઈતિહાસ સ્વામીજીની વાણીમાં જીવંત બની જતો હતો. ભારતના ભવ્ય ભૂતકાળના દર્શનની સાથે સાથે સ્વામીજીએ તત્કાલીન ભારતની દરિદ્રતાનું પણ આ વિદેશી શિષ્યાઓને સ્પષ્ટ દર્શન કરાવ્યું. સ્વામીજીની આ અનોખી શિક્ષાપદ્ધતિથી નિવેદિતાને ભારતના અંતઃસત્ત્વનો અને બાહ્ય પરિસ્થિતિનો સાચો પરિચય થયો. આ યાત્રા દરમિયાન સ્વામીજીનું જીવન જ નિવેદિતા માટે પ્રેરક બની રહ્યું. તેઓ લખે છે; “મનની જે ભૂમિકામાં નવા ધર્મનું નિર્માણ થાય છે, તેની અને જે વિભૂતિઓ એવા ધર્મને પ્રેરણાનું સિંચન કરે છે, તેની અમને કંઈક ઝાંખી થઈ છે કારણ કે અમે એક એવી વિભૂતિના અંતેવાસી બની રહ્યાં છીએ જેમણે તમામ મનુષ્યોને પોતાના તરફ ખેંચી લીધા, એમણે સૌની વાત સાંભળી, સૌની સાથે તાદાત્મ્ય અનુભવ્યું અને કોઈનો ય અનાદર ન કર્યો. અમે એવી નમ્રતા નિહાળી છે કે જેની હાજરીમાં કોઈ પ્રકારની સંકુચિતતા ટકી શકતી નહીં. એવી ત્યાગવૃત્તિ જોઈ છે કે જે જુલમ પ્રત્યેની ઘૃણાથી અને તેનો ભોગ બનેલા પ્રત્યેની અનુકંપાથી જીવન સમર્પણ કરતાં અચકાય નહીં, અને એવો પ્રેમ અનુભવ્યો છે કે જે પોતાની સમક્ષ આવી રહેલાં વેદના અને મૃત્યુનું સ્વાગત કરતાં પણ અચકાય નહીં.” સ્વામીજીના આ દિવ્ય સાંનિધ્યે નિવેદિતાની ત્યાગ, ઉદારતા, વિશાળતાનું સંક્રમણ આ દિવ્ય સાંનિધ્યમાં આપોઆપ થતું રહ્યું અને તેમની જીવનદૃષ્ટિ જ બદલાવા લાગી. આ વિષે પણ તેમણે લખ્યું છે; “આવી ક્ષણોનો જેમને અનુભવ થયો છે તેમનું જીવન વધારે સમૃદ્ધ અને વધારે મધુર બની ગયું છે.”

છતાં નિવેદિતાએ આ યાત્રા દરમિયાન તીવ્ર સંઘર્ષનો પણ અનુભવ કર્યો હતો. એમના જન્મજાત પાશ્ચાત્ય સંસ્કારો, એમનું જાતિગૌરવ, પોતાના દેશની ઉચ્ચતાના ખ્યાલો કયારેક પ્રબળ બની એમના મનમાં વ્યાપી રહેતા, ત્યારે તેઓ સ્વામીજીની વાતોને સ્વીકારી શકતાં નહીં. એમનું મન બળવો પોકારી ઊઠતું. એક વખત સ્વામીજીએ વાર્તાલાપ દરમિયાન ચીનની પ્રજાની પ્રશંસા કરી, ત્યારે નિવેદિતાએ તેમનો વિરોધ કર્યો. નિવેદિતાની સંકુચિત રાષ્ટ્રભાવના પર પ્રહાર કરતાં સ્વામીજીએ કહ્યું; “ખરેખર તમારા જેવી દેશભક્તિ તો પાપ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમારે એ જોવું જોઈએ કે મોટાભાગના લોકોનાં કાર્યો સ્વાર્થની અભિવ્યક્તિ કરતાં હોય છે અને તમારે એ વિચારનો સતત વિરોધ કરવો જોઈએ કે કોઈ એક જાતિ જ ફક્ત દેવદૂતોથી ભરેલી છે, આ પ્રકારનું અજ્ઞાન તો દુષ્ટતા જ છે.” નિવેદિતાના મનમાં પોતાની જાતિની મહાનતાના વિચારોનાં મૂળ એટલાં ઊંડા ને દ્દઢ થઈ ગયેલાં હતાં, કે સ્વામીજીના નવા વિચારો તેઓ સહેલાઈથી સ્વીકારી શકતાં નહીં. જ્યારે સ્વામીજી તેમને સર્વ સંકુચિતતાઓ, જાતિગૌરવ, વગેરેથી ક્યાંય ઊંચે આધ્યાત્મિક ભૂમિકામાં તેમને સ્થિત કરી રહ્યા હતા, ત્યારે તેમને સ્વામીજીની આ કાર્યપદ્ધતિનો ખ્યાલ ન હતો કે સ્વામીજીના આવા ઉગ્ર પ્રહારોની પાછળ પણ જગદંબાનો એ જ પ્રેમ રહેલો છે, જે પ્રેમ દીક્ષા વખતે તેમણે અનુભવ્યો હતો. આથી તેઓ ખૂબ વ્યથિત રહેવા લાગ્યાં. તેમના મનમાં તીવ્ર સંઘર્ષ ચાલવા લાગ્યો. તેમની સાથેના શ્રીમતી સારા બુલને આ સંઘર્ષની જાણ થતાં તેમણે સ્વામીજીને વાત કરી ત્યારે તો સ્વામીજી કશું ન બોલ્યા. પણ પછી સાંજે તેમણે કહ્યું: “તમે સાચા છો. આમાં પરિવર્તન આવવું જ જોઈએ. હું જંગલમાં એકલો જાઉં છું. જ્યારે જંગલમાંથી પાછો આવીશ, ત્યારે શાંતિ લાવીશ.” સ્વામીજીને નિવેદિતાના આંતરસંઘર્ષનો ખ્યાલ ન હતો. પણ જેવો ખ્યાલ આવ્યો કે તુરત જ તેમણે નિવેદિતાને તો, કશું જ કહ્યું નહીં પણ પોતાની ચેતનામાં શાંતિ ઉતારવા જંગલમાં એકાંતમાં જવાનું નક્કી કર્યું. તે વખતે જંગલમાં જતાં પહેલાં તેમણે આકાશમાં ઊગી રહેલા ચંદ્રને બતાવીને નિવેદિતાને કહ્યું: “જુઓ, મુસલમાનો આ બીજના ચંદ્રને ખૂબ માને છે. આપણે પણ આ બીજના ચંદ્ર સાથે નવા જીવનનો આરંભ કરીએ.” આમ કહીને તેમને પ્રણામ કરી રહેલા નિવેદિતાના મસ્તક ઉપર તેમણે હાથ મૂક્યો. અને તે જ ક્ષણે જાણે નિવેદિતાના મસ્તકમાં ચાલી રહેલો સંઘર્ષ શમી ગયો! સ્વામીજી તો પછી જંગલમાં ચાલ્યા ગયા. પણ તે રાત્રે અલ્મોડામાં ધ્યાનમગ્ન સ્થિતિમાં નિવેદિતાને જે શાશ્વત સત્ય સમજાયું, તે તેઓ એ પહેલાં પોતાની તીવ્ર બુદ્ધિથી પણ ક્યારેય સમજી શક્યાં ન હતાં. પોતાની આ અનુભૂતિ વિષે તેમણે લખ્યું છે; “પહેલીવાર મને સમજાયું કે મહાન ગુરુઓ આપણામાં રહેલા અંગત સંબંધોનો નાશ ફક્ત તેની જગ્યાએ પરમાત્માની સ્થાપના કરવા માટે જ કરે છે.” આના ઉ૫૨થી પૂર્વના ગુરુ શિષ્ય પાસે શી અપેક્ષા રાખે છે, તેની ચાવી મને મળી.” આ સત્ય સમજાતાં નિવેદિતાના સંઘર્ષનાં વાદળો હટી ગયાં ને તેમનો જ્ઞાન સૂર્યપ્રકાશી રહ્યો. ચાર દિવસ બાદ સ્વામીજી જ્યારે જંગલમાં એકાંત તપશ્ચર્યા કરી પાછા ફર્યા ત્યારે તેઓ સાચ્ચે જ એમની સાથે અપૂર્વ શાંતિ અને અલૌકિક પ્રકાશ લાવ્યા હતા તેનો સર્વને અનુભવ થયો.

વેરીનાગનાં જંગલોમાં પરિભ્રમણ કરતી વખતે સ્વામીજીએ નિવેદિતાને સામેથી પૂછ્યું કે તારી કન્યાશાળાની યોજના વિષે શું છે? આ અગાઉ સ્વામીજીએ આ વિષે ક્યારેય તેમને પૂછ્યું ન હતું, જ્યારે બધા એમ જ માનતા હતા કે “નિવેદિતાએ વહેલામાં વહેલી તકે કન્યાશાળા શરૂ કરવાની છે.” આ વિષે નિવેદિતાએ લખ્યું છે, “ભલે બધા એવું માનતા હતા, પણ સ્વામીજીની એક વિશિષ્ટ પદ્ધતિ હતી કે કોઈ કામની શરૂઆત ઝડપથી ન કરવી. મને માનસિક તૈયારી પ્રવાસ અને આરામ માટે પૂરતો સમય આપવામાં આવ્યો.” અને હવે સ્વામીજીને જણાયું કે આ તૈયારી પૂરી થઈ ગઈ છે, ત્યારે તેમણે સામેથી આ યોજના વિષે પૂછ્યું. નિવેદિતાની બાલિકા વિદ્યાલયની યોજના વિષે જાણીને તેમને પ્રસન્નતા થઈ પણ તેમાં સલાહ સૂચનો આપવાને બદલે તેમણે કહ્યું; “તું ઈચ્છે છે કે હું આ યોજના વિષે સમીક્ષા કરું, પણ હું એ નહીં કરી શકું. કેમ કે મારી જેમ તને પણ આ બાબતમાં પ્રેરણા મળી છે.” દરેક પોતાની અંતઃપ્રેરણા પ્રમાણે પોતાની રીતે કાર્ય કરે તો એ કાર્ય પણ ઉત્તમ બને અને સાથે સાથે એ કાર્ય દ્વારા વ્યક્તિની ચેતનાનો વિકાસ થાય. એ કાર્યનો દિવ્ય નિયમ સ્વામીજીએ કશું ય બોલ્યા વગર આ રીતે નિવેદિતાને શીખવી આપ્યો જે તેઓ જીવનભર ભૂલ્યાં નહીં.

સ્વામીજી સાથે કરેલી અમરનાથની યાત્રા તો નિવેદિતાની પ્રભુ પ્રત્યેની ઊર્ધ્વયાત્રા બની રહી. આ યાત્રાએ તેમને ભક્તિના, પ્રેમના, શ્રદ્ધાના, આંસુઓના ભારતનું અનોખું દર્શન કરાવ્યું. આ યાત્રા વિષે સ્વામીજીએ તેમને કહેલું; “તને અત્યારે સમજાતું નથી. પણ તેં યાત્રા કરી છે, તેનું ફળ તેં જરૂર મળશે. આ વસ્તુ વધારે સારી રીતે તું પાછળથી સમજી શકીશ.” અને વરસો પછી એ મહત્ત્વ સમજાતાં નિવેદિતાએ લખ્યું છે; “હું એ ભવ્ય ઉનાળાના દિવસો યાદ કરું છું તો મને અત્યંત આશ્ચર્ય થાય છે કે એટલી તીવ્ર ઊંચાઈએ હું શી રીતે પહોંચી? આ સમય દરમિયાન અમે મહાન ધાર્મિક આદર્શોના પ્રકાશમાં જીવતાં હતાં અને શ્વાસ લેતાં હતાં. ઈશ્વર સામાન્ય માણસ કરતાં પણ અમારા માટે વધારે વાસ્તવિક હતો.”

ભારતમાં પ્રારંભનાં વર્ષો એ નિવેદિતાના આંતરવિકાસના વરસો હતાં. જેમાં પાશ્ચાત્ય સંસ્કારોનો પૂર્ણપણે વિલય કરીને ભારતીય રૂપે જીવનના નવા જ ઢાળમાં જીવનને કંડારવાનું હતું. એ પછી જ એમના જીવન કાર્યનો પ્રારંભ થયો. બાલિકા વિદ્યાલયની સ્થાપના ને તેનું સંચાલન, કલકત્તાની અનાથ, નિરાધાર વિધવાઓના ‘બહેનોના ઘર’ની સ્થાપના, પ્લેગની મહામારી સમયે શરૂ થયેલો તેમના સેવાકાર્યનો પ્રારંભ અને હિંદની નારીઓમાં ચૈતન્યને જાગૃત કરવા માટેનું તેમનું દેશવ્યાપી પરિભ્રમણ આ બધા ઉપરાંત દેશની સ્વતંત્રતાના કાર્ય માટે તેમણે આપેલું યોગદાન – આ બધાં તેમનાં બહુવિધ કાર્યો પાછળની પ્રેરણા તો એમનામહાન ગુરુની જ છે તેમ તેઓ દૃઢપણે માનતાં. તેમના સેવાવ્રતી કર્મયોગ અને તપસ્યામય સાધના જીવનના નિર્માતા તો સ્વામીજી જ હતા. છતાં સ્વામીજીએ ક્યારેય એમની સ્વતંત્રતાને આંચ આવવા દીધી ન હતી કે એમને કદી કોઈ કાર્યની ફરજ પણ પાડી ન હતી. સ્વામીજીએ એમને કહ્યું હતું: “તમે સંપૂર્ણ મુક્ત છો. તમને તમારી પસંદગી છે. તમારું કાર્ય છે.”

જેમ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કર્યું, તેમ સ્વામી વિવેકાનંદે પાશ્ચાત્ય મેધાવી નારી માર્ગારેટ નોબલમાંથી ભગિની નિવેદિતાનું સર્જન કર્યું. જે રીતે પાશ્ચાત્ય કેળવણી પામેલા નરેન્દ્રના તીવ્ર બુદ્ધિવાળા મનને શ્રીરામકૃષ્ણદેવે પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓના પ્રકાશના પ્રભાવથી તેજોમય બનાવી દીધું, એમ જ સ્વામી વિવેકાનંદે પણ આ સંશયગ્રસ્ત મેધાવી વિદેશી નારીના મનના સઘળા સંશયોને નિર્મૂળ કરીને તેને સાચા આધ્યાત્મિક પ્રકાશમાં ઝબકોળી દીધું. તેના પરિણામે જ પાશ્ચાત્ય ગોરા નારીદેહમાં હિંદુ સંસ્કૃતિના મૂર્તિમંત સ્વરૂપ સમા ને ત્યાગ, સમર્પણ ને સેવાની સાક્ષાત્ દેવી સમા નિવેદિતા પ્રગટ્યાં કે જેઓ ભારતની ત્રસ્ત ને દુઃખી પ્રજાના સાચા ભગિની બની રહ્યાં અને એ જ તો હતો શ્રીરામકૃષ્ણ દેવના શિષ્ય સ્વામી વિવેકાનંદનો પ્રભાવ!

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.