(લેખક આઈ.આઈ.એમ., બેંગલોરના ડીન (એડમિન) હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)

પ્રસ્તાવના:

પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક વ્યવસ્થાતંત્રો કે સંસ્થાનોની સ્થાપના થયા બાદ છેલ્લાં ૧૫૦ વર્ષમાં આધુનિક મૅનૅજમૅન્ટના સિદ્ધાંતો અને આચાર સંહિતાઓ વિકસિત થયાં છે. પ્રચલિત માન્યતા છે કે વૈશ્વિક પ્રસિદ્ધિ ધરાવતાં નિગમો શ્રેષ્ઠ આચાર–સંહિતાઓના અમલીકરણથી સુસજ્જ હોય છે અને પોતાનાં સંસ્થાનો અત્યંત વ્યવસ્થિતપણે સંચાલિત કરે છે. આના સંદર્ભમાં, ૧૯૭૭માં હાથ ધરાયેલ સર્વેક્ષણ દ્વારા ઉપલબ્ધ કરાયેલ આંકડાકીય માહિતી સૂચવે છે કે વિશ્વમાં બૃહદ્‌ સંસ્થાનોનું સંચાલન અને વહીવટ કેવી રીતે થાય છે. Gues નામના લેખકે પોતાના પુસ્તક ‘The living company’માં જણાવ્યું છે કે અત્યંત વિશાળ અને દેખીતી રીતે સફળ ગણાતાં નિગમો સવિશેષ સ્વસ્થ હોતાં નથી. આ અભ્યાસ મુજબ Fortune 500 ગ્રુપની કંપનીઓનુંં અપેક્ષિત સરેરાશ આયુષ્ય ૪૦–૫૦ વર્ષનું હતું. Fortune 500 અંતર્ગત ૧૯૭૦માં નોંધાયેલ કંપનીઓમાંની ત્રીજા ભાગની કંપનીઓ ૧૯૮૩માં અદૃશ્ય થઈ ગઈ હતી અને નવી ઊભી થયેલી કંપનીઓમાંની ૪૦% જેટલી ૧૦ વર્ષથી ઓછા સમયગાળામાં લુપ્ત થઈ ગઈ હતી; મૅનૅજમૅન્ટના પ્રારંભિક કાળમાં જ સંસ્થાઓના બાળમરણના ઉચ્ચ આંકની સ્થિતિ આપણી વર્તમાન દશાનું ચિત્ર રજૂ કરે છે.

આધુનિક નિગમોમાં કાર્યરત મેનેજરોની બાબતમાં સર્વેક્ષણ કરવા જતાં આપણને માલૂમ પડે છે કે આ મેનેજરોને માનસિક તણાવ; સત્તા અને અંકુશ માટેના સંઘર્ષ; ચીડિયાપણું અને માનવીય કલ્પનાશક્તિ, કાર્યશક્તિ અને કટિબદ્ધતા સર્જવાને બદલે ગૂંગળાવતા કાર્ય–સ્થળના પરિવેશનો અનુભવ થાય છે. હાલમાં કારોબારી તંત્રના ઘણા બધા વરિષ્ઠ અધિકારીઓ એ મુદ્દા બાબતે સહમત થશે કે વ્યવસ્થાતંત્રમાંના દીર્ઘકાળના પ્રશિક્ષણ પછી પણ તેમણે કેટલાક પેચીદા પ્રશ્નોના નિરાકરણ અંગે ભાગ્યે જ પ્રગતિ કરી છે!

આ પ્રશ્નોમાં, બીજી બાબતો સાથે—પોતાની આસપાસના લોકો સાથે કામ પાર પાડવું, પોતાને કઈ બાબત પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તેનું જ્ઞાન થવું, સર્વશ્રેષ્ઠ કાર્યક્ષમતાપૂર્વક પોતાનું કામ કરવું, વ્યવસ્થાતંત્રમાં ‘ઉચ્ચ કાર્યશીલતા’ માટે અગ્રસર કરવા અને દીર્ઘકાળ ટકી શકે તેવું વ્યવસ્થાતંત્ર ઊભું કરવું—વગેરેનો સમાવેશ થાય છે.

બીજી બાજુ, આપણને મુખ્યત્વે જોવા મળે છે કે દીર્ઘકાલીન સંસ્થાકીય ગુણવત્તા અને તેની કાર્યપદ્ધતિ વચ્ચે સુમેળ હોતો નથી. વળી પેઢીઓની દીર્ઘજીવી સુસ્થિરતા અને વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો તેના પર્યાવરણીય પાસાને સંસ્પર્શતા ગંભીર વાદગ્રસ્ત મુદ્દા પણ આપણી સમક્ષ છે.

ખરેખર તો આવી પરિસ્થિતિ વ્યક્તિને મૅનૅજમૅન્ટ માટેની વધુ સારી આચારસંહિતાનો વિકલ્પ પસંદ કરવા પ્રેરિત કરે છે. ભારતીય સાહિત્યમાં મૅનૅજમૅન્ટ સંબંધિત વિપુલ શક્તિસાગર, ઉચ્ચતર વિકલ્પો ઉપલબ્ધ છે. તેના પ્રત્યે મૅનૅજમૅન્ટના સંશોધકો અને મહારથિઓના મનમાં અભિપ્સા જગાડવાનો આ લેખનો ઉદ્દેશ છે. આધ્યાત્મિક સાધના અને આત્મસાક્ષાત્કારને અનુલક્ષીને પ્રબોધિત ગીતા–ગ્રંથ પ્રાચીન પવિત્ર શાસ્ત્રો પૈકીનો એક છે, જેમાંથી આ અંગેનાં કેટલાંક પાસાંનું આપણે અન્વેષણ કરીશું.

આ લેખની ચર્ચા દ્વારા આપણે આ પવિત્ર શાસ્ત્રના પ્રમુખ અને પ્રાથમિક ઉદ્દેશનું અવમૂલ્યન કરવાની ભૂલ કરવા માગતા નથી. વળી, મૅનૅજમૅન્ટ પદાર્થ–પાઠ શીખવાના ઉદ્દેશથી કોઈએ ગીતાનું અધ્યયન કરવું એવી પણ અમે હિમાયત કરતા નથી. પવિત્ર ગ્રંથોનું અધ્યયન અધિકૃત અને આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રબુદ્ધ ગુરુના માર્ગદર્શન હેઠળ થવું જોઈએ. આવા પ્રાથમિક અધ્યયન પછી આપણે તે ગ્રંથમાં રહેલા આદર્શોની મહત્તાનું ચિંતન-મનન કરવું જોઈએ. અત્રે મૅનૅજમૅન્ટ ક્ષેત્રે કાર્યરત લોકો સમક્ષ ગીતા-ગ્રંથમાંથી મળતા લાભોની સુદીર્ઘ યાદી પ્રતિ માત્ર અંગુલિનિર્દેશ કરાયો છે. વળી આ લાભોના સમુચ્ચયનું મંથન કરીને આચારસંહિતામાં સમાવિષ્ટ કરી શકાય તેવા અત્યંત ઉપયોગી મુદ્દા પ્રસ્તુત કરીએ છીએ.

મૅનૅજમૅન્ટના પદાર્થ-પાઠનો ટૂંકસાર:

સાદા શબ્દોમાં મૅનૅજમૅન્ટ એ જ્ઞાનનું એક એવું તંત્ર છે કે જે સંસ્થાઓને લોકો, પ્રક્રિયા અને પરિવેશ સંબંધિત અનેકવિધ બાબતોને લગતું કામ પાર પાડવામાં સહાય કરે છે તથા દક્ષતાપૂર્વક સમાજને સરસામાન અને સેવા પહોંચાડી શકે તેવી કાર્યપદ્ધતિની ખાતરી આપે છે. સારું મૅનૅજમૅન્ટ સૌ મૂડીધારકોને મહત્તર સંતોષ આપે તેવું હોવું જોઈએ. જો આપણે ગીતાનું અધ્યયન ધ્યાનપૂર્વક કરીશું તો જોવા મળશે કે તેમાંનું સઘળું વિવેચન કર્મયોગ વિષયક છે, કાર્યને સર્વોત્તમ કાર્યક્ષમતાપૂર્વક કરવાના બોધ અંગેનું છે.

અધ્યાય બેમાં પ્રબોધિત ‘કર્મણ્યેવ અધિકાર:’ (કર્મમાં જ તારો અધિકાર છે) અને ‘યોગ: કર્મસુ કૌશલમ્‌’ (કર્મોમાં કુશળતા એ જ યોગ છે) એવી ઘોષણા પ્રતિ દોરી જતું બુદ્ધિગમ્ય અર્થઘટન તથા અધ્યાય ત્રણમાં દર્શાવેલ ‘યજ્ઞ:’ની વિભાવના સ્પષ્ટપણે સૂચિત કરે છે કે સારા મૅનૅજમૅન્ટ અંગેની પાયાની પૂર્વશરતો ગીતામાં સમાવિષ્ટ છે.

ગીતા પ્રેરણા અને પ્રોત્સાહનના ઉચ્ચ દરજ્જા માટે આવશ્યક ઉદ્દીપના માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ભય, માનસિક યંત્રણા અને રોમાંચનો અનુભવ કરતો અર્જુન સમાજના વરેણ્ય અને અગ્રગણ્ય વરિષ્ઠોની હારમાળા સામે યુદ્ધ કરવા તત્પર થયો અને અંતે વિજયી બન્યો—આવા ચમત્કારિક પરિવર્તન પાછળ ગીતા-બોધ રહેલો છે. આવું પરિવર્તન ન થયું હોત તો, ગીતા-જ્ઞાનની શ્રેષ્ઠતા કેવી રીતે સમજી શકાત?—આવા દૃષ્ટિકોણથી કરાતું મનોયોગપૂર્વકનું ગીતા-અધ્યયન મેનેજરોને સુદૃઢ અને દીર્ઘજીવી સંસ્થાનો સર્જન કરવા માટે આવશ્યક મહત્ત્વના સિદ્ધાંતોનું અન્વેષણ કરવા તરફ દોરી જશે. આવું અધ્યયન અગ્રણી સંસ્થાનોની સફળતા પાછળનાં રહસ્યો જાણવા માટે મદદરૂપ બનશે અને મૅનૅજમૅન્ટના વૈકલ્પિક ઉપાયો અંગેનું શ્રેષ્ઠ માર્ગદર્શન પણ પૂરું પાડશે.

ગીતામાંથી સુપ્રાપ્ય વૈકલ્પિક ઇલાજો:

સમયની વિભાવના:

આધુનિક સંસ્થાનોને પરેશાન કરતી સમસ્યાઓ પૈકીની સમયની વિભાવનામાંથી ઉદ્‌ભવતી એક સમસ્યા છે. અર્વાચીન સંસ્થાનો ‘Short Tererism’નાં આત્યંતિક ધોરણોથી પીડિત છે. ભારતમાંની સોફ્ટવેર કંપનીઓ quarter to quarter એવા નામે જાણીતું માર્ગદર્શન પૂરું પાડે છે. સાદી ભાષામાં કહીએ તો બજારના કર્તાહર્તાઓ અને સોદાબાજો પાસે નજીકના ભવિષ્યમાં શાની અપેક્ષા રાખી શકાય તેની માહિતી આવી કંપનીઓ પૂરી પાડે છે.

નિશ્ચિતપણે તેઓ એક પછી એક હકારાત્મક પરિણામની યોજના ઘડે છે અને આ માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ બનવા જાતજાતની પ્રવૃત્તિઓમાં ઝંપલાવે છે, જેના કારણે તણાવ અને વ્યાપારી પ્રક્રિયામાં ટૂંકી દૃષ્ટિ ધરાવતો અભિગમ સર્જાય છે. ચોક્કસપણે આના કારણે લાંબા ગાળે નકારાત્મક પરિણામો નીપજે છે. ઉદાહરણ તરીકે, કિંમતો ઘટાડવા અને આકર્ષક પરિણામો પ્રદર્શિત કરવા માટે ઘણાં બધાં સંસ્થાનોમાં કામચલાઉ બજેટોમાં તેમજ સંશોધન અને વિકાસના ખર્ચમાં કાપ મૂકવાનો રિવાજ થઈ પડ્યો છે. સ્પષ્ટપણે આવો નકારાત્મક અભિગમ કોઈ પણ સંસ્થાનને લાંબા ગાળે ઉપકારક નહીં નીવડે. કેટલાંક સંસ્થાનો આ પાસાને ઓળખી ગયાં હોવાથી પોતાની મૂળભૂત કાર્યપદ્ધતિને બદલવા માગતાં નથી અને આગામી અભિગમને સાનકૂળ એવા નિર્ણયો લે છે.

ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ પ્રથમ બોધપાઠ (ગીતા, 2.11-13) સમયની વિભાવનાના સંદર્ભમાં મનને પ્રશિક્ષિત કરવા અંગેનો હતો, જે દીર્ઘકાળની કાર્યપદ્ધતિ માટે અત્યાવશ્યક ગણાય. આ બોધપાઠ અંગેની યથાર્થ સમજણ મેનેજરને ટૂંકાગાળામાં લક્ષ્યાંકો સિદ્ધ કરતી વખતે અલ્પ તણાવગ્રસ્ત પરિસ્થિતિનો અહેસાસ કરાવવાને બદલે પ્રવૃત્તિઓમાં જોડાઈ રહેવા માટે દૃઢ મનોબળ પૂરું પાડે છે. માનવ-શક્તિ આવનજાવન કરતી રહે છે પણ સારા સિદ્ધાંતો અને વિભાવનાઓએ દીર્ઘકાળ ટકી રહીને સંસ્થાનની પસંદગીઓને બળ પૂરું પાડવું જોઈએ—આ હકીકતને સાનુકૂળ થવાનું કાર્ય મૅનૅજમૅન્ટ માટે સરળ બને છે. મેનેજરોને પણ ખ્યાલ આવવા લાગે છે (જેમ અર્જુનની બાબતમાં બન્યું હતું) કે જ્યારે જટિલ અને દેખાતા અજેય પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે પ્રશ્નને સમય-સાપેક્ષ બનાવી, સ્વીકાર્ય ઉકેલોની શોધ માટે સમયની વિભાવનાનો પુન: આશ્રય લેવો.

કાર્યપદ્ધતિના માપદંડ અને મૂલ્યાંકન

આધુનિક મૅનૅજમૅન્ટ સામેનો સૌથી મોટો અંતરાય છે—કાર્યપદ્ધતિના માપદંડ અને મૂલ્યાંકન પ્રત્યેનું મનોવલણ. આધુનિક મૅનૅજમૅન્ટની આચારસંહિતાનું આચરણ આ મુદ્દાને દ્વંદ્વાત્મકતાના સંદર્ભમાં મૂલવે છે. તે બે સ્તરે કાર્યાન્વિત થાય છે; પહેલા પ્રકારમાં, દ્વંદ્વાત્મક અભિગમ સૌ પ્રથમ સુસ્થાપિત થાય છે. ઉદાહરણ તરીકે દ્વંદ્વાત્મક માળખાનો ઉપયોગ કરીને બધાં કાર્ય અને તેનાં પરિણામોનું શુભ-અશુભ, ઇચ્છનીય-અનિચ્છનીય, કાર્યકર-અકાર્યકર, મારું દળ-સામેનું દળ, હકારાત્મક-નકારાત્મક, ઇત્યાદિ અંતર્ગત વર્ગીકરણ કરવામાં આવે છે. આના આધારે દ્વંદ્વાત્મક પાસાંમાંથી માત્ર હકારાત્મક પાસાનું અપેક્ષાકૃત ચયન કરાય છે.

બીજા પ્રકારમાં, મેનેજરો એવી ભ્રામક અને ભૂલભરેલી કાર્યપદ્ધતિ વિકસાવે છે કે માત્ર શુભ અને સારું જ થતું રહેવાનું છે. વર્તમાન મૅનૅજમૅન્ટ-તંત્રમાં આ દ્વંદ્વાત્મક માળખામાંથી નકારાત્મક પાસાની અપેક્ષા રાખવાનું વલણ એ અશુભ બાબત છે. નકારાત્મક પરિણામોની અપેક્ષા-વૃત્તિના પરિણામે તેઓ કૌશલ્યનો વિકાસ કરી શકતા નથી. તેઓ એવું પણ સમજી શકતા નથી કે આવું શા માટે થાય છે. વળી તેઓ આવી પરિસ્થિતિનો સામનો કરવાના કોઈ ઉપાયો પણ શોધી શકતા નથી. આવું વલણ સ્પષ્ટપણે અવાસ્તવિક વલણ છે. હકારાત્મકતાના અભાવે તેઓ નિરર્થક તણાવ અનુભવે છે, કાર્યક્ષેત્રે નિરુત્સાહી બને છે, કાર્યકરો સાથે મૅનૅજમૅન્ટ ક્ષેત્રને અશોભનીય તથા વેપારી રીતરસમને અણછાજતું વર્તન કરે છે અને આવી નકારાત્મક લાગણીઓ તથા તણાવ પોતાને ઘેર લઈ જઈ પારિવારિક જીવનને પણ નષ્ટભ્રષ્ટ કરે છે.

દ્વંદ્વાત્મક રચનાયુક્ત આ સંસારમાં ઝઝૂમતાં જોખમો અંગે શુભ સમજણ કેળવવા તથા મેનેજરોને આ દ્વંદ્વાત્મક પરિસ્થિતિના પ્રભાવથી પર થવા બાબતે ભગવદ્‌ ગીતાનો ઘણો મોટો ફાળો છે. દ્વંદ્વાત્મક જગતના વ્યવસ્થાપન અને સંચાલન વિષયક જટિલ પાસાના વિવેચનને અનુલક્ષીને શ્રીકૃષ્ણે વિશેષ સમય ફાળવ્યો છે. અધ્યાય બીજાના ચૌદમા શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને સંસારના દ્વંદ્વોને કારણે ઉદ્‌ભવતા ઉત્થાન-પતનને સહન કરવાનો અનુરોધ કરે છે. (તાં તિતિક્ષસ્વ ભારત).

આગળ જતાં આ જ અધ્યાયના ૪૮મા શ્લોકમાં શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે સમત્વબુદ્ધિ શાંત, સ્થિર અને સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. (સમત્વં યોગ ઉચ્યતે), જે મેનેજર/નેતા માટે આવશ્યક ગુણ છે. શ્રીકૃષ્ણ ગીતાના ઘણા બધા અધ્યાયોમાં સમત્વબુદ્ધિની વિભાવનાનું અવારનવાર વિવેચન કરે છે. અને તેના માટે જરૂરી ગુણોની અર્જુનને યાદ અપાવે છે. પોતાના કાર્યક્ષેત્રમાં સફળ બનવા માટે મેનેજરને આવશ્યક એવા મહત્ત્વના બધા જ ગુણો ૧૪મા અધ્યાયના ૨૪ અને ૨૫મા શ્લોકમાં સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરાયા છે. જો મેનેજર ગીતામાં સૂચવેલ સમત્વભાવ વિકસાવી શકે તો નેતૃત્વની ગુણવત્તા સુધરશે અને મૅનૅજમૅન્ટની પણ ગુણવત્તા તેવી જ થશે.

કાર્ય અને કાર્યદક્ષતા:

ભગવદ્‌ ગીતા આધુનિક નિગમોના મેનેજરોને કાર્ય અને કાર્યદક્ષતા અંગેની, આંખે ઊડીને વળગે તેવી વ્યાખ્યા-વિષયક અંતર્દૃષ્ટિ બક્ષે છે. કાર્યની (કર્તવ્યની)આ વ્યાખ્યા ગીતાના અધ્યયનથી અપરિચિત તથા તેનું યદા-કદા વાચન કરનાર અભ્યાસુને વિરોધાભાસી જણાય છે તથા તેની વિભાવના અસ્વીકૃત લાગે છે.

ખાસ નોંધપાત્ર બાબત છે કે બીજા અધ્યાયના ઘણા બધા શ્લોક તથા પછીના અધ્યાયો આ મધ્યવર્તી વિભાવનાને આધારે રચાયા છે. અને તેથી તેની સમગ્રતા આત્મસાત્‌ કરવા માટે યથાર્થ સમજણની આવશ્યકતા છે. આ વિભાવનાને અખંડરૂપે સમજવા માટે ગહન ચિંતન તથા ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. કર્મની વ્યાખ્યાનાં ચાર પાસાં ગીતામાં સ્પષ્ટપણે દર્શાવ્યાં છે.

(૧) કર્તાનો કર્મમાં જ અધિકાર છે. (કર્મણ્યેવ અધિકાર:) (૨) કર્તાનો કર્મફળ પર કદાપિ અધિકાર નથી. (મા ફલેષુ કદાચન:) (૩) કર્તાએ કર્મફળના હેતુવાળા થવાનું નથી. (મા કર્મફલહેતુર્ભૂ:) (૪) કર્મ ન કરવામાં આસક્તિ રાખવાની નથી. (સંગોઽસ્ત્વકર્મણિ)

આ શ્લોકના ચોથા મુદ્દાને સમજવાનું કાર્ય સરળતર નથી. પ્રથમ ત્રણ મુદ્દા જોઈને વ્યક્તિ એવા નિષ્કર્ષ પર આવી શકે છે કે કર્મમાં તેણે પ્રવૃત્ત ન થવું. શ્રીકૃષ્ણે આ વિકલ્પનું ખંડન કર્યું છે. ત્રીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ સમજૂતી આપે છે કે કહેવાતા અકર્મની સ્થિતિ વાસ્તવમાં શા માટે શક્ય નથી.

કર્મ કરવાની પરંતુ કર્મફળ (પરિણામ) પર અધિકાર ન રાખવાની વિભાવના સામે મેનેજરો બળવો પોકારશે. છતાં, આપણે જોઈએ છીએ કે જીવનકાળ દરમિયાન આ સદ્‌ગુણ ઘણા બધા પ્રસંગે આપણા આચરણમાં મુકાયેલો હોય છે.

શું આપણા માટે એ બાબત સ્વાભાવિક નથી કે જ્યારે આપણે સારું કાર્ય કરતા હોઈએ ત્યારે એમ કહેવા પ્રેરાઈએ છીએ, ‘હું કામમાં ખોવાઈ ગયો હતો.’ કામમાં ખોવાઈ ગયાનો શો અર્થ થાય? તેનો માત્ર એવો જ અર્થ થાય છે કે કામની એ પળો દરમિયાન તેના પરિણામ કે ફળની અપેક્ષા પ્રત્યેનું આપણું વલણ અટકી ગયું હતું. આ તર્કને સરળ રીતે વિસ્તૃત કરતાં, આપણે સહજપણે એ નિષ્કર્ષ પર આવીશું કે ‘મા ફલેષુ કદાચન’ની વિભાવના આપણને કાયમને માટે કર્મમાં ખોવાઈ જવા તથા તેનું રસાસ્વાદન કરવા સક્ષમ બનાવે છે. મેનેજરોએ આ વિભાવનાને સક્રિયપણે આચરણમાં મૂકવા માટેનાં અન્ય મહત્ત્વનાં કારણો છે. તેમાંનાં કેટલાંક અત્રે ઉલ્લેખિત છે.

પરિણામલક્ષી મનોવૃત્તિ ભયવૃત્તિ તથા બેચેની જગાડે છે અને આપણામાંના મોટા ભાગના નિષ્ફળતાથી સાવધ રહીએ છીએ. વધુમાં, કર્મફળના અધિકારની કામના નિશ્ચિતપણે આપણને સાધન કરતાં સાધ્ય પ્રતિ વધુ ધ્યાન આપવા મજબૂર કરશે. આના કારણે પ્રક્રિયાલક્ષિતા પરિણામલક્ષિતા સમક્ષ ઝૂકી જશે. વ્યક્તિના વર્તન-વ્યવહારમાં ગમે તેમ કરીને સાનુકૂળ પરિણામ મેળવવાની વૃત્તિ પ્રાધાન્ય ધરાવશે. વર્તમાન સમયે આપણને જોવા મળે છે કે આવાં વર્તન-વ્યવહારના પ્રચલનને કારણે વ્યક્તિઓનો જ નહીં, સંસ્થાઓનો પણ હ્રાસ થઈ રહ્યો છે. પરિણામો અને ફલશ્રુતિ ભવિષ્યની બાબત છે, કાર્ય એ વર્તમાનની બાબત છે. તેથી પરિણામલક્ષિતાની પ્રબળતાને કારણે વ્યક્તિ ‘વર્તમાન’ની ક્રિયાશીલતાના લાભથી વંચિત રહે છે અને ‘ભવિષ્ય’ની પાછળ દોડે છે.

બોધગ્રહણ:

ગીતાનાં આ ઉદાહરણોને આધારે મેનેજરો કેટલાક સરળ છતાં શક્તિસભર પદાર્થ-પાઠો ગ્રહણ કરી શકે છે. નિષ્પક્ષતા (સમત્વ) એ શુભવૃત્તિનો વિકાસ અને કુશળતાપૂર્વક કર્મ કરવા માટેની મહત્ત્વપૂર્ણ પૂર્વશરત છે. આ એક સરળ સાદા ઉપાય જેવું જણાશે. આ વિભાવના માટેનું ગહણ ચિંતન અને તેની સાર્થકતામાં દૃઢ વિશ્વાસ—આ બે મુદ્દા અતિ આવશ્યક છે. માત્ર આવા દૃઢ વિશ્વાસથી જ વર્તન-વ્યવહારની આ વિભાવના સાથે સંકલિત એવી નવીન પદ્ધતિઓનો ઉદ્‌ભવ થઈ શકે. ‘મારે કર્મફળ ભોગવવાં છે, અન્યથા કર્મ નહીં’,ની વર્તમાનકાલીન મનોવૃત્તિ વ્યર્થ પ્રયત્નોની ભરમાર સર્જશે.

સમયની વિભાવના તથા સમતાની વિભાવનાના સ્વીકાર દ્વારા સંસ્થાઓમાં મૅનૅજમૅન્ટની ગુણવત્તા સુધારવા માટે કર્મયોગના અતિશક્તિશાળી સિદ્ધાંતનો સ્વીકાર એ વૈકલ્પિક ઇલાજ છે.

જો મેનેજરો ગીતામાંથી આ બે મહત્ત્વપૂર્ણ પદાર્થ-પાઠ ગ્રહણ કરશે તો આપણે મૅનૅજમૅન્ટનો વૈકલ્પિક ઇલાજ મેળવી શકીશું ખરા, પરંતુ તેની સાથે સાથે મૅનૅજમૅન્ટ ક્ષેત્રે ગણનાપાત્ર સફળતા પણ મેળવી શકીશું. આમ કરીને ભગવદ્‌ ગીતાના આ પવિત્ર ગ્રંથ પ્રતિ આપણું સર્વોત્તમ ઋણપ્રદર્શન કરી શકીશું.

અભિપ્સિત ધ્યેયની પ્રાપ્તિ અર્થે ભગવાન શ્રીકૃષ્ણ આપણા સૌ પર આશિષ વરસાવે એવી પ્રાર્થના!

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.