(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં)
હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે શ્રીશ્રીમાનાં પ્રથમ દર્શન થયાં હતાં. એ હતી ૧૯૧૫ની સાલ. સાચું કહું તો થોડો નિરાશ જ થયો હતો. મારી કલ્પનામાં મા આવી રીતે વિરાજમાન હતાં—તેઓ એક સુંદર સિંહાસન પર બેઠાં છે અને બંને બાજુઓથી સેવિકાઓ ચામર ઢોળે છે. પરંતુ જોયું, તો તેઓ રહેતાં હતાં માટીની દીવાલવાળા અને ઘાસના છાપરાવાળા ઘરમાં. વધુમાં જોયું, તેઓ પોતાના હાથે સાવરણીથી ફળિયું વાળે છે. હું પૂજનીય જ્ઞાન-દા (સ્વામી જ્ઞાનાનંદ) અને પૂજનીય ગોપેશ-દા (સ્વામી સારદેશાનંદ)ની સાથે જયરામવાટી આવ્યો હતો.
મેં નિરાશવદને તેમને કહ્યું, “શું આ સામાન્ય કામ માટે પણ એમને (શ્રીમાને) મદદરૂપ થાય તેવું કોઈ નથી?” તેઓએ જવાબ આપ્યો, “આવતો-જતો રહે, બધું સમજી જઈશ.”
અમને જોઈને માએ કહ્યું, “બેટા, થોડી વાર ઊભા રહો. હું આટલું કામ આટોપી લઈને હાથ ધોઈને બેસું ત્યારે મને પ્રણામ કરજો.” અમે રાહ જોવા લાગ્યા. મા સાવરણી રાખી, હાથ ધોઈ અને પથારી પર બેઠાં. અમે વારાફરતી પ્રણામ કર્યા. પ્રણામ કરતી વખતે જોયું કે એક છોકરી માની પથારીમાં સૂતી છે. મને ગમ્યું નહીં. સાથીઓને પ્રશ્ન કર્યો, “આ છોકરી કોણ છે? માની પથારીમાં કેમ સૂતી છે? નીચે પથારી પાથરીને ન સૂઈ શકે?” પૂજનીય જ્ઞાન-દાએ મને તરત જ અટકાવીને કહ્યું, “ચૂપ કર, સમય આવ્યે બધું સમજીશ.”
એ છોકરી જ માની લાડલી ભત્રીજી રાધુ.
બંને મહારાજોએ પ્રણામ કર્યા પછી મેં પ્રણામ કર્યા. માએ પૂછ્યું, “આ છોકરો કોણ?” એમણે જવાબ આપ્યો, “છોકરો વદનગંજ શાળામાં ભણે છે.” માએ સાંભળીને કહ્યું, “પ્રબોધનો વિદ્યાર્થી છે?”
મારી શાળાના આચાર્યનું નામ પ્રબોધચંદ્ર ચટ્ટોપાધ્યાય હતું. મેં મનમાં વિચાર્યું કે મા મારા આચાર્યને કેવી રીતે ઓળખે છે? મને મનોમન જવાબ મળ્યો, તેઓ આ વિસ્તારના વિદ્વાન-બુદ્ધિમાન વ્યક્તિ છે, એટલે મા એમને ઓળખતાં હશે. પછીથી ખબર પડી કે અમારા આચાર્યે પત્ની સાથે શ્રીશ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.

દર્શન બાદ ઘરે પરત ફરવાના સમયે માએ સસ્નેહે કહ્યું, “બેટા, ફરી આવજે.” એ દિવસથી પ્રત્યેક શનિવારે જયરામવાટી આવીને શ્રીમાનાં દર્શન કરવા માટે પ્રાણ વ્યાકુળ થઈ ઊઠતા. પ્રત્યેક શનિવારે શાળાએ જતી વખતે એક જોડી કપડાં, ટુવાલ અને સોમવારે ભણવાની ચોપડીઓ લઈને નીકળી જતો અને શાળામાંથી છૂટતાં જ સીધો જયરામવાટી પહોંચી જતો. થોડાક જ સમયમાં હું માનો ખૂબ પરિચિત થઈ ગયો.
માની લજ્જાશીલતા હતી ખૂબ જ અસાધારણ. સ્વામીજી (સ્વામી વિવેકાનંદ), રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ), શરત્ મહારાજ (સ્વામી સારદાનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) વગેરે બધાને મા ‘દીકરા’ કહેતાં, પરંતુ તેમની સામે મા ઘૂમટો પણ તાણતાં અને ઘૂમટામાંથી જ ધીરે ધીરે વાત કરતાં. ઘણી વાર યોગીનમા અથવા ગોલાપમા શ્રીમાની વાતને ઊંચા અવાજે પુનરાવૃત્ત કરી દેતાં. શરત્ મહારાજ પ્રણામ કરીને વરંડામાં આવીને બેસતા અને ફરિયાદના સૂરે કહેતા, “હું જાણે સસરો!”
ઉંમરના પ્રમાણમાં મારી ઊંચાઈ થોડી ઓછી હતી એટલે હું વધારે નાનો લાગતો. આ કારણે મા મારી સામે ઘૂમટો તાણતાં નહીં. એ જ કારણે માનાં સારી રીતે દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. એ ઉપરાંત, શ્રીમાનાં પગમાં સંધિવાનો દુખાવો રહેતો, તેથી મને આ રોગના ઔષધરૂપી તેલનું માલિશ કરવાનું સૌભાગ્ય પણ મળ્યું હતું. (શ્રીરામકૃષ્ણ સદેહે દક્ષિણેશ્વરમાં નિવાસ કરતા એ સમયે) મા કામારપુકુર અને જયરામવાટીથી દક્ષિણેશ્વર તથા દક્ષિણેશ્વરથી કામારપુકુર અને જયરામવાટી પગપાળા જતાં, તેમ છતાં મેં માલિશ કરતાં કરતાં જોયું હતું કે શ્રીમાનાં પગનાં તળિયાં અદ્ભુત કોમળ અને આછાં ગુલાબી રંગનાં હતાં. તેઓએ જીવનમાં ક્યારેય પગરખાં પહેર્યાં ન હતાં.
એક દિવસ તેલનું માલિશ કરતી વખતે મેં વિચાર્યું કે માનો સંધિવા જો મારા પગમાં આવી જાય તો સારું—મા સાજા થઈ જાય. આમ વિચારીને મેં મારો એક હાથ શ્રીમાના પગે રાખ્યો અને એ જ હાથની ટચલી આંગળી મારા ઘૂંટણે સ્પર્શ કરાવતાં જ માએ વહાલ કરીને કહ્યું, “છી, છી, આ બધું શું વિચારે છે? તમે સાજા રહેશો તો ઠાકુરના કેટલાં કામ કરશો. હું વૃદ્ધ થઈ છું. કેટલો સમય જીવીશ!”
Your Content Goes Here





