સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી –

ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં

બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત ગાલીચો ગર્ભખંડમાં –

ભીતરમાં બધું શાંત-તળાવ જેમ હળુ-હળુ હલે છે નરી નીરવતામાં..

બહાર શ્રાવણનું આકાશ સભર-સભર તોળાઈ રહ્યું છે,

નીચે ગંગાજીનો ધૂસરપટ સમથળ વહ્યે જાય છે,

કિનારા પર મા શારદામણિના અને વિવેકાનંદજીનાં સ્મૃતિમંદિરો

ભક્તિયોગની પ્રાત:સમાધિમાં તલ્લીન બેઠાં છે –

ચારે કોર ઝૂલતાં દેવવૃક્ષો પર ગંગાની સામે પારથી દેવચકલીઓ ઊડી-ઊડીને આવે છે.

હું લીલાંછમ તૃણોની ટર્ફ પર બેઠો છું –

દેવચકલીઓ બેલુરમઠને ઢાંકી દે છે

પોતાની ચાંચમાં તાણી લાવેલા સ્વર્ગના ધૂસર વસ્ત્રમાં …

ધીમેધીમે તૃણો પર વરસાદનાં ટીપાં ટપકવા માંડે છે –

સામે પારિજાતના છોડ જેમ બેઠાબેઠા પરમહંસદેવ

પ્રાત: ધર્મબોધ કરાવ્યે જાય છે

ઘાસની લીલી જાજમ ઉ૫૨ એમનાં વચનામૃતો

પારિજાતનાં શ્વેતકેસરી પુષ્પો જેમ ઝરમર્યાં કરે છે…!

અને તૃણો શ્રોતાઓની જેમ ડોલી ડોલીને એમને સાંભળ્યું જાય છે!

મથુરબાબુ પરમહંસદેવને પૂછે છે કે

આ રાતાં ફૂલનાં ઝાડ પર પ્રભુ ઇચ્છા કરે તો

ધોળાં ફૂલ ઉગાડી શકે?

ઉત્તરમાં પરમહંસદેવ થોડાક દિવસ પછી રાતાં ફૂલ જોડે

ધોળાં ફૂલ ઊગેલી ડાળ દેખાડે છે…!

તૃણોની ટર્ફ ફરતે બાંધેલી બુગનવેલની વાડ પર

ધોળાં ને રાતાં ફૂલો ધર્મકથાનાં પતંગિયાની જેમ ટમટમે છે!

દેવચકલીઓ ચીં ચીં કરતી પ્રશ્નો કરી કરીને તૃણોને પજવે છે

વૃક્ષો પરથી ટપકતાં ટીપાંમાં સૂર્યનાં કિરણો ભીનાં થઈને ટપ્ ટપ્ નીતરે છે!

નીચે પાણીથી છલકતાં તૃણોનાં ક્યારડામાં સ્વર્ગ નિરાંતે ખંખોળિયાં ખાય છે!

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.