અર્વાચીન ભારતની મહત્તા વિશે જ્યારે મનમાં વિચાર આવે છે ત્યારે તેને તે મહત્તા અર્પનાર ત્રણેક વિભૂતિઓનાં નામ સહેજે સ્મરણે ચઢે છે. તે ત્રણ વિભૂતિઓ છે – મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષ. તેમાં શ્રી અરવિંદનું ક્ષેત્ર અલગ હતું, જેમાં અધ્યાત્મમાં રસ લેનારાઓ જ રસ લઈ શકે, પરંતુ ગાંધીજી અને રવીન્દ્રનાથ તો ભારતના લોકોની જીભને ટેરવે રમતા અને તેમનાં હૃદયના ધબકારામાં ધબકતા.

બન્ને તદ્દન જુદી પ્રકૃતિના અને જુદા જ કાર્યક્ષેત્રમાં પડેલા, પણ છતાં બન્ને વચ્ચે સ્નેહનો એક અતૂટ તંતુ એવો ગૂંથાઈ ગયેલો કે બન્ને એકબીજાને અત્યંત ચાહે અને એકબીજા માટે અનહદ આદર ધરાવે.

એ પ્રેમ અને આદરની વાતો તો અનેક છે, પણ અત્યંત મહત્ત્વની એક વાત મારા સ્મરણમાં રમે છે.

રવીન્દ્રનાથને તેમની વિશ્વભારતી માટે પૈસાની જરૂર પડી. તેમની પાસે નૃત્ય, સંગીત, અભિનય વગેરે કલાઓમાં પારંગત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું મોટું જૂથ હતું, અને લોકોનો સક્રિય અને કલાત્મક ઉપયોગ કરી શકે એવાં નાટકોનું સર્જન તો તેમણે પોતે જ કર્યું હતું. એટલે ફાળો ઉધરાવવા નીકળી પડવા કરતાં કવિએ એમની આ મંડળીને લઈને ઠેરઠેર નાટકો ભજવીને એ દ્વારા પૈસા મેળવવાનું પસંદ કર્યું.

હું જ્યારે કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એમની એ મંડળી મુંબઈ પણ આવી હતી. અને કોટ- વિભાગના એક્સેલસિયરના થિયેટરમાં “શાપમોચન” નામનું કવિશ્રીનું એક અતિસુંદર નાટક તેણે રજૂ કર્યું હતું, જે જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, એ મને હજી આજે પણ યાદ છે… કવિવર પોતે પણ રંગમંચ પર સંગીત વાદકો સાથે બેસતા અને વેદકાલીન કોઈ ભવ્ય ઋષિ જેવા લાગતા. પ્રેક્ષકોને અનહદ આનંદ આવતો. અને પ્રેક્ષકગૃહ ભરાયેલું રહેતું.

પણ ગાંધીજીને આ વાત ખૂંચી. આવડા મોટા વિશ્વ વિખ્યાત કવિને આવડા નાના કામ માટે ગામેગામ પોતાની નટમંડળી દ્વારા ટહેલ નાખવી પડે એ એમને ન ગમ્યું. એ વાતથી થતી વ્યથા એમણે એમના ‘નવજીવન’ સાપ્તાહિકમાં ઠાલવી અને કવિને આ ફરજમાંથી મુક્ત કરવાની પ્રજાને વિનંતિ કરી.

થોડા દિવસોમાં જ ગાંધીજીના આશ્રમને દરવાજે એક જ ગૃહસ્થ મોટરમાંથી ઊતર્યો અને કવિને જેટલાની જરૂર હતી તેટલા પૈસાનો ચેક ગાંધીજીને આપવા દરવાજા પાસે ઊભેલા માણસને તેઓ આપતા ગયા. કવિની ભ્રમણયાત્રા પૂરી થઈ ગઈ. મારી યાદદાસ્ત મુજબ તે ગૃહસ્થ શ્રી જી. ડી. બિરલા હતા.

આ તો એક મૈત્રીનું કાર્ય થયું, પણ તે ઉપરાંતેય મૈત્રીને સુલભ, અને જરૂરી પણ, એવી હસીબોલી, ઠઠ્ઠા મશ્કરી પણ આ બે મહાનુભાવો વચ્ચે થયા કરતી. તેનો એ વખતના વાતચીતમાંથી યાદ રહી ગયેલો એક દાખલો સરસ છે.

ગાંધીજી શું ખાવું, શું ન ખાવું, કયા પ્રકારનું ખાવું, કયા પ્રકારનું ન ખાવું એ બધા વિશે બહુ ચીકણા હતા. તેમાં ન ખાવાના પદાર્થમાં તળેલો ખોરાક ખાસ આવતો.

એક વાર તે રવીન્દ્રનાથ ટાગોરને ત્યાં મહેમાન તરીકે રહ્યા હશે ત્યારે ભોજન કરવા બન્ને બાજુબાજુમાં બેઠા. બંગાળના નિત્યની ભોજન સામગ્રી જેવી “લુચી” એટલે કે પૂરી ત્યારે પીરસવામાં આવી. પૂરી તો તળેલી જ હોય. ગાંધીજીના ધ્યાનબહાર એ કેમ જાય? એટલે એ તો તરત કવિશ્રી તરફ ફર્યા અને પોતાના ભાણામાંની પૂરી તરફ આંગળી ચીંધીને કહ્યું: “ધિસ ઈઝ સ્લો પૉઈઝન.” (આ ધીમું ઝેર છે.)

કવિ હસી પડ્યા અને આંખમાં ચમક લાવી કહ્યું: “ઈટ મસ્ટ બી વેરી સ્લો ઈન્ડીડ, બિકૉઝ આઈ એમ ઈટીંગ ઈટ ફોર એઈટી ઈયર્સ.” (એ ખરેખર ખૂબજ ધીમું હોવું જોઈએ કેમ કે હું એંસી વર્ષથી એ ખાધા કરું છું.)

ગાંધીજી શું બોલે? હસી પડ્યા અને ખાવા લાગ્યા. આવો સ્નેહસંબંધ ધરાવનાર આ બન્ને વિભૂતિઓ અંતરથી કેવી નજીક હતી તેની એક હૃદયસ્પર્શી વાત મને ખૂબ અસર કરી ગઈ છે.

કવિના શાંતિનિકેતનમાં તેમને માટે એક સરસ મઢુલી બનાવવામાં આવી હતી અને તેમાં કવિ વસવાટ કરતા.

ચારે બાજુ વનશ્રી પથરાયેલી હતી અને વાતાવરણમાં સંગીત ગૂંજતું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં ટોળાં તો આજુબાજુ ઘૂમતાં જ હોય, અને આખાયે વાતાવરણને કાવ્યમય અને ગીતમય બનાવી રહ્યાં હોય. ભારત ભરમાંથી, અને દેશદેશમાંથી આવાં વિદ્યાર્થી -વિદ્યાર્થિ નીઓ ત્યાં એકઠાં થતાં.

કવિ પ્રસન્ન અને શાંતિભર્યું અર્થપૂર્ણ જીવન ગુજારતા હતા.

જગ્યાનો તો ત્યાં અભાવ નહોતો. ચારેબાજુ પથરાયેલી એ વિશાળ જગ્યામાં બાંધવું હોય તેવું ઘર બંધાય. મહેલ બાંધવો હોય તો મહેલ પણ બાંધી શકાય.

તેમાં એક જગ્યાર કવિના પુત્ર માટે એક સરસ સુસજજ ઘર બાંધવામાં આવ્યું. એ પુત્ર તેમાં રહેવા લાગ્યા.

પણ તેમને તેમાં રહેવું ખૂંચે. પિતા આવી ઝૂંપડીમાં રહે અને પોતે આવા મહેલમાં? નજર સામે એ બધું કેમ સહી શકાય સંવેદનશીલ પુત્રથી? પણ એ જાણે કે આ જુદી માટીમાંથી ઘડાયેલ પિતા છે, એટલે એમની પાસે પોતાના મનની વાત કરતાં સંકોચ પામે.

છેવટે મનનો ભાર અસહ્ય થયો ત્યારે એક દિવસ તે પિતા પાસે ગયા અને પોતાના મનની વાત તેમની પાસે મૂકી. આટલી બધી જગ્યા છે અને આટલી બધી સગવડ છે છતાં પિતાશ્રીએ શા માટે આવી મઢૂલીમાં પડ્યા રહેવું જોઈએ? પોતે રહે છે તેથીયે સરસ મકાન તેમને માટે તૈયાર કરી શકાય, અને તેમણે તેમાં જ રહેવું જોઈએ, તેમ તેણે આગ્રહપૂર્વક કહ્યું.

કવિવરે એ વાત સ્વીકારવા ના પાડી અને પોતે જ્યાં રહે છે ત્યાં પૂરેપૂરા સુખી છે, તેમ જણાવ્યું.

પુત્ર વધારે આગ્રહ કરવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું, “તું કદી અમદાવાદ ગયો છે ને ત્યાં ગાંધીજી આશ્રમમાં જે જગ્યાએ રહે છે તે જગ્યા તે જોઈ છે?”

પુત્રે ના કહી તો કહ્યું કે તું ત્યાં જઈને બધું તારી નજરે જોજે.

એવું બધું ત્યાં શું જોવાનું હશે એવો પ્રશ્ન પુત્રને થયો તો તેમણે કહ્યું:

“ત્યાં જે વૃદ્ધ પુરુષ રહે છે ને, મોહનદાસ ગાંધી નામનો, તે આખી દુનિયામાં એટલો બધો વિદ્વાન છે કે તેને મળવા દેશેદેશથી માણસો આવે છે – મોટા ઉમરાવો અને મોટા-મોટા રાજ્યકર્તાઓ પણ.”

પુત્ર સાંભળી રહ્યો, કુતૂહલથી શું કહેવા માગતા હશે પિતાશ્રી, એ ભાવપૂર્વક, એટલે એમણે આગળ ચાલ્યું: “તને ખબર છે? એ બધાઓ માટે એ ડોસાએ ખુરશીઓ પણ નથી રાખી. પોતાની ઓરડીમાં જે આવે તેને એ ખાલી થયેલા સાબુના ખોખાંઓ કે એવી એવી સામગ્રીઓ પર બેસાડે અને આવનારા લોકો પણ પ્રેમપૂર્વક તેના પર બેસે.”

“ને” એમણે ઉમેર્યું: “એની સરખામણીમાં હું તો અહીં બાદશાહીથી રહું છું. પણ મારા મનની ઉમેદ તું જાણે છે?”

પુત્રે ડોકું નકારમાં ધુણાવ્યું એટલે એમણે કહ્યું: “મને એમ થાય છે કે આ બધી બાદશાહી છોડી હું પણ એના જેવો જો બની શકું તો મારું જીવ્યું ધન્ય બની જાય.”

પછી પુત્રે કંઈ બોલવા જેવું રહ્યું નહિ.

આંસુભરી આંખે આ બધું વાંચી સમજી રહેલ મારી પાસે પણ આ બે મહાત્માઓની વિભૂતિમત્તાને આંસુ ભરી આંખે મારા મનોમન પ્રણામ કરી લીધા સિવાય બીજું કશું રહ્યું નહિ.

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.