પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેમની સાથે હતાં. તેમણે જાતે અનુભવેલાં બાપુના આ અમૂલ્ય સંસ્મરણો ૨, ઓક્ટોબર, ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતીમાં પહેલીવાર પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.

બાપુનું માતૃહૃદય

“મને તો એ સમજાતું નથી કે, તમે અમને, સેવાગ્રામ આશ્રમમાં જવાની વાત શા માટે કરી રહ્યા છો? આશ્રમમાં તો અનાથ બાળકોને જ મોકલવામાં આવે છે. મારે તો મા-બાપ બંને છે. તો પછી હું ત્યાં શા માટે જાઉં?” – પચાસ વર્ષ પહેલાં મેં આ વાત મારા પિતાજીને કહી હતી, ત્યારે હું બાર વરસની બાલિકા હતી.

એ વખતે મને સમજાવતાં પિતાજીએ કહ્યું હતું : “બેટી, તું અનાથ નથી એ તારી વાત તો સાચી છે. હું તને એવા કોઈ અનાથાશ્રમમાં લઈ જવાની વાત કરતો નથી. હું તો મહાત્મા ગાંધીના આશ્રમમાં જવાની વાત કહી રહ્યો છું. આ આશ્રમ તો એક એવો આશ્રમ છે કે, જ્યાં દરેક માણસ પોતાનું જીવન ઉન્નત કરી શકે છે અને સેવાભાવી બની શકે છે.”

બાપુની મંજૂરી મળી એટલે મારા પિતાજી અમૃતલાલ ચેટર્જી મને અને મારા મોટાભાઈ ધીરેનભાઈને લઈને સેવાગ્રામ (વર્ધા) તરફ ચાલી નીકળ્યા.

વર્ધાથી સેવાગ્રામ પાંચેક માઈલ દૂર હતું. ઘોડાગાડીમાં બેસીને અમે બધાં ત્યાં પહોંચ્યાં. સૌથી પહેલાં અમે બાપુની કુટિરમાં પ્રવેશ્યાં અને સૌએ બાપુને પ્રણામ કર્યાં.

“કઈ ટ્રેનમાં આવ્યાં?” બાપુએ પૂછ્યું.

“લોકલ ટ્રેનમાં.” પિતાજીએ ઉત્તર વાળ્યો.

“લોકલ ટ્રેનમાં આવ્યાં તે તો ઘણું સારું કર્યું. પ્રવાસમાં આપણે ઘણો નકામો ખર્ચ કરી નાખતા હોઈએ છીએ.” બાપુએ કહ્યું. પછી તેમણે મારા તરફ જોઈને પૂછ્યું : “તે આ પહેલાં ક્યારેય ટ્રેનની આવડી લાંબી મુસાફરી કરી છે ખરી કે?”

એ વખતે હિન્દી ભાષા તો મને જરાય આવડતી ન હતી એટલે હું શું સમજી નહિ. બાપુનો પ્રશ્ન પિતાજીએ મને બંગાળી ભાષામાં સમજાવ્યો એટલે મેં “જી ના” એવો ટૂંકો જવાબ વાળ્યો.

“ત્યારે તો હું આ લાંબી મુસાફરીથી ખૂબ થાકી ગઈ હોઈશ, ખરું ને?” બાપુએ પૂછ્યું..

“જી હા, હું તો ખૂબ જ થાકી ગઈ છું. મને આખે રસ્તે મારાં માતાજી ખૂબ ખૂબ યાદ આવ્યાં કર્યાં. હું તો પિતાજીને વારેવારે કહ્યા કરતી હતી કે મને આટલે બધે દૂર શા માટે લઈ જાઓ છો? હવે પછી આટલે દૂર તો હું ક્યારેય નહિ જાઉં.” મેં ઉત્તર આપ્યો.

“તો જા, પહેલાં ગરમ પાણીથી નાહી લે. થાક દૂર થઈ જશે અને તાજગી આવી જશે અને પછી જમી પણ લે.” બાપુએ કહ્યું.

બાપુની કુટિરમાં એક આશ્રમવાસી ભાઈ હતા. બાપુએ એમને કહ્યું : “તમે પહેલાં રસોડે જાઓ અને આ ત્રણેય માટે ગરમ પાણી તૈયાર કરવાનું કહીને પાછા અહીં આવો અને આ બધાંને બા પાસે લઈ જાઓ.”

બાપુએ જે કંઈ કહ્યું તે જ્યારે પિતાજીએ મને બંગાળી ભાષામાં બતાવ્યું ત્યારે મને ખૂબ નવાઈ લાગી. માતાના હૃદય સિવાય આવી નાની નાની વાતોનું ધ્યાન તે ભલા કોણ રાખી શકે? આ રીતે સૌ પ્રથમ તો મને બાપુમાં માતાનાં જ દર્શન થયાં. બાપુમાં માતૃહૃદયની ઝાંખી કરીને હું તો ખુશખુશ થઈ ગઈ અને મારો થાક તો કોણ જાણે ક્યાંય અલોપ થઈ ગયો.

નાહીને ભોજન કરી લીધા પછી અમે ફરીથી બાપુ પાસે ગયાં.

‘કેમ, ગરમ પાણી તો બરાબર હતું ને? થાક દૂર થયો કે? જમવાનું સારું લાગ્યું ને? ભૂખી તો નથી રહી ને?’ બાપુએ આવા અનેક પ્રશ્ન પૂછી નાખ્યા.

આ રીતે બાપુમાં માતાનું હેત મળતાં જ બાપુ પાસે રહેવાની ઇચ્છા વધવા લાગી.

વિનોદી બાપુ

બાપુ ખૂબ જ વિનોદી સ્વભાવના હતા. તેઓ અવારનવાર કહ્યા કરતા કે, “જો મારો સ્વભાવ વિનોદી ન હોત તો મેં ક્યારનોય આપઘાત કરી લીધો હોત.” બાપુનું આ વચન સો ટકા સાચું હતું.

જ્યારે અમે બાપુને મળવા ગયાં ત્યારે તેમણે મારું અને મારા મોટાભાઈનું નામ પૂછ્યું. મેં કહ્યું: ‘આભારાણી.’ (બંગાળમાં છોકરીના નામની પાછળ પાણી-રાણી જોડવામાં આવે છે, એટલે મેં ‘આભારાણી’ કહ્યું હતું).

મારું નામ સાંભળતાં વેંત જ બાપુએ કહ્યું : ‘બહુ સારું થયું. લો, રાણી આવી ગઈ. આજ સુધી તો મારી પાસે રાજા અને રાજકુમારી જ આવ્યાં છે, પણ હજુ સુધી કોઈ રાણી આવી નથી. હવે તું આવી ગઈ એટલે એ ખોટ પુરાઈ ગઈ.’ એમ કહીને બાપુ જોરથી હસી પડ્યા અને એમણે હેતથી મારો કાન ખેંચીને જાણે કે મને અપનાવી લીધી.

બીજે દિવસે સવારે અમે ફરીથી બાપુને મળવા ગયાં. બાપુએ પૂછ્યું : “કેમ રાણી! ઊંઘ તો સારી આવી ને? પ્રાર્થના માટે સવારે ચાર વાગ્યે ઊઠવામાં તકલીફ તો પડી હશે. માછલી વગરનું અને મીઠામરચા વગરનું મોળું ભોજન ભાવ્યું ખરું ને? ઘર તો સાંભરી આવતું નથી ને? તું ગભરાઈ ઊઠી તો નથી ને?”

મેં તો જેવું લાગ્યું તેવું બધું જ બતાવી દીધું. બાપુએ પૂછ્યું : “તો કહે, તું શું નક્કી કરે છે? અહીં રહેવું છે ને?”

“માતાજીની યાદ વારેવારે આવ્યા કરે છે. વધારેમાં વધારે તો હું એક વરસ સુધી જ અહીં રહીશ.” મેં કહ્યું.

“ઠીક, ભલે એક વરસ રહેજે; પછી તને ઘરે જવાની છૂટ મળશે.” બાપુની આ વાત સાંભળીને હું તો ખુશ થઈ ગઈ.

“હવે જો; આજથી તારે આશ્રમનું જીવન જીવવાની શરૂઆત કરવાની છે. આશ્રમના બધા નિયમોનું પાલન કરવાનું છે. શરૂશરૂમાં એ મુશ્કેલ લાગશે, પણ પછી થોડા જ દિવસોમાં એની ટેવ પડી જશે. પછી તો જરા પણ મુશ્કેલી નહિ નડે..” બાપુએ મને સમજાવતાં કહ્યું.

એ પછી બાપુએ આશ્રમવાસી ભાઈ બલવંતસિંહને બોલાવ્યા. તેઓ આવ્યા એટલે બાપુએ તેમને કહ્યું : “આ ત્રણેયને રૂ પીંજવાનું, પૂણી બનાવવાનું અને સૂતર કાંતવાનું સારી રીતે શીખવી દો. તમે તમારો અનુકૂળ સમય નક્કી કરીને આ લોકોને બતાવી દો.”

મારા ભણતર માટે બાપુએ પૂજ્ય ભણસાલીભાઈને બોલાવીને કહી દીધું.

બાકી બચેલા સમયમાં આશ્રમની સફાઈ, રસોઈ કરવી, શૌચાલયની સાફસૂફી, વગેરે જેવાં કામોમાં મને જોડી દીધી. આખો કાર્યક્રમ એટલો બધો ભરચક્ક હતો કે, ફક્ત રાત સિવાય મને મારી માતાની કે ઘરની યાદ આવતી નહિ. બાપુની પાસે પણ રોજનો દોઢ કલાક જવાની અને તેમની સાથે સવાર-સાંજ ફરવા જવાની ફરજ પણ મારે ભાગે આવી. એક તો, હું આખાય આશ્રમમાં સૌથી નાની હતી અને વળી દૂરના પ્રાંતની હતી. અને બીજું, મને બંગાળી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહતી. એટલા માટે બાપુ અને બા મારું વિશેષ ધ્યાન રાખતાં હતાં.

સંકલ્પની સભાનતા

દિવસ પર દિવસ વીતવા લાગ્યા. આઠ મહિના ક્યાં પસાર થઈ ગયા, એની કશી ખબર જ ન પડી. હવે તો હું હિન્દી સારી રીતે સમજવા માંડી હતી, અને બોલી પણ શક્તી હતી. એટલે આનંદમાં રહેતી. આશ્રમમાં હરતાંફરતાં બંગાળી ગીતો અને ‘ભજનાવલી’નાં ભજનો ગાયા કરતી. મારું મન ચોટી ગયું હતું. મને બાપુનો એટલો બધો સ્નેહ સાંપડ્યો કે, હું મારી માતાને અને ઘરને સુધ્ધાં ભૂલી જ ગઈ હતી.

ત્યાં સમાચાર આવ્યા કે, મારી માતા બહુ બીમાર છે. પિતાજીને એમણે ત્યાં બોલાવ્યા હતા. પિતાજીએ બાપુ પાસેથી જવાની અનુમતિ મેળવી લીધી. પિતાજીના જવાની વાત સાંભળીને મને માતાની યાદ ફરીથી તાજી થઈ ગઈ. મને પણ માતાજી પાસે જવાની ઇચ્છા થઈ આવી. મેં પિતાજીને કહ્યું : “મને પણ સાથે લઈ જાઓ.”

“તું બાપુ પાસેથી અનુમતિ માગી લે.” પિતાજીએ કહ્યું.

બાપુ સાથે રોજ ફરવા જવાની ‘ડ્યૂટી’ તો મારા ઉપર લાગેલી જ હતી. તે સાંજે મેં બાપુને પૂછયું : “બાપુ, મારાં માતાજી ખૂબ બીમાર થઈ ગયાં છે. આપે પિતાજીને તો જવાની અનુમતિ આપી દીધી છે. તો મનેય અનુમતિ આપો ને કે હું પણ એમની સાથે જઈ આવું! એમની સાથે પાછી અહીં આવતી રહીશ.”

“તું પાછી તો અહીં આવી જઈશ, એમાં તો કોઈ સંદેહ નથી; પણ વાત એ છે કે, એક તો તે એક વર્ષ સુધી અહીં રહેવાનો સંકલ્પ કર્યો છે. સંકલ્પ તોડવો જોઈએ નહિં. આ જ તો આપણી કસોટી છે. સંકલ્પનો સાચો અર્થ તો એ જ કે, ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ કરેલા સંકલ્પનું પાલન કરવું.

‘બીજી વાત એ છે કે, તું આશ્રમમાં હતાંફરતાં તારા મધુર કંઠે ગીત- ભજન ગાયા કરે છે અને વારે વારે તારું ખડખડાટ નિર્દોષ હાસ્ય અહીં સંભળાયા કરે છે. હવે જો તું ચાલી જાય તો મધુર કંઠે ગવાતાં એ ભજનો ભલા મને ક્યાંથી સાંભળવા મળે? તારા જેવું એ નિર્દોષ હાસ્ય મને ક્યાં સાંભળવા મળે?”

અને હવે આ ત્રીજી વાત : તું અહીંથી જાય તો સવાર-સાંજ ફરવા જતી વખતે મારી લાકડી કોણ બનશે? અને લાકડી વગર હું ક્યાંક લથડી પડીશ તો?”

બોલ, હવે હું તને જવાની રજા કેવી રીતે આપી શકું? તારા પિતાજી ભલે જાય. માતાજીની ચિંતા કરીશ નહિ. એક વર્ષ પૂરું થઈ જવા દે. પછી તારી મરજી હશે તો હું તને કોઈની સાથે તારાં માતાજી પાસે જરૂર પહોંચાડી દઈશ.

આ બધું બાપુ એટલા હેતથી કહી રહ્યા હતા કે, એ સાંભળીને હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. આ બધું કહ્યા પછી બાપુએ જ્યારે મને પૂછ્યું કે, “કેમ, બરાબર ને? તું સમજી ને?” ત્યારે મારે મોંએથી એકાએક શબ્દો સરી પડ્યા : ‘જી હા, બાપુ! હવે હું નહિ જાઉં; પણ એક વરસ પછી આપ મને જરૂર મોકલી દેજો.’

બાપુએ ખૂબ હેતથી મારી પીઠ થાબડીને આશીર્વાદ આપતાં કહ્યું : ‘એક વર્ષ પછી તારી ઇચ્છા હશે, તો જરૂર મોકલી દઈશ.’

માતાના જેવું હૈયું

“તમે બધાં મને બાપુ કહો છો એ તો જાણે ઠીક છે. કારણ કે હું રહ્યો એક પુરુષ. ભલે, હું પુરુષ રહ્યો, પણ મારે તો એક ‘માતા’ બનવું છે, કે જેને કરુણાભર્યા હૃદયની ભારે મોટી ભેટ મળી છે. હું ઇચ્છું છું કે મારું હૃદય પણ એવી જ રીતે કરુણાથી ભર્યુંભર્યું બની જાય, કરુણામય થઈ જાય. હું એવું હૃદય બનાવવા માટે પ્રયત્નશીલ રહીશ, કે જેથી આજ નહિ તો આવતી કાલે મારું હૃદય ‘માતૃહૃદય’ બની રહે.” આમ બાપુ કહેતા.

બાપુના આ માતૃસ્નેહભર્યા હૃદયનો અનુભવ, આશ્રમમાં કંઈ મેં એકલીએ જ કર્યો ન હતો. મારી ઉંમરની જેટલી નાની નાની છોકરીઓ અને એવડા છોકરાઓ આશ્રમમાં આવ્યાં હતાં, તે સૌએ બાપુનો આ માતૃસ્નેહ માણ્યો હતો અને એ બધાં જ પોતાનાં માતાપિતાને ભૂલી ગયાં હતાં.

થોડો વિચાર તો કરો કે, મારા જેવી બાર જ વરસની દૂરના અન્ય પ્રાંતની એક છોકરી, ૧૨૦૦ કિલોમિટરનું અંતર કાપીને આશ્રમમાં બાપુ સાથે રહેવા આવી પહોંચી હતી અને રહેવા બાબત બાપુએ જ્યારે એને પૂછ્યું ત્યારે, ‘ફક્ત એક વર્ષ જ રહીશ, પછી મારી માતા પાસે મોકલી દેજો’ એમ કહેનારી એ છોકરીને બાપુ સાથે રહેવાકારવવામાં કેટલાંય વર્ષો વીતી ગયાં! પહેલું વર્ષ તો કોણ જાણે ક્યાંય ચાલ્યું ગયું એની કશી ખ્યાલખબર પણ ન રહી! આનું રહસ્ય શું હતું: આનું રહસ્ય જ હતું : બાપુનું માનાના જેવું હેત.

“એમાં તે વળી શું થઈ ગયું? આખરે મારે તો ‘માતા’ જ બનવાનું છે ને? આ છોકરીની મા તો કેટલાંય વરસો પહેલાં મરી ગઈ છે, એટલે માતાના હેતનો અનુભવ એ કરી શકી નથી. એના કાનમાં બહુ દરદ થાય છે, એટલે બિચારી બૂમો પાડી રહી હતી. મેં એ સાંભળ્યું અને ધીરે ધીરે અહીં ચાલ્યો આવ્યો. તમે બધા તો આખા દિવસની મહેનતથી ખૂબ થાકેલા હતા, એટલે ગાઢ ઊંઘમાં આની બૂમો સાંભળી ન શક્યા.” બાપુએ કહ્યું.

છોકરી મરાઠી હતી. નામ હતું શરદ. ચૌદેક વરસની ઉંમરની હશે. એના કાનમાં ખૂબ પીડા થતી હતી. એના પિતા પારનેરકરજી ગાયોના મોટા ભક્ત હતા. છોકરી પોતાના પિતા અને દાદીમા સાથે આશ્રમમાં રહેતી હતી. બાપુએ પોતાની કુટિરની પાસે જ આવેલી બીજી કુટિરમાં એમને બોલાવી લીધાં હતાં. રાત્રે પીડાનો ઓયકારો સાંભળીને બાપુ એ છોકરી પાસે જઈને એના ખાટલા ઉપર બેસી ગયા, અને એની સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. થોડા વખત પછી પારનેરકરજીની ઊંઘ ઊડી ગઈ. એમણે જોયું તો બાપુ છોકરીના ખાટલા પર બેસીને એની સેવાચાકરી કરી રહ્યા છે! પારનેરકરજી તો ખૂબ શરમાયા. એમણે બાપુને કહ્યું : “બાપુ, આપ શા માટે આટલી રાતે આવું કષ્ટ ઉઠાવી રહ્યા છો મને જગાડી દેવો હતો ને?”

‘હા, કોઈને ઉઠાડી તો શકતો હતો; પણ મારી ઊંઘ તો ઊડી જ ચૂકી હતી. એટલે વિચાર્યું કે, હવે બીજાની ઊંઘ શા માટે બગાડવી? એટલે હું જ ચૂપચાપ અહીં આવી ગયો. મારે તો ‘મા’ બનવું છે ને?

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.