૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ તેવું જ છે; એક સુંદર હોય, બીજો કાળો હોય, ત્રીજો પવિત્ર હોય ને ચોથો દુષ્ટ હોય; પણ પરમાત્મા સૌની અંદર વસી રહ્યો છે.

૩૮. બધા (ખાવાના) ઘૂઘરા ઉપર એક જ લોટનું પડ હોય છે પણ, દરેકની અંદર પૂરણ જુદું જુદું હોય છે. ઘૂઘરો સારો છે કે ખરાબ તે એના પૂરણ પર આધારિત હોય છે. એ જ રીતે, બધા માનવદેહો એક જ પદાર્થના બનેલા હોય છે છતાં, એમનાં હૃદયની શુચિતા પર એમના વિવિધ ગુણનો આધાર છે.

૩૯. બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોયા બને છે અને હજીયે કેટલાક વેશ્યાઓને બારણે ધૂળમાં આળોટે છે.

૪૦. ઈશ્વર વાઘમાં પણ છે એ સાચું છે; પણ તેથી આપણે એ પ્રાણીની સામે જઈ ઊભા રહેવાની જરૂર નથી. ઈશ્વર દુષ્ટમાં દુષ્ટ પ્રાણીઓમાં પણ વસે છે એ સાચું છે પણ તેથી, આપણે એમની સાથે ભળવું યોગ્ય નથી.

૪૧. બધું જળ નારાયણસ્વરૂપ છે એ સાચું છે પણ દરેક પ્રકારનું પાણી પીવાયોગ્ય નથી. એ જ રીતે, ઈશ્વર સર્વત્ર વસે છે એ સાચું છે તે છતાં, દરેક સ્થાન માણસને જવા જેવું નથી. એક જાતનું પાણી આપણા પગ ધોવા માટે વપરાય, બીજા પ્રકારનું નહાવા માટે અને ત્રીજા પ્રકારનું પીવા માટે વપરાય છતાં, એવા બીજા પ્રકારો છે જે સ્પર્શ કરવા યોગ્ય પણ નથી. એ જ રીતે, કેટલાંક સ્થળોએ રહી શકાય, કેટલાંકની મુલાકાત જ લેવાય અને કેટલાંકને દૂરથી જ દંડવત્ કરાય.

૪૨. ખૂબ વાતોડિયાથી, નિખાલસ ન હોય તેનાથી, કાનમાં તુલસી ભરાવી પોતાની ભક્તિનું પ્રદર્શન કરનારથી, મોટો ઘૂમટો કાઢતી નારથી અને જેની ઉપર શેવાળ બાઝી ગઈ હોય એવા જળથી સાવધાન રહો.

[- હવે પ્રસિદ્ઘ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.