(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) રામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર)થી પ્રકાશિત હિન્દી સામયિક ‘વિવેક શિખા’ના સપ્ટેમ્બર-નવેમ્બર, ૧૯૯૯ના ‘સ્વામી ભૂતેશાનંદજી સ્મૃતિ વિશેષાંક’માંથી ડૉ. મુન્નીબહેન માંડવિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. – સં)
હું જ્યારે કલકત્તા ગામ તરફ જતો ત્યારે હંમેશાં પગપાળા જ જતો. બાંકુડા સુધી ટ્રેનમાં જતો. ત્યાર પછી 18 માઈલ પગપાળા જતો. પગપાળા શું, કૂદકા જ મારીને જતો. મા પાસે જતો તેથી જેટલા જલદી જવાય તેમ પ્રયત્ન કરતો. તેથી કૂદકા લગાવીને ઝડપથી જ જતો. તે (મા) ઘરેથી બળદગાડીને સ્ટેશન પર મોકલતી. હું કહેતો, “બળદગાડી મોકલતાં નહીં, હું ચાલીને જ આવીશ.”
એક વાર બળદગાડી નદીમાં ઊતરી ગઈ. બંને બળદો પાણીમાં તરવા લાગ્યા. હું બળદગાડી પર બેઠો છું ને તેને ચલાવી રહ્યો છું. રાત્રે અંધારામાં ચાલવું ન પડે તેથી સમય જોઈને નીકળતો. જે ટ્રેન સવારે બાંકુડા પહોંચે તેમાં જતો અને પછી પગપાળા જતો રહેતો.
આ ઉપરાંત પણ બાગબજારથી દમદમ (કેસ્ટોપુર) સુધી ફૂલ લેવા માટે ચાલીને જ જતો. માત્ર દમદમ સુધી જ કેમ? બાગબજારથી દક્ષિણેશ્વર સુધી ચાલીને અનેક વાર ગયો છું. તે સમય દરમિયાન મઠ સુધી ચાલતો જ જતો. મઠ જવા માટે બે પૈસાનો ખર્ચ થતો હતો. બાગબજારથી આહિરિટોલા ઘાટ ચાલીને જતો પછી ત્યાંથી એક પૈસામાં સબડિયા જતો. અને પછી ચાલીને પહોંચતો. આવવા-જવાના ગંગા પાર કરવાના એક એક પૈસા એ રીતે બે પૈસા ખર્ચ થતો. કુઠીઘાટ પાર કરવાનો ખર્ચ ચાર પૈસા થતો. આ ઘાટનું ભાડું બે પૈસા હતું. ત્યાં જઈને આહિરિટોલાથી ગંગાને પાર કરતો.
ગામમાં પહોંચ્યા પછી પિતાજી ખેતર બતાવી દેતા. ખેતર એક જગ્યાએ તો નહોતું પણ ચારેય દિશામાં ફેલાયેલ હતું. પિતાજી મારી સાથે રહીને બધું બતાવતા. હું કહેતો કે આ બધુંં જોઈને હું શું કરવાનો? તેઓ શા માટે મને બતાવતા, કોણ જાણે. પિતાજીએ એક વાર મને કહ્યું હતું કે જો તું સાધુ જ બનવાનો છે તો મેં આ બધું (જમીન-જાયદાદ વગેરે) કોના માટે કર્યું?
મેં કહ્યું હતું, “મેં ક્યાં તમને આ બધું કરવા માટે કહ્યું હતું?” બે કાકા હતા. એક કાકાને બાળકો હતા જ્યારે બીજાને નહોતા. જેમને બાળકો નહોતા તે કાકાએ મને કહ્યું, “જો, તું આ બધી સંપત્તિ નહીં સ્વીકારે તો, અને મારે કોઈ બાળકો ન હોવાથી મારી સંભાળ કોણ લેશે? માટે મને આ સંપત્તિ આપી દે.” જેમને બાળકો હતા તેમણે કહ્યું, “તેમને આપીને શું અર્થ? તેમને તો કોઈ બાળકો નથી, કોણ તેનો ઉપયોગ કરશે? મારે તો બાળકો છે, મને આ સંપત્તિ આપી દે.” બંનેના તર્ક મજબૂત હતા. મેં કહ્યું, “આ બધું કોઈ કાળે મારું તો છે નહીં, હું કેવી રીતે આપી શકું?” કોઈને આ સંપત્તિ આપવામાં આવી નહીં.
અમારી શાળાના શિક્ષક મહાશય કોઈ રીતે વર્ગને નિયંત્રિત કરી શકતા નહોતા. બધા છોકરાઓ બહુ શોરબકોર કરતા અને તેથી શિક્ષક વર્ગ છોડીને જતા રહેતા. એક દિવસ આવી જ રીતે શિક્ષક મહોદય વર્ગ છોડીને જતા હતા ત્યાં હેડમાસ્ટર સાહેબ તે બાજુ જઈ રહ્યા હતા. શોરબકોર સાંભળીને મને સામે જોઈને તેમણે પૂછ્યું, “શું થઈ રહ્યું છે?” મેં તરત જવાબ આપ્યો, “માસ્ટર સાહેબ ભાગી ગયા છે.” મારી આવો જવાબ સાંભળીને હેડમાસ્ટર સાહેબે કહ્યું, “તેં આવા શબ્દોનો પ્રયોગ કર્યો તે સારું કહેવાય?” મારી ભૂલ સમજાઈ તેથી મેં તરત જ કહ્યું, “ના સાહેબ, ભૂલ થઈ ગઈ છે.” એક વાર ધાતુ શબ્દનો સાચો અર્થ મને ખબર નહોતી. બાજુમાં બેસેલ છોકરો લખી રહ્યો હતો. મેં વિચાર્યું કે તેનું જોઈને લખી નાખું પણ તરત જ મનમાં થયું કે આ શું કરું છું? આ તો ચોરી કહેવાય. મેં લખ્યું નહીં. હું ખરીદ કરવા જતો નહીં. તોપણ ઘણી વાર બજારમાં જતો. હું બહુ અમીર તો નહોતો છતાં પણ બજારમાં જતાં ઉત્તમ વસ્તુઓ ભલેને વધારે કિંમતની હોય પણ ખરીદી કરતો.
એક વાર મોઈ-દાંડિયાની રમત રમતી વખતે મારી આંખ નીચે જોરથી મોઈ વાગી. દડ દડ કરતું લોહી નીકળવા લાગ્યું. મારા સાથીઓ મને લઈ જવા માટે આવ્યા પણ મેં કહ્યું કે હું પગપાળા જ જાઉં છું. ઘરે આવીને વડીલ લોકો ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે ઘાની આજુબાજુ સાફ કરીને દવા લગાડીને પટ્ટી બાંધી દીધી. અત્યારે પણ યાદ છે કે બહુ જ દુ:ખતું હતું. માથું એવું ભમતું હતું, માથામાં સણકા થતા હતા, તો એવું લાગતું હતું કે પ્રાણ નીકળી જશે. મનમાં એક મોટી જીદ હતી કે જરા પણ રડીશ નહીં કે ચિત્કાર કરીશ નહીં. ખરેખર દાંત પીસીને સહન કરેલ. માત્ર આંખોના બંને ખૂણા પરથી બે બુંદ ટપ ટપ નીકળી રહ્યાં હતાં.
બહેનો જ્યારે કહે કે, “મહારાજ, હવે વધારે સહન નહીં થાય. બાળકો બહુ તોફાન કરે છે.” હું કહેતો, “ભલે વધારે કરે.” આ સાંંભળીને તેઓ હસવા લાગે. સ્વભાવત: બહેનો એવું મનમાં ને મનમાં ઇચ્છે કે બાળકો તોફાન કરે. બાળપણમાં મેં તોફાન નથી કર્યાં તેવું નથી. પણ યાદ નથી કે ક્યારેય મેં માર ખાધો હોય. માતાપિતાએ ક્યારેય મને માર્યું નથી. એક વાર કોઈ અપરાધ વગર શાળાના શિક્ષકે મને માર-પીટ કરી હતી એવું યાદ છે. ત્યારે હું માધ્યમિક શાળામાં ભણતો હતો. એક દિવસ ખબર નહીં, પણ માસ્તર સાહેબ વર્ગને નિયંત્રિત નહોતા કરી શકતા અને વર્ગમાંથી નીકળીને એક સોટી લઈ આવ્યા. હું સામે જ ઊભો હતો. મને સોટીથી મારવા લાગ્યા. હું કંઈ બોલ્યો નહીં. ચુપચાપ માર ખાતો રહ્યો. વિચારવા લાગ્યો કે જોઉં કેટલું મારે છે! પછી માસ્તર સાહેબને બહુ દુ:ખ થયું હતું. કારણ કે તેઓ મને બહુ પ્રેમ કરતા હતા. હું સારો છોકરો હતો ને? પછી કોઈ વાર મારેલ નહીં. મને સ્નેહ કરતા. ‘રતન’, ‘માણેક’ એવા નામોથી મને બોલાવતા. બીજા છોકરાઓએ કહ્યું હતું, “અરે, તેં અમને બધાને બચાવી લીધા.”
એક વાર મેં બદમાશી કરી તોફાન કર્યું. મા મને પકડવા માટે પાછળ દોડી. હું પણ દોડ્યો. અંતે એક ચાર દીવાલની નજીક પહોંચી ગયો. ભાગવા માટે કોઈ રસ્તો નહોતો. દીવાલ બાજુ પીઠ રાખીને ઊભો રહી ગયો. માએ આવીને પકડી લીધો અને છાતી સરસો ચાંપી દીધો, માર પડ્યો નહીં.
એક વાર એક ગાય મારી પાછળ પડી. હું ભાગવા લાગ્યો. દોડીને હાંફી ગયો ને પડી ગયો. પાછળ જ ગાય આવી ગઈ હતી. વિચારવા લાગ્યો, ‘મારી પીઠમાં બંને શિંગડાં ઘુસાડી દેશે.’ પરંતુ આશ્ચર્ય! મારી સામે આવીને રોકાઈ ગઈ. મારી પીઠ પર ધીરેથી તેનું મુખ અડાડીને ચાલી ગઈ.
આવી રીતે એક વાર એક કૂતરાએ મને ભગાવેલ. હું જોરથી ભાગ્યો. પણ કૂતરાની સાથે કેવી રીતે દોડી શકાય? મારા પગની પાસે કૂતરો આવી ગયો. હું ડરી ગયો અને ચીસો પાડી. વિચારવા લાગ્યો કે મને કરડશે તો? પરંતુ આશ્ચર્ય! બરાબર તે જ સમયે મને આ પ્રકારે ભાગતો જોઈને એક બીજો કૂતરો તેની તરફ તેજીથી દોડ્યો. હું બચી ગયો. આમ, જો બીજા કૂતરાએ પેલા કૂતરા ઉપર આક્રમણ ન કર્યું હોત તો તે મને કરડી લેત. આ રીતે અનેક ઘટનાઓ મારા જીવનમાં બની ગઈ. કોઈ અદૃશ્ય હાથે કોઈ પણ પ્રકારે મને બચાવી લીધેલ છે.
અદૃશ્ય હાથ કહેતાં બીજી એક ઘટના યાદ આવી ગઈ. કલકત્તાના રસ્તા પર ચાલતો જતો હતો. પાછળ ફરીને જોયું તો એક ઘોડાગાડીનો ઘોડો મારા ખભા પાસે આવી ગયો છે, જાણે હમણાં ઘોડાગાડીનું પૈડું મારા શરીર ઉપરથી ચાલી જશે. પણ ક્યાંથી કોઈ અદૃશ્ય હાથે મને ધક્કો મારીને રસ્તાના કિનારા પર લાવી દીધો. હજુ પણ સ્પષ્ટરૂપે યાદ છે. જાણે સાચે જ કોઈ વ્યક્તિના હાથ વડે ધકેલાઈ ગયો. આજુબાજુ કોઈ વ્યક્તિ નહોતી. એટલે તો કહું છું કે અદૃશ્ય હાથ! કેવી રીતે આવું થયું તે કોણ જાણે! ઘણી વાર મારી આવી રીતે રક્ષા થઈ છે. અદૃશ્ય હાથે તો રક્ષા કરી જ છે, દૃશ્ય હાથે પણ કરી છે.
દૃશ્ય હાથની એક ઘટના કહું છું. નાનપણમાં અમે લોકો ઘોડાગાડીના પાછલા પાટિયા પર ઝૂલતા; જેમાં હાથ પાટિયા પર રાખતા અને પગ બહાર રસ્તાની માટી ઉપર ઘસતા ઘસતા જતા. આમાં મારા હાથ પાટિયા પર અને પગ રસ્તા પર ઘસાતા ગયા. ન હાથ છોડી શકું અને ન ઉપર ચડી શકું. આવી હાલત જોઈને એક વ્યક્તિએ ક્યાંકથી આવીને ગાડી રોકીને મને ખેંચી લીધો. આવી રીતે તે વખતે હું બચી ગયો.
નાનપણમાં ‘કથામૃત’ વાંચીને જ ઠાકુર વિશે જાણ્યું. લગભગ તે સમયે એક-બે ખંડ જ બહાર પડેલા અને મારા શિક્ષક પાસેથી પણ થોડું સાંભળેલું. ત્યારે શાળામાં ભણતો. (ઈશ્વરચંદ્ર) વિદ્યાસાગરની શાળામાં (શ્યામબજારમાં) ભણતો. બપોરે હું લટાર મારવા નીકળ્યો ત્યારે જોયું તો અનેક યુવાનો ભેગા મળીને કંઈક કરી રહ્યા છે. કુતૂહલ થયું, નજીક ગયો. જોયું તો અમારી શાળાના શિક્ષક અને કેટલાક વિદ્યાર્થીઓ હતા. તે લોકો ભજન ગાતા હતા. રામનામ લઈ રહ્યા હતા. મને બહુ ગમ્યું. ધીરે ધીરે હું પણ તે લોકો સાથે જોડાઈ ગયો. તે લોકોએ પણ જોયું કે એક સારા માનસવાળી વ્યક્તિ મળી. નજીકમાં એક શિવમંદિર હતું. ધીરે ધીરે તે લોકોએ શિવમંદિરમાં જ બધું શરૂ કર્યું. જે શિક્ષક ત્યાં હતા, તેઓ મારો વર્ગ લેતા નહોતા. તેથી મને ઓળખતા નહોતા. શિવમંદિરમાં સાંજે આરતી થતી. ત્યાર પછી છોકરાઓ ધ્યાન-જપ કરતા. મારા ઘર (મામાનું)નો એક નિયમ હતો કે સૂર્ય આથમે ત્યારે ઘરે પહોંચી જવું. સાંજ પડ્યા પછી આવે તો ખીજાતા. શરૂઆતમાં સંધ્યા આરતી જોઈને હું આવી જતો. થોડા દિવસો પછી થયું કે આ લોકો સંધ્યા આરતી પછી જપ-ધ્યાન કરે છે. હું કોને કહું? મેં પણ જપ-ધ્યાન કરવાનું શરૂ કર્યું. ધ્યાન કરતો, ધ્યાન એટલે શું? આંખ બંધ કરીને ચૂપચાપ બેસી રહેવું. મને મનમાં થતું કે હમણાં કંઈ પરિણામ મળશે! ઘણા દિવસો પછી શિક્ષકે મને પૂછ્યું, “તું મંદિરમાં પોતું કરી આપીશ?” “અવશ્ય કરીશ”, કહીને રોજ મંદિરમાં પોતું કરવાનું શરૂ કર્યું.
થોડા દિવસો પછી માસ્તર સાહેબે પૂછ્યું, “શું તું સંધ્યા આરતી કરી શકીશ?” આરતી કરવાનો સુયોગ મળવો એટલે મારા માટે સ્વર્ગ મળવા બરાબર હતું. તરત તૈયાર થઈ ગયો. ત્યારથી હું જ આરતી કરતો. ઘરમાં દિવસમાં બે વાર જમવા માટે જતો. ઘર સાથે આટલો સંપર્ક હતો. ત્યારથી હું જ આરતી કરતો. મેં જોયું કે લોકો ત્યાં મંદિરમાં રાત્રે પણ રહે છે. મેં વિચાર્યું કે હું બે વાર ઘરે જાઉં છું, જમવા અને રાત્રે સૂવા માટે. રાત્રે અહીં જ સૂવા મળે તો કેવું? રાત્રે અહીં જ સૂવાનું શરૂ કરી દીધું.
રાત્રે શું જોયું? સાંભળો, તમને કહું છું કે હું બાગબજારનો રહેવાસી છોકરો છું. તેથી પત્તાં રમવાનો અડ્ડો અને જુગારના અડ્ડા જોયા છે. આ વખતે મેં એક જુદા જ પ્રકારનો અડ્ડો જોયો. સામાન્ય રીતે કલકત્તાના છોકરાઓ (યુવાનો) માટે બધાની એક જ પ્રકારની ધારણા હતી. પરંતુ અહીં તેનાથી વિપરીત જ જોયું. જોયું કે ગંગાકિનારે ઘણા યુવકો ઘણી વાર જપ-ધ્યાન કરતા. સવાર થતાં જ ઘરે જતા રહેતા. આશ્ચર્ય થયું. આ એક બીજા પ્રકારનું કલકત્તા હતું. રોજ તેમને મેં આખી રાત ધ્યાન કરતા જોયા છે.
જે હોય તે, પણ શિવમંદિરનો આશ્રમ શિવમંદિરથી એક ભાડાના ઘરમાં આવી ગયો. સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. તેથી ભાડાનું ઘર લેવું પડ્યું. વચ્ચે વચ્ચે હું ઘરે જઈ આવતો. અર્થાત્ હું તે લોકોને સમજાવવા માગતો હતો કે હું તમારો પણ છું, સંપૂર્ણપણે આશ્રમનો નથી. ઘરના લોકો બીજું કંઈ કહેવાનું સાહસ કરતા નહીં. વિચારતા કે ક્યાંક જેટલો સંપર્ક છે તે પણ બંધ ન થઈ જાય! અને લખવા-વાંચવાનો (ભણવાનો) સમય પણ હવે ઓછો મળતો. પણ હું શાળાની અવગણના કરું છું એવું કંઈ મને સાંભળવા ન મળતું. તેથી તે લોકો મને કંઈ કહેતા નહીં.
હું બીજું શું કરું? વહેલા ઊઠીને શાળાની તૈયારી કરી લેતો. ઘરના લોકોને નવાઈ લાગતી. વિચારતા કે હંમેશાં આશ્રમમાં જ રહે છે તો ભણતો ક્યારે હશે? જે હોય તે પણ આશ્રમમાં ઘણા સાધુઓની અવર-જવર રહેતી. તેમાં નિર્વેદાનંદજી, તેમના સહયોગી ભરત મહારાજ (સ્વામી સંતોષાનંદજી) અને જ્ઞાન મહારાજ તો હતા જ. પછીથી શરત મહારાજ (સ્વામી સારદાનંદ) પણ આવ્યા હતા. આ સિવાય બીજા ઘણા સાધુઓ આવતા. ભાડાના મકાનના ઉપરના ભાગમાંના શિવમંદિરની સાંકડી સીડી પર ચડવા માટે શરત મહારાજને ઘણી વાર ઘૂંટણ ટેકવીને ચડવું પડતું.
છોકરાઓ આ માટે કંઈ વિચારતા નહીં. પછી અમને ઘણું દુ:ખ થતું. વિચારતો કે તે લોકોને નાનપણમાં અમે કેવું દુ:ખ આપ્યું છે? જે હોય તે, ત્યાંથી જ પછીની જિંદગીનું સર્વસ્વ મળેલ છે. અને તેમની કૃપાદૃષ્ટિથી તો બધું થયું છે.
મને મારા નાનપણની વાતો યાદ આવે ત્યારે લાગે કે આ તો હમણાંની જ વાત છે. આમ વિચારીને હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું કે આ દરમિયાન મારા જીવનનાં કેટલાં વર્ષો વીતી ગયાં!
Your Content Goes Here




