(ગતાંકથી આગળ)

આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા કરી. છેલ્લાં દસેક વર્ષથી જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ દ્વારા ઊભરતાં નવાં માહિતી અને જ્ઞાન આપણાં બાળકના ઉછેર અને વિકાસનાં જૂનાં ખ્યાલો અને જ્ઞાનમાં એક નવું પરિવર્તન લાવે છે. મજ્જાતંતુ વિજ્ઞાન (ન્યૂરોલોજી), બાળમાનસશાસ્ત્ર, નૃવંશવિદ્યા (એથ્નોલોજી), માનવશાસ્ત્ર (એન્થ્રોપોલોજી), જીવ રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) જેવી જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં થયેલાં સઘન સંશોધનોને આધારે બાળ વિકાસ માટે ઉપર્યુક્ત વિભાવના અને પરિવર્તનો આવ્યાં છે. આધુનિક યુગના કેળવણીકારો અને વૈજ્ઞાનિકો સદીઓનાં સઘન સંશોધનો દ્વારા એવા નિર્ણય પર આવ્યા છે કે હજારો વર્ષ પહેલાં આપણા આર્ષદૃષ્ટા પૂર્વજોએ પોતાનાં ગુરુકુળોમાં અંત:પ્રેરણા દ્વારા સહજજ્ઞાન પ્રાપ્તિની વાત કરી છે, એ સાચી છે. બાળકોએ જ્ઞાનમાહિતીને પોતાનાં મનમસ્તિષ્કમાં ઠાંસી ઠાંસીને ભરી દેવાની આવશ્યકતા નથી, એમ બાલ ઉછેર કે બાલ વિકાસનાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો કહે છે. બાળકોને માટે કાળજીપૂર્વકના અને પ્રેમઉષ્માભર્યા ઉછેરની આવશ્યકતા રહે છે. બાળકોને જેટલી જરૂરત પોષક આહાર, આશ્રય અને પ્રદુષણમુક્ત વાતાવરણની છે એટલી જ આવશ્યકતા રમતગમતની પણ છે. માણસના ચેતાતંત્રના આધુનિક પેટ(PET)-સ્કેનથી આપણા મગજમાંના ન્યૂરોન્સ અને સિનેપ્સીઝના વિકાસના નિરીક્ષણમાં મદદ મળે છે. મગજનાં મજ્જાતંતુઓ અને કોષોનો ત્વરિત વિકાસ ડેન્ડ્રાઈટ્‌સના સુયોગ્ય ક્રમિત ઉદ્દીપનથી થાય છે. અને આ ક્રમિત ઉદ્દીપન ૩ માસ, ૬ માસ, ૯ માસ, ૧૨ માસ, ૩ વર્ષ, ૬ વર્ષ, ૯ વર્ષ, ૧૨ વર્ષ, ૧૫ વર્ષની ઉંમરે થાય છે. માનવ હૃદયનો સ્પર્શ અને એમાંય વિશેષ કરીને માતાની ઉષ્માભરી કાળજી બાળકનાં માનસિક આરોગ્ય અને વિકાસ માટે આવશ્યક છે. ઉદ્દીપનો અને માતા કે પિતાના પ્રેમ-ઉષ્માભર્યા સ્પર્શના અભાવે બાળકના શરૂઆતના સમયમાં મગજમાં ‘કોર્ટિસોલ’ નામના માનસિક તાણ ઉપજાવતાં હોર્મોન છૂટે છે. આને લીધે ઝેરીલું વાતાવરણ ઊભું થાય છે અને એ મગજમાંનાં મજ્જાતંતુના માળખાના વિકાસને હાની કરી શકે છે. એને લીધે સામાન્ય બાળવિકાસમાં પણ ખલેલ પહોંચે છે. ડોક્ટર જેમ્સ ડબલ્યુ. પ્રેસકોટે કરેલા સઘનસંશોધન પ્રમાણે સંવેદનાવહન અને એના ઉપભોગ વંચિતતાનો ભાવ માતા કે પિતાનાં પ્રેમ અને ઉષ્માભર્યા કાળજી અને ઉછેરના અભાવે જન્મે છે અને એમાંય વિશેષ કરીને માતાઓ દ્વારા ઉપેક્ષિત બાળકોમાં વધારે જોવા મળે છે. આને લીધે હતાશા, અતિ લાગણીવેડા-વેવલાપણું, હિંસા અને પ્રતિરોધક શક્તિકાર્યમાં ક્ષતિ જેવા વિકૃત અને વિષમ વર્તનો ઉદ્‌ભવે છે. પરંતુ જ્યારે માતપિતા પોતાનાં બાળકોને ઉષ્માભર્યા પ્રેમથી ચાહે છે ત્યારે બાળકોએ આટલું યાદ રાખવું જોઈએ કે આ પ્રેમ એક અનન્ય પ્રદાન છે. એમાં લેવું અને દેવું જેવી કોઈ આપલેની વાત નથી. સૌએ સમજવું જોઈએ કે બીજાને ચાહવા અને એમાંય વિશેષ કરીને ઉછરતાં બાળકોને ચાહવા એ માનવીય બંધારણની આવશ્યકતા છે. એ બાળક માટે તો મહત્ત્વનું છે જ પણ ચાહનાર માટે પણ મહત્ત્વનું છે. એક વખત જ્યારે મા-બાપ આ બાબત સમજશે ત્યારે તેઓ બાળક પર વરસાવેલ પ્રેમનો પૂરો બદલો ન મળે તો પણ તેઓ મનથી જરાય દુભાશે નહિ. 

એ મા-બાપનું પોતાનું આગવું વલણ છે અને જે બાળકને તેઓ ચાહે છે તેમને તેઓ પોતાની વ્યક્તિગત સંપત્તિ માને છે. સાથે ને સાથે માતપિતા જે કહે તે બરાબર કાન દઈને સાંભળવું અને એમના આદર્શને અનુસરવું. એટલું જ નહિ, પોતાના મા-બાપે જે સહન કર્યું તે પોતાનાં બાળકોએ પણ સહન કરવું. એટલે જ મોટા ભાગનાં મા-બાપ પોતાનાં બાળકો જીવનમાં એમનું અનુસરણ કરે એમ ઇચ્છે છે, પછી ભલેને પોતે અનંત દુ:ખકષ્ટ ભોગવતાં રહ્યાં હોય! આ પ્રેમ સાચો નથી. આ એક માંદલી આસક્તિ છે અને એમાં સ્વાર્થભાવ ટપકે છે. જરૂર જણાય ત્યારે માતપિતાએ બાળકની ભૂલોને માફ કરવાનું વલણ કેળવવું જોઈએ. પૂરતું ઉદાહરણ પૂરું પાડીને એટલે કે આચરણ કરીને બાળકને પોતાની ભૂલ સ્વીકારતા શીખવવું જોઈએ. આપણે આપણી પોતાની ભૂલોને નજરઅંદાજ કરીએ છીએ તેમ બીજાની ભૂલોને માફ કરતા નથી. સામાન્ય રીતે આપણે આપણી બુદ્ધિપ્રતિભાનો ઉપયોગ કરીને આપણા દોષને પણ સાચા ઠેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ છતાં પણ બીજાની ભૂલોને એમાંય વિશેષ કરીને બાળકોની ભૂલોને માફ કરવાની બાબતમાં થોડા નિષ્ઠુર અને અનુદાર બનીએ છીએ. જ્યારે બીજાઓ આપણા દોષ કાઢે છે ત્યારે આપણો પિત્તો જાય છે અને એનો સત્વર પ્રતિવાદ કરીએ છીએ, બહાનાબાજી પણ કરીએ છીએ કે બીજા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરીએ છીએ. માતપિતાના દૈનિક જીવનમાં આવાં વર્તન-આચરણ જોઈને બાળકો પણ એવું જ શીખે છે. ભૂલ તો ગમે તેની થાય, પોતાની ભૂલનો બચાવ કરવો કે એમાંથી છટકવાને બદલે જો આપણે આપણી ભૂલનો હૃદયપૂર્વકનો ‘હા મારી ભૂલ છે’ એવો એકરાર કરી લઈએ તો આપણી વ્યક્તિગત પ્રતિભામાં ઓછપ-ઝાંખપ આવવાની નથી. ઊલટાની એ પ્રતિભામાં વૃદ્ધિ થવાની છે. આ વલણને મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં આચરી બતાવીને વધારે અસરકારક દૃષ્ટાંત આપણી સમક્ષ રજૂ કર્યું છે. બાળકને નાનપણથી જ આ કેળવણી મળવી જોઈએ. જો એ ન મળે તો ઘણાં દુ:ખકષ્ટ અને માનસિક તણાવ સમગ્ર જીવનમાં અનુભવવાં પડે છે. ભય, ક્ષોભ, અનુતાપ વગેરે લાગણીઓનાં અતિદમન અને અવરોધને કારણે આ બધું સર્જાય છે.

પ્રેમની સાથે બીજી ઉમદા ગુણવત્તા મા-બાપે બાળકને ‘સંસંવેદી’ એટલે કે પારકાની પીડાને સમજવાની કળા શીખવવાની છે. આ કળા સહાનુભૂતિની જેમ જ બીજાનાં દુ:ખદર્દને પોતાનાં પર આવેલાં માનીને, એવી સંવેદના અનુભવીને અન્યનાં સુખદુ:ખમાં ભાગીદાર બનાવવાની કળા છે. આ વલણ અન્ય સાથેનો એકાત્મભાવ અનુભવવાની આપણી ક્ષમતા પર આધારિત રહે છે. તંદુરસ્ત માનવીય સંબંધોને સમાજમાં સ્થાપવા અને જાળવવા માટે બીજાનાં જીવનનાં સુખદુ:ખમાં ભાગીદારી કરવી એ આવશ્યક વસ્તુ છે. આવું બને તો જ આપણે આપણાં દુ:ખકષ્ટમાં તેમજ તાતી જરૂરત સમયે બીજાની મદદની કે લાગણીની અપેક્ષા રાખી શકીએ.

માતપિતાએ પોતાનાં બાળકોને બીજાનાં સુખના અને આનંદના ભાગીદાર બને એ વાત કાળજીપૂર્વક શીખવવી જોઈએ. સાથે ને સાથે બીજાનાં દુ:ખકષ્ટના ભાગીદાર બનવાનું પણ શીખવવું જોઈએ. બીજાનાં દુ:ખપીડાને સમજવા કે એમને કાન દેવા માટે અટકાવતાં કેટલાંક મા-બાપ પોતાનાં બાળકોને બગાડે છે. બીજાઓની મુસીબતો પ્રત્યે સંસંવેદના સાથેનો પ્રતિભાવ આપણા જીવનના દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે; અને આપણી પોતાની મુશ્કેલીઓ પણ નાની બની જાય છે. લોર્ડ શિયરર્સની આ સલાહ આપણે યાદ રાખવા જેવી છે: ‘નાનેરાં અને યુવાનો સાથે મૃદુ બનવાનો નિર્ધાર કરો, ઉંમરવાળા સાથે કરુણા દાખવતાં શીખો, જીવનમાં ઝઝૂમતા લોકો સાથે સહાનુભૂતિશીલ બનો, અને માર્ગભૂલેલા તેમજ નિર્બળ પ્રત્યે સહિષ્ણુ બનો. એનું કારણ એ છે કે આપણા પર આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવાનું આવી પડે છે.’

જે માતપિતા સતતપણે પોતાનાં બાળકોના દોષો જ શોધતાં રહે છે અને શંકાશીલ મનથી જુએ છે એવાં મા-બાપ પોતાનાં સંતાનો સાથે અને આજુબાજુના પોતાના સમાજ સાથે સુસંવાદી જીવન જીવી શકતાં નથી. સામાન્ય રીતે જે બાળકો પોતાની ભીતર જ તિરસ્કારનો ભાવ અનુભવતાં હોય છે તેઓ એમ જ માનતાં રહે છે કે તેમનાં મા-બાપ અને બીજા બધાં તેમને તિરસ્કારે જ છે. એનું કારણ એ છે કે આ બાળકો પોતાની ભીતરની તિરસ્કારની ભાવનાનો પડછાયો બીજા પર પાડતાં રહે છે. અરે, ક્યારેક તો બીજાનો સાચો પ્રેમભાવ પણ એમને છેતરામણો લાગે છે. નાની એવી ભૂલ અને એના પર મળતો ઠપકો, મા-બાપે એમનાં માટે કર્યુંકારવ્યું બધું ધૂળમાં મેળવી દે છે. સાથે ને સાથે મા-બાપ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દાખવવાને બદલે તેઓ એમને ધિક્કારતા બની જાય છે. એટલે જ બાળકમાં બીજાને ધિક્કારવાનું વલણ જોઈને માતપિતાએ સચેત બની જવું જોઈએ.

બાળકમાં આવી ઘૃણા અને ઉશ્કેરાટભર્યું વર્તન શાને કારણે જાગે છે? ‘સેરોટોનિન’ના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ રસાયણનું પ્રમાણ ન જળવાતાં બાળકનાં મગજમાં અને મજ્જાતંતુમાં ઘૃણા, ઉશ્કેરાટ, હિંસા અને આક્રમકતા જેવાં વિકૃત વર્તનભાવો વૃદ્ધિ પામે છે. ‘સેરોટોનિન’માં ઘટાડો થવાનું કારણ શું છે? ઊંચું માનસિક તાણ, માતપિતાના પ્રેમનો અભાવ, લઘુતાગ્રંથિ, ટીવીના પડદે દેખાતાં પરસ્પરનાં લડાઈ-ઝઘડા અને હિંસાનાં દૃશ્યો માટે સારાસાર વિવેકના અભાવને લીધે આવું બને છે. આનાથી ઊલટું ‘સેરોટોનિન’ના પ્રમાણમાં મગજમાં થતો વધારો કોઈ પણ માણસની સ્વાસ્થ્ય સુખાકારી, સારી ઊંઘ, શારીરિક અને માનસિક દુ:ખદર્દને સહન કરવાની ક્ષમતામાં વૃદ્ધિ અને હૃદયની શક્તિમાં વધારો કરે છે. મગજમાં ‘સેરોટોનિન’ વધારી શકતાં મુખ્ય પાસાંમાં માતપિતાનો પ્રેમ, ભાવાત્મક મનોવલણ, એકાત્મ ભાવવાળા બીજા સાથેના સંબંધો, તેમજ આનંદી સ્વભાવ અને ખેલદિલીના ભાવનો સમાવેશ થાય છે. તદુપરાંત સારું અને આનંદદાયી મીઠું સંગીત અને રમૂજીવૃત્તિ પણ મગજમાં ‘સેરોટોનિન’ના પ્રમાણની વૃદ્ધિમાં સહાયરૂપ બને છે.

દરેક ઉછરતું બાળક પોતાની સાથે ચોક્કસ પ્રમાણમાં ‘ડેન્ડ્રાઈટ્‌સ’ એટલે કે મગજના અને મજ્જાતંતુના કોષમાં પરસ્પરનું આંતરજોડાણ લઈને જન્મે છે. પુન: પુન: થતી પ્રવૃત્તિઓ ‘ડેન્ડ્રાઈટ્‌સ’ને ઉદ્દીપિત કરે છે અને એને કારણે કાયમી જ્ઞાનતંતુ મજ્જાતંતુ માર્ગ (ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે સંસ્કાર) મગજમાં ઊભા કરે છે. આપણે આગળ વર્ણવ્યું છે તે પ્રમાણે વિવિધ સંશોધનો એવો નિર્દેશ કરે છે કે ઉછરતાં બાળકની ઉંમરના ચોક્કસ તબક્કાએ આ ‘ડેન્ડ્રાઈટ્‌સ’ની કાંટછાંટ થાય છે. બીન ઉપયોગી મજ્જાતંતુમાર્ગ એની મેળે દૂર થાય છે અને નવા ‘ડેન્ડ્રાઈટ્‌સ’ અને મજ્જાતંતુ માર્ગ સર્જાય છે. બાળકના વિકાસની જુદી જુદી ઉંમરના તબક્કામાં – ત્રણ માસ, છ માસ, નવ માસ, બાર માસ, ત્રણ વર્ષ, નવ વર્ષ, બાર વર્ષ અને પંદર વર્ષ – આ પ્રક્રિયા પુન: પુન: બનતી રહે છે. એટલે જ ઉપર્યુક્ત તબક્કાઓ કે સમયગાળા ઉછરતાં બાળકમાં સવિશેષ મહત્ત્વના છે. આ સમયગાળામાં તમે બાળકોને લાગણીભાવો, બુદ્ધિપ્રતિભા અને આધ્યાત્મિકતાના જે બોધપાઠો શીખવો તે એમના મસ્તિષ્કમાં કાયમને માટે અંકિત થયેલા રહેશે. ઉછરતા બાળકના ઉપર્યુક્ત નિર્ણાયક સમયગાળા કે તબક્કા દરમિયાન બાળકોને ફરી ફરીને કેળવવામાં ન આવે તો મગજના આ તંદુરસ્તી બક્ષતા કોષો નાશ પામે છે કે એની સાવ કાંટછાંટ થઈ જાય છે, ક્યારેક એવુંયે બને છે કે તે બીજા કાર્યે વળી જાય છે. ‘ન્યુરોનલ વેલફેર’ જેવું કંઈ નથી. ઉદાહરણ તરીકે કોઈ પણ બાળક પોતાની નવ થી દસ વર્ષની ઉંમરે ભાષા ન સાંભળે તો પોતાના પછીના જીવનમાં કોઈ પણ નવી ભાષાને શીખવાનું કે એ ભાષામાં બોલવાનું એને માટે અતિ કઠિન કાર્ય બની જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ બાળકમાં નવ વર્ષ પહેલાં મૂળભૂત કૌશલ્ય – ભાષા, સંગીત, કલા, વગેરેને શીખવાની અનંત ક્ષમતા અને વિસ્તૃત વ્યાપ રહેલો છે. મગજનું મોટા પાયે થતું ઉદ્દીપન મગજના કરોડો કોષોને જોડતા અસંખ્ય ‘ડેન્ડ્રાઈટ્‌સ’ (નાના વૃક્ષ જેવા જ્ઞાનમજ્જાતંતુ)માં વૃદ્ધિ કરે છે. ‘ન્યૂરોન્સ’ બાળકની ઉછરતી ઉંમરના સમયગાળા દરમિયાન વધુ ને વધુ પ્રમાણમાં મગજના કોષોને જોડતાં ‘ડેન્ડ્રાઈટ્‌સ’ને અંકુરિત કરે છે કે પુન: અંકુરિત કરે છે. એટલે કે ૧૮ વર્ષ પહેલાં ન્યુરો-ફિઝિકલ (શારીરિક અને મસ્તિષ્કની) ક્ષમતા આપવાથી તે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ગમે તે વસ્તુ શીખી શકે છે. વિવિધ સંવેદના વાહક અનુભવો અને તેમાંય વિશેષ કરીને ભલી અને ભાવાત્મક અનુભૂતિઓને આપણે નાની ઉંમરે જ ફરી ફરીને બાળકો સમક્ષ મૂકવી જોઈએ. એને લીધે સમગ્ર મગજ અને મજ્જાતંત્રમાં જ્ઞાનતંતુના અત્યંત મહત્ત્વના અને કાયમી તાણાવાણા ગૂંથી શકીએ છીએ. 

આનાથી ઊલટું ફરી ફરીને અપાતી ઉપર્યુક્ત કેળવણી કે તાલીમની ગુણવત્તા અને જથ્થામાં ઘટાડો કરવાથી મોટી ઉંમરે શીખવાની તકો ઓછી થાય છે. એનું કારણ એ છે કે તેને લીધે મગજનાં મજ્જાતંતુના માર્ગોના તાણાવાણાની ગૂંથણીને ઢીલી કરે છે કે ઘટાડે છે. બાળકના મસ્તિષ્કના ઉપર્યુક્ત વિકાસના આ કટોકટીના સમયગાળામાં જો યોગ્ય આધારશિલા સાથે સુયોગ્ય તાલીમ કે કેળવણી અપાય તો માનવનું મગજ અબજો ને અબજોની સંખ્યામાં જ્ઞાનતંતુ અને મજ્જાતંતુની અજબની ગૂંથણી રચવામાં શક્તિમાન બને છે અને એને લીધે આપણી શીખવાની ક્ષમતા અનેકગણી વધી જાય છે.

બદ્ધમૂળ તનાવ અને ભય હિપોકેમ્પસ – સ્મૃતિશક્તિ ઊભી કરવામાં મહત્ત્વનું ભાગ ભજવતું મગજનું એક તંત્ર – માંના ન્યૂરોન્સમાં દેખીતું ભંગાણ નોતરે છે. કોર્ટિસોલ એક એવું હોર્મોન છે કે જે ભય, દીર્ઘકાલીન માનસિક તાણનો સામનો કરી શકે અને શરીર મનને સંરક્ષી શકે તેવા મહત્ત્વના સંરક્ષકો મન અને દેહમાં પ્રવૃત્તમાન કરે છે. વર્ગખંડમાં ઊભું થતું વિદ્યાર્થીના મનનું અતિ સામાન્ય કક્ષાનું માનસિક તાણ શીખવાની પ્રક્રિયામાં મુશ્કેલીઓ વધારી દે છે. એમાંય વિશેષ કરીને ટૂંકાગાળાની સ્મૃતિશક્તિની મુશ્કેલીઓ વધારી દે છે અને વિદ્યાર્થી પોતાના શાળાના મુખ્ય અને મહત્ત્વના કાર્ય શિક્ષણને અસરકારક બનવા દેતું નથી. 

અવબોધ અને વિકાસમાં સંગીતની શક્તિ

બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી, ખાસ કરીને એની જ્ઞાનપ્રાપ્તિની ક્ષમતા અને ભાષાકીય કૌશલના વિકાસમાં સંગીત ખૂબ જ પ્રભાવક ભૂમિકા ભજવે છે. ભાષાની ઉપલબ્ધિ માટે વાણીમાં સંગીતતત્ત્વ (છંદોબદ્ધ) મિશ્રણની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે, એવું સૂચવતા પૂરતા પુરાવાઓ મળે છે. (Jentschke etal 2005)નું તારણ સૂચવે છે કે સંગીત રચનાની પ્રક્રિયા વધુ સૂક્ષ્મ હોવાને કારણે તેમજ ભાષાકીય પદવિન્યાસની પ્રક્રિયા ઉપર એની અસર પડતી હોવાને કારણે સંગીતની તાલીમથી બાળકોને લાભ થાય છે. અને એવું પણ સૂચવે છે કે માતાના કવિતામય મધુર સૂરોના આરોહઅવરોહોનો ગર્ભમાં પ્રાપ્ત કરેલો અનુભવ બાળકને જન્મ્યા પછી ભાષાકીય સંરચના પ્રત્યે અનિવાર્ય રીતે ઉત્તેજિત કરે છે. (Welch, Graham. Singing as Communication, 2005)

સામાન્ય બોધના વિષયમાં.. ‘મસ્તિષ્ક કેવી રીતે સ્મૃતિ અને એકાગ્રતા સાથે સંબંધ રાખીને સામાન્ય બોધમાં જોડાય છે, તેના ઉપર સંગીતની તાલીમ અસર કરે છે.’ (Professor Laurel Trainor. Director Auditory Development Laboratory, MacMaster University) આ નિષ્કર્ષો એવું પણ બતાવે છે કે ૫ થી ૯ વર્ષનાં બાળકોમાં વાદ્યસંગીતની તાલીમથી, એના અવબોધ અને મસ્તિષ્ક ઉપર અસર જોવા મળે છે. પછી જેમ જેમ બાળક મોટું થતું જાય છે, તેમ તેમ એ વધુ ને વધુ પ્રભાવક બને છે. (Schlaug. 2005)

સંગીત શ્રવણથી વિધાનાત્મક અસરો તો ખૂબ દૂરગામી છે. જો કે લાગણીની સ્થિતિમાં એ એકમાત્ર વિધાનાત્મક ઉદ્દીપન નથી. આમ છતાં પણ સંગીતનું એમાં પોતાનું આગવું સ્થાન તો અવશ્ય છે. કારણ કે જેવી રીતે કૉફી કે કોઈ એવું ઔષધ જેમ શરીર પચાવે છે, એમ સંગીત પચાવાતું નથી. કોઈને સંગીતની કોઈ ઘૃણા નથી, અને પ્રત્યેક માટે સંગીત આનંદાશ્ચર્ય આપનારું તેમજ ઘણું સરળ છે. (એટલે કે અનાક્રમક, બિનવિક્ષેપાત્મક) છે. (Schellenberg. 2005)

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.