બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં સમર્થ કેળવણીકારો અને વિદ્વાનો શિક્ષકો અને માતપિતાએ બાળકમાં મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની સ્પષ્ટ વ્યાખ્યા સાથેની પદ્ધતિ વિશેનાં વિવિધ સંશોધનોમાં મંડી પડ્યા છે. જીવનમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ જેવાં ચાર પુરુષાર્થ સાથે સમાજની દરેકેદરેક વ્યક્તિ પરિતૃપ્ત અને પવિત્ર જીવન જીવે એવો ભારતનો પ્રાચીન આદર્શ હતો. જીવનમાં દરેક માનવી (પુરુષ)એ પુરુષાર્થ કરવો જ રહ્યો. એ પુરુષાર્થ દ્વારા દરેકેદરેક વ્યક્તિ નિ:શંકપણે સુખ કે આનંદપ્રાપ્તિ ઇચ્છે છે. એ આનંદપ્રાપ્તિની કામના કે ઇચ્છા માટે એણે કર્મ કરવું પડે છે. વળી સાચું સુખ કે સાચો આનંદ અને જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવા માટે ધર્મનું પાલન કરવું પડે છે. પરંતુ આપણા દુર્ભાગ્યે હાલના વૈશ્વિક સમાજમાં ઉપર્યુક્ત ચાર પુરુષાર્થો પર આધારિત કોઈ યોજના બનાવવા માટે એમાં અનેક અવનવાં પરિવર્તનો લાવવાં પડે એવી પરિસ્થિતિ છે.
પ્રાચીનકાળમાં પરિવાર કે કુટુંબની સંકલ્પના કંઈક જુદી હતી અને એ પરિવારો મોટાં સંયુક્ત કુટુંબો હતા. આવાં કુટુંબોમાં માતપિતા અને બાળકોની સાથે સીધો લોહીનો સંબંધ ધરાવતાં નાના-મોટા ઘણા સભ્યો રહેતા. ક્યારેક તો મોસાળિયાં અને સાસરિયાંવાળાં પણ આ કુટુંબના સભ્ય બની જતાં. આ વિશાળ સંયુક્ત કુટુંબો એક સૌના ક્ષેમકલ્યાણ માટે એક પ્રકારની જીવતી સહકારી સંસ્થા બની રહેતી. આવાં કુટુંબોમાં દરેકેદરેક વ્યક્તિ સૌનાં સુખદુ:ખમાં લાગણી સાથે ભાગીદાર બનતા. સાથે ને સાથે જીવનમાં મળતી તકો અને જવાબદારીઓ તેમજ નફાનુકશાનમાં સૌ સરખા હિસ્સેદાર બની જતા, એટલે કે જીવનની તડકી-છાંયડીમાં સૌ સાથે જ જીવતાં અને એકબીજાને સહકારરૂપ બનીને સૌનું ક્ષેમકલ્યાણ કરવા મથતા. જીવનનાં ઉદાત્ત મૂલ્યોને નાનાં બાળકો બરાબર ઝીલે અને ઝીરવે એ જાણે કે ઘરના વડીલોની જવાબદારી બની જતી અને તેઓ રાજી ખુશીથી આ કર્તવ્યનિષ્ઠા નિભાવતા.
પરંતુ આજના કુટુંબની પરિસ્થિતિ કંઈક વિષમ, વિપરીત બની ગઈ છે. નોકરી-ધંધા, વ્યવસાયને કારણે અને આધુનિક સંસ્કૃતિના પ્રવાહમાં તણાઈને વ્યક્તિગત સુખાકારીવાળું જીવન જીવવા માગતાં નાનાં નાનાં બે કે ચાર સભ્યવાળાં વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જ જાય છે. આનો અર્થ એ થાય છે કે હવે બાળકોને મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની જવાબદારી મોટે ભાગે માતા અને પિતાનાં શિરે જ રહે છે. અત્યારના યુગ પ્રમાણે માતા અને પિતા જો બંને પોતાના ભરણપોષણ માટે નોકરીએ જતા હોય તો આ સમસ્યા વધારે વિકટ અને અણઉકેલ બની જાય છે. પ્રાચીનકાળમાં તો ઉપનયન સંસ્કાર પછી દરેક બાળકને માતપિતા પોતપોતાના ગુરુના ગુરુકુળમાં કે આશ્રમમાં વધુ અભ્યાસાર્થે સુદીર્ઘકાળ સુધી મોકલતા. આ ગુરુકુળવાસ દરમિયાન ગુરુ અને ગુરુપત્નીના તેમજ આશ્રમના અન્ય આચાર્યોના સદ્ગુણયુક્ત જીવન-આચરણનું અનુસરણ કરવાનો વિદ્યાર્થીઓ યત્કિંચિત પ્રયત્ન કરતા રહેતા. ગુરુઓ પણ એવા સદાચરણને ઝીલવા વિદ્યાર્થીઓને પ્રેરતા. આ ગુરુકુળ પદ્ધતિના શિક્ષણઆદર્શને આજના સતત પરિવર્તનશીલ આધુનિક સમાજમાં પુન: સ્થાપિત કરવો કઠિન છે. (આની વિગતવાર ચર્ચા ‘શિક્ષણ’ શીર્ષક હેઠળના લેખમાં છે.) આને લીધે બાળકોના ચારિત્ર્યઘડતર અને મૂલ્યનિષ્ઠ કેળવણીના સિંચનની જવાબદારી મુખ્યત્વે માતપિતા પર અને થોડેઘણે અંશે શિક્ષકો પર આવી પડી છે.
આપણું દુર્ભાગ્ય એ છે કે સદાચરણની કેળવણી આપનારા, પોતાના જીવનમાં આદર્શોને જીવી બતાવનારા જીવંત શિક્ષકો ઓછા ને ઓછા થતા જાય છે. આ માટે આજની શિક્ષણ પ્રણાલી પણ મહદંશે જવાબદાર છે. આજના યુગમાં શિક્ષકો પણ ભિન્ન ભિન્ન જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાયના હોવાના અને વિદ્યાર્થી પણ એવી જ પરિસ્થિતિમાંથી આવે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આજનાં બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રણાલીવાળાં રાજ્યોમાં સૌને સંતર્પક નીવડે એવાં મૂલ્યોવાળી કેળવણી આપવી પડે છે અને એને લીધે એક મર્યાદા ઊભી થાય છે. પરિણામે માતપિતા કે વાલીની જવાબદારી અનેકગણી વધી જાય છે. પોતપોતાના પરંપરાગત સંસ્કારોના સંચાર-સંક્રમણનું કાર્ય કરવાની ક્ષમતા માતપિતામાં વધારે હોય છે. એટલે આ કાર્ય એમણે જ કરવાનું રહે છે.
શિક્ષકની જેમ માતપિતા કે વાલીએ પણ મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની વિશેષ તાલીમ લેવી પડે. આ દૃષ્ટિએ મા-બાપે પણ અધ્યેતા અને અધ્યાપક બનવું પડે. આ શીખવાની પ્રક્રિયા ક્યારે શરૂ કરવી જોઈએ? વાસ્તવિક રીતે આ તાલીમની પ્રક્રિયા માતપિતા બને એ પહેલાં પૂરી થવી જોઈએ. ઓછામાં ઓછું શરૂ તો કરી દેવી જ જોઈએ. અંગ્રેજીમાં એક સૂક્તિ છે : ‘The hand that rocks the cradle rules the nation’ બીજા શબ્દોમાં કહીએ તો માતપિતા જ આવતીકાલના નાગરિકોના સર્જક છે અને તેઓ જ સમાજનું ભાવિ સુનિશ્ચિત કરી શકે. એટલે જ માતપિતાએ પોતાનાં બાળકોમાં સદ્ગુણો કે મૂલ્યો ઊતારતાં પહેલાં પોતાના જીવનમાં આચરણ દ્વારા કેળવી લેવાં જોઈએ. આ અને હવે પછીના અંકમાં આપણે માત-પિતાની બાળકોમાં નૈતિક અને મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની જવાબદારીનાં બીજાં પાસાં વિશે વિગતવાર ચર્ચા કરીશું.
આધુનિક યુગમાં એક નવું વલણ આપણને સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. નવી ઊભરતી વિદ્યાશાખામાં ‘Parenting’ – એટલે કે નવા જન્મતા શિશુનાં ઉછેર અને કેળવણી, આધુનિક શહેરી સમાજમાં વિશેષ લોકપ્રિય બનતો જાય છે. ‘Google Search Engine’માં ‘Parenting’ શબ્દ દાખલ કરતાં લાખો પાનાંનું સાહિત્ય તમને મળી રહેશે. ‘New Age Parenting’- નવયુગમાં બાળઉછેર શિક્ષણની કળા-ની નવી સંકલ્પનાવાળાં અસંખ્ય સામયિકો અને પુસ્તકોની યાદી પણ તમને મળી રહેશે. આજની ભયંકર અને નિષ્ઠુર ગળાકાપ હરીફાઈવાળા વિશ્વમાં જીવી શકે તેવા ‘Super-kid’-સર્વોચ્ચ પ્રતિભાશક્તિવાળાં બાળકો ઊભાં કરવા માટેની આ ગાંડી દોડ જોવા મળે છે. ‘Parenting’ના આ નવા વાતાવરણને વર્ણવવા નવા-નવા શબ્દો ઉદ્ભવી રહ્યા છે, જેવા કે ‘Hyper Parenting’, ‘Cutting-edge Parenting’, ‘Super-kid Parenting’ વગેરે. માતપિતા માનતા થયા છે અને એમનું આ માનવું સાચું પણ હોઈ શકે કે બાળકના ઉછેરના પ્રથમ છ વર્ષ બુદ્ધિપ્રતિભાને ઉછેરનારાં વર્ષો છે. આ સમય દરમિયાન તમે એમના મનમગજમાં જે કંઈ મૂકો કે વાવો તેનાથી હજારગણું તમે લણી શકો. માતપિતા કે પાલકો એ ઉંમર દરમિયાન શું મૂકવું, કેવી રીતે મૂકવું, કેટલા સમય સુધી મૂકવું અને કેટલી ઝડપથી તથા કેટલા પ્રમાણમાં આ બધાં માહિતી, આદર્શો અને લાગણીઓ બાળકમાં મૂકવાં જોઈએ, એ એકમાત્ર સમસ્યા છે. આ માટે કેટલાંક ઉદાહરણો ધ્યાનમાં લેવા જેવાં છે. કેટલાંક અતિવિકસિત શહેરોમાં ‘Infant Genius Programme’ની ઘેલછા મા-બાપને લાગી ગઈ છે. આવા અભ્યાસક્રમો દ્વારા બાળકને વિશ્વકોશનું વાંચન, ગણિતગણન, ચિત્રકામ, રંગકામ અને સંગીતનાં સાધનો વગાડવાનું કૌશલ્ય ચાર વર્ષની ઉંમરમાં જ શીખવી દેવાય છે. અલબત્ત, આવા અભ્યાસક્રમની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે. ‘Personality Development Courses’ નામનો અભ્યાસક્રમ બાળકના નિયમિત શાળા સમય પહેલાં કે પછીના સમયે મેનેજમેન્ટના નિષ્ણાતો દ્વારા સારી એવી ફી ભરીને શીખવવામાં આવે છે. છેલ્લામાં છેલ્લી આંકડાકીય માહિતીના આધારે એક વર્ષથીયે નાનાં બાળકો માટેનાં પુસ્તકોની ખરીદી પાછળ દરવર્ષે ૯૦૦ કરોડ રૂપિયા ખર્ચાય છે. દર વર્ષે આ રકમમાં ૨૦% જેટલો વધારો પણ થતો જાય છે. આવી નાની કોમળ ઉંમરે આટલો મોટો બોજો ખરેખર મોટી સમસ્યાઓ ઊભી કરે છે.
આ ઉપરાંત નાના પડદા પર થતી વાતો અને બીજા જાહેર પ્રચાર-પ્રસારના તેમજ મનોરંજનનાં પ્રસાધનોએ કુટુંબજીવનની પવિત્રતાની ઘોર ખોદી નાખી છે. એક અત્યંત નાના કુટુંબના કબૂતરખાનામાં સમગ્ર વિશ્વના અસંખ્ય સંઘર્ષ સર્જતા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોની સામગ્રી અનેકવિધ ચેનલ દ્વારા સાંપડી રહે છે. કહેવાતી આ આધુનિક સંસ્કૃતિનાં અત્યંત સંઘર્ષપૂર્ણ આક્રમણના ભોગ કોણ બને છે? નિશ્ચિત રૂપે કોમળ મનની આ ખીલતી કળીઓ જ! ટીવીના નાના પડદા પર રજૂ થતાં વિવિધ કાર્યક્રમો અને રજૂઆતો આ કોમળ મનનાં બિન અનુભવી બાળકો પર અત્યંત માઠી અસર કરે છે, એમના મનને દુષિત કરી મૂકે છે. તેઓ પડદા પર જે જુએ છે તેનું આંધળું અનુકરણ કરવા પ્રેરાય છે, અને કોઈ પણ જાતના વિવેક વિના પોતાના વાસ્તવિક જીવનમાં આ કાલ્પનિક જગતનાં અત્યંત કાલ્પનિક પાત્રોની જેમ જીવવા મથે છે. આ ખીચડી-કલ્ચરને, આપણી નવી સંસ્કૃતિને મા-બાપ આ બાળકોને ગળી જવા ફરજ પાડે છે. માહિતી-પ્રસારણનાં માધ્યમો દ્વારા અભદ્ર રાજનૈતિક દૃશ્યો, હકીકતો, વિગતો અને ઉપભોક્તાવાદનાં આક્રમણનો આ બાળકોએ સતત અને દરરોજ સામનો કરવો પડે છે. અસંયમિત ધનઘેલછા અને નિરંકુશ સત્તાલાલસાથી કોઈ પાયાની સાચી સંસ્કૃતિ સર્જાતી નથી. હવે એવો સમય આવી ચૂક્યો છે કે મા-બાપે આ બધી બાબતો પ્રત્યે ગંભીરતાપૂર્વક વિચારવાનું શરૂ કરી દેવું પડશે અને પોતાનાં બાળકોને, એમનાં કોમળ મનને, મનની અને તનની તંદુરસ્તી હણનારી આવી માહિતી, એમને મૂંઝવી મારતી અને નુકશાન પહોંચાડતી કહેવાતી નવી સંસ્કૃતિથી બચાવવાં પડશે.
આજના ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ માતપિતાની આ નવી ઉપર્યુક્ત (Hyper activity)ની સમસ્યાથી ચિંતિત બન્યા છે. પોતાના સ્વાભાવિક બાળપણથી દૂર રાખવાથી મોટા ભાગનાં બાળકો અકાળે ઘરડાપાના મનોદૈહિક રોગોથી નાની ઉંમરે પીડાતા રહે છે.
શહેરી બાળકોમાં આજે બાળપણથી ગુન્હેગાર વૃત્તિ (Delinquency), હતાશા (Depression), અસ્વાભાવિક અલગાવ મનોવૃત્તિ (Alienation), હિંસા, (Violence) હૃદય અને રક્તવાહિનીઓને લગતા રોગો, (Coronary and Arterial diseases) નાની ઉંમરે મધુપ્રમેહ (Juvenile diabetes) જેવા રોગો ઘર કરી ગયા છે; અને આવા રોગો નાના કસબાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તરી રહ્યા છે.
નાની ઉંમરે જ્ઞાન ગુમાનનાં મોટાં ગાંસડાં-પોટલાં બાળકો પર લાદી દેવાથી થતી માઠી અસરોની વાત તો આપણે કરી. પરંતુ એવાંય નફીકરાં મા-બાપ હોય છે કે બાળપણથી જ પોતાનાં બાળકોને એમ ને એમ રેઢાં, રખડતાં મૂકી દે છે અને પોતે પોતાના આનંદ-પ્રમોદ કે કારભાર-વ્યવસાયમાં અતિવ્યસ્ત રહે છે. એવાં પણ મા-બાપ હોય છે કે જે મનથી માને છે કે થોડાં મોટાં થયાં પછી બાળકોને નૈતિક મૂલ્યો કે વ્યક્તિગત ધ્યાન આપવું જરૂરી નથી તેથી કેળવણી આપવાના કાર્યમાં નિષ્ક્રિય બની જાય છે. તરુણાવસ્થામાં પહોંચેલા બાળકોને મા-બાપ માર્ગદર્શન કે સૂચન કરતાં ખચકાય છે. એનું કારણ એ છે કે એમને એવી બીક છે કે કદાચ એમનું કહ્યું એ સાંભળશે નહિ અથવા કદાચ આપેલી સલાહની વિરુદ્ધમાં વર્તન કરશે. પરંતુ આવા વખતે મા-બાપ એ વસ્તુ ભૂલી જાય છે કે જેમ બાળક ઉંમરમાં મોટું થતું જાય, એની બુદ્ધિપ્રતિભા અને લાગણીઓના તરંગોમાં પણ મોટું પરિવર્તન આવે એટલે કે એના મનોદૈહિક જગતમાં મોટાં પરિવર્તનો આવે છે. આ પરિવર્તનોથી એ પોતે પણ અજાણ છે, મૂંઝાયેલ છે અને એને માર્ગદર્શનની આવશ્યકતા છે એ વાત મા-બાપ ભૂલી જાય છે. આ તોછડી તરુણ અવસ્થામાં મા-બાપે એમની સાથે સહાનુભૂતિપૂર્વકનું એક સન્મિત્ર જેવું વર્તન દાખવીને કુનેહ અને કુશળતાથી માર્ગદર્શન કે મૂલ્યશિક્ષણ આપવું જોઈએ. એટલે કે પોતાના અભિગમમાં અને શિક્ષણમાં ચોક્કસ પરિસ્થિતિ અને ઉંમરને ધ્યાનમાં રાખીને પરિવર્તન લાવવું પડે.
‘ટાઈમ’ સામયિકના મે, ૨૦૦૪ના અંકમાં હવાઈ યુનિવર્સિટીમાં એક સંશોધનકાર્યનો એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ઊછરતાં બાળકનાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક ત્રણ મહત્ત્વનાં પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી છે.
પ્રથમ: તરુણાવસ્થામાં આગના ભડકા જેવાં લાગણીઓનાં પરિવર્તનો આવે છે. એને તરુણો સમજી શકતા નથી, નિયમનમાં રાખી શકતા નથી અને મુંઝાય છે.
બીજું: આધુનિક સંશોધનો કહે છે કે માણસનું મગજ ૨૫ વર્ષ કે તેથી વધુ વર્ષમાં પરિપક્વ બને છે. પરિણામે તરુણાવસ્થાના નિર્ણયોમાં હાલક-ડોલકપણું જોવા મળે છે. એટલે કે ૨૫ વર્ષની ઉંમરની વ્યક્તિ પણ નિર્ણય લેવામાં આવી અવસ્થા અનુભવે છે. એટલે મૂલ્યલક્ષી કેળવણી તરુણાવસ્થામાં અટકી જતી નથી. માતપિતાનાં માર્ગદર્શન અને સહાય તો મોટી ઉંમર સુધી પણ ચાલુ રહી શકે. ઉપરછલ્લું આપણને લાગે કે તરુણાવસ્થામાં આ બધું જરૂર નથી પણ વાસ્તવિક રીતે એની મોટી આવશ્યકતા છે.
ત્રીજું: મગજની પીનીયલ ગ્રંથિ મેલાટોનિન છોડે છે, આનું પ્રમાણ તરુણાવસ્થામાં ઓછું રહેવાથી તે ઊંઘવિક્ષેપ, ઉશ્કેરાટ અને અતિલાગણીશીલતા અનુભવે છે. વળી મગજ સેરાટોનિન નામનું રસાયણ મન જ્યારે નિરાંત અને શાંતિની અવસ્થામાં હોય ત્યારે છોડે છે. જ્યારે તે મનને શાંત કરતું સંગીત અને મનને શાંતિ આપતી વાર્તાઓ સાંભળે ત્યારે આ રસાયણ વધુ છૂટે છે. આ રસાયણ ઊંજણ જેવું કામ કરીને ગ્રહણશક્તિ અને ભાવાત્મક પ્રતિભાવ દાખવવાની શક્તિ વધારે છે. ગુસ્સા કે આવેશમાં આવેલા વ્યક્તિનું મગજ કોર્ટિઝોન નામનું રસાયણ છોડે છે. આને લીધે ઉપરના વર્તન કરતાં વિરુદ્ધ વર્તન કે ભાવ જન્મે છે અને મગજની શક્તિને ઓછી કરીને તેની ક્રિયાત્મકતાને થંભાવી દે છે. દરેક માત-પિતાએ આ વાત ધ્યાનમાં રાખીને સુયોગ્ય વર્તન દાખવવું જોઈએ.
બાળકનાં સારા ઊછેરની અને મૂલ્યલક્ષી કેળવણી આપવાની અનેકવિધ સમસ્યાઓ અને તેનું સમાધાન એ વિશે વિગતવાર ચર્ચા હવે પછીના સંપાદકીયમાં કરીશું.
Your Content Goes Here




