બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું આ કામને કેવી રીતે કરવા ધારે છે? મને તો આ તારી નરી મૂર્ખતા લાગી રહી છે. હું તારી આ વાત પર કેવી રીતે વિશ્વાસ કરું?’
અર્જુને કહ્યું, ‘બ્રહ્મન્! તમે જે કહી રહ્યા છો તે સાચું છે. હું શ્રીકૃષ્ણ અને બલરામની બરાબરી કરી શકતો નથી. છતાં હું પણ ગાંડીવધારી પાંડુપુત્ર અર્જુન છું. મેં મારા પરાક્રમથી ભગવાન શંકરને સંતુષ્ટ કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે હું તમારા બાળકની જરૂર રક્ષા કરી શકીશ.’
જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ રીતે વિશ્વાસ આપ્યો, ત્યારે તે લોકોની વચ્ચે અર્જુનના બળ-પૌરુષત્વનાં વખાણ કરતો કરતો અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેર પાછો ફર્યાે. જ્યારે થોડા વખત પછી બાળકના જન્મનો સમય થયો, ત્યારે તે અર્જુન પાસે ગયો અને જન્મનાર બાળકની રક્ષા કરવા માટે અર્જુનને પ્રાર્થના કરી.
અર્જુને ભગવાન શંકરની આરાધના કરી અને ગાંડીવ ધનુષ હાથમાં લઈને તે બ્રાહ્મણના ઘેર પહોંચ્યા. ત્યાં એમણે પોતાનાં બાણોને અનેક પ્રકારના મંત્રોથી અભિમંત્રિત કરી પ્રસવગૃહને ચારે તરફથી ઘેરી લીધું. થોડાક સમય બાદ બ્રાહ્મણીના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો. થોડાક સમય સુધી તે રડતો રહ્યો, પણ ત્યાર બાદ એક અદ્ભુત ઘટના બની. જોતજોતામાં તે બાળક સદેહે આકાશમાં અંતર્ધાન થઈ ગયો. આ જોઈને બ્રાહ્મણ ક્રોધથી લાલપીળો થઈ ગયો. તે શ્રીકૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરતાં કહેવા લાગ્યો, ‘આ મારી જ ભૂલ હતી કે હું એક નપુંસક વ્યક્તિની વાતો પર વિશ્વાસ કરી બેઠો. જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામ મારા બાળકોને બચાવી ન શકયા, તો આ અર્જુન કેવી રીતે સફળ થઈ શકવાનો હતો? આ ડીંગ હાંકનાર મિથ્યાચારી અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે.’
પરંતુ અર્જુન પણ આટલી જલદીથી હાર માનવાવાળા ન હતા. અંતે તો એ પણ એક મહાન યોગી હતા. તે પોતાના યોગબળથી યમરાજાની સંયમિની પુરીમાં ચાલ્યા ગયા. પરંતુ ત્યાં પણ તે મૃત બાળક એમને મળ્યો નહીં. પછી તે ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, સોમ, વાયુ અને વરુણ વગેરે લોકમાં ગયા, છતાં તે બાળક એને ક્યાંય પણ મળ્યો નહીં. એમની પ્રતિજ્ઞા પાળી ન શક્યા. હવે એમણે પોતાના વચનની રક્ષા કરવા માટે અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યાેે.
પરંતુ શ્રીકૃષ્ણે એમને આવું કરતાં રોક્યા અને કહ્યું, ‘પાર્થ! તું દુઃખી ન થા. અને પોતાનો તિરસ્કાર પણ ન કર. હું તને બ્રાહ્મણના આ બધા જ બાળકો હમણાં બતાવી દઉં છું. આ બ્રાહ્મણ અત્યાર સુધી જે તારી નિંદા કરી રહ્યો હતો, તે જલદીથી તારી પ્રશંસા કરશે.’
અર્જુનને આ રીતે સમજાવી-મનાવીને શ્રીકૃષ્ણે એમને પોતાના દિવ્ય રથ પર બેસાડ્યા તથા પશ્ચિમ દિશા તરફ જવા માંડ્યું. તેઓએ સાત સમુદ્ર અને સપ્તદ્વીપોને પાર કર્યા. ત્યાર પછી તેમણે એવા પ્રદેશમાં પ્રવેશ કર્યાે કે જ્યાં ઘોર અંધકાર હતો.
આટલા ઘોર અંધકારમાં રથના ઘોડા પણ માર્ગ જોવામાં અસમર્થ રહેતા હતા. આ જોઈને શ્રીકૃષ્ણે પોતાના પ્રકાશમાન ચક્રને આગળ આગળ ચાલવાની આજ્ઞા કરી.
સૂર્ય સમાન દેદીપ્યમાન ચક્ર એ ઘોર અંધકારને ચીરતું ચીરતું તીવ્ર ગતિથી આગળ વધવા લાગ્યું. એ ચક્રની પાછળ ચાલતો ચાલતો રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યો. એ અંધકારની પાર પરમ જ્યોતિ ઝગમગી રહી હતી. ત્યાર બાદ ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યાે.
થોડી વાર સુધી યાત્રા કર્યા બાદ રથ સમુદ્રની અંદર એક નગરમાં પહોંચી ગયો. એ નગરનું નામ હતું મહાકાલપુર. ત્યાં એક બહુ જ સુંદર અને વિશાળ ભવન હતું, જેની અંદર શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રવેશ કર્યાે. એ ભવનમાં ભગવાન શેષનાગ વિરાજમાન હતા. એમનો દેહ અત્યંત ભયાનક અને અદ્ભુત હતો. એમને સહસ્ર મસ્તક હતાં. અને દરેક ફેંણ ઉપર સુંદર સુંદર મણિ ઝગમગાટ કરી રહ્યા હતા.
શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા. એમના દેહની કાંતિ વર્ષાઋતુના મેઘ સમાન હતી અને એમણે અત્યંત સુંદર પીળાં વસ્ત્રો પહેર્યાં હતાં. એમનું મુખમંડળ અત્યંત પ્રશાંત હતું. તથા નેત્રો આકર્ષક અને વિશાળ હતાં. એમને લાંબી લાંબી સુંદર આઠ ભુજાઓ હતી. અને ગળામાં કૌસ્તુભ મણિ શોભાયમાન હતો. નંદ-સુનંદ વગેરે પાર્ષદો અને સુદર્શન વગેરે શસ્ત્રો બ્રહ્મા વગેરે લોકપાલોના અધીશ્વર ભગવાનની સેવા કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણે પોતાના જ સ્વરૂપ એવા ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. અર્જુને પણ શિર નમાવીને એમને પ્રણામ કર્યા તથા બન્ને હાથ જોડીને ઊભા રહી ગયા.
ત્યારે સમસ્ત બ્રહ્માંડના સ્વામી ભગવાન વિષ્ણુએ મલકાતાં મલકાતાં એમને કહ્યું, ‘કૃષ્ણ અને અર્જુન! તમે બન્ને મારાં અભિન્ન અંગો છો. તમારા બન્નેનો જન્મ સજ્જનોની રક્ષા કરવા તથા દુષ્ટોનો વિનાશ કરવા માટે થયો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યોનો સંહાર કરીને તમે લોકો જલદીથી મારી પાસે પાછા આવો. મેં તમને બન્નેને જોવાને માટે જ બ્રાહ્મણ બાળકોને અહીં મંગાવી લીધા હતા. હવે તમે એમને લઈ જઈ શકો છો.’
જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણ અને અર્જુનને આ રીતે કહ્યું ત્યારે તેમણે ફરીથી વિષ્ણુને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને બ્રાહ્મણ બાળકોને લઈને જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તે દ્વારકા પાછા ફર્યા. તેમણે બાળકોને એમના પિતાને સોંપી દીધા.
ભગવાન વિષ્ણુના પરમધામને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એમને સમજાઈ ગયું કે જીવોમાં જે કંઈ બળ-પૌરુષત્વ છે તે બધું પરમાત્માની કૃપાનું જ ફળ છે.
ભગવાન શ્રીકૃષ્ણે આદર્શ મહાપુરુષોની જેમ આચરણ કરીને પોતાની પ્રજાના સઘળા મનોરથ પૂરા કર્યા. એમણે ઘણા બધા અધર્મી રાજાઓને સ્વયં માર્યા અને ઘણાને અર્જુન દ્વારા મરાવી નાખ્યા. આ રીતે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓની મદદથી એમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ-મર્યાદાની સ્થાપના કરાવી દીધી.
Your Content Goes Here





