ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ…
જન્મ અને બાળપણ :
ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો – એક પુત્ર અને એક પુત્રી બાળપણમાં જ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી એમણે ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો. એમાંથી હરમોહિની તથા સ્વર્ણમયી સિવાય ત્રીજી પુત્રી બાળપણમાં જ ચાલી ગઈ. આને લીધે ભુવનેશ્વરીદેવીનું માતૃહૃદય વ્યાકુળ બની ગયું. એમણે કાશીના વીરેશ્વર શિવની વ્રત-ઉપાસના સાથે પ્રાર્થના કરી. ત્યાર પછી ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ અને સોમવારે ભુવનેશ્વરીદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. એ દિવસ મકરસંક્રાંતિનો દિવસ હતો. મકરસંક્રાંતિના આ પાવન દિવસે જાણે કે ભારતભૂમિ પર પ્રગટ થયેલ જ્ઞાનસૂર્યના આગમનની ઘોષણા થઈ રહી હતી! કોલકાતાના ઉત્તરે કેવળ થોડાક જ માઈલ દૂર આવેલ દક્ષિણેશ્વરમાં નિવાસ કરતા એક યુગદૃષ્ટા દેવમાનવ – શ્રીરામકૃષ્ણ પણ આ શિશુના આગમનની જાણે કે રાહ જોતા હતા. ભુવનેશ્વરીદેવીએ પોતાના પુત્રનું નામ ‘વીરેશ્વર’ રાખ્યું. ઘરના બધા લોકો એને પ્રેમથી ‘બિલે’ કહીને બોલાવતા. પછીથી એનું નામ ‘નરેન્દ્રનાથ’ કે સંક્ષેપમાં ‘નરેન’ રાખ્યું. નરેન મોટો થવા લાગ્યો. એ ઘણો નટખટ તોફાની બાળક હતો. એને વશ કરવા પ્રયત્ન કરતાં કરતાં એનાં માતાના નાકે દમ આવી જતો. મીઠાઈ જેવી વસ્તુઓનો લોભ કે લાલચ આપીને કે સજા કરવાની ધમકી દેવાથી પણ એનાં નટખટ અને તોફાનીપણામાં કોઈ ઓટ ન આવતી. અંતે ભુવનેશ્વરીદેવીએ એને શાંત કરવા નવો ઉપાય શોધી કાઢ્યો. નરેન જ્યારે વધારે ધમાચકડી મચાવતો ત્યારે એના માથે ઠંડું પાણી રેડીને એના કાનમાં ‘શિવ શિવ’ નું ઉચ્ચારણ કરતાં. નરેન આનાથી સાવ શાંત થઈ જતો ! ક્યારેક ક્યારેક ભુવનેશ્વરીદેવી એનાં નટખટ તોફાનોથી હેરાન થઈને કહેતાં, ‘મેં તો શિવજી પાસે પુત્ર માટે પ્રાર્થના કરી હતી અને એમણે પોતાના એક ભૂતને જ મોકલી દીધો!’ તેઓ જ્યારે કહેતાં, ‘જો, તું શાંત નહીં રહે તો ભગવાન શિવ તને કૈલાસમાં પ્રવેશવા નહીં દે’ કે તરત જ નરેન બુદ્ધિમાન જેવું વર્તન કરવા લાગતો.
આમ છતાં પણ સ્વભાવથી તે સદા આનંદમય, મધુર પ્રેમથી પરિપૂર્ણ રહેતો. બારણે કોઈ ભિક્ષા માગવા આવે તો એના હાથમાં જે કોઈ ચીજવસ્તુ આવી જાય તે તેને આપી દેતો. એકવાર એણે કિનારીએ જરીવાળું ધોતિયું પહેર્યું હતું. એક ભિખારીને એ ધોતિયું પણ આપી દીધું. વિશ્વનાથ દત્ત પોતે પણ દાનશીલ હતા, પરંતુ પોતાના પુત્રનું આવું કૃત્ય જોઈને તેઓ પણ તેના પર નજર રાખવા લાગ્યા. બારણે કોઈ ભિખારી આવે અને તે પાછો ચાલ્યો જાય ત્યાં સુધી નરેનને ઓરડામાં પૂરી દેવામાં આવતો. પણ શું આટલાથી નરેન શાંતિથી બેસી રહે ખરો! કોઈ ભીખ માગવા આવે તો તે બારીએથી કોઈ વસ્તુ ફેંકીને આપી દેતો. (ક્રમશ 🙂
Your Content Goes Here




