૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં ઘણી સારી નિપુણતા મેળવી લીધી. મિત્રો વચ્ચે થતાં લડાઈઝઘડાનું સમાધાન કરવામાં તે હંમેશાં અગ્રસ્થાને રહેતો. અભ્યાસ અને રમતગમત બન્નેમાં તે હંમેશાં પ્રથમ રહેતો. અદમ્ય ઉત્સાહ, ઊભરાતી ઊર્જા, ચંચળતા જેવા બધા ગુણો નરેનમાં હતા. આમ છતાં એ બધાની સાથે, એના મનમાં સાધુસંન્યાસીઓ પ્રત્યે એક વિશેષ આકર્ષણ અને પ્રેમભાવ છુપાયેલો હતો.
નરેનમાં ચંચળતા હતી પણ એના મનમાં અપાર દયાનો વાસ પણ હતો. કોઈને કોઈ ઘટના પ્રસંગે એના હૃદયમાં છુપાયેલો આ પ્રેમ સ્પષ્ટ રીતે પ્રગટ થયા કરતો. એક વખત એવું બન્યું કે આશરે વીસેક છોકરાઓની એક ટોળી કોલકાતાનો કિલ્લો જોવા અને ત્યાં પિકનિક માણવા ગઈ. નરેન પણ એમની સાથે હતો. બધા છોકરા હસતા રમતા અને ગપ્પાં મારતાં મારતાં જઈ રહ્યા હતા. થોડીવાર પછી એક છોકરો વ્યાકુળ થઈને કહેવા લાગ્યો કે તેની તબિયત બરાબર નથી. અરે, એ તો નકામો નાટક કરે છે, એમ કહીને બીજા બધા એની મશ્કરી કરવા લાગ્યા. અંતે એ છોકરો પાછળ રહી ગયો અને ઓચિંતાનો ધડામ દઈને જમીન પર બેસી ગયો. નરેન પણ બીજા બધા સાથે આગળ નીકળી ગયો હતો. એ છોકરાને જોઈને તે ઊભો રહ્યો અને કહ્યું, ‘અરે, લાગે છે કે એની તબિયત બરાબર નથી, તમે લોકો આગળ ચાલો. આપણામાંથી કોઈ એકે એની સાથે રોકાવું પડશે. એટલે હું જ રોકાઈ જાઉં છું.’ નરેન પાછો વળ્યો અને એ છોકરા પાસે આવ્યો. જોયું તો તેને ઘણો તાવ ચડ્યો હતો. નરેન એને ટેકો આપીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. રસ્તામાં એક ઘોડાગાડીને રોકીને તે છોકરાને પોતાને ઘરે પહોંચાડી દીધો.
ક્યારેય એવું નહોતું બન્યું કે કોઈને કોઈ વ્યક્તિને મુસીબતમાં ફસાયેલો જોઈને નરેને એના પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા બતાવી હોય અને પોતે આનંદમાં મગ્ન રહ્યો હોય. નરેન્દ્રના વ્યક્તિત્વમાં રહેલ આ ગુણે એને ભવિષ્યમાં એક મહાન ધર્મસંઘનો સુયોગ્ય નાયક બનાવી દીધો. ભય અને અંધવિશ્વાસ આ શબ્દો નરેનના શબ્દકોશમાં હતા જ નહીં. ક્યારેક ક્યારેક કંટાળીને તે પોતાના એક મિત્રના ઘરે ચાલ્યો જતો. એ મિત્રના આંગણામાં ચંપાનું એક મોટું વૃક્ષ હતું. વૃક્ષની એક ડાળીમાં પગ લટકાવીને માથું નીચે રાખીને લટકતા રહેવું એ નરેનની પ્રિય રમત હતી. એક દિવસ આવી રીતે નરેન વૃક્ષની ડાળી પર લટકી રહ્યો હતો. ઘરના દાદાજીએ તેનો અવાજ ઓળખી લીધો અને એમને ચિંતા થઈ કે ક્યાંક આ છોકરો ઝાડ પરથી પડીને પોતાને ઈજા કરી ન બેસે. એમણે નરેનને બોલાવ્યો અને કહ્યું, ‘આ ઝાડ પર ચડતો નહીં.’
નરેને એનું કારણ પૂછ્યું એટલે વૃદ્ધે કહ્યું, ‘એના પર બ્રહ્મરાક્ષસ રહે છે. જે કોઈ એ ઝાડ પર ચડે તે એની ડોક મરડી નાખે છે.’ નરેને આ બધું શાંતિથી સાંભળી લીધું. વૃદ્ધ પણ ખુશ થયા. જેવી એમણે પીઠ ફેરવી કે નરેન ઝાડ પર ચડી ગયો! બાકીના છોકરાઓએ એને દાદાજીએ કહેલી વાતનો ભય બતાવ્યો. નરેને કહ્યું, ‘તમે બધા તો મૂર્ખ છો! કોઈ ગમે તે કહે તો પણ આંખો મીંચીને એના પર વિશ્વાસ ન કરવો! દાદાજીનું કહેવું સાચું હોત તો પેલા બ્રહ્મદૈત્યે ક્યારનીય મારી ગરદન મરડી નાખી હોત ને ?’
આ શબ્દો માત્ર એક બાળક દ્વારા ઉચ્ચારેલ શબ્દો ન હતા. નરેનના વિચારોમાં પણ ખરેખર ઘણી સ્પષ્ટતા હતી. તે ભવિષ્યમાં સ્વામી વિવેકાનંદના રૂપે વિશાળ જનસમુદાયોને સંબોધિત કરતાં આ વાણી ઉચ્ચારવાનો હતો, ‘કોઈ વાત પર માત્ર એટલા માટે વિશ્વાસ ન કરતા કે એ વાત કોઈ ગ્રંથમાં લખી છે. કોઈ વ્યક્તિએ એને સત્યરૂપે કહી છે એટલે પણ એના પર વિશ્વાસ ન કરતા. તમે તમારી મેળે સત્યને શોધી કાઢો. એને અનુભૂતિ કહે છે.’ (ક્રમશ 🙂
Your Content Goes Here




