ગયા અંકમાં નરેનનાં ખેલકૂદ, ધીંગા-મસ્તી, વ્યાયામ કસરત
વગેરેના પ્રસંગો વાંચ્યા, હવે આગળ…

જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ એના સ્વભાવમાં ગંભીરતા આવવા લાગી. હવે તે બૌદ્ધિક કાર્યોમાં વધારે રુચિ લેવા માંડ્યો. તે નિયમિતરૂપે પુસ્તકોનું અધ્યયન કરવા લાગ્યો, સમાચાર પત્રો વાંચવા માંડ્યો અને વ્યાખ્યાનો પણ સાંભળવા જવા લાગ્યો. આને લીધે પોતાની તાર્કિક બુદ્ધિ સાથે યુક્તિપૂર્વક વાતો કરવાની એની યોગ્યતામાં વૃદ્ધિ થવા લાગી.

નરેનના પિતાને કામકાજ માટે ભારતનાં વિભિન્ન સ્થાનોના પ્રવાસે જવું પડતું. ૧૮૭૭માં એમને છત્તીસગઢના રાયપુર નગરમાં જવું પડ્યું. એ સમયે નરેનની ઉંમર ૧૪ વરસની હતી. વિશ્વનાથબાબુને રાયપુરમાં થોડા વધારે દિવસ રહેવાની જરૂર પડી. એટલે સમગ્ર પરિવારને રાયપુરમાં બોલાવી લેવાનું નક્કી કર્યું. એ દિવસોમાં રેલગાડીની આટલી સુવિધા ન હતી. ઘનઘોર જંગલોની વચ્ચેથી પસાર થઈને ૧૫ દિવસનો રસ્તો કાપીને બળદગાડામાં બેસીને જવું પડતું. પરંતુ આ યાત્રાના અનુભવે નરેન્દ્રના હૃદયને આનંદથી ભરી દીધું. જંગલોની લીલીછમ હરિયાળી, ઘાટીઓનું સૌંદર્ય, વચ્ચે વચ્ચે મધમાખીઓના વિશાળ મધપૂડા અને ભિન્ન ભિન્ન પ્રકારનાં પશુપક્ષીઓનું અવલોકન કરતાં કરતાં એનું મન અને એનો પ્રાણ આ પૃથ્વીના રચયિતા અનંત ઈશ્વરના ચિંતનમાં ડૂબી ગયાં. તે ગહન ધ્યાનમાં લીન થઈ ગયો.

રાયપુરમાં રહેતા હતા ત્યારે વિશ્વનાથ દત્ત અને પોતાના મેધાવી પુત્ર વચ્ચે અત્યંત ઘનિષ્ઠ સંબંધ સ્થપાયો. એમની નિશ્રામાં નરેનની સંગીતની કેળવણી શરૂ થઈ. એમણે એને અનેક પ્રકારનાં ગીત શીખવ્યાં. થોડા સમય પછી કોલકાતા પાછા આવ્યા ત્યારે એમણે નરેન માટે ઉચ્ચકક્ષાના શાસ્ત્રીય સંગીતના ગાયન તથા વાદનના શિક્ષણ માટે એક અલગ વ્યવસ્થા કરી. એ સમયના સુપ્રસિદ્ધ ઉસ્તાદ બેની અને ઉસ્તાદ અહમદ ખાં પાસેથી તેઓ સંગીતની તાલીમ મેળવવા લાગ્યા. અહમદ ખાં પાસેથી એમણે હિંદી, ઉર્દૂ તેમજ ફારસી ગીતગાન શીખ્યું. આમાંથી મોટા ભાગનાં ગીતો ભક્તિમૂલક હતાં. કહેવાય છે કે કાશીઘોષાલ વગેરે બ્રહ્મસમાજમાં પખવાજ બજાવતા. એમણે જ નરેનને પખવાજ અને તબલાંની કેળવણી આપી હતી. જગન્નાથ મિત્ર પાસેથી તેઓ એશરાજ વગાડતાં શીખ્યા. આ ઉપરાંત તેમણે સિતાર વગાડવાનું પણ શીખી લીધું હતું. ગાવામાં એમને વધારે રુચિ હતી અને નાનીના ઘરે બેસીને કલાકો સુધી ગાવાનો રિયાજ કરતા. નરેનને ગીતગાન કરતો જોઈને અને એનું ગાન સાંભળીને બધા લોકો મુગ્ધ થઈ જતા.

વિશ્વનાથ દત્તે પોતાના પુત્રને સંગીતનું શિક્ષણ તો આપ્યું, પણ સાથે ને સાથે આત્મવિશ્વાસ તથા પુરુષાર્થની કેળવણી પણ આપી. એક દિવસ નરેને પોતાના પિતાને પૂછ્યું, ‘મારે આ જગતમાં કેવી રીતે વર્તવું જોઈએ?’ વિશ્વનાથ દત્તે જવાબ આપ્યો, ‘જગતના વર્તન વ્યવહારથી ક્યારેય આશ્ચર્યચકિત ન થતો.’ આ શબ્દોમાં ગૂઢાર્થ રહેલો છે. નરેન્દ્રને પોતાના ભવિષ્યમાં આ બાબતનો પૂરેપૂરો અનુભવ થવાનો હતો. એટલે જ પોતાના ભાવિ જીવનમાં ‘સ્વામી વિવેકાનંદ’રૂપે પરિભ્રમણ કરતી વખતે ક્યારેક તેઓ રાજમહેલમાં રહ્યા, તો વળી ક્યારેક ગરીબની ઝૂંપડીમાં; કેટલીક વાર તો વૃક્ષની નીચે પોતાનો ધાબળો પાથરીને સૂઈ જતા. આ બધી પરિસ્થિતિમાં તેમને કોઈ વિશેષ ભેદ ન જણાતો.

ક્રમશ : ઉંમર વધતાં બાળપણનું નટખટીપણું દૂર થતું ગયું. હવે નરેનનાં અધ્યયન-મનન વધારે ગહન-ગંભીર થવા લાગ્યાં. ૧૮૭૯માં તેઓ ૧૬ વર્ષની ઉંમરે ‘પ્રવેશિકા’ (હાલનું બારમું કે પ્રિ-યુનિવર્સીટી)માં સફળ થયા. ત્યારપછી તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ ઘટના પછીના સમયગાળામાં એમને કેટલીય વિપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો. હવે નરેનના પોતાના વ્યક્તિગત જીવનની સાથે એના વૈચારિક જીવનમાં પણ કેટલીય ઉથલપાથલ મચી. (ક્રમશ 🙂

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.