રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે
પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે આગળ…
૧૭ વર્ષના નરેન્દ્રનાથ એક સુંદર, તેજસ્વી યુવક બની ગયા. ૧૮૮૦માં એમણે પ્રેસિડેંસી કોલેજના વિનયન વિભાગમાં પ્રવેશ લીધો. આ કોલેજમાં મોટા ભાગના અધ્યાપકો યુરોપિયન હતા. અહીં એમણે પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યો. પરંતુ પછીના વર્ષે એમને મલેરિયા થયો અને કેટલાય દિવસો સુધી કોલેજમાં જઈ ન શક્યા. આને કારણે તેમને વિનયન વિભાગના પ્રથમવર્ષની પરીક્ષામાં બેસવાની અનુમતિ ન મળી. પરંતુ જનરલ એસેમ્બ્લીની સંસ્થા (હાલની સ્કોટિશ ચર્ચ કોલેજ)માં એમણે પ્રવેશ મેળવ્યો અને પ્રથમ વર્ષની પરીક્ષામાં બેસવાની અનુમતિ પણ મળી ગઈ. માંદગીમાંથી બહાર આવેલ નરેને ૧૮૮૧માં આ પરીક્ષા બીજા વર્ગ સાથે પાસ કરી. ત્યાર પછી ૧૮૮૪ સુધી આ જ સંસ્થામાં એમણે બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. કોલેજના અભ્યાસમાં નરેન્દ્રનાથના અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયો હતા. પછી બી.એ.ના અંતિમ વર્ષમાં ઓનર્સની ડિગ્રી માટે એમણે તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને છોડીને દર્શનશાસ્ત્ર પસંદ કર્યું. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા એમણે ઘણો પરિશ્રમ કર્યો હતો. અંગ્રેજી વ્યાખ્યાન અને પરિચર્ચામાં નરેન્દ્રનો ડંકો વાગતો. નરેનની એક બીજી વિશિષ્ટતા એ હતી કે અધ્યયન કરતી વખતે જે તે વર્ષના નિર્ધારિત પાઠ્યક્રમ પૂરતું જ એનું વાચન ન રહેતું, પણ જે તે વિષય સંબંધી અનેક ગ્રંથોનું સ્વેચ્છાએ અધ્યયન કરીને એ વિષયનો પાયો મજબૂત કરી લેતા.
જ્યારે તેઓ જનરલ એસેમ્બ્લીની કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં પ્રોફેસર વિલિયમ હેસ્ટી નામના પ્રસિદ્ધ વિદ્વાન પ્રાચાર્ય હતા. એક દિવસ અંગ્રેજીના અધ્યાપક ગેરહાજર હતા. એટલે એમણે જ અંગ્રેજી સાહિત્યનો વર્ગ લીધો. તેઓ અંગ્રેજી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનું કાવ્ય ‘એક્્સકર્શન-ભાવસમાધિ’ ભણાવતા હતા. એ કવિતામાં સત્યમ્-શિવમ્-સુંદરમ્ની અનુભૂતિ કરતી વખતે એક ભાવાવસ્થાનું વર્ણન આવે છે. આ ભાવાવસ્થામાં પ્રકૃતિમાં રહેલું અસીમ સૌંદર્ય નિહાળીને પોતાના અસ્તિત્વને ભૂલી જવાની અનુભૂતિની એક ઝાંખી જોવા મળે છે. વિદ્યાર્થીઓને આવો અનુભવ કોઈ પણ રીતે સમજાતો ન હતો. એટલે પ્રોફેસર હેસ્ટીએ કહ્યું, ‘મનની શુદ્ધિ તેમજ કોઈ વિશેષ ભાવ પર મનની એકાગ્રતા કેળવવાને લીધે આવો અનુભવ મળે છે. વર્તમાન યુગમાં આવો અનુભવ ખરેખર દુર્લભ છે. મનની આવી ઉચ્ચ અવસ્થાનો અનુભવ કરેલ હોય એવા કેવળ એક વ્યક્તિને મેં જોયા છે; અને તે છે દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણ પરમહંસ. તમે પોતે ત્યાં જઈને જુઓ તો આ વાત સમજી શકશો.’
નરેન્દ્રનાથ પ્રો. હેસ્ટીના પ્રિય વિદ્યાર્થી હતા. ઘણા લોકો એમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા.
પ્રો. હેસ્ટીએ એમના વિશે કહ્યું હતું, ‘નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાવાન યુવાન છે. હું અનેક સ્થળે ગયો છું પણ આવી પ્રતિભા તથા સંભાવનાવાળો યુવક મને ક્યાંય જોવા મળ્યો નથી. અરે, જર્મન વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં પણ આવો વિદ્યાર્થી જોયો નથી. તે પોતાના જીવન દ્વારા ચોક્કસ આ જગતમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે કોતરી દેશે.’
જનરલ એસેમ્બ્લી કોલેજમાં અભ્યાસ કરતી વખતે નરેન્દ્રનાથના બધા મિત્રો તેના ગાયન તરફ આકર્ષાયા હતા. તેઓ અનેકવાર એમને કંઈકને કંઈક ગાવાનું કહેતા. નરેન્દ્રની વિશિષ્ટતા એ હતી કે તેઓ ઉત્તમ શાસ્ત્રીય સંગીતનું ગાન કરતા પણ સાથે ને સાથે એમને સંગીતશાસ્ત્રનું સારું એવું જ્ઞાન હતું.
(ક્રમશ 🙂
Your Content Goes Here




