ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ…
નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક એ બન્નેને હેરાનપરેશાન કરી મૂકતો. નરેનના મિત્રોમાં વાંદરું, બકરી, મોર, કબૂતર અને બે ત્રણ ગિનીપિગ પણ હતાં. એના ઘરે ગાય પણ હતી. વાર-તહેવારે તે ખૂબ પ્રેમથી પોતાની દુલારી ગાયને સજાવવામાં બહેનોને મદદ કરતો. તે ગાયના કપાળે કંકુ કે ચંદન લગાડીને તેને નમસ્કાર પણ કરતો. પોતાના નાના નાના હાથે તેને થપથપાવતો અને મીઠા શબ્દોમાં તે તેની સાથે વાતો પણ કરતો.
નરેને શિક્ષણનો પ્રારંભ પોતાનાં માતાના હાથે કર્યો. એનાં માતપિતાની હૃદયની ઇચ્છા એવી હતી કે પોતાના પુત્રને ઉત્તમ કેળવણી મળે. માના ખોળામાં બેસીને નરેને દેવીદેવતાઓની કથાઓ સાંભળી હતી. ભારતના સંતોની ગાથાઓ અને પોતાના પૂર્વજોનાં વૃત્તાંતો પણ સાંભળ્યાં હતાં. સંન્યાસી બનીને ઘરસંસાર છોડીને ચાલ્યા જનાર પોતાના દાદા દુર્ગાપ્રસાદ વિશે પણ સાંભળ્યું હતું. રામાયણ-મહાભારતનાં આખ્યાનો સાંભળ્યાં હતાં. દત્તભવનમાંં દરરોજ આ મહાકાવ્યોનો પાઠ થયા કરતો. બપોરના સમયે કોઈ પ્રૌઢ મહિલા કે ભુવનેશ્વરી દેવી પોતે જ આ પાઠ કરતાં. ઘરનાં બધાં પોતપોતાનાં કામકાજ પૂરાં કરીને ત્યાં બેસતાં. એ સમયે નાનો નરેન પણ છાનોમાનો બેસીને કથા સાંભળતો. આ મહાકાવ્યોમાં આવતાં પાત્રો ક્યારેક એનાં નેત્ર સમક્ષ ઊભરી આવતાં. મા, દાદી પાસેથી સાંભળેલી ભાગવત કથાઓ પણ એના કાનોમાં પડી હતી. શેરી ગલીએ ઘૂમતા ફરતા ભજન ગાનારા ભિખારીઓ નરેનના ઘરની સામે આવતા રહેતા. એ લોકોના મધુર કંઠે ગવાતાં ભજનો સાંભળીને તે મુગ્ધ બની જતો. ભુવનેશ્વરી દેવીએ પણ તેના જિજ્ઞાસુ સ્વભાવ પર કોઈ પ્રતિબંધ લગાવ્યો ન હતો. એમને હૃદયપૂર્વકનો વિશ્વાસ હતો કે આવી વાતોના માધ્યમથી બાળકોનો રાષ્ટ્રિય સંસ્કૃતિ સાથે પરિચય થાય છે. રામાયણની કથા અને એમાંય વિશેષ કરીને હનુમાનજીનો એમના પર ઘણો વધારે પ્રભાવ પડ્યો હતો. એટલે જ એના મનમાં હનુમાનજીને મળવાની તાલાવેલી લાગી. એણે રામકથાકારને પૂછ્યું, ‘શું મને હનુમાનજી મળે ખરા ?’ કથાવાચકે કહ્યું, ‘હનુમાનજી કેળાના બાગમાં રહે છે’. એટલે એણે પૂછ્યું, ‘મને હનુમાનજી ત્યાં મળશે ?’ ભોળા નરેનને કથાકારે ફરીથી કહ્યું, ‘હા, હા. કેમ ન મળે. જઈને જો તો ખરો !’ આ સાંભળીને નરેન ખરેખર કેળાના બગીચામાં પહોંચ્યો. ત્યાં ઘણીવાર સુધી બેઠો. પરંતુ હનુમાનજી સાથે એને મુલાકાત ન થઈ. એટલે તે નિરાશ થયો. ફરીથી ઘરમાં કોઈએ એને સમજાવતાં કહ્યું, ‘અરે, હનુમાનજી તો રામના કોઈ મહત્ત્વના કામે ગયા હશે, એટલે તેમની સાથે તારી મુલાકાત ન થઈ.’ આ સાંભળીને નરેનને થોડી શાંતિ મળી.
નરેનને રામાયણની કથામાં ઘણો રસ પડતો. છતાં પણ તેના મનમાં ભગવાન શિવ પ્રત્યે પણ ઘણું આકર્ષણ રહેતું. તેણે છત પરના પોતાના ઓરડામાં સીતા-રામની મૂર્તિઓ રાખી હતી. કેટલાક દિવસો પછી એને હટાવીને તેની જગ્યાએ પોતાનાં માતા પાસેથી મળેલ પૈસાથી ખરીદેલી શિવની મૂર્તિ સ્થાપી દીધી. હવેથી તે મૂર્તિની સામે આંખો મીંચીને ધ્યાનમાં બેસી જતો. શિવ તો ત્યાગના પ્રતીક છે, સંન્યાસીના દેવતા છે. એક દિવસ એક મજાની ઘટના ઘટી. નાનો નરેન લંગોટી પહેરીને આખા ઘરમાં ઘૂમવા લાગ્યો. તેણે પોતાની જાતને સાધુના વેશમાં સજાવી દીધી. આ દૃશ્ય જોઈને ભુવનેશ્વરી દેવીએ થોડાં ગભરાઈને પૂછ્યું, ‘અરે, આ શું ચાલે છે ? નરેન, તું આ શું કરે છે ?’ આ સાંભળીને નરેને ઉત્સાહ, આવેશ અને દૃઢતા સાથે પોતાનાં માતાને કહ્યું, ‘મા, હું શિવ છું. જો તો ખરી, હું શિવ છું !’ (ક્રમશ 🙂
Your Content Goes Here




