બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ
એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગોપબાલો સાથે ગાયો ચરાવતાં ચરાવતાં વૃન્દાવનની બહાર નીકળી ગયા. ધખધખતો ઉનાળો અને સૂર્યનાં દઝાડતાં કિરણો. ચાલતાં ચાલતાં યમુનાતટે પહોંચ્યા. ગોપબાલોએ ગાયોને યમુનાનું પાણી પહેલાં પાયું અને પછી પોતે પીધું. ત્યાં તો બધાનાં પેટમાં ભૂખની આગ લાગી. એમણે શ્રીકૃષ્ણને કહ્યું, ‘કનૈયા ! પેટમાં ભૂખ ભડકે બળે છે, તમે અને બલરામ ભોજનની વ્યવસ્થા કરો.’ એ સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘પ્રિય મિત્રો, અહીંથી થોડે દૂર કેટલાક વેદજ્ઞ બ્રાહ્મણો યજ્ઞ કરે છે. તમે એમની યજ્ઞશાળામાં જાઓ અને અમારા બન્નેનાં નામ આપીને ભોજન સામગ્રી માગી આવો.’
ગોપબાલો યજ્ઞશાળામાં ગયા અને ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે બ્રાહ્મણોને કહ્યું, ‘હે ભૂદેવો ! અમે વૃન્દાવનના છીએ અને અહીં ગાયો ચરાવવા આવ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી અમારી સાથે જ છે. અમે ભૂખ્યા થયા છીએ. થોડું ભોજન આપવા કૃપા કરો.’ એ બ્રાહ્મણોએ ગોપબાલોની વાતનો કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેઓ નિરાશ થઈને પાછા આવ્યા અને બધી વાત શ્રીકૃષ્ણ અને બલરામને કરી. એમની વાત સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને એમણે કહ્યું, ‘હવે તમે એમની પત્નીઓ પાસે જાઓ અને તેમને કહો કે શ્રીકૃષ્ણ-બલરામ અહીં આવ્યા છે. તેઓ મને ખૂબ ચાહે છે અને તમને ભોજન આપશે.’
હવે ગોપબાલો રસોઈઘરમાં ગયા એમણે ત્યાં જઈને બ્રાહ્મણ પત્નીઓને કહ્યું, ‘હે બહેનો ! શ્રીકૃષ્ણ અહીંથી થોડે દૂર છે અને અમને એમણે તમારી પાસે મોકલ્યા છે. અમે બધા ભૂખ્યા થયા છીએ. અમારા માટે થોડું ભોજન આપો.’
આ બ્રાહ્મણ પત્નીઓ ઘણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી. શ્રીકૃષ્ણના આવવાની વાત સાંભળીને તેઓ વ્યાકુળ બની ગઈ. તેઓ બધી વાસણોમાં પુષ્કળ પ્રમાણમાં સ્વાદિષ્ટ અને પથ્ય ભોજન પદાર્થાે રાખીને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા નીકળી પડી. કેવું સુંદર દૃશ્ય તેમની પ્રતીક્ષા કરી રહ્યું હતું ! યમુનાના કિનારે નવી નવી કૂંપણોથી શોભતા અશોકવનમાં ગોપબાલોથી ઘેરાયેલા બલરામજીની સાથે શ્રીકૃષ્ણ આમતેમ આંટા મારે છે. એક હાથ એમણે પોતાના સખાના ખભે રાખ્યો હતો અને બીજા હાથથી કમળના પુષ્પને ડોલાવી રહ્યા હતા. એમના નીલવર્ણ દેહ પર સોનેરી પીતાંબર ઝળકતું હતું. ગળામાં વનમાળા અને મસ્તક પર મોરમુકુટ શોભતાં હતાં. એમના કાનમાં કમળપુષ્પનાં કુંડળ હતાં. વાંકડિયા વાળનાં ઝુલ્ફાં એમના ગાલ પર લટકતાં હતાં. બ્રાહ્મણ પત્નીઓ સૂનમૂન બનીને અપલક નજરે કૃષ્ણને નિહાળતી હતી. શ્રીકૃષ્ણના મધુર મનોહર મુખમંડળ સિવાય તેમને બીજી કોઈ ચીજવસ્તુનું ભાન ન હતું. જેમનાં દર્શન માટે આટ-આટલા દિવસોથી ઉત્કટ ઝંખના સેવતી હતી, એ જ ભગવાન કૃષ્ણ મનોહર સ્મિત સાથે એમની સન્મુખ ઊભા હતા. ભગવાન તો બધાનાં હૃદયની વાત જાણતા હતા. જ્યારે એમણે એ જોયું કે આ બ્રાહ્મણ પત્નીઓ સર્વકંઈ ત્યજીને કેવળ એમનાં દર્શને આવી છે, ત્યારે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરતાં કહ્યું, ‘હે દેવીઓ, અહીં તમારું સ્વાગત કરું છું. તમે મારાં દર્શનની ઇચ્છાથી અહીં આવ્યાં છો, તમારા જેવાં પ્રેમપૂર્ણ હૃદયવાળાં માટે આ જ યોગ્ય છે. હવે તમે બધાંયે મારાં દર્શન કરી લીધાં છે. તમે પોતાના પતિઓની યજ્ઞશાળામાં જાઓ. યજ્ઞ પૂર્ણ કરવા એમને તમારા સહયોગની જરૂર છે.
આ સાંભળીને બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું, ‘હે શ્યામસુંદર ! આટલા નિષ્ઠુર ન બનો. એક વાર ભગવાન મળી જાય તો તેને આ સંસારમાં ફરી આવવું પડતું નથી, એમ શાસ્ત્રો કહે છે. આપ આપની આ વેદવાણીને સાચી પાડૉ. બીજી વાત એ છે કે અમે અમારા પતિઓની ઇચ્છાની વિરુદ્ધ અહીં આવી એટલે ત્યાં પાછા જઈએ તોપણ તેઓ અમને સ્વીકારશે નહીં. હવે તો અમે શરણાગત છીએ. અમારે કોઈ બીજાનો સહારો નથી.’
કૃષ્ણે એમને સાંત્વના આપતાં કહ્યું, ‘દેવીઓ, હું મારા પ્રત્યેનાં તમારાં ભક્તિ, શરણાગતિ અને પ્રેમને જાણું છું. હું એટલું કહું છું કે તમારા પતિ અને પરિવારના લોકો તમારો તિરસ્કાર નહીં કરે. તેઓ તો તમારું સન્માન કરશે, કારણ કે હવે તમે બધાં મારાં થઈ ગયાં છો, મારી સાથે સંલગ્ન બની ગયાં છો. નિરંતર મારું ચિંતન કરતાં રહો, એને લીધે તમને અલ્પ સમયમાં મારી પ્રાપ્તિ થશે.’
કૃષ્ણે આવાં વચનો કહ્યાં એટલે આ બ્રાહ્મણ સ્ત્રીઓ યજ્ઞશાળામાં આવી. એમના પતિઓને પોતાની પત્નીમાં કોઈ દોષ ન દેખાયો અને એમણે સાથે મળીને યજ્ઞકાર્ય પૂર્ણ કર્યું.
ભગવાન શ્રીકૃષ્ણને એ બ્રાહ્મણ પત્નીઓએ ભોજન આપ્યું, પહેલાં ગોપબાલોએ એ ભોજન લીધું અને પછી ભગવાને પોતે પ્રેમપૂર્વક એ અન્ન આરોગ્યું.
Your Content Goes Here




