હવે સ્પેસક્રાફ્ટ મંગળ ગ્રહ પર ઊતરી ગયું અને સ્વામી વિવેકાનંદે ખુશ સાથે એ ગ્રહ વિશે કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘આ ગ્રહ પર જેટલાં વૈજ્ઞાનિક અનુસંધાન થયાં છે તેને આધારે ખ્યાલ આવે છે કે આ ગ્રહ આલ્કલાઈન (ક્ષારની ગુણવત્તાવાળો) છે. તથા એમાં મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ તથા ક્લોરિન જોવા મળ્યા છે. આ બધાં તત્ત્વો પૃથ્વી પર પણ ઉપલબ્ધ છે. પરંતુ મંગળ ગ્રહ પર જળની સંભાવના નથી કારણ કે ત્યાંનું વાયુમંડળીય દબાણ ઘણું ઓછું છે.’

સ્વામી વિવેકાનંદે ત્યારે આધુનિક રોવર (ભ્રમણશીલ યંત્ર) બતાવ્યું જેનું નામ ‘ક્યૂરિયોસિટી’ છે. અને એ મંગળ ગ્રહ પર ઘણાં અનુસંધાન કરવામાં રત છે. માનવે મંગળ ગ્રહની વિશેષ ખોજ માટે જે યંત્ર ‘રોવર’નો ઉપયોગ કર્યો છે એને વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘રોવરને નાશાએ મંગળ ગ્રહ પર સ્થાપિત કર્યું છે તથા તેને ત્યાં પહોંચવામાં આઠ મહિના લાગ્યા હતા. તેમ જ તેણે પૃથ્વીથી મંગળ ગ્રહ સુધી ૩૫૨ મિલિયન કિલોમિટરની યાત્રા પૂર્ણ કરી ત્યારે તે મંગળ ગ્રહ પર પહોંચી શક્યું હતું. તે એ જ સ્થળે ઊતર્યું હતું કે જ્યાં પહેલાં પાણી હોવાની શક્યતા સેવી હતી. રોવર એક નાની કાર જેવું છે. પરંતુ એમાં ઘણાં બહુમૂલ્ય વૈજ્ઞાનિક ઉપકરણો લગાડેલાં છે. જેવાં કે કેમેરો તથા વાતાવરણ સૂચક યંત્રાદિ. રોવરમાં અત્યંત શક્તિશાળી ડ્રિલિંગ મશિન પણ લગાડેલ છે. એ ખોદકામ કરવામાં કામ આવે છે. એમાં લેસર બીમ પણ લગાડેલ છે. તે સપાટીને જોઈને અડચણોને દૂર કરીને આગળ વધે છે. તે પોતાની પ્રયોગશાળામાં અનેક પ્રયોગ કરીને તેની સૂચનાઓ આપતું રહે છે.’

મંગળ ગ્રહ પર થોડી મિનિટો રહીને સ્વામી વિવેકાનંદે ખુશની સાથે પૃથ્વી તરફ પોતાની યાત્રા ફરી શરૂ કરી દીધી. પાછા વળતી સમયે સ્વામી વિવેકાનંદે ખુશને સાચા શિક્ષણનો અર્થ સમજાવતાં કહ્યું, ‘શિક્ષણનો અર્થ શું છે ? શું કેવળ પુસ્તકિયું જ્ઞાન છે ? ના. શું એ ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન છે ? એ પણ નથી. જે અભ્યાસ દ્વારા પોતાની ઇચ્છાશક્તિના આવેગ અને ભાવને નિયંત્રિત કરી શકાય તથા તે લાભકારી બની શકે તેનું નામ શિક્ષણ. એટલે તારે વિષયને સારી રીતે સમજવાની આવશ્યકતા છે. એને કાર્યાન્વિત કરવાનું પણ શીખવાનું છે. કેવળ પરિક્ષાઓમાં ઉત્તિર્ણ થવું એને ક્યારેય સાચું શિક્ષણ ન કહી શકાય.’ સ્વામી વિવેકાનંદના સ્વપ્નલોકમાંથી પાછા આવ્યા પછી ખુશ પોતાનાં પાઠ્યક્રમનાં પુસ્તકો વાંચતી વખતે એ વિષયો વિશે ગંભીર રીતે ચિંતન કરવા લાગ્યો. પહેલાં વિષયને ગોખી નાખતો હતો અને શાળાની પરીક્ષાઓમાં જઈને લખી નાખતો હતો. પરંતુ હવે તે વિષયનું પુસ્તક વાંચતી વખતે જે કંઈ મુશ્કેલીઓ આવે તેની પોતાનાં શિક્ષકો અને માતપિતા પાસે ચર્ચા કરીને પોતાની શંકાઓ દૂર કરી લે છે.

પ્રકરણ : ૭ : ખુશે સપ્તર્ષિ મંડળની યાત્રા કરી

એ દિવસે શાળામાં રજા હતી અને બપોરે ખુશનું મન ચંચળ બન્યું, કારણ કે એને માટે કરવા જેવું કંઈ કામ ન હતું. એની હાલત જોઈને તેની મા તેને એ બતાવવા ઇચ્છતી હતી કે કેવી રીતે મનની શાંતિ સ્થાપી શકાય અને એ માટે એમણે સ્વામી વિવેકાનંદની ધ્યાનપરાયણતાની વાત કહેવાની શરૂ કરી. એમણે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી કેટલીક ઘટનાઓ વર્ણવવાનું શરૂ કર્યું : ‘નરેન્દ્ર જન્મથી જ એક ધ્યાનસિદ્ધ મહાત્મા હતા. બાળપણથી જ એમનામાં ગહન ધ્યાનમાં ચાલ્યા જવાની યોગ્યતા હતી. જ્યારે તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે એક અદ્‌ભુત ઘટના બની. એક દિવસ જ્યારે તેઓ ધ્યાનમાં હતા ત્યારે ત્યાં એક કાળો નાગ આવ્યો. સર્પને જોઈને તેના મિત્રો ત્યાંથી નાસી ગયા. પરંતુ નરેન્દ્ર તો પોતાની ધ્યાનાવસ્થામાં જ હતોે અને પોતાના મિત્રોના બોલાવવા છતાં પણ તેણે કંઈ સાંભળ્યું નહીં, કારણ કે તેનું ધ્યાન ઘણું ગહન હતું. તેના બધા મિત્રો નરેન્દ્રનાં માતાપિતા પાસે ગયા અને આખી ઘટના કહી સંભળાવી. ઘરના વડીલો નરેન્દ્રનું રક્ષણ કરવા ત્યાં પહોંચ્યા. પરંતુ ત્યાં જઈને જોયું તો નાગ તો નરેન્દ્રની સામે પોતાની ફેણ ફૂલાવીને ઊભો હતો. તેને કેવી રીતે બચાવવો એ બધાની સમજમાં ન આવ્યું. પરંતુ સદ્ભાગ્યે સાપ કંઈ નુકશાન કર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. બધા લોકોએ નરેનને પૂછ્યું કે તારા મિત્રોએ આટલા સાદ પાડ્યા છતાં તું ત્યાંથી ભાગ્યો કેમ નહીં? નરેન્દ્રે કહ્યું કે તે ધ્યાનના આનંદમાં એટલો મગ્ન હતો કે તેણે કંઈ સાંભળ્યું જ નથી.’

ખુશ ખૂબ ધ્યાનપૂર્વક એમની વાતો સાંભળી રહ્યો છે, આ જોઈને માએ ફરી વાત શરૂ કરી. એમણે બતાવ્યું કે કેવી રીતે શ્રીરામકૃષ્ણ પરમહંસ (સ્વામી વિવેકાનંદના ગુરુદેવ) સપ્તર્ષિ મંડળમાં ગયા હતા અને કેવી રીતે એમણે પોતાના કામમાં સહાયરૂપ થાય તે રીતે એમાંના એક ઋષિને માનવરૂપ ધરીને પૃથ્વી પર આવવા કહ્યું હતું. પછી માએ આગળ કહ્યું, ‘એક દિવસ શ્રીરામકૃષ્ણનું મન સમાધિમાં ડૂબી ગયું અને ઉપર જવા લાગ્યું. તે મન સૂર્ય, તારા તેમજ નક્ષત્રોથી પણ ઊંચે જવા લાગ્યું. જેમ જેમ એમનું મન ઉપર ને ઉપર જતું રહ્યું, દેવીદેવતાઓના લોકને પણ પાર કરી ગયું અને અંતત : સપ્તર્ષિ મંડળમાં (એને સાત મહાનતમ ઋષિઓનું નિવાસ કહે છે અને એ આકાશમાં સપ્તર્ષિ તારામંડળના રૂપે દેખાય છે.) પહોંચી ગયું. શ્રીરામકૃષ્ણે જોયું કે ત્યાં સાત ઋષિગણ પોતાના મહિમામાં બેઠેલા હતા. શ્રીરામકૃષ્ણે એક દિવ્ય બાળકનું રૂપ ધારણ કર્યું અને અત્યંત કોમળતાથી એ સાત ઋષિઓમાંથી એક ઋષિના ગળામાં પોતાના કોમળ બાહુ રાખ્યા, એમના કાનમાં કંઈક કહ્યું અને કોઈ જાદુઈ સ્પર્શથી ઋષિ પોતાની ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યા. ઋષિએ એમને જોયા અને પોતાની આંખો ખોલી. એ સમયે શ્રીરામકૃષ્ણ એક દિવ્યબાળકના રૂપમાં હતા. તેમણે પેલા ઋષિને કહ્યું કે તેઓ પૃથ્વી પર જઈ રહ્યા છે અને એમણે પણ એમની સાથે આવવું પડશે. સ્મિત સાથે ઋષિએ પોતાની સંમતિ આપી અને ફરી પાછા ગહન ધ્યાનમાં ડૂબી ગયા. શ્રીરામકૃષ્ણે આશ્ચર્ય સાથે જોયું કે આ ઋષિનો એક નાનો અંશ પૃથ્વી પર એક પ્રકાશના રૂપે અવતર્યો અને જ્યાં નરેન્દ્રનો પરિવાર રહેતો હતો ત્યાં જઈ પહોંચ્યો. જ્યારે શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને પહેલીવાર જોયા ત્યારે તેઓ સમજી ગયા કે તેઓ જ પેલા ઋષિના અવતાર છે.’

ખુશને આ સમજાયું કે સ્વામી વિવેકાનંદ ધ્યાન ધરવામાં સિદ્ધહસ્ત હતા. જ્યારે તેઓ ધ્યાનાવસ્થામાં હતા ત્યારે સાપ એમનું કંઈ બગાડી શક્યો ન હતો. ખુશે પણ હવે નિર્ણય કર્યો કે તેણે ગહન ધ્યાન કરવાનો અભ્યાસ કરવો જોઈએ અને એટલે જ તેણે ધ્યાન કરવાનો અભ્યાસ શરૂ કરી દીધો.

એ દિવસના સંધ્યા સમયે ખુશ પોતાના મકાનની સામેના બગીચામાં સિમેન્ટના બાંકડા પર બેઠો હતો, ત્યારે એક કૂતરો ત્યાં આવ્યો અને તેને જોઈને જોરથી ભસવા લાગ્યો. ખુશનો ભાઈ આ દૃશ્ય પોતાના ઘરની ઓસરીમાંથી જોતો હતો. જે બાળકો ત્યાં રમતાં હતાં તે બધાં ડરીને ભાગી ગયાં. અપ્રિય આશંકાને દૂર કરવા માટે ખુશ એ જ બાંકડા પર ધ્યાનની મુદ્રામાં બેસીને ધ્યાન કરવા લાગ્યો. જ્યારે બધાએ જોયું કે પેલો કૂતરો શાંત થઈને બાંકડાની નજીક બેસી ગયો ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડીવાર પછી તે કૂતરો પોતાની પૂંછડી હલાવતો હલાવતો ત્યાંથી ચાલ્યો ગયો. બધાએ ખુશને ખૂબ જ પ્રશંસાની નજરે જોયો. તરત જ આખી કોલોનીમાં આ વાત ફેલાઈ ગઈ કે ધ્યાનસ્થ ખુશની સામે એક ભસતો કૂતરો શાંત થઈને બેસી ગયો. એ રાતે ખુશે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘટના પોતાનાં માતપિતા તથા દાદાદાદીને કહી. એમણે પણ તેને નિયમિત રીતે ધ્યાનનો અભ્યાસ કરવાનું કહ્યું. પરંતુ ખુશના ભાઈએ વાતમાં વચ્ચે પડીને ખુશના ઉત્સાહનો ભંગ થાય એમ કહ્યું, ‘મેં ઓસરીમાંથી એ બધું જોયું છે. બધા લોકો કૂતરાનું ભસવાનું બંધ થવામાં ખુશના ધ્યાનને કારણરૂપ માને છે. પરંતુ હું એ બધા સાથે સંમત નથી. કૂતરાએ થોડીવાર સુધી ભસવાનું ચાલુ રાખ્યું પણ પછી થાકી ગયો એટલે ભસવાનું બંધ કર્યું. ખુશના ધ્યાન કરવા સાથે એને કોઈ સંબંધ નથી.’

ખુશ પોતાના ભાઈના આવા મંતવ્યથી દુ :ખી થયો. તેને લાગ્યું કે તેનો ભાઈ તેની અદેખાઈ કરે છે. જો કે તેનાં માતપિતા અને દાદાદાદીજીએ તેના ભાઈને ઠપકો આપીને કહ્યું કે તેનું કથન યોગ્ય નથી. છતાં પણ ખુશની ઉદાસીનતા દૂર ન થઈ. આંખોમાં આંસુ સાથે તે પથારીમાં પડ્યો અને નિષ્ઠાપૂર્વક સ્વામી વિવેકાનંદને મળવાની પ્રાર્થના કરવા લાગ્યો. તરત જ તે ગહન નિદ્રામાં મગ્ન થઈ ગયો અને સ્વપ્નજગતમાં સરી પડ્યો. તેણે જોયું તો એક વિશાળકાય વાંદરો તેની પાસે આવી રહ્યો છે. જેવો એ વાંદરો તેની પાસે આવ્યો કે ખુશે જોયું તો તે વાંદરો બીજુ કોઈ નહીં પણ વીર હનુમાનના રૂપમાં સ્વામી વિવેકાનંદ હતા. સ્વામી વિવેકાનંદે ખુશને એમને સ્પર્શ કરવા કહ્યું અને એમને સ્પર્શતાં જ ખુશ બાલ હનુમાનના રૂપમાં પરિવર્તિત થઈ ગયો.

સ્વામી વિવેકાનંદે ખુશને કહ્યું કે તેઓ તેને પોતાના નિવાસસ્થાને લઈ જશે. ખુશે આશ્ચર્યથી પૂછ્યું, ‘સ્વામીજી, આપનું નિવાસસ્થાન ક્યાં છે ?’ સ્વામી વિવેકાનંદે કહ્યું કે એમનું ધામ સપ્તર્ષિ લોકમાં છે. તેઓ બન્ને એ તરફ યાત્રાએ નીકળી પડ્યા. રસ્તામાં તેઓ સૂર્ય, તારાગણ તથા વિભિન્ન આકાશગંગામાં થઈને અંતે સપ્તર્ષિ લોકમાં પહોંચ્યા. ત્યાંનો બધો વિસ્તાર એક ગંભીર શાંતિ અને દિવ્ય આનંદથી હર્યોભર્યો હતો. ત્યાં છ ઋષિગણ દીર્ઘ સમાધિમાં મગ્ન દેખાયા. ખુશને સાતમા ઋષિ દેખાયા નહીં. પરંતુ તરત જ એને ખ્યાલ આવી ગયો કે સાતમા ઋષિ તો સ્વયં સ્વામી વિવેકાનંદ જ છે. સપ્તર્ષિ લોક વિશે ખુશને સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘હું અહીં ગંભીર સમાધિમાં ડૂબેલો રહું છું. ઈ.સ. ૧૮૬૩ માં શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવ એક બાળકના રૂપે અહીં આવ્યા હતા અને એમણે મને પૃથ્વી પર જન્મ લેવાનો આદેશ આપ્યો હતો; જેથી એમના આધ્યાત્મિક કાર્યમાં હું એમની સહાયતા કરી શકું. પૃથ્વી પર હું મારા પોતાના આધ્યાત્મિક કાર્યમાંથી નિવૃત્ત થઈને પુન : ૧૯૦૨માં અહીં પાછો આવ્યો. અહીં હું સમાધિમાં જ ડૂબેલો રહું છું. પરંતુ આખંુ જગત પોતે અને ઈશ્વર એક જ છે તેમ સમજી ન લે ત્યાં સુધી હું મારું પોતાનું કાર્ય કરીને લોકોને પ્રેરતો રહીશ.’

ખુશે સ્વામી વિવેકાનંદને અત્યંત ભોળપણ સાથે પૂછ્યું, ‘સ્વામીજી, શું આપ ફરીથી આ પૃથ્વી પર માનવરૂપ લઈને નહીં આવો ?’

સ્વામીજીએ કહ્યું, ‘મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવે ઈ.સ. ૧૮૮૬માં પોતાનો દેહ ત્યાગ કર્યો. એમના દેહાવસાન પહેલાં એમણે કહ્યું હતું કે તેઓ વળી પાછા ૨૦૦ વર્ષ બાદ આ પૃથ્વી પર જન્મ ધારણ કરશે અને ત્યારે પણ લોકોના આધ્યાત્મિક કલ્યાણનું કાર્ય પૂર્ણ કરશે.’

એમણે પુન : કહ્યું હતું કે જો એ સમયે મુમુક્ષુ લોકો એમને ન મળીને પોતાની મુક્તિ પ્રાપ્ત નહીં કરી શકે તો લોકોએ સેંકડો વર્ષ સુધી એની અપેક્ષા રાખવી પડશે. અર્થાત્ સેંકડો વર્ષ પશ્ચાત્ લોકોને મુક્ત કરવા તેઓ અવતરશે. એ સમયે હું ગુરુદેવ સાથે અવતરું એવું બની શકે. પણ આ બધી બાબતોને સાર્વજનિકરૂપે ન કહેવાય. અહીં બધું ઈશ્વરની ઇચ્છા મુજબ જ થાય છે.’ સ્વામી વિવેકાનંદે ખુશને દરરોજ ધ્યાનનો અભ્યાસ કરવાનો ઉપદેશ આપતાં કહ્યું, ‘જે મનને ધ્યાનનો અભ્યાસ હોય છે તેને ગમે ત્યાં લગાડી શકાય છે. જગતનાં બધાં જ્ઞાનને મનની શક્તિ અને એકાગ્રતાથી પ્રાપ્ત કરી શકાય છે. જો આપણે આ જગતના બારણાને ખખડાવીએ અને એના પર પૂરેપૂરો આઘાત કરવાનું શીખી લઈએ તો જગત પોતાના રહસ્યોનાં દ્વાર ખોલી નાખવા તત્પર રહે છે. માનવ મસ્તિષ્કની શક્તિઓનો કોઈ અંત નથી. તે જેટલા પ્રમાણમાં એકાગ્ર બને એટલી જ શક્તિને એક બિંદુ પર કેન્દ્રિત કરી શકાય છે, આ જ રહસ્ય છે.’

સ્વામી વિવેકાનંદ ખુશને ફરી પાછા પૃથ્વી પર મૂકવા આવ્યા. એમણે ખુશને એના ઘર પર છોડ્યો તથા તેઓ પોતે તત્કાલ આકાશમાં વિલીન થઈ ગયા. એ દિવસ પછી નિયમિત રીતે ધ્યાનમાં બેસવા લાગ્યો અને એકાગ્રતા વધારવાનો ભરચક પ્રયત્ન કરવા લાગ્યો. એને લીધે તે કઠિનમાં કઠિન વિષયને પણ ઝડપથી સમજવા લાગ્યો.

(ક્રમશ 🙂

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.