(ગતાંકથી આગળ…)
પ્રકરણ : ૮
પશુઓ સાથે મૈત્રી
એ દિવસે સંધ્યા સમયે મુશળધાર વરસાદ પડતો હતો. ખુશે પરાણે ઘરે રહેવું પડ્યું. તે રમવા બહાર જઈ ન શક્યો. એને આ રીતે ચંચળ અને વ્યાકુળ જોઈને તેના દાદાજી તેને સ્વામી વિવેકાનંદના પશુઓ પ્રત્યેના અપાર સ્નેહ વિશે કહીને ખુશના મનને વ્યસ્ત રાખવા ઇચ્છતા હતા. એમણે વિસ્તારપૂર્વક વાત આરંભી, ‘નરેન્દ્ર બાળકોની જેમ પક્ષીઓ અને પશુઓને ચાહતા હતા. બાળપણમાં એમનાં પાળેલાં પશુઓમાં ગાય, વાંદરો, બકરી, મોર, કેટલાંક કબૂતર અને સૂવર હતાં. થોડા જ સમયમાં એમનું ઘર એક પ્રાણીસંગ્રહાલય જેવું બની ગયું. નરેન્દ્ર આ બધાંને નવડાવતા. એમને ખવડાવવામાં ખૂબ આનંદ આવતો. એમાં ગાયો પ્રત્યે એમને વિશેષ પ્રેમ હતો. ઉત્સવના દિવસોમાં મોટા લોકોની સાથે તે એમના માથે ચાંદલો કરતા. તેમના પિતાજીએ એક ઘોડાગાડી પણ ખરીદી હતી. નરેન્દ્રને ઘોડાગાડીમાં બેસીને ફરવામાં ખૂબ આનંદ આવતો.’
ખુશ ખૂબ ધ્યાનપૂર્વક આ બધું વર્ણન સાંભળતો હતો. દાદાજીએ વાત આગળ વધારી, ‘ખુશ, ઘણી વસ્તુઓ જેને આપણે બાળપણમાં પસંદ કરીએ છીએ, વૃદ્ધાવસ્થામાં એ ફરીથી પ્રગટ થાય છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ એવું જ બન્યું. પોતાના જીવનના અંતકાળમાં સ્વામી વિવેકાનંદ બેલુર મઠમાં આરામનું જીવન વિતાવતા હતા. એમની આજુબાજુ પશુઓનો પરિવાર રહેતો હતો. ચાલો, આપણે એ પશુપરિવારના સભ્યોમાંથી સર્વપ્રથમ એક બકરીથી શરૂઆત કરીએ. સ્વામી વિવેકાનંદ એને પ્રેમથી હંસી કહીને બોલાવતા. એનું એક નાનું બચ્ચું હતું, મટરૂ. સ્વામી વિવેકાનંદ હંસીના દૂધથી જ ચા બનાવતા અને દૂધ દોહતા પહેલાં મટરૂની રજા લેતા. એમને મટરૂ સાથે વિશેષ લગાવ હતો. તે સ્વામી વિવેકાનંદની સાથે જ રહેતો તથા જરાય ખચકાયા વિના વિવેકાનંદના ઓરડામાં આવવા જવાની તેને વિશેષ છૂટ હતી. ક્યારેક ક્યારેક તો તે સ્વામી વિવેકાનંદના ઓરડામાં જ સૂઈ જતો.
સ્વામી વિવેકાનંદે એના નાનકડા ગળામાં ઘંટડી બાંધી દીધી હતી. તેઓ એક બાળકની જેમ મટરૂ સાથે રમતા. તેઓ જ્યારે કાશી ગયા હતા ત્યારે એમણે પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદને એક પત્ર લખીને જણાવ્યું હતું કે એ મટરૂ સાથે એમને પોતાના પૂર્વજન્મનો કોઈ સંબંધ હશે અને એની સારસંભાળ લેવાની સલાહ પણ આપી હતી. જ્યારે મટરૂ મરી ગયો ત્યારે સ્વામી વિવેકાનંદે પોતાના એક શિષ્યને કહ્યું, ‘આ કેવી નવાઈની વાત છે, હું જેને ચાહું છું એ જલદી મરી જાય છે.’ અને પછી તેઓ એક બાળકની જેમ ઉદ્વિગ્ન થયા.’
આ રીતે ચર્ચા ચાલતી હતી ત્યાં જ ખુશનાં માતા વચ્ચે ચા-નાસ્તો લઈને આવ્યાં. એટલે ચા-વિરામ લઈને ગરમ ચાની મજા માણી. બહાર વરસાદ વરસતો હતો. ખુશના દાદાએ વળી પાછું વર્ણન કરવાનું શરૂ કર્યું, ‘ચાલ, હવે આપણે એમના કૂતરા ‘બાઘા’ની વાત જોઈએ. સ્વામી વિવેકાનંદનાં પાળેલા પશુઓમાં એ એક મહત્ત્વનો બીજો સભ્ય હતો. સ્વામી વિવેકાનંદ બાઘાને ખૂબ ચાહતા. વાસ્તવિક રીતે બાઘા મઠમાં પશુઓના દળનો નેતા હતો તથા એવી રીતે વર્તતો હતો કે જાણે આખો મઠ એનો ન હોય ! એકવાર એ પૂજા માટે રાખેલ પાણી પી ગયો. સ્વામીજીએ કૂતરાની પહોંચ સુધી રાખેલા જળ માટે સંબંધિત સાધુને બેદરકારી માટે ઠપકો આપ્યો. પરંતુ મઠના સાધુઓ બાઘાને આ કૃત્ય માટે સજા કરવા ઇચ્છતા હતા. તેઓ તેને ગંગાને પહેલે પાર મૂકીને પાછા આવ્યા. તે આખો દિવસ એ કિનારે રહ્યો. સંધ્યા સમયે બેલુર મઠ આવનારી એક હોડીમાં સવાર થઈને તે મઠમાં પાછો આવી ગયો. ઘણા લોકોએ બાઘાને ધકેલીને બહાર કાઢી મૂકવાની ઇચ્છા કરી, પણ તે ગુસ્સામાં આવીને તે લોકો તરફ ભસવા લાગ્યો અને એને નાવમાંથી બહાર કાઢી ન શક્યા. તે મઠમાં આવી ગયો અને રાત્રે છાનોમાનો સ્વામી વિવેકાનંદના ઓરડાના દરવાજા પાસે આવીને સૂઈ ગયો. સ્વામી વિવેકાનંદ સવારમાં ચાર વાગ્યે ઊઠ્યા અને સ્નાનઘરમાં જતી વખતે અંધારામાં ભૂલથી બાઘા પર પગ મૂકી દીધો. બાઘો તો તરત જ ઊઠીને સ્વામી વિવેકાનંદની પાછળ ચાલવા લાગ્યો. સ્વામી વિવેકાનંદે તેને હાથેથી ઉપાડી લીધો અને બધાને સૂચના આપી કે હવે પછી આ કૂતરો ગમ્મે તેટલી ભૂલ કરે પણ કોઈ એને મઠની બહાર કાઢી નહીં મૂકે ! સ્વામી વિવેકાનંદના દેહત્યાગ પછી થોડા દિવસો બાદ આ બાઘો પણ મરી ગયો. એની રાખને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી.’
ખુશ બાઘાના વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયો. એ સમયે તેના મનમાં પણ આવાં પાળી શકાય તેવાં પશુઓની મિત્રતા કરવાની ઇચ્છા જાગી, એમાંય વિશેષ કરીને કૂતરાઓની. તેણે કેટલાક પરિવારોને કૂતરાં પાળતાં જોયાં હતાં. અને ફરવા જતી વખતે કે બહાર જતી વખતે તેઓ એને સાથે પણ લઈ જતા. જ્યારે તેણે આ બાઘાના વ્યવહાર વિશે સાંભળ્યું ત્યારે કૂતરા પ્રત્યે ખુશના મનની ભયની ભાવના દૂર થઈ ગઈ. ખુશના દાદાજીએ ખૂબ ઉત્સાહપૂર્વક પશુ પ્રત્યેના સ્વામી વિવેકાનંદના પ્રેમ વિશે વાતો કરી.
તેમણે આગળ કહ્યું, ‘બકરી અને કૂતરા ઉપરાંત સ્વામી વિવેકાનંદના પાળેલા પશુપરિવારમાં બીજાં ઘણાં પશુ હતાં. તેમાં એક હરણ, એક લાંબા પગવાળું બતક, કેટલીક ગાયો, બકરીઓ અને કલહંસ વગેરે હતાં. એકવાર હરણ મઠ છોડીને ભાગી ગયું. કેટલાક દિવસ સુધી એને માટે બધા લોકો હેરાનપરેશાન રહ્યા. જ્યારે મૂસળધાર વરસાદને કારણે મઠના પ્રાંગણમાં પાણી બરાબર ભરાઈ ગયું. સર્વત્ર ભરાયેલા પાણીને જોઈને તેમનાં પાળેલાં મોટા પગવાળાં પક્ષી ‘સ્ટાૅર્ક’, બતક, કલહંસ પાણીમાં નાચી ઊઠ્યાં હતાં, તે દૃશ્ય નિહાળીને સ્વામી વિવેકાનંદને ઘણો આનંદ થયો. એક હંસનાં પીંછાં ખરતાં હતાં. તેની બીજી કોઈ ચિકિત્સાસેવાની ખબર ન હોવાથી સ્વામી વિવેકાનંદે કાર્બાેલિક એસિડથી ભરેલા એક પાત્રમાં થોડો સમય રાખ્યો અને તે સાજો પણ થઈ ગયો.’
ખુશના દાદાજીએ કહેલા પાળેલાં પશુઓ પ્રત્યેના સ્વામી વિવેકાનંદના પ્રેમ વિશે સાંભળીને ખુશે હવે નક્કી કરી લીધું કે તેણે પણ પાળતું પશુઓ પ્રત્યે મિત્રતા રાખવી જોઈએ. એ રાત્રે ખુશે પોતાના પિતાને થોડાં પાળી શકાય તેવાં પશુઓ ખરીદવાની વિનંતી કરી. આ રીતે આપણી કોલોની તથા એપાર્ટમેન્ટના જીવનમાં આવાં પાળેલાં પશુઓ રાખી શકાતાં નથી, તેમ કહીને તેના પિતાએ તેની વિનંતી સ્વીકારી નહીં. ખુશની માતાએ તે વખતે તેને એક સારો ઉકેલ બતાવ્યો. દરરોજ રાત્રે ઘણું ખાવાનું પડ્યું રહે છે. એ ભોજન ખુશ એકઠું કરીને શેરીઓમાં હરતાં ફરતાં કૂતરાંને ખવડાવી શકે. તેના દ્વારા તેમના પ્રત્યે મિત્રતા પણ દાખવી શકાય. આ કાર્ય દ્વારા પોતાને પશુઓ સાથે મિત્રતા કેળવવાનો એક અવસર મળી રહ્યો છે, એમ માનીને માતાના આ ઉકેલથી ખુશ પ્રસન્ન થયો. ગલીનાં બે કૂતરાં ખુશના વફાદાર મિત્ર બની ગયાં. જ્યારે તે પોતાના મિત્રો સાથે રમતો ત્યારે તે કૂતરાં પણ તેની સાથે રહેતાં. ક્યારેક ક્યારેક તેમને ખુશ સાથે દોડવાની મજા પણ આવતી.
હવે જેમ જેમ પશુઓ પ્રત્યે મિત્રતા થવાથી ખુશનો આત્મવિશ્વાસ વધતો ગયો, તેમ તેમ પોતાનાં પાળેલાં પશુઓના પરિવારમાં વૃદ્ધિ થવી જોઈએ, એવી ઇચ્છા થઈ. તેણે પોતાનાં પાઠ્ય પુસ્તકમાં સસલાં વિશે ઘણું વાંચ્યું હતું. તેને સફેદ રંગનાં સસલાં ખૂબ ગમતાં. એક દિવસ પોતાના પિતાને રાજીપામાં જોઈને ખુશે એમને બે સસલાં ખરીદવા વિનંતી કરી. પિતાજીએ બે સસલાંની વ્યવસ્થા કરી દીધી, પણ તેમાં શરત એ હતી કે આ સસલાં કોલોનીના બગીચામાં રહેશે. નાનાં નાનાં સુંદર મજાનાં બે સસલાં મેળવીને ખુશના આનંદનો પાર ન રહ્યો. તેમની સાથે રમવામાં તેને બહુ આનંદ આવતો. બગીચામાં સફેદ રંગનાં આ બે સસલાંને દોડતાં જોઈને કોલોનીના બધા લોકો તેમના પ્રત્યે આકર્ષાયા. હવે પરિવારનો શાકભાજીનો ખર્ચ થોડો વધી ગયો. ગાજર નિયમિતરૂપે સસલાંના આહાર માટે લાવવાં પડતાં. સસલાં પણ ખૂબ પ્રેમથી ખુશના હાથે સ્વાદિષ્ટ ગાજર ખાતાં અને આનંદપૂર્વક બગીચામાં અહીંતહીં દોડ્યે રાખતાં.
ખુશ સ્વપ્નજગતમાં પહોંચે છે
ખુશને હવે સ્વપ્નલોકમાં જઈને સ્વામી વિવેકાનંદ સાથે પોતાના અનુભવોની વાત કરવાની ઇચ્છા થઈ. તે રાત્રે જેવો તે પથારીમાં પડ્યો હતો કે તરત જ ગંભીર નિદ્રામાં મગ્ન થઈ ગયો. તેને એવું લાગ્યું કે જાણે ઘર ગાયબ થઈ ગયું અને પોતે સમુદ્રની વચ્ચે આવી ગયો છે અને સમુદ્રમાં તે ડૂબતો જાય છે. ખુશ તો ડરી ગયો હતો અને તે પોતાને બચાવવા માટે મોટેથી બૂમો પાડતો હતો. એટલામાં તેણે જોયું કે એક સબમરીન તેના તરફ આવી રહ્યું હતું. આ સબમરીનના ચાલક સ્વામી વિવેકાનંદ પોતે હતા. તેમણે ખુશને અંદર આવવા ઈશારો કર્યો.
જેવો તે સબમરીનની અંદર પહોંચ્યો કે તરત જ તેણે પાળેલાં જાનવરોની વાત ખૂબ ઉત્સાહ સાથે સ્વામી વિવેકાનંદને કરી. સ્વામી વિવેકાનંદે સબમરીનને ઊંડા સાગરમાં લઈ જઈને કહ્યું, ‘બધાં વહાણ, નૌકાઓ, જલયાન પાણીની સપાટી પર જ ચાલે છે; કોઈ પણ જલયાનના વજનના પ્રમાણમાં તેણે ધકેલેલું પાણી હંમેશાં ઓછું રહે તેની જાણકારી રાખવી પડે. જ્યારે સબમરીનને તો પાણીની અંદર જ ચાલવાનું હોય છે એટલે તે પોતાનું વજન વધારે રાખે છે અને જ્યારે તેને જળની સપાટી પર ચાલવાનું હોય છે ત્યારે તે પોતાનું વજન ઓછું કરી લે છે. પોતાના વજનને નિયંત્રિત કરવા સબમરીનમાં બેલાસ્ટ-ટેન્ક્સ હોય છે. તેમાં પ્રમાણાનુસાર પાણી અને વાયુ ભરી શકાય છે. તેની મદદથી સબમરીનને પાણીની સપાટી પર અને ઊંડાણમાં ચાલવાની સુવિધા રહે છે. સબમરીન દરિયાના ઘણા મોટા ઊંડાણમાં જવાની ક્ષમતા ધરાવે છે.’
સબમરીન હવે સમુદ્રના ઊંડાણમાં જતી હતી. સમુદ્રમાં રહેલ ભિન્ન ભિન્ન પ્રકારની પ્રજાતિઓ વિશે ખુશને જાણકારી આપતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘બેટા, સમુદ્રમાં ૧૫૦૦ પ્રકારની માછલીઓ અને એમના વિશેષ ગુણો ઉપરાંત આપણને અનેક વસ્તુઓ જોવા મળે છે. તેમાં ૩૦ પ્રકારની વ્હેલ માછલીઓ જોવા મળે છે, એમના આકાર ભિન્ન ભિન્ન હોય છે. લગભગ ૨૦૦ પ્રકારનાં પક્ષીઓ સમુદ્રના કિનારે રહે છે અને સમુદ્રની સપાટી પર મળતી માછલીઓ ખાય છે. તેમાં અનેક પ્રકારના કાચબા પણ હોય છે. તેમાંથી કેટલાકનું વજન ૯૧૬ કિલો જેટલું હોય છે. આપણને સમુદ્રમાં કેટલાય પ્રકારનાં સસ્તન પ્રાણી પણ જોવા મળે છે.’
પોતાની વાતને આગળ વધારતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સમુદ્રમાં કેવળ પ્રાણી જ નહીં પણ જેમ ધરતી ઉપર જીવે છે તેમ કેટલાંય વૃક્ષ અને છોડ પણ છેે. આ વૃક્ષોને સૂર્ય કિરણોની આવશ્યકતા નથી હોતી. તેઓ પાણીની અંદર પણ રહી શકે છે. આ વૃક્ષોની ઉપજ પૃથ્વી પર રહેલી બધાં જંગલોની ઉપજ કરતાં પણ વધારે હોય છે. સમુદ્રના તળિયે મોટા મોટા પહાડ પણ જોવા મળે છે ! સમુદ્રના તળિયે આવેલ પહાડોની સંખ્યા ધરતી પરના પહાડો કરતાં ઘણી વધારે છે. કેટલાક સમુદ્રદ્વીપ આ પહાડનાં શિખરો પર હોય છે.’
સબમરીનમાં બેસીને સમુદ્રના ઊંડાણમાં ડૂબકીઓ મારતા ખુશે સમુદ્રમાં રહેલ અનેક પ્રાણીઓ વિશે જાણકારી મેળવી. સ્વામી વિવેકાનંદે ખુશને તેના ઘરે પહોંચાડ્યો અને વિદાય લેતાં કહ્યું, ‘બેટા, આટલું યાદ રાખજે કે કોઈ પ્રાણી ઈશ્વરને પ્રાપ્ત કરી શકતું નથી કેવળ માનવી પાસે જ સત્ અને અસત્ વચ્ચે વિવેક કરવાની શક્તિ હોય છે અને એટલે જ તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. માનવ શરીરને ધારણ કરવું તે પોતાની રીતે એક મોટી પ્રાપ્તિ છે અને પ્રત્યેક મનુષ્યના જીવનનો આદર્શ પોતાના આ જ જીવનમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં મનની અસીમ શક્તિ હોય છે અને તે મહાન કાર્ય કરવા સક્ષમ છે.’
ખુશે પશુઓ વિશે ઘણી જાણકારી મેળવી. હવે તેને સમજાયું કે કેવળ મનુષ્ય પાસે જ વિલક્ષણ શક્તિ રહેલી છે અને મનુષ્ય જ આ સૃષ્ટિની એક મહાન રચના છે.’ (ક્રમશ:)
Your Content Goes Here




