ગોપીઓની વિરહવેદના
પરંતુ આ વાત જ્યારે ગોપીઓએ સાંભળી કે શ્રીકૃષ્ણ મથુરા જાય છે, ત્યારે તે ખૂબ દુ :ખી થઈ ગઈ. તેઓ વ્યાકુળ બની અને આવી રીતે વિલાપ કરવા લાગી, ‘હે વિધાતા ! શું તમારા મનમાં અમારા માટે લેશમાત્ર પણ દયા નથી ? પહેલાં તો તમે પ્રેમથી જગતના પ્રાણીઓ સાથે જોડી દો છો અને પછી ઓચિંતાના અલગ કરી દો છો. મથુરાના લોકો ધન્ય છે ! તેઓ અમારા શ્યામસુંદર કૃષ્ણનું દર્શન કરીને પરમાનંદ પામશે.’
સૂર્યોદય થતાં અક્રૂરજી રથમાં બેઠા. નંદબાબા વગેરેએ પણ દૂધ, દહીં, માખણથી ભરેલાં મટકાં અને ભેંટની કેટલીયે સામગ્રી સાથે લીધી. તેઓ બધા ગાડાંમાં બેસીને પાછળ પાછળ જતા હતા. મથુરા જવાથી ગોપીઓ ઘણી સંતપ્ત છે એ વાત શ્રીકૃષ્ણે જાણી ત્યારે એમણે દૂત દ્વારા ‘હું હમણાં જ પાછો આવી જઈશ,’ એવો પ્રેમસંદેશો મોકલીને તેમનાં મનને આશ્વાસન આપ્યું. ગોપીઓ જ્યાં સુધી રથની ધ્વજા અને પૈડાંથી ઊડતી ધૂળ જોતી રહી, ત્યાં સુધી તેઓ જેમ હતી તેમ ઊભી રહી. તેમનાં મનમાં એવી આશા હતી કે કદાચ શ્રીકૃષ્ણ થોડે દૂર જઈને પાછા આવશે. પણ તેઓ તો આવ્યા જ નહીં અને પછી બધી ગોપીઓ નિરાશ થઈને ઉદાસ મને પોતપોતાના ઘરે પાછી ફરી.
અક્રૂરને થયેલ દિવ્યઝાંખીનું દર્શન
રથ તો તીવ્રવેગે દોડતો થોડા સમયમાં યમુનાના કિનારે પહોંચી ગયો. શ્રીકૃષ્ણ અને બલરામજીએ પોતાને પ્રિય યમુના નદીમાં સ્નાન કર્યું અને તેના અમૃત સમાન મીઠા જળનું પાન કર્યું. ત્યાર પછી તેઓ યમુના તટે વિતાવેલા સુખદ દિવસોને યાદ કરતાં કરતાં રથમાં બેસી ગયા. શ્રીકૃષ્ણની આજ્ઞા લઈને અક્રૂરજી પણ યમુનામાં સ્નાન કરવા ગયા. અક્રૂરજી ગાયત્રીમંત્રનો જપ કરતાં કરતાં યમુનાના જળમાં ડૂબકી મારવા લાગ્યા. બરાબર એ જ સમયે અક્રૂરજીએ શ્રીકૃષ્ણ અને બલરામને યમુનાજળમાં બેઠેલા જોયા ત્યારે એમના મનમાં આ શંકા ઊભી થઈ, ‘સ્નાન કરવા આવતાં પહેલાં તો મેં એ બન્નેને રથમાં બેઠેલા જોયા હતા, તો પછી હવે આ યમુના જળમાં કેવી રીતે આવી ગયા !’ એવું વિચારીને જળમાં જોયું તો એ જ ભ્રમ પાછો થયો. તેમણે ફરીથી ડૂબકી મારી પરંતુ આ વખતે તો એમને વધારે નવાઈ પમાડે એવું દૃશ્ય દેખાયું. એમણે જોયું કે સાક્ષાત્ અનંતદેવ શ્રીશેષજી બિરાજમાન છે અને સિદ્ધ, ગંધર્વ, દેવતા તેમજ અસુરો મસ્તક નમાવીને એમની સ્તુતિ કરી રહ્યા છે. અક્રૂરજીએ એ પણ જોયું કે શેષજીની ગોદમાં શ્યામમેઘ સમાન ઘનશ્યામ વિરાજમાન છે. એમની અત્યંત શાંત ચતુર્ભુજ મૂર્તિ છે અને તેમણે રેશમી પીતાંબર પહેર્યાં છે. નંદ-સુનંદ આદિ પાર્ષદ, સનકાદિ ઋષિ તેમજ પ્રહ્લાદ, નારદ આદિ ભક્ત એમની સ્તુતિ કરે છે. ભગવાનની આ ઝાંખી જોઈને અક્રૂરજીનું હૃદય પરમાનંદથી ભરપૂર ભરાઈ ગયું. હવે એમને સમજાઈ ગયું કે નારાયણ અને શેષનાગ પોતે જ વસુદેવના પુત્રોના રૂપે આ ધરતી પર અવતર્યા છે. તેમણે ભગવાનના ચરણોમાં શિર રાખીને પ્રણામ કર્યા અને હાથ જોડીને એમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણે ત્યારે પોતાના દિવ્યરૂપને છુપાવી દીધું. અક્રૂરજી એ વખતે અત્યંત વિસ્મિત અવસ્થામાં યમુનાના જળમાંથી બહાર આવ્યા અને રથ પર બેસી ગયા. ત્યારે શ્રીકૃષ્ણે એમને પૂછ્યું, ‘કાકા, આપને જોઈને એવું લાગે છે કે આપે કોઈ અદ્ભુત દૃશ્ય જોયું છે !’
આ સાંભળીને અક્રૂરજીએ નમ્રતાપૂર્વક કહ્યું, ‘હે પ્રભુ, પૃથ્વી, આકાશ કે જળમાં તેમજ સમગ્ર જગતમાં જેટલા અદ્ભુત પદાર્થ છે, તે બધા આપના જ છે, કારણ કે આપ તો વિશ્વરૂપ છો. જ્યારે હું આપને જોઉં છું ત્યારે એવી કઈ કઈ વસ્તુઓ રહી જાય છે કે જે મેં ન જોઈ હોય !’
આમ કહીને અક્રૂરજીએ રથને હંકારી મૂક્યો અને તેઓ સાંજ થતાં થતાં મથુરા પહોંચી ગયા. નંદબાબા વગેરે વ્રજવાસીઓ તો પહેલેથી જ પહોંચી ગયા હતા અને મથુરાની બહારના ઉપવનમાં તે ત્રણેયની રાહ જોતા હતા. તેમની પાસે પહોંચીને શ્રીકૃષ્ણ રથ પરથી નીચે ઊતરી ગયા અને કહ્યું, ‘કાકા, આપ રથ લઈને મથુરામાં પ્રવેશો અને મહારાજ કંસને અમારા આગમનની સૂચના આપી દો. અમે અહીં થોડો વિશ્રામ કરી લઈએ અને ત્યાર પછી નગરદર્શન કરવા નીકળીશું.’ આ સાંભળીને અક્રૂરજીએ વિનયપૂર્વક કહ્યું, ‘હું આપ બન્ને વિના નગરમાં પ્રવેશ ન કરી શકું. હે ભગવાન, આપ કૃપા કરીને બલરામજી તથા બીજા ગોપલોકો સાથે મારે ત્યાં ચાલો અને મારું આતિથ્ય સ્વીકાર કરો. આપ આપની ચરણરજથી મારા ઘરને પવિત્ર કરો.’ શ્રીકૃષ્ણે અક્રૂરજીને એવું વચન આપ્યું કે તેઓ પછીથી તેમના ઘરે અવશ્ય આવશે. પછી એમણે અક્રૂરને પ્રેમપૂર્વક વિદાય કર્યા. અક્રૂરજીએ કંસ પાસે જઈને શ્રીકૃષ્ણના આગમનની સૂચના આપી.
Your Content Goes Here





