શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેનો સારાંશ અમે ધારાવાહિક રૂપે આપી રહ્યા છીએ.

પ્રશ્ન:- નોકરી કરતી બહેનો સહિષ્ણુતા- ત્યાગ-સરળતા જેવા શ્રીમા શારદાદેવીના જીવન- આદર્શોને કેવી રીતે અપનાવી શકે? અને પોતાના જીવનમાં આગળ વધી શકે?

ઉત્તર:- માતાજીનું જીવન એ ત્યાગનું જીવન છે. માતાજીએ જે કંઈ કર્યું, તે ત્યાગ ભાવનાથી પ્રેરાઈને જ કર્યું. એમનું જીવન ધ્યાનપૂર્વક વાંચવાથી આપણને ખબર પડે છે કે આ સંસારમાં એમને કેટલું સહન કરવું પડ્યું હતું! અને એ શા માટે? એમને એવી કશી ખાસ જરૂર તો ન હતી, છતાં દાખલો બેસાડવા માટે એમણે એમ કર્યું. આવી સહનશીલતા આપણામાં, ખાસ કરીને બહેનોમાં ન હોય તો સંસારમાં અશાન્તિનો પાર ન રહે. અન્યની સેવાને જ લક્ષ્ય માનીને માતાજીએ કામ કર્યું. એમને માટે ધાર્મિક જીવન અને સાંસારિક જીવન, એ બે જુદાં ન હતાં. તેઓ જે કાંઈ કરતાં તે ધાર્મિક દૃષ્ટિએ સંપૂર્ણ નિ:સ્વાર્થ જ હતું. આવું નિ:સ્વાર્થ કામ, ભગવત્-ચિંતનની આડે આવતું નથી. કામમાં સ્વાર્થવૃત્તિ હોય, તો જ એ ભગવત્-ચિંતનની આડ- ખીલી બને છે.

એટલે આપણે એ ખ્યાલ રાખવો જોઈએ કે નિ:સ્વાર્થ કામ કંઈ ભગવત્-ચિંતન માટે પ્રતિકૂળ નથી. તેથી બહેનો નિ:સ્વાર્થભાવે બધાં કામ કરે, ઘરનાં કામ કરે, નોકરી કરે અથવા ગમે તે કામ કરે તો પણ એ સાધના જ ગણાય. સ્વાર્થવૃત્તિથી કરાતી નોકરી નિ:સંદેહ સાધના નથી. પણ પૂર્ણ સ્વાર્થત્યાગથી ગમે તે કરાય, નોકરી, સાંસારિક કામો કરાય કે પછી કોઈ ઝાડ નીચે બેસીને સમાધિ લગાવાય, એમાં કશો ફરક પડતો નથી. આપણી સ્વાર્થવૃત્તિ જ આપણા બંધનનું કારણ છે. સ્વાર્થવૃત્તિને છોડનાર જ મુક્ત ગણાય છે. મનમાંથી સંપૂર્ણ રીતે સ્વાર્થવૃત્તિ કાઢી નાખનાર જ મુક્ત છે. સ્વાર્થ એટલે જ બંધન અને નિ:સ્વાર્થતા એટલે જ મુક્તિ છે. આ રીતે જોતાં માતાજીનું જીવન સાવ નિ:સ્વાર્થ છે. તેઓ સંસારમાં રહ્યાં, પરિવારની દેખરેખ માટે તેમણે કેટકેટલો ભોગ પણ આપ્યો, પણ એ બધું જ નિ:સ્વાર્થ ભાવે થયું. તેઓ તો એમ જ જાણતાં હતાં કે બધાં કામોમાં આપણે સંપૂર્ણપણે ઈશ્વરની જ સેવા કરી રહ્યાં છીએ. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી અથવા શ્રીમાતાજીની પોતાની આજ્ઞાથી તેઓ જગતમાં સર્વ આત્મીય પરિજનોમાં પણ ઈશ્વરની સત્તાને જોતાં હતાં.

આપણને એવું લાગ્યા કરે છે કે કોઈ સંસારનાં જ કાર્ય કરતાં છતાં એમ કહે કે હું તો ઈશ્વરનાં કાર્યો કરું છું, તો એ તે વળી કેમ બને? એ કેમ સમજાય? જવાબમાં વાત એમ છે કે દરેક કાર્યમાં બે દૃષ્ટિઓ અસ્તિત્વ ધરાવતી હોય છે. એક પોતાની અને બીજી અન્યની. જો કોઈ સંસાર બુદ્ધિથી સ્વાર્થપરતાથી પ્રેરાઈને કામ કરે તો એના કામમાં ઘણી ક્ષતિઓ હોય છે. અને જો નિ:સ્વાર્થભાવથી કામ કરે તો એના કામમાં કશી ત્રુટી-ક્ષતિ-ભૂલ આવતી નથી. એટલે બહારથી જોનાર કોઈ ગમે તેવી કામની કસોટી કરી શકે છે. પરન્તુ નિ:સ્વાર્થ ભાવે કામ કરનાર પોતે તો સમજે છે કે ‘મારું કંઈ નથી.’

“नाहं किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित्”

તત્ત્વજ્ઞ પુરુષ જે કંઈ કરે છે, તે ‘હું કર્તા નથી’ એવી બુદ્ધિથી જ કરે છે. એ આવી બુદ્ધિથી શું શું કરે છે, એ બાબતમાં ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું છે કે એ ગમે તે કામ કરતો હોય, સાંસારિક, શારીરિક કે સામાજિક – ગમે તે કામ કરે છે, એમાં ‘હુંપણું’ હોતું નથી. આ જ એની મુખ્ય કસોટી છે. આ ‘હુંપણું’ જ સ્વાર્થપરતા છે. ગીતાજીમાં કહ્યું છે :

यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।

– ‘यत् करोषि,’ તમે જે કંઈ કરો, ‘અહીં અમુક ખાસ કામ જ’ એવું નક્કી કરીને નથી કહ્યું ‘यत् करोषि’ – તમે ગમે તે કામ કરો. આ વાત સમજાવતાં પછી કહે છે કે यदश्नासि- તમે જે કંઈ ખાતા-પીતા હો, ‘ખાવું-પીવું’ય એક સેવા છે, ભગવાનનું કામ છે. यज्जुहोषि – જે કોઈ યજ્ઞાદિ કરો, ददासि यत् જે કંઈ દાન આપો, यत् तपस्यसि – જે કંઈ તપશ્ચરણ કરો, એનું ફળ મને સોંપી દો – ભગવાનને અર્પણ કરી દો. અર્થાત્ – ‘એથી મને કંઈક ફળ મળશે’ એવી બુદ્ધિ રાખ્યા વગર, જે કંઈ કરવાનું હોય તે ભગવાનને અર્પણ કરવાનું કહ્યું છે. ગમે તે પ્રકારનું કાર્ય હોય, એમાં એવી ‘અર્પણબુદ્ધિ’ હો તો ક્યારેય બંધન થતું નથી, અને એ કામ સર્વે માટે કલ્યાણકારી હોય છે. તમે માતાજીનું જીવન જુઓ! હજી અત્યારે પણ એ સૌનું કલ્યાણ કરી રહ્યાં છે! એમના જીવનનું ચિંતન કરીને હજુ અત્યારેય ‘જીવન કેવી રીતે જીવવું’ એ વિશે સમજી શકીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવ કહેતા: અહીં જે કંઈ થાય છે, તે બધું દાખલો બેસાડવા માટે થાય છે માતાજીની બાબતમાં પણ આ વાત લાગુ પડે છે. એમનું જીવન પણ બીજાને દાખલો પૂરો પાડવા માટે છે કે જેથી બીજા એનું અનુકરણ કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે.

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.