શ્રીકૃષ્ણનો અભિષેક
વૃન્દાવનમાં રાજા ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ગોલોકમાંથી કામધેનુ ગાય આવી. કોઈપણ વ્યક્તિને પોતાના મનની ઇચ્છેલી વસ્તુ આપવાની અદ્ભુત ક્ષમતા આ કામધેનુમાં હતી. કામધેનુએ ભગવાન શ્રીકૃષ્ણની વંદના કરતાં કહ્યું, ‘આપે ગોપપરિવારમાં જન્મ લીધો એ અમારું પરમ સૌભાગ્ય છે. અમારા જેવી ગાયો માટે આપ જગન્નાથ છો. એટલે અમે ગાયો બ્રહ્માજીનાં આદેશ અને પ્રેરણાથી આપને અમારા પોતાના ઇન્દ્ર માનીને આપનો અભિષેક કરીશું.’
આમ કહીને કામધેનુએ પોતાના દૂધથી તેમજ દેવમાતાની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રે પોતાના હાથી ઐરાવતની સૂંઢ દ્વારા સ્વર્ગલોકમાંથી લાવેલ આકાશગંગાનાં જળથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ‘ગોવિંદ’ એટલે કે ગાયોના ઇન્દ્ર નામે સંબોધ્યા. પછી ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું, ‘આજથી આપ ‘ગોવિંદ’ના નામે જાણીતા થશો. હું તો કેવળ દેવતાઓનો ઇન્દ્ર છું, પણ આપ તો સમસ્ત સચરાચર પ્રાણીઓના ઇન્દ્ર છો.’
ઇન્દ્રે આ રીતે ગાયો અને ગોકુળના સ્વામી ગોવિંદનો અભિષેક કર્યો અને એમની પાસેથી અનુમતિ લઈને ઇન્દ્રે સ્વર્ગગમન કર્યું.
વરુણલોકમાંથી નંદબાબાને છોડાવ્યા
એક દિવસ નંદબાબાએ એકાદશીનો ઉપવાસ કર્યો, ભગવાનની પૂજા કરી, અને તે દિવસે રાત્રી દરમિયાન દ્વાદશી બેસતી હતી એટલે તેઓ સ્નાન કરવા યમુનાના જળમાં પ્રવેશ્યા. આ વેળા અસુરોની વેળા છે એ વાત નંદબાબા જાણતા ન હતા. એ સમયે જળદેવતા વરુણના એક અસુર સેવકે નંદબાબાને પકડી લીધા અને પોતાના સ્વામી વરુણ પાસે લઈ ગયા. નંદબાબાના ખોવાઈ જવાથી બધાં ગોકુળવાસીઓ વિલાપ કરતાં કરતાં શ્રીકૃષ્ણ પાસે ગયાં. જ્યારે શ્રીકૃષ્ણે જાણ્યું કે તેમના પિતાજીને વરુણનો કોઈ સેવક લઈ ગયો છે, ત્યારે તેઓ વરુણજી પાસે ગયા. લોકપાલ વરુણે જોયું કે તેમના મહેલમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે પધાર્યા છે, ત્યારે તેમનાં રોમેરોમ આનંદથી છલકાઈ ગયાં. એમણે ભગવાનની પૂજા કરી અને તેમને ભાવપૂર્વક કહ્યું, ‘હે પ્રભુ ! આજે હું ધન્ય થઈ ગયો. જે કોઈ એક વાર પણ આપનાં ચરણોનો સ્પર્શ કરવાનું સૌભાગ્ય મેળવે છે તે સદાને માટે જન્મમરણના બંધનથી મુક્ત થઈ જાય છે. મારા સેવકોએ અજાણતાં આપના પિતાજીને બંદીવાન બનાવ્યા, એને માટે હું આપની ક્ષમા માગું છું. આપ મારા પર કૃપા કરો. આ રહ્યા આપના પિતાજી, આપ એમને તમારી સાથે લઈ જાઓ.’
શ્રીકૃષ્ણ વરુણની નમ્રતા જોઈને ખૂબ પ્રસન્ન થયા. તેઓ પોતાના પિતાને લઈને વ્રજભૂમિમાં પાછા આવ્યા અને બધા વ્રજવાસીઓને ખુશખુશાલ કરી દીધા.
શ્રીકૃષ્ણનાં આ અલૌકિક કાર્યો જોઈને વ્રજવાસીઓ સમજી ગયા કે તેઓ સ્વયં ઈશ્વર છે. એ વખતે તેમના મનમાં એક ઉત્સુકતા સાથે વિચાર આવ્યો કે શું જ્યાં કેવળ એમના ભક્ત જ જઈ શકે છે, એવા પોતાના માયાતીત સ્વધામનાં દર્શન શ્રીકૃષ્ણ આપણને પણ કરાવશે ? સર્વજ્ઞ શ્રીકૃષ્ણ વ્રજવાસી ગોપાલોની આ અંતરની અભિલાષા જાણી ગયા અને એમણે ગોપાલોને પોતાનું પરમધામ દેખાડ્યું. આ પરમધામ માયાના અંધકારથી પર છે. એ દિવ્ય ભગવત્સ્વરૂપને જોઈને નંદ વગેરે ગોપાલો પરમાનંદમાં મગ્ન બની ગયા. પરમધામમાં એ બધાએ જોયું તો બધાં દેવીદેવતાઓ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી રહ્યાં છે. આ બધું જોઈને તેમણે બધાએ પરમ આશ્ચર્ય અનુભવ્યું. ભગવાનની લીલા ખરેખર અદ્ભુત અને અચિંત્ય છે.
Your Content Goes Here




