સુદર્શનનો ઉદ્ધાર

એક વાર શિવરાત્રીના પાવનકારી અવસરે નંદબાબા અને બીજા ગોવાળિયાઓ ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે બળદગાડામાં બેસીને અંબિકાવનની યાત્રાએ નીકળ્યા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને નજીકમાં આવેલ ભગવાન શંકરજી અને ભગવતી અંબિકાજીની એમના મંદિરમાં ભક્તિભાવથી પૂજા કરી. એ દિવસે નંદબાબા અને ગોવાળિયાઓએ ઉપવાસ કર્યોે. માત્ર પાણી પીઈને રાતના સમયે સરસ્વતીના તટે એ બધા સૂઈ ગયા.

હવે આ અંબિકાવનમાં એક મસમોટો અજગર રહેતો હતો. સંજોગવશાત્ એ મહાકાય અજગર જ્યાં બધા સૂતા હતા ત્યાંથી પસાર થયો અને એણે સૂતેલા નંદબાબાને પકડી લીધા. નંદબાબા તો ભયથી બરાડા પાડવા લાગ્યા, ‘બેટા કૃષ્ણ ! દોડ દોડ ! આ મહાકાય અજગર મને ગળવા લાગ્યો છે. હું તો તમારા શરણે છું. મને બચાવો, બચાવો!’ સાંભળીને બધા ગોવાળિયાઓ ઊઠી ગયા અને નંદબાબાને અજગરના મોંમાં ફસાયેલા જોઈને અત્યંત ભયભીત થઈ ગયા. તેઓ તો લાકડીઓ લઈને અજગરને મારવા લાગ્યા, તેમ છતાં પણ અજગરે નંદબાબાને છોડ્યા નહીં. ગોવાળિયાઓનું કરુણ રુદન સાંભળીને શ્રીકૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા. આવીને તરત જ પેલા અજગરને પોતાનાં ચરણોથી સ્પર્શ કર્યો. અજગરે જેવો શ્રીકૃષ્ણનાં ચરણોનો સ્પર્શ કર્યો કે તરત એક અદ્‌ભુત ઘટના ઘટી. તે અજગરના દેહમાંથી એક દિવ્ય અને સ્વરૂપવાન પુરુષ પ્રગટ થયો. તેના દેહમાંથી જ્યોતિ નીકળતી હતી અને તેણે સોનાનો હાર પહેર્યો હતો. શ્રીકૃષ્ણને પ્રણામ કરીને એ પુરુષ જ્યારે એમની સામે ઊભો થયો, ત્યારે શ્રીકૃષ્ણે તેને પૂછ્યું, ‘ભાઈ, તમે કોણ છો ? અને તમે આ અત્યંત નિંદનીય અજગરયોનિ કેવી રીતે પામ્યા ?’

ભગવાન કૃષ્ણની વાણી સાંભળીને એ દેવ પુરુષે કહ્યું, ‘ભગવાન ! હું આ પહેલાં સ્વર્ગમાં વસનાર વિદ્યાધરોમાંનો એક વિદ્યાધર હતો. મારું નામ સુદર્શન. સૌંદર્ય અને સમૃદ્ધિએ મને અહંકારી અને ઉદ્ધત બનાવી દીધો. હું વિમાન દ્વારા મારી મરજી પડે ત્યાં અહીંતહીં ભટકતો રહેતો. એક દિવસ જ્યારે હું પૃથ્વી પર આવેલ કેટલાક આશ્રમો પરથી ઉડ્ડયન કરી રહ્યો હતો, ત્યારે મેં ત્યાં કેટલાક કુરૂપ ઋષિઓને જોયા. મારા પોતાના સૌંદર્યમાં હું ચકચૂર હતો, એટલે મેં એ બધાની મશ્કરી કરી. મારા આ અપરાધથી કોપે ભરાઈને એ ઋષિઓએ મને અજગરયોનિમાં જન્મવાનો અભિશાપ આપ્યો. આ તો મારાં પાપોનું જ ફળ હતું. અત્યારે હું આપનાં શ્રીચરણોના સ્પર્શથી એ શાપમાંથી મુક્ત થયો છું.’ આ રીતે સુદર્શને શ્રીકૃષ્ણને વિનંતી કરી અને તેમને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞા લઈને તે પોતાના લોક-સ્વર્ગમાં સિધાવ્યો અને નંદબાબા આવા મહાન સંકટમાંથી બચી ગયા.

શંખચૂડનો વધ

એક દિવસ શ્રીકૃષ્ણ અને બલરામજી પૂનમની ચાંદની રાતે યમુના કિનારે ગયા. ત્યાં જઈને શ્રીકૃષ્ણ પોતાની વાંસળી વગાડવા લાગ્યા. એમની વાંસળીની મધુર ધૂન સાંભળીને ગોપીઓ તરત જ યમુના તટ પર દોડતી આવી. બધી ગોપીઓ અત્યંત પ્રેમ અને આનંદથી શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગી. શ્રીકૃષ્ણ અને બલરામજી પણ ગાવા લાગ્યા. એમનું આ સંગીત જગતનાં બધાં પ્રાણીઓનાં મનને આનંદથી ભરી દેનારું બન્યું. જે સમયે બલરામ અને શ્યામ આ રીતે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા હતા, તે સમયે શંખચૂડ નામનો એક યક્ષ ત્યાં આવ્યો. એ યક્ષ કુબેરનો અનુચર હતો. બન્ને ભાઈઓને જોતાં જોતાં તે એ બધી ગોપીઓને લઈને જરાય ખચકાયા વિના ઉત્તર દિશા તરફ ભાગવા લાગ્યો. ગોપીઓ તો રુદન કરી કરીને, ‘હે કૃષ્ણ ! હે રામ !’ એમ મોટા અવાજે એમને બોલાવવા લાગી.

પછી બન્ને ભાઈઓ શંખચૂડની પાછળ દોડ્યા અને ‘ડરશો નહીં, ડરશો નહીં’ એમ અભયવાણી ઉચ્ચારતાં ઉચ્ચારતાં હાથમાં શાલવૃક્ષ લઈને ઘણી ઝડપથી ક્ષણ વારમાં જ પેલા નીચ યક્ષ પાસે પહોંચી ગયા. કૃષ્ણ અને બલરામને પોતાનો પીછો કરતા જોઈને શંખચૂડ તો હેબતાઈ ગયો અને પોતાના પ્રાણ બચાવવા ગોપીઓને ત્યાં જ છોડીને ઊભે પગે ભાગવા માંડ્યો. બલરામ તો ત્યાં જ ગોપીઓની સુરક્ષા માટે રોકાઈ ગયા, પરંતુ શ્રીકૃષ્ણ શંખચૂડનો પીછો કરતા રહ્યા અને અંતે તેને પકડી લીધો. શ્રીકૃષ્ણે શંખચૂડનું માથું જોરથી પકડીને એક ધબ્બો માર્યોે. શ્રીકૃષ્ણના આ પ્રબળ પ્રહારથી પેલો દુષ્ટ યક્ષ ત્યાં જ મરણને શરણ થઈ ગયો. શંખચૂડના મસ્તક પર એક ચૂડામણિ હતો. શ્રીકૃષ્ણ એ ચળકતો મણિ લઈને પાછા ફર્યા અને એમણે પ્રેમથી એ મણિ બલરામજીને આપી દીધો.

Total Views: 503

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.