કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે

નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણનો વધ કરવા માટે કંસે મોકલેલા અસુરોનો શ્રીકૃષ્ણ એક પછી એક સંહાર કરી રહ્યા છે. પરંતુ હવે દુરાત્મા કંસનો સંહાર થવાનો બાકી હતો. એટલે દેવર્ષિ નારદજી કંસ પાસે તેને કૃષ્ણ વિરુદ્ધ ઉશ્કેરવા ગયા કે જેથી એમની ઉશ્કેરણીથી કંસ ગુસ્સે ભરાય અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે બાથ ભીડવાનો મૂર્ખામીભર્યો પ્રયાસ કરે અને તેથી કંસનો વિનાશ શીઘ્ર થાય. કંસ પાસે આવાં દુષ્કાર્યો કરાવવા અને તેનો કાયમને માટે વિનાશ કરવા નારદજીએ કંસની સભામાં જઈને કહ્યું, ‘કંસ ! જે કન્યા તમારા હાથમાંથી છટકીને આકાશમાં ચાલી ગઈ હતી, તે વાસ્તવમાં યશોદાની પુત્રી હતી અને જે કૃષ્ણ વિશે તમે ઘણું ઘણું સાંભળતા રહ્યા છો, તે જ વાસ્તવમાં દેવકીનો આઠમો પુત્ર છે. બલરામ વસુદેવ અને રોહિણીનો પુત્ર છે. વસુદેવ તમારા ભયથી તેને પોતાના મિત્ર નંદને ઘેર મૂકી આવ્યા. એ જ કૃષ્ણે તમારા અનુચર દૈત્યોનો વધ કર્યો છે.’

દેવર્ષિ નારદનાં આ વચનો સાંભળીને કંસ ક્રોધથી કંપવા લાગ્યો. એણે તો તરત જ વસુદેવજીને મારી નાખવાનો નિશ્ચય કર્યો, પણ નારદજીએ એને રોક્યો. કંસે દેવકી અને વસુદેવને હાથકડીઓ અને બેડીથી જકડીને ફરીથી જેલમાં નાખી દીધાં. પછી પોતાના શક્તિશાળી અસુર કેશીને બોલાવીને કહ્યું, ‘તમે હમણાં જ વૃન્દાવન જાઓ અને બલરામ અને શ્રીકૃષ્ણને મારી નાખો.’ કેશીને વૃન્દાવન મોકલ્યા પછી તેણે મુષ્ટિક, ચાણૂર, શલ અને તોશલ જેવા પહેલવાનો તેમજ મંત્રીઓ અને મહાવતોને બોલાવ્યા. તેણે તેમને કહ્યું, ‘વીરવર ચાણૂર અને મુષ્ટિક ! તમે મારા હિતેચ્છુ અને પ્રબળ સમર્થક છો. મેં સાંભળ્યું છે કે વસુદેવજીનો આઠમો પુત્ર વૃન્દાવનમાં છે. મેં એમને અને બલરામને મારી નાખવા કેશીને મોકલ્યો છે. મને શ્રદ્ધા છે કે કેશી પોતાનું કાર્ય બરાબર પાર પાડીને પાછો ફરશે. પણ જો કોઈ કારણવશ તે નિષ્ફળ જાય તો હું એ બન્ને ભાઈઓને મથુરાના ધાર્મિક ઉત્સવમાં પધારવા આમંત્રણ આપીશ. તમે લોકો કુસ્તી લડવાના બહાને એ બન્નેને મારી નાખજો. કુસ્તી લડવા જરૂરી અખાડાની વ્યવસ્થા કરો. જાતજાતના મંચ બનાવજો અને તેમને અખાડાની ચારે બાજુએ વર્તુળાકારે સજાવી દો. એમના પર બેસીને મારી પ્રજા આ દ્વન્દ્વયુદ્ધને જોશે. મહાવત! તમે કુવલયાપીડ હાથીને આ દ્વન્દ્વયુદ્ધના ઘેરામાં ફાટક પર રાખજો અને જ્યારે કૃષ્ણ અને બલરામ એ દરવાજેથી નીકળે, ત્યારે એ હાથી દ્વારા જ એમને મરાવી નાખવાના છે. આ ચૌદશના દિવસે વિધિપૂર્વક ધનુષયજ્ઞનો પ્રારંભ કરી દો અને તેની સફળતા માટે ભૈરવને કેટલાંયે પશુઓનો બલિ ચડાવી દો.’

આમ તો બહારથી કંસ પોતાના મંત્રીઓની સામે ઘણી વીરતાનો દેખાડો કરતો હતો, પણ ભીતર મનમાં ને મનમાં ડરતો હતો. તેણે શ્રેષ્ઠ યદુવંશી અક્રૂરને બોલાવ્યા. પોતાના હાથમાં એમનો હાથ લઈને વિનય અને પ્રેમથી કંસે કહ્યું, ‘અક્રૂરજી ! આપે મારું એક કામ કરવાનું છે. એ કામ આપના જેવા ઘનિષ્ઠ મિત્ર જ કરી શકે તેમ છે. તમે હમણાં ને હમણાં વૃન્દાવન ચાલ્યા જાઓ અને કૃષ્ણ અને બલરામને મારા રથ પર બેસાડીને અહીં મથુરામાં લઈ આવો. એમ સાંભળ્યું છે કે દેવતાઓએ એ બન્નેને મારા મોત માટે નિમિત્ત બનાવ્યા છે. આપ નંદ અનેે બીજા ગોપાલો માટે ઘણી બધી કિંમતી ભેટસોગાદ લઈ આવો. કૃષ્ણબલરામ અહીં આવે કે તરત જ કુવલયાપીડ હાથી દ્વારા મરાવી નાખીશ. જો એ બન્ને એ હાથીથી બચી જાય તો મારા પહેેલવાન ચાણૂર અને મુષ્ટિક એ બન્નેને હણી નાખશે.’

અક્રૂરે આ બધું સાંભળ્યું. પછી એને સારી સલાહ આપતાં કહ્યું, ‘મહારાજ ! આપના મનમાં મારા પ્રત્યે આટલી શ્રદ્ધા છે એ જાણીને હું રાજી થઉં છું. આપ પોતાનું મૃત્યુ, પોતાનું અનિષ્ટ દૂર કરવા ઇચ્છો છો, એટલે આપનું આવું વિચારવું યોગ્ય ગણાય. આમ છતાં પણ કોઈપણ વ્યક્તિએ એટલું જાણી લેવું જરૂરી છે કે સફળતા કે નિષ્ફળતા ભગવાનની ઇચ્છા પર નિર્ભર છે. એટલે કોઈપણ મનુષ્યે આ બન્ને પરિસ્થિતિઓમાં સમ્યક્ મનથી રહેવું જોઈએ. પણ વિચિત્રતા તો એ છે મનુષ્ય આ બધું ભૂલીને સફળતા મળવાથી ઘેલો ઘેલો થઈ જાય છે અને આનાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં શોકદુ :ખથી ઘેરાઈ જાય છે. આમ છતાં પણ હું આપની આજ્ઞાનું પાલન કરીશ.’ આમ કહીને અક્રૂરજી વૃન્દાવન જવા માટે તૈયાર થયા.

Total Views: 452

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.