કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો વિકાસ કરે છે; બાળક પણ પોતે જ પોતાને શીખવે છે. પણ એટલું ખરું કે તેને પોતાની રીતે આગળ ધપવામાં તમે સહાય આપી શકો. તમે જે કરી શકો તે પ્રત્યક્ષ સ્વરૂપે નહીં પણ પરોક્ષ સ્વરૂપે હોય છે. તમે તેના માર્ગમાં આવતી હરકતોને દૂર કરી શકો અને પરિણામે જ્ઞાન સ્વતઃ બહાર આવે છે – જમીનને જરા પોચી બનાવો, જેથી બીજ સહેલાઈથી ફણગા રૂપે બહાર આવે. તેની આજુબાજુ વાડ ઊભી કરો અને કોઈ તેનો નાશ ન કરે તેનું ધ્યાન રાખો. વૃદ્ધિ પામતા બીજને તેના બંધારણ માટે તમે સામગ્રી પૂરી પાડી શકો અને એ રીતે તેને માટે જરૂરી એવાં માટી, પાણી અને હવાની વ્યવસ્થા કરી શકો. પરંતુ અહીં તમારું કાર્ય પૂરું થાય છે. તેને જે જોઈએ છે, તે બધું પોતાની પ્રકૃતિ પ્રમાણે તે ગ્રહણ કરશે. બાળકની કેળવણી વિશે પણ આવું જ છે. બાળક પોતે જ પોતાને કેળવે છે. પોતે તેને શીખવી રહ્યો છે એવું માનીને શિક્ષક બધો ખેલ બગાડી મારે છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે અને જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે. શિક્ષકનું કાર્ય માત્ર એટલું જ છે. પોતાનાં હાથ-પગ તથા આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે ક૨વાનું છે.
માર મા૨વાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તેની રીત પ્રમાણે આપણા બાળકોને કેળવવા મથતી કેળવણી પદ્ધતિ રદ થવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણા બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્ય-માત્રમાં અપાર મનોવૃત્તિઓ પડેલી હોય છે; તેમને પોતાની તૃપ્તિ માટે સમુચિત અવકાશની જરૂર રહે છે. મનુષ્યને સુધારવાના બળજબરીથી થતા પ્રયાસો હંમેશાં એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે. જો તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં, તો પછી એ શિયાળ બની જવાનો છે.
આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નિષેધાત્મક વિચારો મનુષ્યોને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાનાં સંતાનોને વાંચવા લખવા માટે કાયમ ટોક ટોક કર્યા કરે અને, ‘‘તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.’’ એવું એવું કહ્યા કરે ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય, એવું શું જોવામાં આવતું નથી? જો તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. જો તમે તેમને રચાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખશે. ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો તથા કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ જે રીતે વધારે સારી રીતે કરી શકે, તે માર્ગ આપણે તેમને દર્શાવવો જોઈએ. શિષ્યની જરૂરિયાતો પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવો જોઈએ. પૂર્વજન્મના સંસ્કારોએ આપણી મનોવૃત્તિઓનું ઘડતર કર્યું હોય છે એટલે શિષ્યોને એ બધી મનોવૃત્તિઓને અનુરૂપ હોય એવું શિક્ષણ આપો. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. આપણે જેમને નિર્માલ્ય ગણ્યા હોય તેમને પણ પ્રોત્સાહન આપીને શ્રીરામકૃષ્ણે તેમના જીવનની દિશા જ કેવી રીતે બદલી નાખી તે આપણે જોયું છે! કોઈ પણ માણસનાં વિશિષ્ટ વલણોને તેઓ કદાપિ નષ્ટ કરતા નહીં. પતિત માણસોને તેઓ આશા અને ઉત્સાહની વાણી સંભળાવતા અને એ રીતે તેમનો ઉદ્ધાર કરતા.
(‘કેળવણી’ પૃ. ૪-૫)
Your Content Goes Here




