જે સમાજમાં નૈતિક ઉત્સાહ લગભગ બધો જ મરી પરવાર્યો છે, જે સમાજમાં પોતાના ભાવિ વિકાસની બાબતો પ્રત્યે કેવળ જડતા પ્રવર્તે છે; અને જે સમાજ પોતાના હિતેચ્છુઓ ઉપર જ તૂટી પડવાને  સદા તૈયાર છે, તેવા મૃતપ્રાય સમાજમાં તમે નવજીવનનો સંચાર કરી શકો? લાતો મારતા જિદ્દી બાળકના ગળામાં ઔષધ રેડવા મથતા વૈદ્યનું સ્થાન તમે લઈ શકો?….. હું તમને ફરીથી યાદ આપું છું કે ‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।’ ‘કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. જો શ્રીરામકૃષ્ણનાં સંતાનો પોતાના આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખે તો સૌ સારાં વાનાં થશે. આપણાં કાર્યોનું પરિણામ જોવા કદાચ આપણે જીવતા ન રહીએ. પરંતુ આપણે જીવતા જાગતા અત્યારે બેઠા છીએ એ હકીકત જેટલી નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત એ છે કે મોડું યા વહેલું એનું પરિણામ આવશે જ. અત્યારે ભારતવર્ષને જરૂર છે, રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિ સંચાર કરે એવી, વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હંમેશાં મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશાં એમ જ ચાલવાનું. કાર્ય કરીને સંતુષ્ટ રહો; અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો. રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતરથી સાચા બનો, તો બધું બરાબર થઈ રહેશે. જો શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં તમે કંઈ વિશેષતા જોઈ હશે તો તે એ છે કે તેઓ રગેરગમાં સાચા છે. જો ભારતવર્ષમાં એવા સો માણસોને તૈયાર કરીને એમને હું કાર્યપ્રવૃત્ત કરી શકું તો આ સંસારમાં મારું કાર્ય પૂરું થયું ગણાશે અને હું પૂરા સંતોષથી મરીશ. અજ્ઞાની લોકો ભલે વ્યર્થ બકવાદ કરે. આપણે કોઈની સહાય માગતા નથી અને એવી સહાય પ્રાપ્ત થાય તો તેનો અસ્વીકાર પણ કરતા નથી; આપણે તો મહાન પરમેશ્વરના સેવકો છીએ. ક્ષુદ્ર મનુષ્યોના ક્ષુદ્ર પ્રયત્નો પ્રત્યે આપણે લક્ષ આપવું જોઈએ નહીં. આગળ ધપો! ચારિત્ર્યનું ઘડતર યુગોના પુરુષાર્થ પછી થાય છે. હતાશ થશો નહીં. સત્યનો એક શબ્દ પણ કદી વ્યર્થ જતો નથી; સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહે પરંતુ વહેલું કે મોડું એ અવશ્ય પ્રકાશમાં આવશે. સત્ય નાશરહિત છે, સદ્‌ગુણ નાશરહિત છે, પવિત્રતા નાશરહિત છે. મને સાચો માણસ આપો. વટલેલાંનાં ટોળાંની મને જરૂર નથી. બેટા! દૃઢ બનો. કોઈની સહાય તરફ મીટ માંડશો નહીં. માણસોની સઘળી સહાય કરતાં શું પરમેશ્વર અનંતગણો મહાન નથી? પવિત્ર બનો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. હંમેશાં ઈશ્વર ઉપર જ આધાર રાખો; આમ કરશો તો સાચા પંથે ચાલી શકશો; તો પછી તમારી સામે કોઈનું કશું ચાલશે નહીં.

– સ્વામી વિવેકાનંદ

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’ માંથી-પાના નં. ૫૮-૫૯)

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.