- અવતારની પારલૌકિક દૃષ્ટિ
અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક દૃષ્ટિમાંથી-આ દિવ્યજ્ઞાનમાંથી પ્રગટતો હોય છે. આપણે પોતાની માનવીય દૃષ્ટિ અને માનવીય જ્ઞાનથી અવતારનાં પારલૌકિક દૃષ્ટિ અને દિવ્યજ્ઞાનમાંથી પ્રગટ થતી લીલા અને વ્યવહારને ન સમજી શકીએ તે સ્વાભાવિક જ છે. એ મહાચૈતન્યના વ્યવહારને સમજવાનું આપણું ગજું કેટલું ?
ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના અનેક વ્યવહારને આપણે પોતાના માનવમનથી ન સમજી શકીએ તો તેનું કારણ આપણા મનની મર્યાદા છે. પણ એનું કારણ રામ અને કૃષ્ણના વ્યવહારમાં નથી.
આપણે અવતારના વ્યવહારનું મૂલ્યાંકન કરવા બેસીએ છીએ ત્યારે આપણી અવસ્થા કેવી હોય છે? આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતને પ્રાથમિક શાળાનો એક નાનો વિદ્યાર્થી સમજવાનો પ્રયત્ન કરે તેવી હોય છે.
એ નાનો બાળક સાપેક્ષવાદનો સિદ્ધાંત ન સમજી શકે તો મર્યાદાનો આરોપ સાપેક્ષવાદ પર કરવાને બદલે આપણે બાળકની બુદ્ધિની મર્યાદાને સમજવી જોઈએ અને સ્વીકારવી પણ જોઈએ.
આમ પોતાની પારલૌકિક દૃષ્ટિ અને એના દિવ્યજ્ઞાનને કારણે પણ માનવબુદ્ધિ માટે અવતારનો વ્યવહાર અગમ્ય બની જાય છે. આપણે જો આપણી બુદ્ધિ, સમજશક્તિની મર્યાદાનો સ્વીકાર કરી લઈએ તો આ સમસ્યાનું નિરાકરણ શક્ય બને છે.
- નીતિ, અનીતિ અને પરાનીતિ
પરબ્રહ્મ પરમાત્મા ધર્મની સ્થાપના કરવા આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે, એમ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્પષ્ટપણે કહે છે. એ પ્રમાણે ભગવાનના અવતારમાં પણ ધર્મ હોય છે, એમ નિશ્ર્ચિત સ્વરૂપે કહી શકાય. નીતિ તો ધર્મનો જ ભાગ છે અને સત્ય એ ધર્મનો પ્રાણ છે.
તદનુસાર સત્ય અને નીતિ પણ ભગવાનનાં જીવન અને વ્યવહારમાં હોય જ, એ સ્વાભાવિક છે. આમ અવતાર ધર્મ, નીતિ અને સત્યનું પાલન કરે જ છે.
આમ છતાં અવતારનાં જીવન અને વ્યવહારમાં એવું જોવા મળે છે કે અવતાર સત્ય અને નીતિના ધોરણથી ભિન્ન રીતે વ્યવહાર કરે છે. ઉદાહરણ તરીકે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધિષ્ઠિરને અસત્ય બોલવાની પ્રેરણા આપી. ભગવાને યુદ્ધિષ્ઠિરને કહ્યું, ‘કહો, અશ્ર્વત્થામા હત:’ ભગવાન અને યુદ્ધિષ્ઠિર બન્ને જાણતા હતા કે મૂળ અશ્ર્વત્થામા જીવિત છે. એટલો એનો અર્થ એમ જ થયો કે ભગવાને યુદ્ધિષ્ઠિરને અસત્ય વચન માટે પ્રેર્યા. વસ્તુત: આ અસત્યભાષણ કર્યું ગણાય ?
આનો ઉત્તર શો છે ? આ સમસ્યાનું નિરાકરણ શું છે ? ભગવાન સત્ય સ્વરૂપ છે. ભગવાન સત્યને નહીં અનુસરે, પણ સત્ય ભગવાનને અનુસરે છે. સત્ય, નીતિ અને ધર્મ ભગવાનનાં ચરણોમાંથી પ્રગટ થાય છે. ભગવાન જે કરે તે સત્ય છે; ભગવાન જે કહે તે સત્ય છે; ભગવાન જે સંકલ્પ કરે તે સિદ્ધ થાય છે અને તે જ સત્ય છે.
ભગવાન નીતિનાં પ્રચલિત ધોરણોથી ભિન્ન રીતે વર્તે તો તે શું અનીતિ છે ? ના. તે અનીતિ નથી, તે પરા નીતિ છે, પરમ નીતિ છે. ભગવાન સત્યનાં પ્રચલિત ધોરણોથી ભિન્ન રીતે બોલે કે વર્તે તો તે અસત્ય છે ? ના, તે પરમ સત્ય છે. ભગવાન ધર્મનાં પ્રચલિત ધોરણોથી ભિન્ન રીતે વર્તે તો તે અધર્મ છે ? ના, તે પરમધર્મ છે.
અવતારની એક પારલૌકિક દૃષ્ટિ છે; અવતારનું એક દિવ્યજ્ઞાન છે. અવતાર તેને અનુસરીને વર્તે છે; માનવીના મન દ્વારા રચાયેલાં લૌકિક ધોરણો પ્રમાણે નહીં. જો આપણે અવતારના આ રહસ્યને ન સમજી શકીએ તો આપણે અવતારની લીલાને પણ ન સમજી શકીએ. સાથે ને સાથે આપણા માટે અવતારની લીલા અગમ્ય બની જાય છે.
- પ્રત્યેક અવતારનું વિશિષ્ટ સ્વરૂપ
પરબ્રહ્મ પરમાત્માના અનેક અવતાર થયા છે અને થાય છે. પ્રત્યેક અવતાર વખતે તેમનાં સ્વરૂપ, લીલા, અવતારકાર્ય, લાક્ષણિકતાઓ અને જીવનશૈલી ભિન્ન ભિન્ન હોય છે. એક અવતાર અન્ય અવતારનું અનુકરણ કરે, તે આવશ્યક નથી. પ્રત્યેક અવતાર અન્ય અવતારથી ભિન્ન હોય છે. પ્રત્યેક અવતાર પોતાની રીતે લાક્ષણિક હોય છે. આમ હોય છે, તેથી પણ અવતારને ઓળખવાનું કાર્ય દુષ્કર બની જાય છે. એટલે માનવમન ગૂંચવણમાં પડી જાય, તેવો સંભવ રહે છે.
ક્યાં રાજરાજેશ્ર્વર શ્રીકૃષ્ણ અને ક્યાં દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ! ક્યાં અવધૂત દત્તાત્રેય અને ક્યાં સંહારમૂર્તિ પરશુરામ ! પ્રત્યેક અવતારનું વિશિષ્ટ સ્વરૂપ છે. આ વિશિષ્ટતાને કારણે પણ અવતારની લીલા અગમ્ય બની જાય છે.
- માનવમનની મર્યાદા
આપણું ટચૂકડું મન શું અસ્તિત્વનાં રહસ્યોને ભેદી શકે ? મહાન બુદ્ધિશાળી અને સુખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પોતાની યુવાનીમાં એક પ્રતિજ્ઞા કરી હતી, ‘હું અસ્તિત્વના રહસ્યને ભેદી નાખીશ. હું અસ્તિત્વના કોયડાને ઉકેલી દઈશ.’ આ મહાન બુદ્ધિમાન પુરુષે અસ્તિત્વના રહસ્યને ભેદી નાખવા જીવનભર પ્રચંડ પુરુષાર્થ કર્યો છે અને છતાં જીવનના અંતિમ દિવસોમાં તેઓ સ્વીકારે છે, ‘અસ્તિત્વના રહસ્યને ભેદી શકાય તેમ નથી.’ “Life is a mystery and it is to remain mystery forever- જીવન એક રહસ્ય છે અને તે રહસ્ય જ રહેશે.’ સમગ્ર અસ્તિત્વ, જીવન રહસ્યપૂર્ણ છે અને એટલે અગમ્ય છે. જો આમ હોય તો અવતારનું સ્વરૂપ પણ માનવબુદ્ધિ અને માનવમન માટે અગમ્ય હોય છે અને અગમ્ય રહે તે સ્વાભાવિક જ છે. માનવીના મનનું શું ગજું કે તે અવતારના રહસ્યને પૂરેપૂરું સમજી શકે ? ક્યાં અનંત અને અગાધ પરમાત્માની લીલા અને ક્યાં આપણી અલ્પમતિ !
સમાપન
તો અવતારને કોણ ઓળખી શકે ? અને અવતારને કોણ સ્વીકારી શકે? અવતારને એ જ સદ્ભાગી માનવી ઓળખી શકે, જેમને તેઓ પોતે જ કૃપા કરીને ઓળખાવે. ભગવાન શ્રીકૃષ્ણને ઓળખવામાં પિતામહ બ્રહ્માજી અને દેવરાજ ઇન્દ્રદેવ પણ ભૂલથાપ ખાઈ ગયા હતા ! તો આપણું તે શું ગજું ? એટલે જ રામચરિત માનસમાં (અયોધ્યાકાંડ.126.2) તુલસીદાસ કહે છે,
‘સોઈ જાનઈ જેહિ દેહુ જનાઈ । – જેને પ્રભુ પોતે જ પોતાનું સ્વરૂપ ઓળખાવે તે જ તેને ઓળખી શકે છે.’
તેથી આપણા માટે ઉત્તમ માર્ગ એ જ છે કે ભગવાનની લીલાનું મૂલ્યાંકન કરવું નહીં, પરંતુ ભગવાનની લીલાનું ચિંતન કરવું.
Your Content Goes Here




