1. અવતારની આત્મગોપનલીલા

પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે, સંતાડી રાખે છે. આ ભગવાનની આત્મગોપનલીલા છે.

ભગવાન પોતાના નિજધામમાં અર્થાત્ વૈકુંઠધામમાં  વિશુદ્ધ ભગવત્ સ્વરૂપે જ છે. પોતાના ધામમાં તેમણે પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાનું નથી. પરંતુ ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વીલોક પર પધારે છે ત્યારે તેઓ જીવભાવનું, માનવદેહનું આવરણ સ્વીકારીને આવે છે. આમ અવતાર સ્વરૂપત: ભગવાન જ છે, પરંતુ સાથે ને સાથે જીવભાવનો અંચળો ધારણ કરી રાખ્યો હોય છે. આ જીવભાવના અંચળાને ધારણ કરવાથી અવતારનો ભગવદ્ભાવ ગુપ્ત રહે છે, આવરિત રહે છે. આ છે પ્રભુની આત્મગોપનલીલા !

ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે, ત્યારે આત્મગોપનલીલા શા માટે કરે છે ?

લીલા માટે તેમ કરવું આવશ્યક છે. ભગવાન જો માત્ર ભગવાન જ રહે, જીવભાવ ધારણ કરે જ નહીં, આત્મગોપન કરે જ નહીં, તો માખણચોરી લીલા થાય કેવી રીતે ? તો ગોપબાળકો સાથે આંબલી-પીપળીની રમત કેવી રીતે થાય ? તો જરાસંધ અને કાલયવનથી ડરીને રણછોડ કેવી રીતે બનાય ? તો સીતાના વિયોગમાં અને લક્ષ્મણજીની મૂર્છા વખતે રુદન કેવી રીતે કરાય ?

અહીં પૃથ્વી પર માત્ર ભગવત્ સ્વરૂપમાં રહીને લીલા થઈ શકે નહીં. માત્ર ભગવત્ સ્વરૂપમાં રહેવું હોય તો ભગવાન વૈકુંઠમાં જ બરાબર હતા. અહીં પૃથ્વીલોકમાં આવવાની શી જરૂર હતી ? ભગવાન અહીં પૃથ્વીલોક પર પધારે, ત્યારે ભગવાને લીલા માટે જીવભાવનો અંચળો ધારણ કરવાનો હોય છે. તદનુસાર ભગવાન અવતાર ધારણ કરે ત્યારે જીવભાવનું આવરણ ધારણ કરીને આવે છે. આ છે અવતારની આત્મગોપનલીલા !

અવતાર જ્યારે જીવચેતના ધારણ કરે છે, ત્યારે ભગવાન મટી જતા નથી, ત્યારે ભગવાન ભગવચ્ચેતના ગુમાવી દેતા નથી. ભગવાન પોતાની ભગવચ્ચેતનામાં અવસ્થિત રહીને જીવચેતનાનું આવરણ ઓઢે છે, આ છે અવાતારની આત્મગોપનલીલા.

અવતારમાં ભગવાન ભગવાન મટી જતા નથી. ભગવાન પોતાની ભગવત્તાને જીવભાવના પડદાથી ઢાંકી દે છે, પરંતુ તેઓ ગમે ત્યારે જીવભાવના આવરણને ફેંકી દઈને ભગવદ્ભાવ પ્રગટ કરી શકે છે. શહેનશાહ શહેનશાહ મટ્યા વિના ગરીબનું પાત્ર ધારણ કરે છે. તેવી છે આ ભગવાનની આત્મગોપનલીલા.

વરાહ ભગવાન, નૃસિંહ ભગવાન, ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ વગેરે અવતારોની લીલામાં આ આત્મગોપનલીલા વારંવાર જોવા મળે છે.

આત્મગોપનલીલા કરે છે છતાં અવતાર માયાધીન નથી, માયાપતિ છે. અવતાર અવિદ્યા માયા દ્વારા નહીં, પરંતુ યોગમાયાનો આશ્રય લઈને આત્મગોપનલીલા રચે છે. જીવ પરાધીન છે અને અવતાર સર્વતંત્ર-સ્વતંત્ર છે. જીવ સ્વરૂપત: બ્રહ્મ હોવા છતાં પોતાના સ્વરૂપથી ચ્યુત થયા વિના આત્મગોપનલીલા રચે છે.

અવતારનું આત્મગોપન તો તેની લીલા છે, ક્રીડા છે. ભગવાનની આ આત્મગોપનલીલાને કારણે પણ ભગવાનના અવતાર તરીકેના વ્યવહારને સમજવાનું કાર્ય ઘણું કઠિન બની જાય છે. આત્મગોપન કરીને ભગવાન અનેકવાર માનવીની જેમ વર્તે છે. આમ હોવાથી સામાન્ય માનવી માટે અવતારને અવતાર તરીકે ઓળખવાનું અને અવતારને અવતાર તરીકે સ્વીકારવાનું કઠિન બની જાય છે.

અવતારની કૃપા હોય તો જ અવતારને ભગવાન તરીકે ઓળખવાનું અને સ્વીકારવાનું શક્ય બને છે.

આવી અગમ્ય છે અવતારની આત્મગોપનલીલા!

  1. અવતાર માત્ર મહામાનવ નથી

વર્તમાનકાળમાં એવો એક વિચાર વહેતો થયો છે કે રામ, કૃષ્ણ વગેરે મહત્પુરુષોને ભગવાનનો અવતાર માનવાને બદલે મહામાનવ માનીએ અને તેમને મહામાનવ તરીકે જ સ્વીકારીએ તો કેમ ? આ વિચારધારા અવતારવાદના વિરોધમાંથી પ્રગટ થઈ છે છતાં રામ, કૃષ્ણ આદિ મહત્પુરુષો પ્રત્યે તેમના મનમાં આદરભાવ પણ છે જ !

અવતારને માત્ર મહામાનવ માની લેવાની આ વિચારધારમાં એક પાયાની ભૂલ થાય છે અને તેથી અવતારના વ્યવહારને સમજવામાં એક મોટી વિટંબણા ઊભી થાય છે.

જે છે તેને તે જ રૂપે સ્વીકારવાને બદલે અન્ય સ્વરૂપે સ્વીકારીને તેને યથાર્થત: કદી સમજી શકાય નહીં. કમળને ગુલાબ માનીને તે સ્વરૂપે તેને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો, તેને કદી સમજી શકાય નહીં. કમળને યથાર્થત: ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે કમળને કમળ તરીકે જ સ્વીકારી લઈએ. તેવી જ રીતે અવતારને અવતાર તરીકે સ્વીકાર્યા વિના અને તેમને એક મહામાનવ માનીને તેને કદી સમજી શકાય નહીં.

જે છે તેને તે જ સ્વરૂપે સ્વીકાર્યા વિના તેને કદી ન સમજી શકાય. ન જ સમજી શકાય, ન જ સમજી શકાય !

અવતારને જ્યારે આપણે માત્ર મહામાનવ તરીકે જ સ્વીકારીએ છીએ, ત્યારે આપણે તેમનામાં રહેલી જીવચેતના, માનવચેતનાનો જ સ્વીકાર કરીએ છીએ. અને ભગવત્-ચેતના(Divine conciousness) નો ઇન્કાર કરીએ છીએ; જે અવતારનું મુખ્ય, કેન્દ્રસ્થ અને પ્રધાન તત્ત્વ છે.

આમ અવતારના કેન્દ્રસ્થ તત્ત્વ ભાગવત-ચેતનાનો ઇન્કાર કરીને અવતારની લીલાને, તેમના વ્યવહારને કદી ન સમજી શકાય.

આનો અર્થ એ થયો કે વર્તમાનકાળમાં શરૂ થયેલા ‘અવતારને મહામાનવ’ તરીકે જ માનવાના વિચારને કારણે અવતારના વ્યવહારને સમજવાનું કાર્ય કઠિન બની ગયું છે અને તદનુસાર અવતારનો વ્યવહાર અગમ્ય બની જાય છે. અવતારના વ્યવહારની અગમ્યતાનું આ પણ એક કારણ છે.

Total Views: 572

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.