અવકાશ ક્ષેત્રના વિશ્વવિખ્યાત નિષ્ણાત ‘ઈસરો’ના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને આ વિશેષાંક માટે મોકલાવેલ અવકાશ વિજ્ઞાન વિશેના લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.
આશરે ૪૦ વર્ષ પહેલાં વિશ્વના સર્વપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક-૧ દ્વારા આ અજનબી દુનિયા અવકાશયુગમાં પ્રવેશી. ત્યારથી માંડીને વિશ્વનો અવકાશ કાર્યક્રમ પોતાની વૈવિધ્યતા અને વિસ્તૃતિ સાથે બહુલક્ષી કાર્યક્રમ બની ગયો છે. આ ક્ષેત્રમાં નવાં અવકાશ સંસ્થાનોનાં રોમાંચક દર્શન, આંતરગ્રહયાત્રા, સમગ્ર બ્રહ્માંડ વિશેની વૈજ્ઞાનિકોની નવી શોધનાનાં સૂચક બની ગયાં છે. આર્થિક અને બીજી અનેક બાબતોને લીધે અવકાશના ઉપયોગને આજે વધુ ને વધુ વ્યવહારુ બનાવી દીધો છે. મોટા પાયા પરની વ્યાપારિક કાર્યવાહીએ અવકાશી પ્રવૃત્તિઓ પર સતત અને પ્રભાવક અસર પાડી છે અને એણે વિકાસનાં ક્ષેત્રોમાં અવકાશની ત્વરિત સ્વીકૃતિ માટે મહત્ત્વનું કાર્ય પણ કર્યું છે. સૅટૅલાઈટ કૉમ્યુનિકેશન્સ ઉપગ્રહ દ્વારા દૂર સંચારના વિકાસે પોતાના ધારદાર તીર જેવા આક્રમણે નાગરિક ઉપભોક્તાઓને, ઉદ્યોગોના ઉત્પાદનોને અને સમાજજીવનના ઘણાં ક્ષેત્રોને આ અવકાશસેવા તરફ વાળ્યાં છે. પ્રાકૃતિક સ્રોતોના ચિરકાલીન વિકાસ માટે આનુષંગિક જ્ઞાનમાહિતીની નિષ્પત્તિ, હવામાનનાં નિરીક્ષણ અને આગાહી, ભાવિ કુદરતી હોનારતના ભણકારાની આગાહી માટેના એના વિશાળ પાયે વૃદ્ધિ પામ્યે જતા વિનિયોગથી આપણે અવકાશી ક્ષેત્રની વિલક્ષણ લાક્ષણિકતાઓનો ક્યાસ કાઢી શકીએ છીએ.
ભારત વિશ્વમાંના એવા અલ્પ દેશોમાંનો એક દેશ છે કે જેણે સર્વ પ્રથમ અવકાશવિજ્ઞાન પ્રૌદ્યોગિકીની શક્તિમત્તા અને માનવ અને સમાજની વાસ્તવિક અને સાચી સમસ્યાઓના સમાધાન માટે તેના વિનિયોગ વિશે પૂરતી સમજણ કેળવી લીધી હતી. ભારતીય અવકાશીવિજ્ઞાનના આદ્ય સંસ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષ સ્થાન હેઠળ નૅશનલ કમિટિ ફૉર સ્પેસ રિસર્ચ-INCOSPAR-ની સ્થાપના ૧૯૬૨માં થઈ હતી. માનવ અને સમાજની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે સુવિકસિત અવકાશવિજ્ઞાન જેવી પ્રૌદ્યોગિકીના વિનિયોગ માટે ભારત પણ એક અગ્રિમ રાષ્ટ્ર હશે એ તેમનું સ્વપ્ન-ધ્યેય હતું. ૧૯૭૨માં સ્પેસ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસની સ્થાપના સાથે ભારતીય અવકાશી કાર્યક્રમો તંત્રબદ્ધ થયા.
ભારતમાં અવકાશ પર આધારિત દૂરસંચાર ક્ષેત્રની ઉત્ક્રાંતિ
૭૦ના દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં અવકાશવિજ્ઞાન ટૅક્નૉલૉજીના દૂરસંચાર અને શિક્ષણ માટેની સમક્ષ શક્તિ અને તેની શક્તિશાળી લાક્ષણિકતાઓના પ્રત્યક્ષ સીધા સંપર્ક, અનંત શક્તિ, દૃશ્યશક્તિ અને વિસ્તૃતિની ભારે પહોંચને ભારતે ઓળખી લીધી હતી. શિક્ષણના એમાંયે વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારના શિક્ષણના મોટાભાગના પાસાંઓને ધ્યાનમાં રાખીને યુ.એસ.એ.ના ઉપગ્રહ ATS-6 ના માધ્યમથી ભારતનાં ૨૫૦૦ જેટલાં ગામડાંમાં આરોગ્ય-સ્વચ્છતા, કુટુંબનિયોજન, કૃષિ અને એવા વિષયો પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવા ૧૯૭૫-૭૬માં સૅટૅલાઈટ ઈન્સ્ટ્રક્શનલ ટૅલિવિઝન ઍક્સપૅરિમૅન્ટ (SITE) નો કાર્યક્રમ હાથ ધરાયો. વિશ્વમાં આવો સૌથી મોટો અને અગત્યનો સામાજિક ઉત્થાનનો કાર્યક્રમ ક્યારેય હાથ ધરાયો ન હતો. ધ સૅટૅલાઈટ ટૅલિકૉમ્યુનિકેશન ઍક્સપૅરિમૅન્ટલ પ્રૉજેક્ટ (STEP) ૧૯૭૭ થી ૭૯નાં વર્ષોમાં ફ્રાન્કો જર્મન સિમ્ફનિ સૅટૅલાઈટનો ઉપયોગ કરીને હાથ ધરાયો હતો. આ અવકાશવિજ્ઞાનના દૂરસંચારના ક્ષેત્રે થયેલા વિનિયોગનું એક બીજું મહત્ત્વનું અને મુખ્ય નિદર્શન હતું. ભારતે એપલ (એરિયન પૅસૅન્જર પેલોડ ઍક્સપૅરિમૅન્ટ) નામનો પ્રયોગાત્મક સંદેશવ્યવહાર માટેનો ઉપગ્રહ યુરોપિયન સ્પેસ એજન્સીના એરિયન લૉન્ચ વાહન દ્વારા ૧૯ જૂન ૧૯૮૧ના રોજ અવકાશમાં છોડવામાં આવ્યો.
૮૦ના દાયકામાં નિદર્શન કાર્યકારી અવકાશી પદ્ઘતિ ઈન્સેટ-ઈન્ડિયન નૅશનલ સૅટૅલાઈટ-દ્વારા દૂરસંચાર સેવા, ટૅલિવિઝનપ્રસારણસેવા, હવામાનશાસ્ત્રની આગાહી અને કુદરતી આફતોની ચેતવણી આપતો સૌથી વધુ મહત્ત્વનો અવકાશી તબક્કો આવ્યો. ૧૯૮૩માં હાથ ધરાયેલ પાંચ ઉપગ્રહોવાળી દેશ માટેની આ ઉપગ્રહ પદ્ઘતિ વિશ્વભરમાં સૌથી મોટી ઉપગ્રહ પદ્ઘતિ છે. બીજા વિકાસના તબક્કાના છેલ્લા ઉપગ્રહો —ઈન્સેટ-૨ની શ્રેણી અને ઈન્સેટ-૨ઈ—ને ૩જી એપ્રિલ ૧૯૯૯ના રોજ ફ્રેંચ ગિયાનાના કૌરોઉથી તરતા મૂકવામાં આવ્યાં હતાં. ઈન્સેટની પોતાની અનન્ય ડિઝાઈનમાં દૂરસંચાર, દૂરદર્શન પ્રસારણ, આકાશવાણી પ્રસારણ, હવામાનશાસ્ત્રની માહિતીની સેવાઓ એક જ પડથાર પરથી પૂરી પાડવામાં આવે છે. દૂરસંચાર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ અને હવામાન ખાતા જેવા વિભાગીય ઉપભોક્તાઓ આ ક્ષેત્રે સામેલ થયા એને લીધે ઈન્સેટ પદ્ઘતિએ રાષ્ટ્રના વિકાસની આવશ્યકતાઓ માટે જે તે વિભાગના મંત્રાલયોને સુયોગ્ય સુમેળ સંવાદ સાધવા શક્તિમાન બનાવ્યા છે.
ઈન્સેટ-૩ શ્રેણીના ઉપગ્રહો માટેનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. આ શ્રેણીમાં ૫ ઉપગ્રહો અવકાશમાં તરતા મુકાશે. આમાંથી પ્રથમ બે-ઈન્સેટ-૩એ અને ઈન્સેટ-૩બી-ને ૧૯૯૯ થી ૨૦૦૦માં અવકાશમાં છોડવામાં આવશે.
૭૦ના દાયકાના સાઈટ અને સ્ટેપ જેવા અવકાશી વિનિયોગ નિર્દશનોને ઈન્સેટના માધ્યમથી વ્યવહારુ અને કાર્યસાધક પ્રણાલીમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. દૂર-સુદૂરના ખૂણેખાંચરે પડેલા ભારતના ભૂ-ભાગો અને દરિયાકાંઠાથી દૂર દૂર આવેલા ટાપુઓમાં ૪૫૦ જેટલાં સ્ટેશનોને આ ઈન્સેટથી જોડવામાં આવ્યાં છે. આ ઉપરાંત ૮૫ જેટલા નાના ઍપૅચ્યુર ટર્મિનલ્સ, VSATs,- જે નૅશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર અને ઉદ્યોગગૃહોને સેવા-સુવિધા આપતા ખાનગી નેટવર્કને પણ જોડી આપે છે. પોતાના ૧૦૦૦ ટીવી ટ્રાન્સમિટર્સને ઈન્સેટની સાથે સંલગ્ન રાખીને અને તેના માધ્યમથી દૂરદર્શન પોતાના કાર્યક્રમોનાં પ્રસારણના ૮૫% જેટલું કાર્ય કરી શકે છે. સપ્તાહમાં ૧૦૦ કલાકોના શૈક્ષણિક કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. ઈન્સેટ પ્રણાલી તાલીમ અને પ્રગતિશીલ શિક્ષણ માટે એક ઘણું મોટું શક્તિશાળી સાધન બની ગયું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા નિરંતર શિક્ષણ પૂરું પાડવા અને ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓ, સમાજકલ્યાણના નિષ્ણાતો અને કાર્યકરો, પંચાયતરાજ – ગ્રામસ્વરાજના કાર્યકરોને તાલીમ આપવા માટે પણ આ પ્રણાલીનો ઉપયોગ થાય છે.
ગ્રામોદ્ધારના કાર્ય માટે ઈન્સેટના ઉપયોગને ભારતે મહત્ત્વ આપવાનું ચાલુ રાખ્યું છે. ૧૯૯૬ના નવેમ્બરથી શરૂ કરેલા મધ્યપ્રદેશના આદિવાસી ક્ષેત્રના આદિવાસીઓને આરોગ્ય-સ્વચ્છતા, પોષકઆહાર, કુટુંબનિયોજન, સ્ત્રીઓના અધિકારોનું શિક્ષણ જેવા કાર્યક્રમો પણ પ્રગતિના પંથે છે. વધુ ગામડાંને આવરી લેવા આ પ્રકલ્પને વધુ વિસ્તારવામાં આવશે. ગ્રામ્યસમાજની સુધારણા અને ઉન્નતિ માટે સમર્પિત અવકાશીક્ષેત્રનો આ કાર્યક્રમ એક અનન્ય કાર્યક્રમ બની રહેશે.
હવામાનની આગાહી અને કુદરતી આફતનિવારણપ્રબંધન
ભારતનું કૃષિક્ષેત્ર ચોમાસા પર વધુ આધારિત રહે છે એટલે વરસાદની ચોક્કસ આગાહીનું ઘણું મહત્ત્વ છે. આપણા પૂર્વ અને પશ્ચિમના દરિયાકિનારાના પ્રદેશોમાં રહેતા ઘણા દેશવાસીઓને વાવાઝોડાંનો અવાર-નવાર સામનો કરવો પડે છે. એટલે હવામાનની ચોક્કસ આગાહી અને જાણકારી તેમજ આવનારી કુદરતી આફતની આગાહી સાથેની ચેતવણી ઘણી અગત્યની અને મહત્ત્વની બાબત બની જાય છે. એટલા માટે ભારતે પોતાના ઈન્સેટ પર હવામાનની આગાહી માટેનાં સાધનો મૂકીને એને એક અનોખી અને બહુલક્ષી ઉપગ્રહ પદ્ઘતિ બનાવી છે. ઉપગ્રહો દ્વારા જાણવા મળેલી વાદળાંની સ્થિતિ અને ભારતમાં છવાયેલા ૧૦૦ જેટલાં હવામાનની માહિતીના સંગ્રાહક કેન્દ્રો દ્વારા ઈન્સેટના માધ્યમથી સ્થાનિક હવામાનના વરતારા થાય છે. આને લીધે દેશમાં હવામાનઆગાહી સેવાઓમાં ઘણો સુધારો થયો છે. દૂરસંચાર અને હવામાનની આગાહી એ બન્નેની શક્તિવાળા ઈન્સેટનો વાવાઝોડાની ઉત્પત્તિ અને તેના પ્રસારને લગતી માહિતી અને અસરગ્રસ્ત લોકોને ચેતવણી આપવામાં ઘણો મહત્ત્વનો અને અસરકારક ઉપયોગ છે. ભારતના પૂર્વપશ્ચિમના દરિયાકિનારા પર વારંવાર આવતાં વાવાઝોડાંની અસરમાંથી લોકોને બચાવવા આફતની પૂર્વચેતવણી આપનારાં અને માહિતી મેળવનારાં ૨૫૦ કેન્દ્રો છે. ઈન્સેટની આ પૂર્વચેતવણીને લીધે અને સમયસર આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરીને હજારો હજારો માનવીને બચાવી લીધા છે.
કુદરતી સંપત્તિના પ્રબંધન માટે મહત્ત્વનું ઘટક
વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓવાળો આપણો ભારત દેશ ૩.૩ મિલિયન ચો.કિ.મિ.માં પથરાયો છે. આ દેશની ઉત્તરમાં હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે તો દક્ષિણમાં ઉષ્ણકટિબંધના જંગલો ય છે. પૂર્વમાં વિશ્વમાં સૌથી વરસાદ મેળવતા ભૂભાગો છે તો પશ્ચિમમાં રાજસ્થાનના રણ વિસ્તારો પણ છે. ભારતની પાસે કુદરતી સંપત્તિનો અમાપ ખજાનો પણ છે. એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો રહે છે. ૭૫૦૦ કિ.મિ. લાંબી દરિયાઈ પટ્ટીમાં સમુદ્રજન્ય સંપત્તિ ભરપૂર ભરી પડી છે. વિશાળ ભારતની આ પ્રાકૃતિક સંપદાઓનું નિયોજન પ્રબંધન કરવા માટે આપણા અવકાશી ઉપગ્રહોની નિરીક્ષણ પ્રણાલી સિવાય કોઈ મોટું શક્તિશાળી અને મહત્ત્વનું સાધન આપણી પાસે નથી. ૭૦ના દાયકામાં યુ.એસ.એ.ના ઉપગ્રહ લૅન્ડસેટમાંથી મળેલા ડેટાનો ઉપયોગ કરીને ભારતે અવકાશી ક્ષેત્ર પર આધારિત અત્યંત શક્તિશાળી અને મહત્ત્વના રિમોટ સૅન્સિંગનું નિદર્શન કરી દીધું સાથે ને સાથે આપણા દેશે પોતાની જ બનાવટના ભાસ્કર-૧ અને ભાસ્કર-૨ નામના બે પ્રયોગાત્મક પૃથ્વી અવલોકન ઉપગ્રહોને ક્રમશ: જૂન ’૭૯ અને નવેમ્બર ’૮૧માં અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા હતા. માર્ચ ૧૯૮૮માં ભારતે પોતાનાં કાર્યકારી ઈન્ડિયન રિમોટ સૅન્સિંગ સૅટૅલાઈટ (આઈઆરએસ ૧-એ)ને અવકાશમાં તરતો મૂકીને ભારત આ ક્ષેત્રમાં વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોની હરોળમાં આવી ગયો છે. ભારત પાસે આઈઆરએસ ૧-બી, આઈઆરએસ ૧-સી, આઈઆરએસ ૧-ડી, આઈઆરએસ પી-૩, આઈઆરએસ પી-૪, આ પાંચે ય રિમોટ સૅન્સિંગ સૅટૅલાઈટને કાર્યકારી કરવા સૌથી વધુ વિશાળ ઉપગ્રહ નિયંત્રણ કેન્દ્રવાળાં ભૂમિ મથકો છે. આમાંના આઈઆરએસ ૧-સી, આઈઆરએસ ૧-ડી, વિશ્વના શ્રેષ્ઠ સિવિલિયન રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે. આઈઆરએસ પી-૪ OCEAN SAT-1ને સમુદ્ર જળસંપત્તિનાં પ્રબંધનસર્વેક્ષણ અને મહાસાગર પરના વાતાવરણની સમજણ મેળવવા માટે ૧૯૯૯ના મે માસમાં છોડવામાં આવ્યો હતો. બીજા બે ઉપગ્રહો પૈકી આઈઆરએસ પી-૫ને ભૂમિ આલેખનવિદ્યા માટે અને આઈઆરએસ પી-૬ને સંપદાસ્રોત સર્વેક્ષણ માટે આવતા ત્રણ વર્ષોમાં છોડવામાં આવશે. આઈઆરએસ પ્રણાલીએ સામુદ્રિક સંપદાસ્રોતનાં સર્વેક્ષણ, પ્રબંધન અને વ્યવસ્થાપનની ટૅક્નૉલૉજીના ક્ષેત્રે એક મહાન પરિવર્તન લાવી દીધું છે. આઈઆરએસના ડેટા અનેક રીતે કામ લાગે છે. કૃષિ વિષયક સર્વેક્ષણ, પાણી પત્રક અને ઘઉં, ચોખા, તેલીબિયાં, શેરડી, જુવાર વગેરે પાકના અંદાજ, વનસંપત્તિનું સર્વેક્ષણ, દુષ્કાળની આગાહી અને તેની દેખરેખ તેમજ આકારણી, પૂરના જોખમવાળા પ્રદેશોના નક્શા, ખેતીના ઉપયોગમાં લેવાયેલી જમીનના નક્શા, પડતર પડેલી જમીનના નક્શા અને તેનું વર્ગીકરણ અને પ્રબંધન, પાણીના સ્રોતપ્રબંધનનક્શા, જળસિંચન સુવિધાવાળા વિસ્તારોના વિકાસ પ્રબંધનના નક્શા, પાતાળકૂવા માટેની જગ્યાના નક્શા, હિમાલયમાંથી નીકળતી નદીઓના વહેતા પાણીના મહત્તમ ઉપયોગ માટે કાર્ય કરવા માટેના અનેકવિધ ડેટા આઈઆરએસ દ્વારા તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત શહેરી આયોજન, રસ્તા અને પાઈપલાઈનનાં જોડાણો, કોલસાની ખાણોમાં લાગતી અગનજ્વાળા પર અંકુશનિયંત્રણ, દરિયાઈ જળસંપદાના સ્રોતોનાં સર્વેક્ષણ, ખનિજનાં સંશોધન વગેરે માટે પણ આઈઆરએસનો ઉપયોગ થાય છે. આઈઆરએસના ડેટાનો સૌથી અનોખો ઉપયોગ ઈન્ટિગ્રેટેડ મિશન ફૉર સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ (આઈએમએસડી)માં થાય છે. તેનો પ્રારંભ ૧૯૯૨માં કરવામાં આવ્યો અને આઈએમએસડી ૧૭૫ જિલ્લાને આવરી લે છે અને તે ઉપગ્રહ તથા તુલનાત્મક સામાજિક આર્થિક ડેટાનો ઉપયોગ કરીને એકધારો વિકાસ થાય એ માટે જે તે વિસ્તાર માટે ચોક્કસ ઉપાય મેળવવા ધારે છે. આની પ્રભાવક અસર જ્યાં જ્યાં એનો અમલ થયો છે ત્યાં ત્યાં જોવા મળે છે.
ઉપગ્રહોના લોંચ વાહનો માટે આપણી ક્ષમતા
ભારતને ઘણું વહેલું એ સમજાઈ ગયું કે અવકાશના કાર્યક્રમોનો એકધારો લાંબો વિકાસ આપણા દેશની પોતાની સ્થાનિક કક્ષાની ટૅકનૉલૉજીની ક્ષમતાઓ પર આધારિત છે. એટલે જ ઉપગ્રહોની બનાવટની સાથે ૭૦ના દાયકામાં ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવાનાં વાહનો બનાવવાની બાબતમાં ભારતની ક્ષમતાનો પહેલો પરિચય એસએલવી-૩ (સૅટૅલાઈટ લૉચિંગ વ્હીકલ) દ્વારા ૧૯૮૦માં મળ્યો. આની વર્ધિત આવૃત્તિ સમા એએસએલવીને ૧૯૯૨માં અવકાશમાં વહેતો મુકાયો. ભારતે પોલાર સૅટૅલાઈટ લૉન્ચ વ્હીકલ (પીએસએલવી)ના વિકાસ દ્વારા લૉન્ચ વાહનોના ક્ષેત્રમાં પોતાની આગવી ક્ષમતા પ્રાપ્ત કરી છે. ૧૦૦૦-૧૨૦૦ કિ.ગ્રા.ની ૮૨૦ ધ્રૂવીય સૂર્યસંક્રામક ભ્રમણકક્ષામાં મૂકવાની શક્તિ આ સૅટૅલાઈટ ધરાવે છે. બીજા દેશોના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે હવે પીએસએલવીની માગણી આવે છે. મે’૯૯માં એણે કોરિયા અને જર્મનીના એક એક તેમજ આપણા આઈઆરએસપી-૪ને અવકાશમાં તરતા મૂક્યા હતા. યુરોપિયન ઉપગ્રહ PROBAની જેમ ઘણા અવકાશ સંસ્થાનો પોતાના ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવા પીએસએલવીનો ઉપયોગ કરવાની અપેક્ષા રાખે છે.
ભારતનું અવકાશક્ષેત્રનું હવે પછીનું સોપાન-જિયોસિંક્રોનસ સૅટૅલાઈટ લૉન્ચ વ્હીકલ- જીએસએલવી-ને વિકસિત કરવાનું કાર્ય પૂર્ણ કરવાનું છે. જીએસએલવી ૨૫૦૦ કિ.ગ્રા. વર્ગના સંચાર ઉપગ્રહને જિયોસ્ટેશનરી ટ્રાન્સફર ભ્રમણ કક્ષામાં તરતો મૂકવા સક્ષમ છે. ૨૦૦૦ના વર્ષમાં આ લૉન્ચ વાહનને તરતો મૂકવાનો પ્રયોગ થશે, અવકાશી કાર્યક્રમોની યોજના હેઠળ વિકસિત કરેલી અને વિકસિત થયેલ પ્રૌદ્યોગિકીઓ એના વ્યાપારી વિનિયોગ માટે ઉદ્યોગગૃહોને હસ્તાંતરિત કરવામાં આવી છે.
આગેકૂચ કરતું અવકાશ વિજ્ઞાન
ભારતીય અવકાશ કાર્યક્રમોમાં અવકાશવિજ્ઞાનોને પણ આવરી લેવામાં આવ્યાં છે. એમાં ખગોળશાસ્ત્ર, નક્ષત્રના ભૌતિકરસાયણવિજ્ઞાન, ગ્રહોના-તારામંડળોના વાતાવરણ, વાયુવિદ્યા, પૃથ્વીવિજ્ઞાન, સૂર્યમાળાનો અભ્યાસ, આનુમાનિક કે તાર્કિક અભ્યાસનો સમાવેશ થાય છે. ભારતે આકાશી ‘ક્ષ’ કિરણોના અને ગામા કિરણોના સ્રોતનો અભ્યાસ કરવા સાયન્ટિફિક પેલોડ્સ-વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે નાના રોકેટ- પણ છોડ્યા છે. ઉપરના વાતાવરણના સંશોધન માટે મૅસૉસ્ફિયર-સ્ટ્રૅટૉસ્ફિયર-ટ્રૉપૉસ્ફિયર રડાર પદ્ઘતિવાળા ભૂમિ પરની ભૌતિક સાધનસુવિધા પણ ભારત પાસે છે. વર્ષાના પ્રયોગો, દૂરસંચારમાં વિદ્યુત-હવાક્ષોભ, જેવા અત્યંત મહત્ત્વના આંતરરાષ્ટ્રિયકક્ષાના વિજ્ઞાનના કાર્યક્રમોમાં ભારતે સક્રિય ભાગ લીધો છે. જીવાવરણ-સૃષ્ટિમંડળ, ભૂમંડળ વિષયક અનેકવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો સાથે તાલ મેળવતા અને હિંદ મહાસાગરના કાર્યક્રમોમાં ભારતે જવાબદારીભર્યું કાર્ય પણ સ્વીકાર્યું છે.
ઉદ્યોગોની ભાગીદારી
અવકાશી કાર્યક્રમોને આધાર આપવા અને સુવિકસિત કરવા રાષ્ટ્રના નાણાંના રોકાણથી ભારતીય ઉદ્યોગો માટે દેશનું સ્થાનિક નફાકારી અને અત્યંત મહત્ત્વનું માર્કેટ પણ મળી રહેશે. સાથે ને સાથે અત્યંત કિંમતી અને મહત્ત્વનાં યંત્ર-યંત્રાંગો બનાવવા માટેની શક્તિમત્તામાં વૃદ્ધિ અને વિકાસ લાવતી પ્રૌદ્યોગિકી શક્તિ મેળવવામાં મદદરૂપ થશે અને ઉચ્ચ ટૅક્નૉલૉજીના વિનિયોગવાળી વિકસતી આંતરરાષ્ટ્રીય માર્કેટને પણ હાથવગી કરી શકાશે. એટલે જ આપણા દેશે ઉદ્યોગોને અવકાશી કાર્યક્રમોમાં ભાગીદાર બનાવવા પ્રોત્સાહિત કર્યા છે અને એનાથી વ્યાપારધંધાના હસ્તાંતરણના રૂપે ઉદ્યોગગૃહોની પોતાની પ્રૌદ્યોગિકીનાં કૌશલ્યોમાં સમૃદ્ધિ અને વિકાસ લાવી શકાયાં છે. કેટલાક મોટા ઉદ્યોગગૃહોએ અવકાશી કાર્યક્રમોની માગને પહોંચી વળવા ભિન્ન ભિન્ન વર્ગના ફૅબ્રિકેશન વિભાગો શરૂ કરી દીધા છે. રિમોટ સૅન્સિંગ ડેટા પ્રોસેસિંગના ઈક્વિપમેન્ટ, દૂરસંચારનાં અર્થ સ્ટેશન અને ટર્મિનલ ઈક્વિપમેન્ટ જેવી અનેક પદ્ઘતિઓએ ઉદ્યોગગૃહો માટે ઘણું વિશાળ બજાર ખોલી આપ્યું છે.
માનવ સંસાધન વિકાસ
અવકાશ-વિજ્ઞાનના કાર્યક્રમોનો વિકાસ કરવા અને તેની વૃદ્ધિ કરવા સતત ચાલતા સંશોધન અને વિકાસના ભગીરથ કાર્યમાં માનવશક્તિને આકર્ષવી અને તેને સામેલ કરવી એ એની બીજી મહત્ત્વની આવશ્યકતા છે. આ માટે ભારતીય અવકાશ વિજ્ઞાનના કાર્યક્રમના ક્ષેત્રે વિદ્યાલયો, મહાવિદ્યાલયો, તાલીમી સંસ્થાઓ સાથે સીધો સંપર્ક રાખ્યો છે. આ દિશામાં પ્રારંભનાં પગલાં રૂપે સ્પૉન્સર્ડ રિસર્ચ સ્કીમ (રિસ્પોન્ડ) યોજના હેઠળ અવકાશી કાર્યક્રમોને આનુષંગિક વિષયો અને પ્રકલ્પો વિશેના વિશિષ્ટ સંશોધનો માટે સંસ્થાઓને નાણાસહાય પણ અપાય છે.
આંતરરાષ્ટ્રીય સહકાર
ભારતીય અવકાશ કાર્યક્રમોનું એક મહત્ત્વનું પાસું છે આંતરરાષ્ટ્રીય સહકાર. ઈક્વેટોરી લૉન્ચિગ સ્ટેશન થુંબા સાઈટ અને સ્ટેપ જેવા અવકાશી નિદર્શન અને કાર્યકારી કાર્યક્રમોનું સંચાલન; આર્યભટ્ટ, ભાસ્કર-૧-૨, આઈઆરએસ-૧એ-૧બી, એપલનું અવકાશમાં પ્રક્ષેપણ તેનો વિકાસ; એન્જિન વિકાસ વગેરે માટે યુ.એસ.એ., યુ.એસ.એસ.આર. ફ્રાંસ, જર્મની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અવકાશી સંસ્થાઓએ મહત્ત્વનો સાથ સહકાર આપણને આપ્યો છે. ભારતે આવા કેટલાક સહકારી કાર્યના કરારો પણ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ઉપગ્રહ સહાયક શોધ અને બચાવના કાર્યક્રમ હેઠળ COSPARSARSAT નેટવર્કના ભાગ રૂપે બે સ્થાનિક ઉપયોગ મથક-લોકલ યુઝર ટર્મિનલ્સ-LUT- અને મિશન કન્ટ્રોલ સૅન્ટર-MCC-ની સ્થાપના કરી છે. ભારતમાં SHARES – અવકાશી અનુસંધાનોમાં ભાગ લેનાર-ના કાર્યક્રમ હેઠળ બીજા વિકાસશીલ દેશોને પોતાના અનુભવોનું પ્રદાન કરે છે અને તેમના કર્મચારીઓને તાલીમ પણ આપે છે. ભારતમાં યુએન-એશિયા પૅસેફિક સૅન્ટર ફૉર સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી ઍજ્યુકેશન કેન્દ્રની સ્થાપના થઈ છે. એમાં એશિયા અને પ્રશાંત મહાસાગરોના વિસ્તારોના સાયન્સ અને ટૅક્નૉલૉજીના શિક્ષણમાં અનુસ્નાતક કક્ષાએ રિમોર્ટ સૅન્સિંગ અને જ્યોગ્રોફિકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, ઉપગ્રહ દૂરસંચાર, અવકાશવિજ્ઞાન, હવામાનવિજ્ઞાન વગેરે વિષયોમાં રસરુચિ ધરાવતા શિક્ષાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. નવેમ્બર ૧૯૯૯માં મળનારી UNESCAP મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સનું મેજબાન રાષ્ટ્ર ભારત બન્યું છે.
વ્યાપારી ઉપાર્જન
ભારતના અવકાશી કાર્યક્રમનો પ્રાથમિક હેતુ રાષ્ટ્રીય વિકાસ માટે અવકાશી પ્રણાલીની સ્થાપના કરવાનો હતો. પણ તેના દ્વારા જે શક્તિ-સામર્થ્ય ઊભું થયું તેણે આર્થિક ઉપાર્જન પણ આપવાનું શરૂ કર્યું છે. અવકાશવિજ્ઞાન વિભાગ દ્વારા ૧૯૯૨મા સ્થપાયેલ વિલક્ષણ વ્યાપારી કેન્દ્ર, અંતરિક્ષ કોર્પોરેશન, હાર્ડવેર અને અન્ય સેવાકીય કાર્યક્રમ માટે એક પ્રોત્સાહન અને પ્રદૃીપન બની રહ્યું છે. ભારતીય ઉપગ્રહો ઉપરથી વિશ્વભરમાં રીમોટ સૅન્સિંગ ડેટા પૂરો પાડવો, ઉપગ્રહ ક્ષમતાનું લીઝ પર ધીરાણ કરવું, પીએસએલવી દ્વારા નાના ઉપગ્રહોનું પ્રક્ષેપણ, ઉપગ્રહો માટેના હાર્ડવેરનો પૂરવઠો પૂરો પાડવો, ભારતીય ભૂમિ મથકોને ઉપગ્રહ પ્રક્ષેપણ માટેના ઉપયોગ તેમજ તજ્જ્ઞો અને કાર્યકરોને તાલીમ આપવાના કાયક્રમોના વ્યાપારી કરાર થયા છે.
અવકાશક્ષેત્રે નાણાંની ફાળવણી
રાષ્ટ્રીય હિત માટે અવકાશી ટૅક્નૉલૉજીના વિકાસ અને અમલ માટે ભારતે અથ થી ઈતિ સુધીનો ક્ષમતાવાળો સર્વગ્રાહી અવકાશ કાર્યક્રમ સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે અમલી પણ બનાવાયો છે. પ્રારંભમાં મોટા પાયે પ્રયોગની ફલશ્રુતિ બતાવીને એના ઉપયોગનું ઉપભોક્તાઓ પાસે પ્રદર્શન કરીને એના ફાયદાઓ દર્શાવાય છે. પહેલાં પ્રયોગકક્ષા અને પછી વિકાસસંબંધી પદ્ધતિઓ અને પછી એને કાર્યાન્વિત કરવાનું પગથિયું આવે છે.
આ માટે ભારતે સામાન્યત: ૨૪૦૦ મિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે ૨૯ સૅટૅલાઈટ તૈયાર કર્યા છે, ત્રણ પ્રકારનાં લૉન્ચ વાહનો વિકસિત કર્યાં છે, એનાં ૧૩ ઉડ્ડયનો કર્યાં છે. અને એક એવું સર્વગ્રાહી માળખું ઊભું કર્યું છે કે જેથી ભારત પોતે જ રિમોટ સૅન્સિંગ સૅટૅલાઈટ અને દૂરસંચાર સૅટૅલાઈટનાં આયોજન, સંરચના અને પરીક્ષણ કરીને તેમજ એને અવકાશમાં વહેતું મૂકવાનું કામ કરી શકે અને ક્ષિતિજમાં એનું નિયમન કરીને એના સંદેશાઓ ઝીલીને એને પૃથક્કરણ દ્વારા વ્યવહારક્ષમ બનાવીને લોકોના હિત માટે પહોંચાડવાનું કામ ભારત પોતે કરી શકે.
આ બધું કરવા માટે ભારતે પાયાની વૈજ્ઞાનિક તાલીમબદ્ધ માનવશક્તિ ઊભી કરી છે જેને પરિણામે ભારતીય અવકાશી કાર્યક્રમ ખૂબ સફળ અને ઓછો ખર્ચાળ પૂરવાર થયો છે. આનાથી દેશને દૂરસંચાર, સંદેશવ્યવહાર, દૂરદર્શન, હવામાનની માહિતી, કુદરતી આફતોની આગાહી-ચેતવણી, કુદરતી સંપત્તિનાં સર્વેક્ષણ-નિરીક્ષણ-સંશોધનકાર્ય જેવા લાભો પણ થાય છે.
જ્યારે ભારત ૨૧મી સદીમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમને જાળવી રાખવો એને સતત ચાલુ રાખવો એ જરૂરી છે. ઝડપથી બદલાતી ભાવિ આવશ્યકતાઓને ખ્યાલમાં રાખીને ટૅક્નૉલૉજીના પરિષ્કાર અને નવીનીકરણ કરવાની જરૂર છે. પડકારો તો ઊભા થયા જ કરવાના છે પણ અવકાશ ક્ષેત્રે કામ કરવા માનવનાં રસ અને આકર્ષણ પણ સાથે ને સાથે વધવાનાં જ છે.
ભાષાંતર : મનસુખભાઈ મહેતા
Your Content Goes Here




