શ્રીમત્ સ્વામીભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ તેમણે ભાવિક જનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તેનો સારાંશ અમે જૂન માસથી ધારાવાહિકરૂપે આપી રહ્યા છીએ.
પ્રશ્ન : ‘આત્મા’ શબ્દ હમણાં ખૂબ વાંચવામાં આવે છે, સાંભળવામાં આવે છે. પણ એની સાબિતી માટે વૈજ્ઞાનિક તર્ક (Scientific reason)આપી શકાય ખરો કે?
ઉત્તર : આ એક સુંદર પ્રશ્ન છે. આપણને આજકાલ વિજ્ઞાન ઉપર ભારે ભાવ છે. આપણે આજકાલ “Scientific Proof, ‘Science’, વગેરે શબ્દો વારંવાર સાંભળીએ છીએ. તો હવે જોઈએ કે Science – સાયન્સ એટલે શું? વિજ્ઞાન એટલે શું? કોઈ વસ્તુને ‘તર્કસિદ્ધ’ રીતે રજૂ કરવાની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક પદ્ધતિ’ કહેવાય છે. ‘તર્કસિદ્ધ’ એટલે તર્ક દ્વારા જેની પ્રતિષ્ઠા થઈ શકે તે. જેમ કે આપણને પર્વત ઉપર ધુમાડો દેખાય છે, એટલે આપણને લાગે છે કે, ધુમાડો તો દેખાય છે પણ ત્યાં આગ છે કે કેમ? એના જવાબમાં આપણે ધારીએ છીએ કે ‘ત્યાં આગ છે.’ ત્યાં આગ જરૂર હોવી જોઈએ. કારણ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં આગ તો અવશ્ય હોય જ, આગ વિના તો ધુમાડો હોય જ નહિં. પણ આ પ્રશ્ન તો એવો છે કે જેને આપણે આપણા અનુભવથી સાબિત કરી શકીએ છીએ. કારણ કે એ તો અનિવાર્ય નિયમ છે, એક શાશ્વત સત્ય છે કે, જ્યાં જ્યાં ધુમાડો હોય, ત્યાં ત્યાં આગ તો હોય જ. આપણી ઇન્દ્રિયો દ્વારા એને પ્રત્યક્ષ કરી શકાય તેમ છે, પણ જે વસ્તુનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ શકતો નથી, એને તો ભલા કેવી રીતે સાબિત કરી શકાય? વિજ્ઞાન તો એવો રસ્તો છે કે, માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષ અનુભવ ઉપર જ આધાર રાખે છે અને વિજ્ઞાનનું અનુમાન પણ કોઈક પ્રત્યક્ષ હેતુ ઉપર જ આધાર રાખે છે. પરંતુ જે વસ્તુ પ્રત્યક્ષ અર્થાત્ ઇન્દ્રિયોનો વિષય જ બની શકતી ન હોય, એને વળી વિજ્ઞાન તે કેવી રીતે સાબિત કરી શકે? વિજ્ઞાન એને પ્રકાશિત ન કરી શકે. વિજ્ઞાનની આ ‘Self-imposed limitation’ (સ્વયં આરોપિત સીમા) છે. એ પોતે જ પોતાની વિચારસરણી ઉપર અંકુશ મૂકી દે છે, કે અમે તો અમુક હદ સુધી જ આવી શકીએ; એનાથી આગળ આવી શકતા નથી. જ્યાં પ્રત્યક્ષ ન થઈ શકે, Observation (અવલોકન) અથવા Experiment (પ્રયોગ) ન થઈ શકે, ત્યાં વિજ્ઞાન કોઈ વાત કરે નહીં. આમ, વિજ્ઞાનમાં Limitation (મર્યાદા) છે અને આપણી ઇન્દ્રિયો સીમિત છે અને એ ઇન્દ્રિયોની મદદથી બાંધેલાં અનુમાનો પણ તદૃન સીમિત છે. એટલે વિજ્ઞાન કંઈ દરેક વસ્તુ ઉપર પ્રકાશ પાડી શકે તેમ નથી.
વિજ્ઞાનની રીતે આપણે આપણા સ્વરૂપને ઓળખવું હોય તો તો એને ‘દૃશ્ય’ કરી દેવું પડે. આપણું મન બધી દૃશ્ય વસ્તુઓને જાણી શકે છે. પણ આત્માને ‘દૃશ્ય’ તો કહી જ ન શકાય ને? આત્મા તો દ્રષ્ટા છે, નિત્ય દ્રષ્ટા છે. કદીય એ દૃશ્ય નથી અને એટલે આત્મા વિજ્ઞાનનો વિષય નથી.
જો કે વિજ્ઞાનમાં એક ‘સાયકોલૉજી’નો – મનોવિજ્ઞાનનો વિભાગ પણ છે ખરો, એ આપણે જાણીએ છીએ. પણ એ તો મનનો વિચાર કરે છે, આત્માનો નહિ. આ વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં પણ આત્મા આવી શક્યો નથી એટલે મનોવૈજ્ઞાનિકો કહે છે : હા, તમે જેનો વિચાર કરો છો અમે એને વિજ્ઞાન કહેતા નથી. એ તો ‘ફિલોસોફી’ છે, એને એવું કે બીજું કોઈ નામ આપી શકો, પણ એ વિજ્ઞાન તો નથી જ. આ ફિલોસોફીને ‘દર્શન’ એવું નામ પણ આપવામાં આવ્યું છે. પણ આ ‘દર્શન’ શબ્દનો કોઈ ખાસ અર્થ અહીં સમજાતો નથી. ‘ફિલોસોફી’ એને કહેવાય કે, જેના દ્વારા કોઈ પણ વસ્તુ બુદ્ધિથી તર્કથી તો સાબિત કરી – શકાય, પણ એ તર્કસિદ્ધ વસ્તુને Observation (અવલોકન) કે Experiment (પ્રયોગ)ના ઢાંચામાં ઢાળીને સિદ્ધ ન કરી શકાય. આ પદ્ધતિ ‘દર્શન’ કે ફિલોસોફી કહેવાય છે. આ ફિલોસોફી પણ આત્માની બાબતમાં ઝાઝી દૂર જઈ શકતી નથી કારણ કે એની એક આગવી વૈજ્ઞાનિક વિચારસરણી છે. એની એવી વિચારપદ્ધતિથી આત્મજ્ઞાન તો થઈ શકે નહિ. એનાથી માત્ર એટલું જ યઈ શકે છે કે, ‘આપણે સામાન્ય રીતે જેને આત્મા માની બેઠા છીએ, તે ખરો આત્મા. એટલી વાત એનાથી સમજી શકાય છે.’ જે વસ્તુ બદલતી રહેતી હોય તે આત્મા નથી એટલું જ સમજાય છે. પણ ત્યારે ‘એ આત્મા શું છે?’ ‘આત્મા એટલે શું?’ આ બાબતમાં ફિલોસોફી પણ કહી શકતી નથી. કારણ કે આપણે એને અન્ય રીતે પ્રત્યક્ષ કરી શકતા નથી. એને ઇન્દ્રિયોનો વિષય બનાવી શકાય તેમ નથી. દર્શન ફિલોસોફી વિજ્ઞાનથી ઉચ્ચ ભલે હોય તો પણ જો એ વિજ્ઞાન વિરોધી હોય તો માન્ય થતું નથી.
આમ, આત્મજ્ઞાન વિજ્ઞાનથી સાબિત કરી ન શકાય પણ તે વિજ્ઞાન વિરોધી પણ નથી.
Your Content Goes Here





