શિક્ષકે પોતાની અંદર શક્તિ પેદા કરવાની છે અને એની પાસે આવતાં વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવાના કાર્યમાં એને કામે લગાડવાની છે. શિક્ષકે વિદ્યાર્થીને માત્ર શિખવવાનું જ નથી પણ તેમને પ્રેરણા પણ આપવાની છે; પોતાનાં વિદ્યાર્થીઓનાં જીવન અને ચારિત્ર્ય પર તેણે અસર કરવાની છે અને રાષ્ટ્રના જીવનપ્રવાહમાં ઉપયોગી નાગરિકો એ બની રહે તે માટેનાં વિચારો અને મૂલ્યોનું પ્રદાન પણ કરવાનું છે. શાળામાં તમારી પાસે હોય તે વર્ષોમાં જ તમારે આ કરવાનું છે.
આપણી લોકશાહીમાં સૌ સ્ત્રીપુરુષોને સમાન ગણવાની આવશ્યકતા તમારે તેમને શિખવવાની છે, જ્ઞાતિના અલગાવવાદ અને અભિમાનને દૂર કરતાં, અસ્પૃશ્યતા, કોમ કોમના ભેદો અને શત્રુવટ દૂર કરતાં પણ શિખવવાનું અને આપણું રજ્યબંધારણ ઘોષિત કરે છે તે પ્રમાણે ‘વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એક્તા’નો પાઠ પણ આપવાનો છે.
આપણી ભિન્નતામાંથી સુગ્રથિત રાષ્ટ્રના વિકાસના સાધનરૂપ બનવા માટે પણ વિદ્યાર્થીઓને કેળવવાના છે. આપણા રાજ્ય બંધારણની ઉદાત્ત માનવતાવાદી ભાવનાઓનો પરિચય તેમને કરાવવાનો છે અને એ ભાવનાઓ સામાજિક-રાજકીય તત્ત્વોમાં પરિણમે તે માટેની ધગશ તેમનામાં આરોપવાની છે.
ચારિત્ર્ય ઘડતર થાય અને રાષ્ટ્રીય અભિગમનો વિકાસ થાય તે વયનાં તમારાં વિદ્યાર્થીઓ છે. આપણી નવી શિક્ષણનીતિનાં સાધન બની તમારાં વિદ્યાર્થીઓમાં ઉચ્ચ ચારિત્ર્યશક્તિ, વિશુદ્ધ રાષ્ટ્રીયચેતના, લોકશાહી માટેની દૃઢ વફાદારી અને અર્પિત સામાજિક જવાબદારીનું ભાન જાગ્રત કરવાના સાધનરૂપ તમારે થવાનું છે. અભ્યાસના બીજા વિષયોના અધ્યાપનના સંદર્ભમાં જ આ કરવાનું છે. શિક્ષકનું રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ અહીં જ વ્યક્ત થાય છે. શિક્ષકનું કાર્ય ઊગતી પેઢીનાં મનને ઘાટ અપવાનું છે. આ ઘાટ આપવાનું કાર્ય ભાવાત્મક હશે. વૈજ્ઞાનિક અને માનવતાવાદી વલણ અને મિજાજનો વિકાસ, આત્મનિયમન, બીજાં માટે લાગણી, પર્યાવરણ માટે જાગૃતિ અને ચિંતા, સહિષ્ણુતા પર જ લોકશાહી નભે છે તેવી દૃઢ માન્યતા, અને ‘માથું ભાંગવાની’ નહીં પણ ‘બુદ્ધિને ઢંઢોળવા’ની દૃઢ શ્રદ્ધાથી જ આ ભાવાત્મક ઘાટ આપી શકાય. આપણી લોકશાહીને સુદૃઢ કરવા માટે શિક્ષકોએ પોતાનાં વિદ્યાર્થીઓમાં ભિન્ન ભિન્ન મતને સહન કરવાની આપણી સાંસ્કૃતિક ભાવનાને અને ‘તમારી વાતનો હું સ્વીકાર કરતો નથી પણ તમારા એ ભિન્ન મતના અધિકાર માટે હું જાત પણ દેવા તૈયાર છું.’ – એ પ્રખ્યાત ફ્રેન્ચ ચિંતક વોલ્તેરના કથનનો પરિચય વિદ્યાર્થીઓને કરાવવો પડશે.
વર્ગાેમાં તમારા વિદ્યાર્થીઓને આજે તમે જે કહેશો તેની ઉપર પછીની પેઢી ભારતમાં શું કરશે તેનો આધાર રહેશે. શાળાઓમાંનાં આજનાં બાળકો આવતી સદીના આરંભમાં કામ કરતાં અને રાષ્ટ્રીય જવાબદારીઓ સંભાળતાં થઈ જશે. રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીનું અને જવાબદારીનું ભાન તમારે એમને આપવાનું છે. આપણા ભૂતકાળમાં જે કંઈ અભાવાત્મક અને નિર્બળતા પ્રેરક છે તેને તેમનાં મનમાંથી કાઢી નાખવા તમારે સહાય કરવાની છે. આપણા ભૂતકાલીન ઇતિહાસમાં કેટલીક બાબતો સારી છે તો કેટલીક ખરાબ પણ છે. ખરાબને દૂર કરીને સારી બાબતોને સુઢ કરવાની છે. પોતાના રાષ્ટ્રીય વારસનાં આ બે પાસાં વચ્ચે વિવેક કરતાં વિદ્યાર્થીઓએ શીખવું જ જોઈએ. પ્રત્યેક સાંસ્કૃતિક વારસાનાં આવાં બે લક્ષણો હોય છે. ખરાબ છે તેને અવગણવાની શક્તિ આપવાનું કાર્ય શિક્ષણ જ કરી શકે છે. ભાવાત્મક લક્ષણોને ઓળખીને એમની જાળવણી કરીને, ભાવાત્મક લક્ષણોને પોતાના યોગદાન વડે સુદૃઢ કરીને ભાવિપેઢીને તે આપવા માટે આપણા યુવાનોને તૈયાર કરવાનું કામ શિક્ષણ જ કરી શકે.
Your Content Goes Here




