(ગતાંકથી આગળ)
તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો મેં હમણાં જ વાપર્યા છે – વ્યક્તિ અને વિકસિત વ્યક્તિ. વ્યક્તિ તરીકે તમે જનીનમર્યાદિત અસ્તિત્વ છો, તમારા ગમાઅણગમાને અધીન, તમારી ઇચ્છાઓને અધીન, તમારી મહત્ત્વાકાંક્ષાઓને પણ અધીન છો. પણ જેવા તમે વિકસિત વ્યક્તિ બનો છો તેવા તમે વિકાસ પામો છો, બીજાઓના જીવનમાં પ્રવેશવા અને બીજાઓ પાસેથી પ્રતિભાવ પામવા સમર્થ બનો છો; વ્યક્તિ હોવું અને વિકસિત વ્યક્તિ બનવું વચ્ચેનો તફાવત આ જ છે. વ્યક્તિના કરતાં વિકસિત વ્યક્તિત્વ વધુ મહત્ત્વનો શબ્દ છે. બ્રિટિશ ચિંતક અને માનવતાવાદી બર્ટ્રેણ્ડ રસલે વ્યક્તિઓને બિલિયર્ડના દડા સાથે સરખાવ્યા છે. બીજા બિલિયર્ડ દડા સાથે કેમ અથડાવું તેટલું જ એક બિલિયર્ડ દડો સમજે છે. તે પ્રમાણે જ એક વ્યક્તિ બીજાની સાથે સહકાર સાધી શકતો નથી પણ ઘણી વાર તેની સાથે એ અથડાશે. વ્યક્તિની કક્ષાએ શિક્ષકો શિક્ષકો સાથે અને શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે અથડાય છે. વિકસિત વ્યક્તિ બનવાની સાથે બીજાંનાં હૈયાંમાં પ્રવેશવાની અને બીજાંને તમારાં હૈયાંમાં પ્રવેશવા દેવાની શક્તિ તમે પ્રાપ્ત કરો છો; બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એક જૂથ બનીને કામ કરવાની શક્તિ તમે ખીલવો છો. વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વમાં વિકાસ પામીને માનવી આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે કારણ એ આધ્યાત્મિક વિકાસ છે.
બ્રિટિશ જીવશાસ્ત્રી અને માનવતાવાદી જુલિયન હક્સ્લીએ (તૈલહાર્દ દ શાર્દિનના પુસ્તક ‘ધ ફિનોમિનન ઓફ મેન’ની પ્રસ્તાવનામાં) ‘વ્યક્તિ’ અને ‘વિકસિત વ્યક્તિત્વ’ની સુંદર, શાસ્ત્રીય વ્યાખ્યા આપી છે : ‘પોતાના જૈવિક વ્યક્તિત્વને જાગૃત બનીને સમાજમાં ભાગ લેવામાં પરિવર્તિત કરનાર વ્યક્તિ જ વિકસિત વ્યક્તિત્વવાળો છે.’
વ્યક્તિ તરીકે તમે માત્ર જૈવિક રીતે મર્યાદિત પુરુષ કે સ્ત્રી છો. સભાનપણે સામાજિક ભાગ ભજવીને તમે એ જનીન મર્યાદાને ઓળંગી વિકસિત વ્યક્તિ બનો છો. પ્રેમ કરવાની અને બીજાંનો પ્રેમ પ્રાપ્ત કરવાની ક્ષમતા તમે વિકસાવો છો. એના દ્વારા તમારી જૈવિક મર્યાદાને તમે વિકસાવો છો. વ્યક્તિત્વ જનીનતા મર્યાદિત અહં છે અને એ જનીનતામર્યાદાથી પર અહંનો વિકાસ તે વિકસિત વ્યક્તિત્વ. શ્રીરામકૃષ્ણ એને काचा आमि- કાચો અહમ્ અને- पाका आमि-પાકો અહમ્ કહે છે. જનીનમર્યાદા વગરનો બધો વિકાસ આધ્યાત્મિક વિકાસ છે. વેદાન્ત અનુસાર વ્યક્તિત્વ આધ્યાત્મિક વિકાસનું પહેલું સોપાન છે; સામુહિકતામાં ડૂબતાં મનુષ્યને રક્ષે છે અને એને માનવમુક્તિને અને પ્રતિષ્ઠાને સિંહાસને સ્થાપિત કરે છે. આ કેવળ માનવીય ઘટના છે; કોઈ પશુ વ્યક્તિત્વનો વિકાસ કરતું નથી કારણ કોઈ પશુમાં આત્મભાન કે અહં નથી. માનવબાળ બે કે અઢી વરસનું થાય ત્યારે તેનામાં આ વ્યક્તિત્વનો ખ્યાલ પ્રગટ થાય છે. માનવબાળની કેળવણીના પ્રથમ તબક્કે – એ પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં આ અહંભાવ કે વ્યક્તિત્વ પ્રબળ બને છે. પછી બીજાંની સેવા તરફ એને વાળીને, એની પોતાની જીવન અને કાર્યયોજનામાં એ બીજાંને સ્થાન આપતું થાય તે તરફ તેને વાળીને પાંચ વર્ષ સુધીના એના શિક્ષણનો પહેલો તબક્કો ગોઠવવાનો છે. પાંચ વર્ષ પછી વ્યક્તિમાંથી વિકસિત વ્યક્તિત્વ તરફના સ્થિર વિકાસના તબક્કાનો આરંભ કરી દેવો જોઈએ. નહીં તો બાળક એક સમસ્યા બનશે. લાગણી આઘાતો અને ગ્રંથિઓનો એ ભોગ બનશે અને બીજાંઓ સાથે પ્રસન્ન સંબંધો બાંધી નહીં શકે.
સંસ્કૃત કે હિંદીના બે શબ્દો આ સંદર્ભમાં આપણે વાપરી શકીએ : વ્યક્તિત્વ (individuality) માટે અને વિકસિત વ્યક્તિત્વ (personality) માટે. બાળક પ્રથમ વ્યક્તિ છે પછી એ વિકસિત વ્યક્તિ બને છે. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં અવિકસિત, બાપુશાહી સામાજિક પીઠિકાને કારણે ગ્રામ અને પછાત વિસ્તારોમાંથી આવતાં આપણાં બાળકોમાંથી ઘણાંને સ્પષ્ટ આકારવાળું વ્યક્તિત્વ નથી. કોઈ જ્ઞાતિનું, જાતિનું કે સમૂહનું એક અંગ એ રહ્યું છે પણ થોડાં અઠવાડિયાં શાળામાં ગાળ્યા પછી એનું વ્યક્તિત્વ ખીલે છે. ઘેર કે સામાજિક સમૂહમાં વ્યસ્ત દરેક બાળકના શિક્ષણનો પહેલો તબક્કો એના વ્યક્તિત્વના ગૌરવનું ભાન એને કરાવવાનું છે એમ વેદાન્ત કહે છે. ભારતમાં વિશાળ રાષ્ટ્રીય ધોરણે આ મોટું કામ આપણે હાંસલ કરવાનું છે. સતત સદીઓથી આપણાં કોટિજનો સામાજિક રીતે ડૂબેલાં રહ્યાં છે. શિક્ષણ દ્વારા એ લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યાં છે અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી રહ્યાં છે. માટે, વ્યક્તિત્વ (individuality) બધા આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું છે.’ એ પહેલા પગલા વિના વિકસિત વ્યક્તિત્વ (personality)નું બીજું પગથિયું નુકસાનકારક પુરવાર થાય – પણ માત્ર એ પહેલે જ પગથિયે અટકીશું તો આપણે અનેક જડ, આત્મકેન્દ્રી વ્યક્તિત્વવાળા શખસો ઊભા કરીશું. એ બધા એકબીજા સાથે અથડાતા બિલિયર્ડ બોલ જેવા હશે. ભારતમાં આજે એ જ બની રહ્યું છે. આપણે સૌ મુક્ત અને વ્યક્તિગત અધિકારોવાળી વ્યક્તિઓ છીએ. આપણા વ્યક્તિગત સ્વાતંત્ર્યને આધારે આપણે આ કે તે અધિકાર માગીએ છીએ. વ્યક્તિઓ તરીકે આપણામાં આપણી સ્વતંત્રતાની ભાવના છે પણ આપણી સામાજિક જવાબદારીની ભાવના જરાય નથી. આ પ્રકારનું જીવન એટલે સ્વતંત્રતા અને માનસિક અવિકસિતતાનું મિશ્રણ.
એટલે અમુક મર્યાદાથી પરનું વ્યક્તિત્વ આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્યને અને પ્રગતિને માટે કોઈપણ સમાજનાં સ્વાસ્થ્ય અને પ્રગતિને માટે ખૂબ ભયજનક છે. તેથી સામાજિક જવાબદારીના ભાવની ભરતીથી આવેલી માનસિક પરિપક્વતાથી સમૃદ્ધ થયેલું સ્વાતંત્ર્ય જેને મળ્યું છે તેવું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રત્યેક વ્યક્તિ ખીલવે તે માટેની સહાય તેને કરવી તે શિક્ષણનું બીજું સોપાન છે. આધ્યાત્મિક વિકાસનું આ બીજું પગલું મંડાશે ત્યારે કશુંક મહાન નિષ્પન્ન થશે. રાષ્ટ્રને એના શિક્ષિત વર્ગમાં મુક્ત અને જવાબદાર એવા લાખો ને લાખો લોકો સાંપડશે, ત્યારે જ સમગ્ર રાષ્ટ્ર પોતાના મહાન ભાવિ તરફ એક ડગલું આગળ ભરશે. આ આગેકદમમાં સહકાર અને સહકાર્યની આવશ્યકતા રહેશે. વ્યક્તિગત રીતે માનવીમાં આ નથી હોતું; તે માત્ર વિકસિત વ્યક્તિમાં પ્રગટે છે. એકબીજા સાથે અથડાયા વિના, એકબીજાની ઇર્ષ્યા કર્યા વિના અને એકબીજાના ટાંટિયા ખેંચ્યા વિના વ્યક્તિઓથી રહી શકાતું નથી. સહકારની, સહજીવનની અને સામુહિક રીતે કાર્ય કરવાની ક્ષમતા આવી વ્યક્તિઓ વિકસાવે છે અને આ ક્ષમતા આધ્યાત્મિક વિકાસની ઉપપેદાશ હોવાથી તે સહજ અને સ્વાભાવિક શક્તિ છે. જાગ્રત મનની સામાજિક ભાગીદારી દ્વારા વ્યક્તિમાંથી વિકસિત વ્યક્તિમાં થયેલ પરિવર્તન એ જ સુખી કૌટુંબિક જીવન અને પૂર્ણ રાષ્ટ્રીય ભાવાત્મક એકતા માટેનો એકમાત્ર માર્ગ છે. વિકસિત વ્યક્તિત્વોને એકત્રિત કરી શકાય છે પણ વ્યક્તિઓને નહીં; વિકસિત વ્યક્તિત્વોમાં એ અંદરથી પ્રગટે છે; બીજામાં એ બહારથી લાદવું પડે છે. આજે આપણી પાસે ઉચ્ચ પ્રકારનું સામુહિક કાર્ય કે પૂર્ણ સુગ્રથિત રાષ્ટ્રીયતા નથી કારણ, આપણે મોટે ભાગે વ્યક્તિઓ, શખ્સો છીએ, વિકસિત વ્યક્તિઓ નથી.
ત્યાગ અને સેવા
બાળકોને પ્રથમ વ્યક્તિત્વ અને પછી તરત જ વિકસિત વ્યક્તિત્વ પ્રાપ્ત કરવામાં સહાય કરવી તે કેળવણીની સાર્થકતા છે. એ સતત શિક્ષણ છે. વ્યક્તિત્વની કક્ષાએ માનવી પોતાની જાતને કેન્દ્રમાં રાખે છે અને જગત પોતાની આસપાસ રહે તેમ ઝંખે છે; વિકસિત વ્યક્તિ તરીકે એ માનવતાવાદી બને છે અને પોતાની આસપાસમાં લોકોને જાત સમર્પિત કરતાં તથા તેમની સેવા કરતાં શીખે છે. બધી સાચી કેળવણીમાં વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વનો આધ્યાત્મિક વિકાસ રહેલો છે. વિકાસ એટલે દેહના વજનનો કે કદનો વિકાસ નહીં, હકીકતો અને સૂત્રો ઉપરના પ્રભુત્વનો માત્ર બૌદ્ધિક વિકાસ નહીં પણ સ્વામી વિવેકાનંદે જણાવ્યા પ્રમાણે – ત્યાગ અને સેવાનાં મૂલ્યોના ગ્રહણ દ્વારા સધાતો આધ્યાત્મિક વિકાસ – ત્યાગ એટલે ‘કાચા અહં’નો ત્યાગ અને ‘પાકા અહં’નો આવિષ્કાર. એટલે કે માનવબંધુઓની સેવાનાં કાર્યોમાં વ્યક્તિત્વની અભિવ્યક્તિ. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘ભારતના રાષ્ટ્રીય આદર્શો ત્યાગ અને સેવા છે. આ બે પ્રવાહોને મજબૂત બનાવો, બાકીનું બધું થઈ રહેશે.’ (ધ કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ : ભાગ – ૫)
આ સંદેશે ભારતમાં ચેતના પૂરી અને માણસ વડે માણસના થતાં શોષણના માર્ગને છોડીને સેવાનો માર્ગ ગ્રહણ કરતાં શીખવ્યું અને આજે પણ તેમ શીખવી રહ્યો છે. આધ્યાત્મિક અને અધ્યાત્મ શબ્દોથી ગભરાશો નહીં. માનવીની જનીન મર્યાદાથી પર માનવવિકાસની ઉચ્ચતર સપાટીને ધ્યાનમાં લઈએ તો એ સાર્થક શબ્દ છે. જન્મ સમયે આપણે સૌ જનીન મર્યાદાથી બદ્ધ છીએ; પરંતુ આ જનીન મર્યાદાની ઊંચે ઊઠવાની જૈવિક શક્તિ પ્રકૃતિએ આપણને આપી છે. આપણી જાતથી પર ઊઠીને બીજાઓને પ્રેમ કરવાની, બીજાઓની સેવા કરવાની, બીજાઓમાં આપણી વત્સલતા આરોપવાની અને આપણી અંદર બીજાઓને વત્સલતા આરોપવા દેવાની ક્ષમતા આપણામાં છે. આ વિશિષ્ટ માનવ શક્તિ છે અને બાહ્ય ભૌતિક પ્રકૃતિમાં પ્રતિબિંબિત થતા પરિમાણ કરતાં મનુષ્ય પ્રકૃતિમાંનું ઊંચેરું પરિમાણ પ્રગટ કરે છે. સમાજમાંની બીજી વ્યક્તિઓના પ્રતિસાદરૂપે બાળકમાં આ ઊંચેરું આધ્યાત્મિક પરિમાણ પ્રગટ થાય છે. આપણે એને નૈતિક અને માનવીય મૂલ્યો કહીએ છીએ. આ મૂલ્યો માનવીના આધ્યાત્મિક વિકાસની ઉપપેદાશ છે. એટલે જ એને વિકસિત વ્યક્તિત્વ કહેવામાં આવે છે. બીજાંની સાથે શાંતિથી રહેવા, કામ કરવા, એમને ચાહવા અને એમની સેવા કરવા આપણાં બાળકો શક્તિમાન બને છે ત્યારે તેમણે વિકસિત વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું છે; ત્યાં સુધી તેઓ સામાન્ય વ્યક્તિ જ હતાં. વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વનો આ આધ્યાત્મિક વિકાસ પ્રથમ આપણા સૌ શિક્ષકોમાં પ્રગટવો જોઈએ. એને માટે મથવું અને પ્રાપ્ત કરવો જોઈએ. પછી એમણે પોતાના વિદ્યાર્થીઓને એ પ્રાપ્ત કરવા સહાય કરવી જોઈએ. આપણી કેળવણીમાં આ મૂળભૂત, મહાન સોપાન આપણે ભરવાનું છે. મૂલ્યલક્ષી કેળવણીનો અને માનવસંશાધન વિકાસનો આ આત્મા છે; આ જ છે હોવાનું શિક્ષણ (learning to be). એ વર્તમાન-learning to be-ક્રિયાશીલતાના શિક્ષણમાં વૃદ્ધિ કરે છે. યુનેસ્કોના કેળવણી પરના અહેવાલનું શીર્ષક એટલે સાર્થક રીતે – learning to be રાખ્યું છે.
આજે આપણે માનવસંશાધન વિકાસની વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિત્વથી વિકસિત વ્યક્તિત્વના આ આધ્યાત્મિક વિકાસમાં એક અગત્યનું પાસું જોઈએ છીએ : શિક્ષક વર્ગખંડના વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે – કેવી તો સામાજિક અગત્યની પરિસ્થિતિ એ છે! આવા હજારો વર્ગોમાં આખું રાષ્ટ્ર બેઠેલું છે. એ વર્ગોમાં આપણે જે કંઈ કરીએ છીએ તે દ્વારા આપણે રાષ્ટ્રનું ઘડતર કરીએ છીએ. આપણી લોકશાહીને સુદૃઢ કરે તેવા ગુણો અને તેવી સદ્ભાવોની આપણે તેમને કેળવણી આપીએ છીએ. માનવતાવાદી અભિગમથી અને સેવાભાવનાથી આપણે તેમને સમૃદ્ધ કરીએ છીએ. વ્યક્તિત્વના કે ચારિત્ર્યના વિકાસનું સૌથી ઉપયોગી અંગ સેવાભાવના છે. પોતાની વધારાની શક્તિ, પોતાનું વધારાનું જ્ઞાન કે સત્તાને બીજાંની સેવામાં રોકતાં શીખે ત્યારે વ્યક્તિ સાચો માનવ બને છે; ત્યાર પછી ચારિત્ર્યશક્તિ નામનો નવો શક્તિસ્રોત એનામાં વિકસે છે. શારીરિક શક્તિ અને માનસિક શક્તિથી વિશેષ આ ત્રીજો અને શ્રેષ્ઠ શક્તિસ્રોત છે. જે શિક્ષણ પહેલા બે શક્તિસ્રોતોને વિકસાવે અને ત્રીજાની ઉપેક્ષા કરે ત્યાં ‘કાચા અહં’નો જ નિત્ય વિકાસ થવાનો અને તેની પાછળ આક્રમણ અને શોષણ આવવાનાં. આત્મકેન્દ્રી હોવાથી ‘કાચો અહં’ નિત્ય આક્રમક રહે છે. પણ એ ‘પાકો અહં’ બને છે ત્યારે પોતાની જીવન ફિલસુફીમાં બીજાઓને સ્થાન આપતાં એ શીખે છે. પછી એ સમાજને પ્રશ્ન કરતાં શીખે છે: ‘તમારે માટે હું શું કરી શકું? તમને કઈ રીતે મદદ કરી શકું?’ પ્રયત્ન વિના આ સહજ રીતે બને છે. સ્વકેન્દ્રી વ્યક્તિ અને પરકેન્દ્રી વ્યક્તિ વચ્ચેનો આ તફાવત છે. આ વાતના દૃષ્ટાંત તરીકે શ્રીરામકૃષ્ણની એક સુંદર દૃષ્ટાંત કથા તમને કહું છું :
પોતાનાં બે બાળકો માટે એક માણસ એકવાર બજારમાંથી બે ફળ લઈ ઘેર આવ્યો; બેઉ દીકરાઓને એકેક ફળ આપ્યું. મોટા દીકરાએ ફળ લીધું એને એ ગમ્યું અને પોતાને ઓરડે જઈને બારણું વાસી એ ફળ એ ખાઈ ગયો. પછી મોઢું લૂછી એ બહાર આવ્યો. બીજા દીકરાએ એ ફળ લીધું, એને એ ગમ્યું પછી એ સીધો પોતાના મિત્રો પાસે ગયો અને ભાગ પાડીને સાથે ખાધું.
આ બંનેમાંથી સાચો શિક્ષિત કોણ? મોટો ખૂબ હોશિયાર છે પણ એની હોશિયારી સ્વકેન્દ્રી હોવાને લીધે માત્ર ચતુરાઈ બની ગઈ છે; ત્યાં આપણને વ્યક્તિ જોવા મળે છે, વિકસિત વ્યક્તિ નહીં. પરંતુ બીજામાં એ વ્યક્તિત્વ બરાબર વિકસ્યું છે. બીજાંનો વિચાર કરવા સરખું એ આધ્યાત્મિક વિકાસ પામ્યું છે; એને બીજાની ચિંતા છે અને એનામાં સેવાભાવના વિકસી છે. અહીં આપણને બાળકનો નૈતિક અને માનવીય વિકાસ જોવા મળે છે. આ જાતનો અભિગમ અપનાવવા, આ પ્રકારનો આધ્યાત્મિક વિકાસ સાધવા આપણાં બાળકોને આપણે સહાય કરવી જોઈએ.
આજે આપણા સમાજમાં સેવાભાવના બહુ ઓછી જોવા મળે છે. કોઈપણ કચેરીએ તમે જાઓ પણ કોઈને તમારી પડી જ નથી; કોઈ તમને દાદ દેતું નથી, તમારા હક્કનું જ હોવા છતાં તમારો પગાર કે પેન્શન તમને મહિનાઓ સુધી મળતાં નથી. કારણ? આ કામ કરતા લોકોને બીજાની કશી જ પડી નથી. એ લોકો માત્ર સ્વાર્થ સાધતાં જ શીખ્યા છે અને તેમને પોતાની જ પડી છે. પરંતુ વિદેશોમાં બધે સેવાભાવનાનો આ પ્રાથમિક ગુણ મને જોવા મળ્યો છે. ત્યાં સર્વત્ર લોકોને બીજાંની પડી છે. દુર્ભાગ્યે આપણા દેશમાં એનો અભાવ છે. વાંક આપણા પ્રવર્તમાન શિક્ષણનો છે. કેવળ વૈયક્તિક મહત્ત્વાકાંક્ષાના અને વિકાસના સાધન તરીકે શિક્ષણની સંકુચિત પરિકલ્પના કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાંનાં મારાં પ્રવચનોમાં આ સત્યનું એક ઉદાહરણ હું આપું છું:
૧૯૬૨માં દિલ્હીનું રામકૃષ્ણ મિશન છોડ્યા પછી કલકત્તાના પ્રભાવક રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરની જવાબદારી પાંચ વર્ષ માટે મારે શિરે હતી. એનું એક આંતરરાષ્ટ્રીય સદન છે ને તેને સંલગ્ન વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટેનું છાત્રાલય છે. તેમજ આખા જગતમાંથી આવતા અતિથિઓ માટેનું અતિથિભવન છે. એના મેનેજર તરીકે એક ડચ મહિલા હતાં પણ તેઓ બ્રિટિશ નાગરિક હતાં. એક દહાડો ખૂબ આનંદિત થઈને એ મારી પાસે આવ્યાં અને મને કહેવા લાગ્યાં ‘સ્વામીજી, મને ઈંગ્લેંડથી પત્ર મળ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વૃદ્ધત્વના પેન્શનની હું હક્કદાર છું અને તેની સાથે ચેક પણ છે. એ માટેના મારા હક્કની મને કશી ખબર જ ન હતી!’
હવે આનો અર્થ જરા સમજો. બ્રિટિશ સરકાર પાસેથી પોતાને શું મળવાપાત્ર છે એ વિશે એ બાનુ અજ્ઞાત હતી; પણ લંડન સ્થિત ઓફિસ પરિસ્થિતિનો બરાબર તાગ મેળવતી હતી અને દૂર દૂર ભારતમાં રહેતા પોતાના એક નાગરિકને એના માગ્યા વિના કે ઓફિસના ઉંબરા ઘસ્યા વિના એનો હિસ્સો સામેથી આપે છે! પરસેવો પાડીને મેળવેલા પેન્શન માટે ભારતમાં તમારે ઓફિસના દરવાજા કેટલા ખટખટાવવા પડે છે! એ બતાવે છે કે આપણા શિક્ષણે માત્ર સ્વકેન્દ્રી વ્યક્તિઓના ઘાણ પછી ઘાણ જ કાઢ્યા કર્યા છે અને સામાજિક ઉત્તરદાયિત્વ વાળી વ્યક્તિઓ બહુ થોડી છે. ત્યાગ અને સેવાની આ ભાવનાનો વિકાસ, સાદા વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વનો આ વિકાસ શિક્ષણ સમક્ષ આજનું સૌથી અગત્યનું કાર્ય છે. ચાલો આપણે સૌ ત્યાગ, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર ભરેલા વિકસિત વ્યક્તિ બનીએ. વિકસિત વ્યક્તિત્વવાળા શિક્ષકો જ પોતાના વિદ્યાર્થીઓને વિકસિત વ્યક્તિ બનવામાં સહાયરૂપ બને છે. આ જ શિક્ષણનો આત્મા છે. સ્વામી વિવેકાનંદે આને સંક્ષિપ્ત અને સ્પષ્ટ સ્વરે આમ કહ્યું છે : ‘(માનવ) બનો અને બનાવો, આ આપણો મુદ્રાલેખ બનવો જોઈએ.’ તમે પોતે વિકસિત વ્યક્તિ બનો અને બીજાને વિકસિત માનવ બનવામાં સહાય કરો.
વૈજ્ઞાનિક અને માનવતાવાદી મિજાજનો અધ્યાત્મભાવ
સેવાવૃત્તિને વરેલા લોકો વધતા જશે, બીજાંઓની આવશ્યકતાઓ અને મુશ્કેલીઓ પ્રત્યે લોકો સંવેદનશીલ થશે, માનવ કોયડાઓનો પ્રતિસાદ સ્વભાવિક રીતે અને સહજ રીતે દેનાર થશે ત્યારે આપણો દેશ વિકાસ પામશે અને આ બધી ગરીબાઈ અને નિરક્ષરતા નાબૂદ થશે. કેળવણી દ્વારા સૌ પ્રથમ આ વિકાસ થવો જોઈએ. બધો વિકાસ વિચાર અને વિવેકમાંથી ઉદ્ભવે છે. પોતાની જાતે વિચાર કરતાં કરવાની તાલીમ આપણાં બાળકોને આપવાની જરૂર છે; એમનામાં આપણે વૈજ્ઞાનિક અભિગમ અને માનવતાવાદી અભિગમ દૃઢ કરવો જોઈએ. ૧૮૯૬માં લંડનમાં આપેલા વ્યવહારુ વેદાન્ત પરના (ધ કંપ્લીટ વર્ક્સ, વો. ૨, પૃ. ૩૩૬) પ્રવચનમાં સ્વામી વિવેકાનંદ કહે છે :
‘પ્રગતિ, વિકાસ અને અનુભૂતિની આપણને જરૂર છે. કોઈ સિદ્ધાંત માનવીને ઊંચે ચડાવી શકતો નથી. ગ્રંથોના ઢગલા આપણને પવિત્રતા આપી શકતા નથી. શક્તિ માત્ર અનુભૂતિમાં છે ને તે આપણી ભીતર છે અને તે ચિંતનથી આવે છે. માનવીઓને વિચારવા દો. માટીનું ઢેફું કદી વિચાર કરતું નથી; એ માટી જ રહે છે. માનવી વિચારવંત પ્રાણી છે તે જ એની મહત્તા છે. વિચારવું એ મનુષ્ય પ્રકૃતિ છે અને ત્યાં જ એ પશુઓથી જુદો પડે છે.’
આ મહાન આદર્શ માટે ભારતમાં આપણે મથવાનું છે. આપણને નિર્બળ બનાવતાં વહેમો, જૂનવાણી જડ વિચારો અને માનવવિરોધી રિવાજોનો બોજો આપણે વેંઢારી રહ્યાં છીએ. એટલે માત્ર વૈજ્ઞાનિક વિષયોના શિક્ષણ ઉપર ભાર દેવા સાથે વૈજ્ઞાનિક અભિગમના વિકાસ ઉપર પણ ભાર દેવો જોઈએ. વેદાન્તની સમજ અનુસાર આ બંને મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ દર્શાવે છે. સત્યની અન્વેષણાત્મક ખોજ અને મનુષ્યની સુખ-કલ્યાણ માટેની ધગશ એ નિર્દેશે છે. આ કાર્ય કેવળ વિજ્ઞાનના શિક્ષકોનું જ નથી પણ બધા શિક્ષકોનું છે. આપણે કેળવણી દ્વારા આપણા દેશને એક વિચારશીલ, અન્વેષક દૃષ્ટિવાળો, વૈજ્ઞાનિક અભિગમ સાથેના સમજવાળો, સત્ય માટે અત્યંત ચાહના રાખનારો અને સમગ્ર માનવ કલ્યાણની ખેવના કરનારા રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો છે.
આ બંને ધગશ ધરાવતી પ્રજા સર્જનશીલ અને ગતિશીલ છે. આપણાં બાળકોમાં આપણે આ બેવડી ધગશ કેળવીશું તો જ પોતાના રાષ્ટ્રના મહાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સમજવાની ધગશ પણ આપણે તેમનામાં કેળવી શકશું. પછી તેઓ ઉપનિષદોના ઉદાત્ત તત્ત્વજ્ઞાનને અને અધ્યાત્મને તથા તેમના શાસ્ત્રીય અભિગમને સમજતાં શીખશે. સત્ય માટેની અને માનવસુખ અને કલ્યાણ માટેની ધગશે ઉપનિષદોના ઋષિઓને પ્રેર્યા હતા. તર્કબદ્ધ પ્રશ્નો, ખોજ અને ઊંડા ધ્યાન દ્વારા એમણે સ્વધ્યેયની પ્રાપ્તિ કરી હતી. અન્વેષક, સત્યશોધક અને શાસ્ત્રીય ચિત્તના વિકાસ દ્વારા જ આપણી સંસ્કૃતિની મહત્તા આપણે સમજી શકીશું.
તર્કપૂત, પૃચ્છક અભિગમ ઉપર જ વેદાન્ત હંમેશાં ભાર મૂકે છે. તેથી આવા અન્વેષણાત્મક, શાસ્ત્રીય, સત્યશોધક અભિગમને વિકાસાવવા બાળકોને આપણે સહાય કરવી જોઈએ. સત્ય શું છે? સત્યમય જીવન શું છે? અસત્યમય નહીં પણ સત્યમય જીવન કેવી રીતે જીવવું? આ પ્રકારની પૂછપરછ અને અભિગમ આપણા બાળકોમાં નિહિત ઉચ્ચતમ શક્યતાઓને બહાર લાવવામાં સહાયરૂપ થશે. આવું પરિવર્તન પામેલ બાળકોથી આપણું રાષ્ટ્ર માનવસંસાધન સ્રોત રૂપી રાષ્ટ્રના સાચા ધનનો વિકાસ સાધી શકશે; એ જ સાચો વિકાસ છે. જ્ઞાતિ, ધર્મ, વંશ, જાતિના ભેદ વિના આ બાબતો જ મનુષ્યને મનુષ્ય સાથે જોડશે અને આપણા રાષ્ટ્રને મહાન બનાવશે. આપણું વેદાન્તનું તત્ત્વજ્ઞાન મનુષ્યની આ તાત્ત્વિક એકતાના સત્ય ઉપર ભાર મૂકે છે. વેદાન્ત પ્રમાણે પ્રાણીમાત્રમાં એક જ શક્તિ વહે છે. વ્યક્તિત્વથી વિકસિત વ્યક્તિત્વ સુધીના આ આધ્યાત્મિક વિકાસની ઉપપેદાશ રૂપે પ્રેમ અને બીજાંની ખેવના જન્મે છે.
તમારા રાષ્ટ્રની મહાન ફિલસુફી-વેદાન્તના પરિપ્રેક્ષ્યમાં ઉપર્યુક્ત બે શબ્દોનો અર્થ સમજવા કોશિશ કરો. સ્વામી વિવેકાનંદ વેદાન્તધર્મની આવી વ્યાખ્યા આપે છે : ‘માનવીમાં પહેલેથી રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ.’ આનો અંશમાત્ર આવિષ્કાર પણ પ્રેમ, સેવા, સર્જકતા અને શાંતિ નિષ્પન્ન કરે છે. માનવને એ વધારે શક્તિ બક્ષે છે અને એ શક્તિને સમાજની સેવા તરફ વાળે છે. માનવસંસાધન શક્તિસ્રોતની વૃદ્ધિ અને તેને માનવીય દિશામાં વાળવો એ જ કેળવણીનો આત્મા છે. બાળકને આ સઘળું શિક્ષક પાસેથી પ્રાપ્ત થવું જોઈએ. જ્ઞાનવૃદ્ધિ શક્તિવૃદ્ધિમાં પરિણમે છે. તમારા વિદ્યાર્થીઓને જ્ઞાન ભણી દોરો; જ્ઞાનની એ ખોજ પોતાનાં પાઠ્યપુસ્તકો પૂરતી જ મર્યાદિત ન બનાવે તેનું ધ્યાન રાખજો. એમને પુસ્તકાલયમાં જવા, મૂળ ગ્રંથોનું અધ્યયન કરવા, વધારે ને વધારે ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કરવા, શીખ્યા હોય તેનું ચિંતન કરવા અને બીજા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે તેની ચર્ચા કરવા પ્રેરજો. આમ શિક્ષક માત્ર શીખવતા નથી પણ વિદ્યાર્થીઓને જાતે જ્ઞાનની ખોજ કરવા તરફ વાળે છે. પરદેશોમાં વિદ્યાર્થીઓને આમ કરતા મેં જોયા છે; ત્યાં જ્ઞાનનો પ્રેમ છે અને જ્ઞાનની ખોજની તપસ્યા છે. વિદ્યાર્થીઓ માટે વપરાતો સંસ્કૃત શબ્દનો અર્થ ‘વિદ્યાર્થી – વિદ્યા+અર્થી’ એટલે કે વિદ્યાનો ઉપાસક કે તપસ્વી એવો થાય છે. આવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આપણા દેશના ઇતિહાસના આરંભ કાળનાં ૩૦૦૦ વર્ષોને અજવાળતાં હતાં. પાછલાં હજાર વરસોથી જ બંધિયારપણું પેઠું છે ને એમાંથી આજે આપણે આપણી જાતને બહાર કાઢી રહ્યાં છીએ. વિદ્યાર્થીની જ્ઞાનપ્રાપ્તિની આગવી દૃષ્ટિને આપણી સમૃદ્ધ સંસ્કૃત પ્રણાલીમાં અહીં આપેલા સૂત્રબધ્ધ કાવ્યમાં કેવી સુંદર રીતે વર્ણવી છે :
आचार्यात् पादं अधत्ते पादं शिष्य: स्वमेघया ।
पादं सब्रह्मचारिभ्य: पादं कालक्रमेण च ॥
‘વિદ્યાર્થી આચાર્ય પાસેથી ચોથા ભાગનું જ્ઞાન મેળવે છે, પોતાની મેધા વડે બીજા ચોથા ભાગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે; ત્રીજા ચોથા ભાગનું જ્ઞાન અન્ય બ્રહ્મચારીઓ, સહપાઠીઓ સાથેના કાર્યવ્યવહારથી મેળવે છે અને છેલ્લા ચોથા ભાગનું જ્ઞાન તે કાળક્રમે જીવન અને કાર્ય દ્વારા પ્રાપ્ત કરે છે.’
શિક્ષણના બધા સ્તરે જ્ઞાનની આ ક્ષુધા આજે આપણે ગુમાવી બેઠાં છીએ; આપણે એને ફરીથી હસ્તગત કરવાની છે. મારા પુસ્તક, ‘ધ મેસેજ ઓફ ઉપનિષદ્ – ઉપનિષદોનો સંદેશ’ – (એપેંડિકસ, પૃ. ૬૦૭-૯, ભાર. વિ. ભવન, સબ્સિડાઈઝડ એડિશન)માં સર જુલિયન હક્સ્લીએ પોતાના પત્રમાં અને એ પત્રના મારા ઉત્તરમાં જણાવ્યા પ્રમાણે આજે તો માત્ર ડિગ્રીઓ અને નોકરીની જ પાછળ સૌ પડ્યા છે : ‘આપે – સર જુલિયન હક્સ્લીએ (પોતાના પત્રમાં) આવી ટીપ્પણી કરી છે : ‘(ઉપર્યુક્ત પુસ્તકના ૨૬૩મા પૃ. ૫૨) શિક્ષણ કેવું હોવું જોઈએ તેની અદ્ભુત વ્યાખ્યા સ્વામી રંગનાથાનંદજીએ આપી છે. પરંતુ ભારતની મારી મુલાકાતોએ મને બતાવ્યું છે કે ભારતના મોટા ભાગના કોલેજિયનોનો હેતુ આવું શિક્ષણ માણવાનો નહીં પણ નોકરી મેળવવામાં સહાયરૂપ થાય તેવી ડિગ્રી મેળવવાનો હતો.’
‘દુર્ભાગ્યે આ ઘણું બધું સાચું છે. ઓગણીસમી સદીના વૈજ્ઞાનિક અને એમાંય વિશેષ કરીને જીવશાસ્ત્રીય ભૌતિકવાદના પરિપાક જેવા ઐહિક સુખોપભોગની લાલસાના એકહથ્થુ સામ્રજ્યે ભારતના યુવાનો પર ઘેરી અસર પાડી છે. એણે યુવાનો પર અને બીજા અન્ય સ્થળે સર્વત્ર પોતાનો પ્રભાવ પાથર્યો છે. વીસમી સદીનું વિજ્ઞાન ખાસ કરીને જીવવિજ્ઞાનનો સંદેશ તથા મનોસામાજિક ઉત્ક્રાંતિ વિશેનો આપનો સંદેશ તેમજ જીવનનું ગુણાત્મક સમૃદ્ધીકરણ પર ભાર – પૂર્વ અને પશ્ચિમમાં આવો સાર્વત્રિક રીતે સામાજિક અભિગમ વિકસે અને એ ચલણી સિક્કો બને – તેનો પ્રભાવ પડે તેને થોડા દાયકાઓ લાગશે. શિક્ષણમાં ભારત મથી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમમાંથી, પ્રાચીન તેમજ અર્વાચીનમાંથી આ ક્ષેત્રમાં અવતરવા તેની પાસે પુષ્કળ સમૃદ્ધિ છે; ખાસ કરીને સ્વામી વિવેકાનંદ, ટાગોર અને ગાંધીજી જેવા અર્વાચીન ચિંતકો અને નેતાઓ પાસેથી તેને સારી પ્રાપ્તિ થાય તેમ છે, શિક્ષણ વિષયક સ્વામી વિવેકાનંદનાં કેટલાંક લખાણોના નાના પુસ્તકના આમુખમાં ગાંધીજી કહે છે : ‘વિવેકાનંદની ઉક્તિઓને કોઈની પ્રસ્તાવનાની આવશ્યક્તા નથી; તે પોતાની મેળે અપ્રતિરોધ્ય પ્રભાવકતા ઊભી કરે છે.’
(ક્રમશ:)
Your Content Goes Here




