નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ ગુડી (અહીંથી કરસંગ થઈને દાર્જીલિંગ જવાય છે.) વગેરે સ્થળોથી પસાર થાય છે. આ વિસ્તાર એટલે પૂર્વાંચલ વિસ્તારનું કાશ્મીર ગણાય. ઊંચા પાઈનનાં વૃક્ષો અને ચાના બગીચાથી છવાયેલો પ્રદેશ; જ્યાં નજર કરો ત્યાં લીલીછમ હરિયાળી, સોપારીનાં વૃક્ષો, કેળનાં વૃક્ષો અને ડાંગરનાં ખેતરોથી છવાયેલો પ્રદેશ જોવાની ઓર મજા છે. માતા પ્રકૃતિએ અહીંના લોકો પર મીઠી મહેર વરસાવી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ક્યાંય ક્યાંય લીલાછમ છોડ સાથેના પીળચટક ફૂલોથી શોભતાં રાઈ-સરસવનાં ખેતરો આ ભૂમિને અત્યંત રમણીય બનાવે છે. જલપાઈગુડીથી ન્યુ કુચબિહાર થઈને ગૌહાટી બીજે દિવસે સાંજનાં ૫-૪૦ વાગ્યે પહોંચ્યાં. વચ્ચે બ્રહ્મપુત્રા નદી સાગરના વિશાળ પૂલ પરથી ટ્રેઈન પસાર થઈ ત્યારે બ્રહ્મપુત્રાના પ્રથમ દર્શન કરીને આનંદ અનુભવ્યો. સ્ટેશને શ્રીરામકૃષ્ણ આશ્રમના સ્વામીજી સામે આવ્યા હતા. અમારો ઉતારો સ્ટેશનની સામે જ આવેલી હોટેલ મયૂરમાં હતો. ત્યાં ઉલ્ફા આતંકવાદને લીધે મોઢું જોઈને અને પૂરી ખાતરી કરીને જ ઉતરવાની સુવિધા પ્રાપ્ત થાય. સ્ટેશને પણ બધો સામાન ચકાસીને બહાર જવા દે આપણા દેશના ટૂંકી બુદ્ધિના સ્વાર્થી અને દેશદ્રોહી વિચારવાળા થોડા-અલ્પ સંખ્યાના આવા આતંકવાદીઓ દેશને-દેશની શાંતિને કેવી ડહોળી રહ્યા છે એનો ખ્યાલ આપણને આવી જાય છે. હોટેલની નીચે ઘણા દિવસ પછી ગુજરાતી થાળી જમવા મળી.

સવારે ટૅક્સીમાં બેસીને ઊંચા ટેકરા પર આવેલ કામાખ્યાવીના સુપ્રસિદ્ઘ માતાજીના મંદિરનાં દર્શને ગયાં. ત્યાં દર્શન પૂજા વગેરે પતાવીને નજીકમાં જ આવેલા ભુવનેશ્વરી માતાનાં દર્શન કરીને ‘ગૌહાટી દર્શન’ કર્યું. ચારે બાજુ લીલીછમ ટેકરીઓની વચ્ચે બ્રહ્મપુત્રાના કિનારે આવેલું આસામનું પાટનગર એટલે ગૌહાટી. કામાખ્યા માતાનાં દર્શન કરીને અમે ઉપડ્યા બ્રહ્મપુત્રાના કિનારે આવેલા શુક્લેશ્વર શિવ મંદિરે. સોમવાર હતો અને નીચે સોએક પગથિયાં ઊતરીને બ્રહ્મપુત્રાના પાણીથી શિવને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવાનો અનન્ય લહાવો અમને સાંપડ્યો. વિશાળ શિવલિંગ પર બધા ભાવિકો અભિષેક કરતા હતા અને શિવ-ભક્તિનું અનેરું વાતાવરણ ઊભું થઈ જતું હતું. ત્યાંથી હોડીમાં બેસીને સામે કાંઠે–આમ તો નદીની વચ્ચે-ટેકરી પર આવેલા ઉમાનંદ મહાદેવનાં દર્શને ગયાં. અહીં બધાં મંદિરો ટેકરી પર, રળિયામણાં અને હરિયાળીથી છવાયેલાં. શ્યામમંદિર, વશિષ્ઠ આશ્રમ, ગાંધીમંદિર થઈને શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પહોંચ્યાં. ત્યાં મંદિરમાં દર્શન કરીને પ્રસાદ લઈને અમારા ઉતારે પહોંચ્યાં. ત્યાંથી સાંજના ૪ વાગ્યે ગૌહાટીથી ૨૫ કી.મી. દૂર આવેલ તિરૂપતિ બાલાજીના મંદિરે દર્શન કર્યાં અને સાંજના છ વાગ્યે ઉતારે પરત આવ્યાં.

બીજે દિવસે સવારે ૮મી તારીખે અમે અરુણાચલ પ્રદેશના ઇટાનગર જવા ઉપડ્યાં. બસનો રસ્તો પ્રમાણમાં સારો પણ વચ્ચે વચ્ચે ધોવાણ થઈ ગયેલા બિસ્માર રસ્તાની યાત્રા એટલે કઠિન યાત્રા. રસ્તામાં નોગાંવ, તેજપુર, શોણિતપુર વગેરે આસામના શહેરોને વટાવીને અમે પાંચેક વાગ્યે અરુણાચલ પ્રદેશની સરહદે પહોંચ્યા. આ રાજ્યમાં જવા માટે Inner Line Permission મેળવવી અનિવાર્ય છે. અમારી પરવાનગી ગૌહાટીમાં સ્વામીજીએ અગાઉથી કઢાવી રાખી હતી. બિસ્માર રસ્તા, ખાવા-પીવાની ચીજવસ્તુઓનો આપણી ગુજરાતીઓની દૃષ્ટિએ અભાવ અને બાર કલાકની લાંબી પર્વતીય પ્રદેશોની યાત્રા એટલે કઠિન યાત્રા. પણ રસ્તાની બંને બાજુએ પ્રકૃતિએ વેરેલા સૌંદર્યને નિહાળીને આપણો થાક-કંટાળો દૂર થઈ જાય. ઊંચાં પાઈનનાં વૃક્ષો, હરિયાળીથી છવાયેલી ટેકરીઓ, વચ્ચે વચ્ચે સપાટ મેદાનમાં છવાયેલાં ધાનનાં ખેતરો, સોપારી-કેળનાં વૃક્ષો, સંતરાનાં વૃક્ષો, ચાના બગીચા અને પાણીથી છલકાતી મલકમલક મલપતી ચાલે વહેતી નદીઓ, ખેતરોની આસપાસ ભરેલાં પાણીનાં તળાવડા, ઊંચા પહાડી પ્રદેશની રમણીય દર્શન સૌંદયવાળી યાત્રા આપણને ઘડીભર પ્રભુ સન્મુખ લઈ જાય એવી ધન્ય બનાવતી અને સૌંદર્ય દર્શન કરાવતી એક અવિસ્મરણીય યાત્રા. રમણીયભૂમિનાં દર્શન કરતાં કરતાં સાંજના ૭-૪૦ વાગ્યે નહરલ ગામ થઈને ઇટાનગર પહોંચ્યાં. અહીં છે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ માટેનું આરોગ્ય ધામ-હૉસ્પિટલ. રામકૃષ્ણ મિશનની આ હૉસ્પિટલનાં આઉટડોર પેશન્ટ વિભાગનું કામ ત્યારેય ચાલુ હતું. ત્યાંનાં કર્મચારી બહેનની મદદથી અમારા આગમનની વાત સ્વામી પ્રથમાનંદજી સાથે થઈ. તેમણે અમને સીધા સાધુ-નિવાસમાં બોલાવ્યા. ત્યાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીની છબિઓવાળું નાનું પણ સ્વચ્છ, સુઘડ અને શાંત વાતાવરણવાળું મંદિર-પવિત્ર ખંડ. અહીં દર્શન કરીને અમે રમેશ મહારાજ (સ્વામી વિશ્વાત્માનંદ) અને પ્રીતિ મહારાજ (સ્વામી પ્રથમાનંદજી) સાથે ચા-પાણી લઈને સીધા ઉતારે ગયા. ઉતારામાં પણ સરસ મજાની વ્યવસ્થા. ચારે બાજુ લીલીછમ ટેકરીઓનાં સૌન્દર્યદર્શન, આપણને એક રોમાંચ કરી જાય તેવાં સૌન્દર્યદર્શન. રાતના અનાથ મહારાજ સાથે પણ મુલાકાત થઈ. અહીંના અન્ય સ્વામીજીઓને મળીને અમે આનંદ અનુભવ્યો. રાતના ભોજન બાદ બાર કલાકની બસયાત્રાનો થાક ઉતારવા અમારી આંખ પથારીમાં પડતાંની સાથે જ મિચાઈ ગઈ. સવારના છ કેમ વાગી ગયા એની ખબર પણ ન રહી. બીજે દિવસે સવારે આઠ વાગે ચા-નાસ્તો પતાવી થોડું કામકાજ કરી અમે ૯-૪૦ વાગ્યે હૉસ્પિટલની મુલાકાતે ગયાં. આ હૉસ્પિટલ એટલે જીવતું જાગતું માનવસેવાનું સમર્પણ ભાવે ચાલતું એક અનન્ય આરોગ્યધામ. શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના માનસપુત્રો-સંન્યાસીઓના સર્વસમર્પણભાવથી ચાલતી સંસ્થા, એટલે એમના હાથે તો બધું દિવ્ય બની જાય, ભવ્ય બની જાય અને એક આદર્શ રૂપ બની જાય. ૧૨ વાગ્યા સુધી હૉસ્પિટલના બધા વિભાગોનું દર્શનનિરીક્ષણ કરવાની કોઈ ઓર મજા છે. ૧૨-૪૦ વાગ્યે ભોજન કરીને અમે ત્રણ વાગે ચા-પાણી પતાવી નિકળ્યા ઇટાનગરદર્શન માટે.

સૌ પ્રથમ અમે મુલાકાત લીધી ત્યાંના મ્યુઝિયમ-પ્રદર્શનઘરની. આની વિશિષ્ટતા એ છે કે આ પ્રદેશના લોકો તેમની રહેણીકરણી, તેમના પહેરવેશ, તેમના વ્યવસાય, તેમના ઉદ્યોગધંધા, તેમનાં મકાનો, ખેતીવાડી, મચ્છીમારી, કલાકારીગરી, તેમનાં નૃત્યો, ગીત-સંગીત, સમૂહનૃત્યો, ભાતીગળ સંસ્કૃતિ, તહેવારો, કૌટુંબિક અને સામાજિક વ્યવસ્થા વગેરેની માહિતી આપતું અને તેમના ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય કરાવતું એક અનોખું પ્રદર્શનગૃહ. અહીં તેમનાં વિવિધ વાદ્યો, હથિયારો, ઘરવપરાશનાં સાધનો, ખેતીવાડીના સાધનો, અલંકારો અને પ્રાચ્ય અવશેષો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ એક માત્ર પ્રદર્શન જોઈને સમગ્ર પ્રદેશના લોકોની બધી માહિતી એકઠી કરવાનું ઉત્તમ સ્થળ એટલે આ પ્રદર્શનગૃહ. અહીંથી અમે ઊંચી લીલીછમ ટેકરી પર આવેલા દલાઈ લામાએ સ્થાપેલા મહાયાન શાખાના બૌદ્ધ મંદિરના દર્શન કરી ધન્ય બન્યાં. પાલી ભાષામાં બૌદ્ધ મંત્રોનો પાઠ કરતા નાના છોકરાને સાંભળીને અમને ઘણો આનંદ થયો. ત્યાંથી ઇટાનગરદર્શન કરવાની ઓર મજા છે. ઊંચી ટેકરી પરથી આજુબાજુની ટેકરીઓ પર વસેલા અને રાત્રીમાં વીજળીના પ્રકાશથી શોભતા ઇટાનગરને જોવાનો આનંદ ઓર છે. ત્યાંથી અમે સચિવાલય, રાજ્યપાલ હાઉસ, ધારાસભા ગૃહ, સરકારી અધિકારીઓ અને પ્રધાનોનાં નિવાસ સ્થાન, નિહાળતાં નિહાળતાં ઉતારે પહોંચ્યાં. બીજે દિવસે સાંજે હૉસ્પિટલની ૧૫૦ ક્વાર્ટર્સકોલોની, તેમજ નર્સિંગ સ્કૂલ જોવા ગયા. ત્યાંથી થાઈલેન્ડના નિવાસીઓ સ્થાપેલા હિનયાન શાખાના બૌદ્ધ મંદિરનાં દર્શન કર્યાં. ટેકરી પર, રળિયામણાં વૃક્ષો વચ્ચે આવેલાં આવાં મંદિરો જોવાનો આનંદ અનન્ય છે. ૧૦ ડિસેમ્બરે શ્રી શ્રીમાના જન્મદિને, નહરલગામ-જે ઇટાનગર પહેલાં અરુણાચલ પ્રદેશનું પાટનગર હતું-ત્યાં. અહીંના ભક્તજનોએ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં ભક્તજનોએ એક સુંદર મજાનું મોટું કાલીમંદિર અને એના ઉપરના માળે શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીની છબીઓવાળું મજાનું મંદિર બનાવ્યું છે. પુસ્તકાલય, વાચનાલય પણ ચલાવે છે. ત્યાં સાંજે ચાલેલ-ભજન સંગીતનો અને શ્રી શ્રીમા પૂજાદિનનો ભક્તિભાવ ભર્યો આનંદ પ્રસાદ માણવા મળ્યો. શ્રીઠાકુરના ભક્તો કેવી રીતે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કરે છે એનો પ્રત્યક્ષ અનુભવ અમને મળ્યો. પ્રીતિ મહારાજે ગાયેલાં ત્રણ ભજનો અને અનાથ મહારાજનું વ્યાખ્યાન સાંભળવાનો અનન્ય લહાવો પણ અમને મળ્યો. ત્યાંના ભક્તજનોના ભાવ-પ્રેમને જોઈને આપણું હૃદય આનંદથી ઉભરાઈ જાય.

Total Views: 439

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.