ઘઉં લોકોનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં ઘઉંનું સ્થાન મહત્ત્વનું છે. તેનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. ઘઉંમાં પૌષ્ટિક તત્ત્વ વધારે છે. ખોરાકમાં વપરાતા અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે એટલે એને ધાન્યનો રાજા કહેવાય છે.

ભારતમાં ઘઉં લગભગ બધે સ્થળે થાય છે. પાણીની સુવિધાને કારણે પંજાબમાં ઘઉંનો પાક વધારે થાય છે. ઉત્તરભારતમાં પણ ઘઉં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. એટલે આ પ્રદેશોમાં ઘઉં માનીતો આહાર છે.

ગુજરાતમાં પણ ઘઉં સારા પ્રમાણમાં થાય છે. ચોમાસામાં જ છાશિયા ઘઉંનો પાક ભાલમાં થાય છે. એ રવિપાક છે. પિયતવાળા ઘઉંને સારા નિતારવાળી કાળી ગોરાડુ કે બેસર રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે. છાશિયા ઘઉં માટે કાળી અને ભેજનો સંગ્રહ કરી શકે તેવી ચીકણી જમીન અનુકૂળ આવે છે. એકંદરે પોચી કાળી જમીન ઘઉંને વધુ માફક આવે છે. ઘઉંના છોડની ઊંચાઈ દોઢ બે હાથની હોય છે. તેના સાંઠા-છોડ પોલા હોય છે. તેને ઉંબીઓ આવે છે અને તેમાં દાણા હોય છે. ઘઉંની લીલી ઉંબીઓને શેકીને તેનો પોંક પાડીને ખવાય છે. ઘઉંના પોંકમાંથી મજાનું જાદરિયું (પકવાન) બને છે.

ઘઉંના પ્રકારમાં કાઠા ઘઉં પોચા હોય છે. રંગને કારણે ધોળા અને લાલ એવા બે પ્રકાર પડે છે. ધોળા કરતાં લાલ ઘઉં વધારે પૌષ્ટિક હોય છે. વાજિયા, પૂંસા, બંસી, પુનમિયા, ટુકડી, દાઉદખાની, જૂનાગઢી, શરબતી સોનારા, કલ્યાણસોના, સોનાલિકા જેવી ઘઉંની ઘણી જાતો છે. વધુ પાક આપતી ઘઉંની અનેક સુધારેલી જાતો શોધાઈ છે. ગુજરાતના ભાલ કાંઠાના ઘઉં અને મધ્ય ભારતમાં ઇન્દોર માળવાના ઘઉં વખણાય છે.

ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, પાઉં, બ્રેડ, પૂરી, કેક, બિસ્કિટ જેવી અનેક વાનગી બને છે. તેમાંથી શીરો, લાપશી, લાડુ, સુખડી, માલપૂડા, પૂરણપોળી, ઘેબર, ખાજાં, જલેબી જેવાં પકવાનો બને છે.

ઘઉંનાં પકવાનોમાં ઘી, ખાંડ, ગોળ કે સાકર નખાય છે. ઘઉંને પાંચ-છ દિવસ પલાળીને તેના સત્ત્વનો બદામી પૌષ્ટિક હલવો બનાવાય છે. ઘઉંની થૂલી ઘણી પૌષ્ટિક છે. અશક્ત માંદા માણસોને શક્તિ માટે આ થૂલીમાંથી બનાવેલ વાનગી અપાય છે. ઘઉંમાં ચરબીનો ભાગ ઓછો હોવાથી તેના લોટમાં ઘી કે તેલનું મોણ નાખવામાં આવે છે. રોટલા કે રોટલી સાથે ઘી, માખણ અને મલાઈનો ઉપયોગ થાય છે. ઘઉંની સાથે યોગ્ય પ્રમાણમાં ઘી કે તેલ લેવાય તે જરૂરી છે. ઘી સહિત ઘઉં ખાવાથી વાયુ દૂર થાય છે અને પેટમાં બાદી થતી નથી.

ઘઉંની રાબ કરતાં રોટલી પચવામાં ભારે અને તેના કરતાં પૂરી, શીરો, લાડુ, લાપશી, ગોળપાપડી વધુ ભારે છે. ભારતમાં ઘઉંની રોટલી સામાન્ય રીતે મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં અતિશય પાતળી ફૂલકા રોટલી બને છે, પરંતુ તે વધુ હિતાવહ નથી. કારણ કે પાતળી રોટલીમાં ઘઉંનાં પ્રજીવકો (વિટામિન્સ) તાપને લીધે જલદી નાશ પામે છે. ઉત્તરભારતની જાડી રોટલી કે બાટી આરોગ્યની દૃષ્ટિએ વધુ હિતકારી છે.

ઘઉં બારેમાસ ખાઈ શકાય છે. નવા ઘઉં કફ કરનાર અને પચવામાં ભારે છે. એક વર્ષના જૂના ઘઉં કફ કરતા નથી. વસંતઋતુમાં જૂના ઘઉં ખાવા હિતાવહ છે.

ચોમાસામાં ઘઉંને બદલે બાજરી ખવાય છે. ચોમાસામાં જઠરાગ્નિ મંદ પડે છે એટલે ઘઉં ભારે પડે છે. ઘઉંના ઉપરના લાલ ભાગમાં આહાર તત્ત્વોનું પ્રમાણ વધુ હોય છે. યાંત્રિક ઘંટી કે મીલમાં ઘઉં દળાવવાને લીધે ઉપરની લાલ છાલ અને અંકુરનો નાશ થાય છે. એની સાથે બીજા ઘણાં રાસાયણિક તત્ત્વો નાશ પામે છે. અંકુરની સાથે પ્રોટીન, ચીકાશનો મોટો ભાગ અને લાલ છાલની સાથે ખનીજ પદાર્થાે નાશ પામે છે.

ઘઉંનો લોટ, મેંદો, રવો અને થૂલી બજારમાં તૈયાર મળે છે. બજારનો આવો લોટ ઘરના તાજા લોટની બરાબરી ન કરી શકે. ઘઉંની બજારુ કેક, બ્રેડ, બિસ્કિટ, પાઉં વગેરે કરતાં ઘરમાં તાજા લોટની બનાવેલી રોટલી કે લાપશી વગેરે ઉત્તમ છે.

ઘઉં મધુર, ઠંડા, વાયુ-પિત્તને હરનાર, પચવામાં ભારે, કફ કરનાર, વીર્ય અને બળવર્ધક, સ્નિગ્ધ, ભાંગેલું સાંધનાર, ઝાડો ઉતારનાર, જીવનીય, પુષ્ટિદાયી, શરીરના રંગને ઉજ્જવળ કરનાર, વ્રણને હિતકારી, રુચિકારક અને સ્થિરતા લાવનાર છે. ભારે અને પ્રદીપ્ત જઠરાગ્નિવાળા માટે ઘઉંની રોટલી વગેરે સારી ગણાય છે.

ઘઉંના લોટમાં પાણી મેળવી, ખૂબ ટૂંપીને અંગારામાં શેકીને બાટી બનાવાય છે. બાટી પુષ્ટિદાયી, બળદાયી, પચવામાં હલકી, અગ્નિને પ્રદીપ્ત કરનારી, સળેખમ, શ્વાસ અને ઉધરસને મટાડનારી છે. કફમાં વધારો કરે છે.

ઘઉંના દાણાને વાવીને આશરે એક વેંત જેવડા જ્વારા ઉગાડાય છે. આ જ્વારા પૌષ્ટિક, વિશેષ કરીને રસ, રક્ત અને વીર્યને, બળને વધારનાર; પિત્તશામક, વાયુનાશક, શરીરના વર્ણને સુધારનાર, પથ્ય અને જીવનીય ગુણવાળા છે. જ્વારાનો રસ પિત્તજન્ય રોગોમાં ઘણું સારંુ પરિણામ આપે છે. અમ્લપિત્ત, રક્તપિત્ત, વાતરક્ત, દાહ, ભસ્મકાગ્નિ, રસક્ષય, રક્તક્ષય, શુક્રક્ષય, ભ્રમ, ઊનવા, ગર્ભસ્રાવ, મૂત્રાવરોધ, આંતરડાંનાં ચાંદાં, લોહીવા, લોહીની ઊલટી, નસકોરી ફૂટવી, ગરમીનું કબજિયાત, ગરમીને લીધે વજન ન વધવું, પિત્તને કારણે જીર્ણ જ્વર જેવા રોગમાં જ્વારાનો રસ ખૂબ ફાયદાકારક છે. ઘઉંના જ્વારા માંદગી દૂર કરવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે બહુ હિતકર છે.

નવટાંક ઘઉં રાત્રે અડધો શેર પાણીમાં પલાળીને સવારે ઝીણા વાટીને આછા વસ્ત્રથી ગાળીને તેમાં એક તોલો સાકર મેળવીને સાત દિવસ સુધી પીવાથી પ્રમેહ મટે છે.
ઘઉંના લોટમાં સાકર ને દૂધ ભેળવીને પીવાથી નસકોરી ફૂટીને નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે. ઘઉંના પોટીસ બનાવીને ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકે છે અને ફૂટી જાય છે. ગૂમડાં પકવવાનો આ સરળ ઇલાજ છે.

ઘઉંનો મેંદો પચવામાં ભારે છે. નબળી પાચન શક્તિવાળાએ મેંદાની રોટલી કે પૂરી ન ખાવી. મંદ જઠરાગ્નિવાળા, વારંવાર ઝાડા કે મરડો થતો હોય તેવા અને તાવ કે વાયુ હોય તેમને માટે ઘઉં હિતાવહ નથી. પેટનો ગોળો, કફ, ઉદરરોગ, સંગ્રહણી જેવા રોગોમાં ઘઉં ખાવા હિતાવહ નથી. તરત જન્મેલા બાળકની માતાએ નવા ઘઉં ખાવા હિતાવહ નથી.

Total Views: 879

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.