ભારતના ઇતિહાસ તરફ દૃષ્ટિ નાખીએ તો કહી શકાય કે આપણા સમાજનું ઘડતર બોધકથાઓ, દૃષ્ટાંતો અને રૂપક દ્વારા થયું છે. પ્રાચીન-યુગમાં જ્યારે આપણાં શાસ્ત્રો લિપિબદ્ધ ન હતા ત્યારે તપોવનના ઋષિમુનિઓ દ્વારા શાસ્ત્રોનું અધ્યયન મૌખિક રટણ દ્વારા શિષ્યોના માનસમાં સ્મૃતિબદ્ધ કરાવવામાં આવતું. આપણા સમાજમાં જીવનનાં ઉચ્ચ મૂલ્યો અને આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યને પામવા માટે સંતો, ગુરુજનો અને પ્રાજ્ઞો જ્ઞાનવાણી વહેવડાવતા. બોધકથાઓ પ્રાચીન યુગનું એક સચોટ અને લોકપ્રિય પ્રચાર-પ્રસાર માધ્યમ હતું. ભારતની પુણ્યભૂમિમાં શ્રદ્ધાસરિતા સદા વહેતી રહી છે. જેમાં સંતોએ અનાયાસે કાગળની નાવડીઓ તરતી મૂકી છે; જે અનંત સાગરમાં વિલીન થઈ છે.
આપણા સદ્ભાગ્યે ભારતમાં સંતો, મહંતો અને પ્રાજ્ઞોનો કોઈ તોટો નથી. તેમના મુખેથી કહેલી બોધકથાઓમાં મનુષ્ય જીવનના આદર્શો, મુમુક્ષોનાં ઉત્કંઠા, મૂંઝવણ, સમાધાન અને પરમ પ્રતિની ઉત્સાહ સભર દોટ વિશે કે પછી સાધકને સહાય કરતી સૂક્ષ્મ મનોવિશ્લેષણની કથાઓ મળે છે. સાધુસંગથી રંગાયેલી બોધકથાઓ મુખે મુખે ઉચ્ચારાતી રહી છે અને કેટલીય સત્ય ઘટનાઓ, ઉજ્જવળ ચરિત્રો, આત્મજ્ઞાનીઓની ઉચ્ચતમ સિદ્ધિઓ, પરમાત્માની પ્રાપ્તિથી ધન્ય બનેલી કેટલીય ભારતીય નારીઓની ઉમદા કથાઓ વણનોંધેલી રહી છે. આપણી બોધકથાઓ સર્વકાલીન સમાજ માટે સદા સર્વદા સર્વગ્રાહી નીવડી છે. બોધકથાઓમાં આચરણ દ્વારા ચરિતાર્થ થતા આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ મૂલ્યો આજે પણ માનવ હૃદયનાં શુદ્ધ સંવેદનોને ઝંકૃત કરીને પોતાનું આગવું સ્થાન મેળવે છે. બોધનું સંક્રમણ તો તેની સચોટ ફળશ્રુતિ છે!
આપણી બોધકથાઓ પંચતંત્ર અને હિતોપદેશની માફક ઉપદેશાત્મક નથી. હકીકતે પંચતંત્ર અને હિતોપદેશ સંસ્કૃત સાહિત્યના એવા મહાન ગ્રંથો છે જેમાં પ્રાણી કથાઓના માધ્યમથી વાચકને નૈતિક, રાજનૈતિક, વ્યવહારિક અને બીજા અનેક વિષયો અંગે રુચિકર શૈલીમાં સુંદર બોધ આપવામાં આવ્યો છે. પરંતુ આપણી બોધકથાઓનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિમાં સહાયભૂત થવાનો છે. બોધકથાઓમાં માનવના રોજબરોજના જીવનના એક નિષ્ઠ આચરણ દ્વારા કોઈ એક યા અન્ય પ્રકારના ઉપદેશની પ્રતીતિ થાય છે. કેવળ શિષ્યોની જિજ્ઞાસા સંતોષવા કે બૌદ્ધિક પ્રતીતિ માટે આવી વાર્તાઓ ગુરુજનો કે સંતોએ કહી નથી. પરંતુ જીવનમાં ખરેખર જે અતિ આવશ્યક અને અનિવાર્ય શરતો છે તેને આચરણમાં ઉતારવા માટેની પ્રેરણા આપે છે. જે મનુષ્ય પ્રાજ્ઞોની આચરણ કથાઓને સ્વીકારે છે અને એનું અનુસરણ કરે છે, તે જીવનના ઉચ્ચતમ ધ્યેયને હાંસલ કરે છે, જીવનની ધન્યતા અનુભવે છે!
‘પ્રચલકથા’ નામે એક બંગાળી પુસ્તિકા શ્રી શારદામઠ દ્વારા પ્રકાશિત થઈ છે. જેમાં પચ્ચીસ જેટલી બોધકથાઓ લેખિકા પૂ. પ્રવ્રાજિકા વેદાંત પ્રાણાજીએ પોતાની આગવી ભાષા શૈલીમાં લખી છે.
રામકૃષ્ણ જ્યોતના આ અંકમાં તેમની પ્રથમ વાર્તા ‘કળશની કથા’ લેવામાં આવી છે. જેમાં એક રાજકુમારને અમૃતનું આહ્વાન સંભળાય છે. પોતાના રાજપાટ છોડીને રાજકુમાર ચાલ્યો જાય છે. શ્રેયપથની ઉત્કંઠ ઝંખના તેને એક તપોવનમાં ગુરુ ચરણાશ્રયે લાવે છે. ગુરુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવે છે કે ત્યાગનો માર્ગ તો તલવારની ધાર પર ચાલવાનો છે. રાજકુમારની સુંવાળી કાયા આશ્રમવાસી થઈને કઈ રીતે સહન કરશે? આશ્રમમાં રહીને રાજકુમાર સેવા કાર્યમાં દિવસોના દિવસો વીતાવે છે. વણથંભ્યું કર્મચક્ર અને કઠણ નિયમ શૃંખલા એના મનને વિહ્વળ કરે છે. શું મારું જીવન કેવળ શારીરિક પરિશ્રમમાં જ સમાપ્ત થશે? આશ્રમ છોડી ચાલ્યા જવાનો સંકલ્પ કરે છે. પાણી ભરવાના કુંજાને લઈને રાજકુમાર નદી કિનારે જાય છે. કુંજાને છોડી રાજકુમાર ચાલતો થાય છે ત્યારે કુંજા(કળશ)નો સાદ સંભળાય છે. કળશ રાજકુમારને કહે છે કે મારી રામ કહાની સાંભળો પછી તમને યોગ્ય લાગે તેમ કરજો. માટીમાંથી સુંદર કુંજો બન્યો અને આશ્રમનો શિષ્ય તેને ખરીદી લાવ્યો. ત્યારબાદ સાધુસેવામાં પોતાના અસ્તિત્વની ધન્યતા અનુભવે છે. પરંતુ તેણે કેટકેટલાં અસહ્ય કષ્ટો સહન કર્યાં તેનું સુંદર ભાવવાહી વર્ણન કર્યું છે. કુંજાના સંવાદનો સાર એટલો છે કે જ્યાં સુધી માણસને પોતાના સ્વતંત્ર અસ્તિત્વનું ભાન ન થાય ત્યાં સુધી આત્મસન્માનની ભાવના જાગે નહિ. કુંભાર રૂપી ગુરુએ જ્યારે તેનો ઉદ્ધાર કરવા હાથ લંબાવ્યો ત્યારે ચેતના જાગી! કુંભારે જ્યારે માટીમાં રહેલા કાંકરા-કચરો બહાર કાઢ્યા ત્યારે પહેલીવાર આત્મ નિરીક્ષણ કર્યું અને સમજાયું કે તેનામાં આટલું બધું નરસું પણ છે. પીંડ માટી કે દેહ જ્યારે કુંભાર રૂપી ગુરુના ચાકડા પર ચડે, અસહ્ય વેદના સહે, ગોળ ગોળ ફરતો રહે, ગુરુના હાથની ટપલી ખાતાં ખાતાં અંતે સુંદર આકાર મળે, અહમ્નો ચૂરેચૂરો થઈ જાય, ત્યારે ‘કંઈક’ રૂપ-ગુણ મળ્યાં. પરંતુ ગુરુને હજુય તેની પાત્રતાની ખાતરી થઈ નથી, તેથી આકરા તાપમાં – હળહળતી આગની ભઠ્ઠીમાં ફેંકે છે. બાહ્યરંગની રતાશ ફીકી પડી – મનની મલિનતા નાશ પામી ત્યારે શુદ્ધ શ્વેત વર્ણ પ્રાપ્ત થયો! એક કાંતિમય દેહ પામ્યો. અહો! ‘આશ્ચર્ય રુપોઽસ્મિ’ની અનુભૂતિથી અસ્તિત્વની ધન્યતા અનુભવી. માટીમાંથી કુંજાનું રૂપ મળ્યું. સ્થૂળમાંથી – ખાલીપામાંથી પૂર્ણતા પામવાની પાત્રતા મળી.
રાજકુમારને સમજાય છે કે કેટકેટલી આકરી તપશ્ચર્યા ધીરજપૂર્વક કરીશ ત્યારે સાધુસેવાનું શુદ્ધચિત્ત રૂપી પુણ્યફળ મળશે અને ગુરુ મને અવશ્ય જ્ઞાન આપશે. અંતે રાજકુમાર આશ્રમમાં પાછો ફરે છે. હૃદયની મલિનતા ધોવાઈ ગઈ અને તેણે જોયું કે ગુરુ તેની રાહ જોતા ઊભા છે. ગુરુની કરુણાદૃષ્ટિ કૃપા કરવા આતુર છે.
Your Content Goes Here




