સમગ્ર જગતની દૃષ્ટિ આજે આધ્યાત્મિક પોષણ માટે આ ભારતની ભૂમિ તરફ વળી છે; અને તમામ જાતિઓ માટે ભારતે તે પૂરું પાડવાનું છે. માનવજાત માટેનો સર્વોચ્ચ આદર્શ માત્ર અહીં ભારતમાં જ છે. અને જે આદર્શ આપણા સંસ્કૃત સાહિત્ય અને દર્શનોમાં સંગૃહીત છે, તથા યુગોના યુગોથી ભારતની જે વિશિષ્ટતા રહી છે, તે સમજવા માટે હવે પાશ્ચાત્ય વિદ્વાનો મથી રહ્યા છે. ઇતિહાસના છેક ઉદયકાળથી માંડીને કોઈ ધર્મોપદેશક હિંદુ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કરવા ભારતની બહાર ગયો નથી; પરંતુ હવે એક અદ્ભુત પરિવર્તન આપણામાં આવી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ પ્રબળ બને છે ત્યારે ત્યારે યુગે યુગે આ જગતને સહાય કરવા હું અવતાર ધારણ કરું છું.’ ધાર્મિક સંશોધનોએ એ સત્ય પ્રગટ કર્યું છે કે એવો એક પણ દેશ નથી કે જેણે પોતાના શુભ નીતિનિયમો આપણી પાસેથી લીધેલા ન હોય, એક પણ ધર્મ એવો નથી કે જેણે આત્માની અમરતાના આ શુભ ભાવો, પરોક્ષ કે અપરોક્ષ રીતે, આપણી પાસેથી લીધા સિવાય અન્યથા મેળવ્યા હોય. આપણે હિંદુઓ, ઈશ્વરના વિધાન અનુસાર એક અત્યંત કટોકટીભરી અને જવાબદારી ભરેલી સ્થિતિમાં આજે મુકાયા છીએ. પશ્ચિમની પ્રજાઓ આધ્યાત્મિક મદદ માટે આપણી પાસે આવવા લાગી છે. માનવના અસ્તિત્વની સમસ્યાઓનો ઉકેલ જગતને આપવા અર્થે પોતે સંપૂર્ણપણે તૈયાર રહેવાની એક મહાન નૈતિક જવાબદારી ભારતનાં સંતાનો ઉપર આવી પડી છે.
– સ્વામી વિવેકાનંદ
[‘ભારતમાં આપેલાં ભાષણો’માંથી]
Your Content Goes Here




