શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી, મે ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી સંભાષણનો આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.
બેલુર મઠના પ્રાંગણમાં એકઠા થયેલા ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં સંતાનોને સત્કારવામાં કેટલો આનંદ! આપ સૌને હાર્દિક અભિનંદન. શ્રી શ્રીઠાકુર અને શ્રી શ્રીમાનાં ચરણકમળમાં મારી અંતરની પ્રાર્થના કરું છું કે તેઓ એમનાં સંતાનો પર એવી અમીવર્ષા કરતાં રહે કે જેથી એમની જ્ઞાન પ્રકાશની જ્યોતને આગળ ને આગળ લઈ જવામાં અને માનવરૂપે જીવતા ઈશ્વરની સેવાના સમર્પિતભાવે વહેતા ઝરણાને એમનાં સંતાનો સદૈવ વહાવતા રહે. રામકૃષ્ણ મિશનની દ્વિતીય શતાબ્દીના મંગળ પ્રારંભે આપણે એક શુભ પગલું આગળ ધપીએ!
ભારતના યુવાનો સાથે મહત્ત્વના બે દિવસો અમે ગાળ્યા. તેમની સાથે તેમની સમસ્યાઓ, તેમનાં ધ્યેય-આદર્શ અને ધ્યેયપ્રાપ્તિ સુધી મક્કમ પગલે આગળ ધપ્યે જવાના માર્ગ – ઉપાયો વિશે ચર્ચા કરી. અને આજે શ્રીઠાકુરના વરિષ્ઠ અનુયાયી ભક્તો સાથે છીએ. ચર્ચા-વિચારણા કરવા માટે આપણી પાસે પૂરા બે દિવસ છે. શ્રીરામકૃષ્ણ ભાવધારાના આદર્શ, ભક્તોનું પ્રદાન, શ્રી શ્રીમાનો જીવનસંદેશ અને જીવન વ્યવહારમાં સેવા. આવા વિષયો પર બન્ને દિવસ ચિંતન મનન થશે. અમને શ્રદ્ધા છે કે આ સંમેલનના વક્તાઓ દ્વારા આત્મશ્રદ્ધાના રણકારવાળાં, જ્ઞાનદાયી અને પ્રેરણાત્મક સલાહસૂચનો આપણને સાંપડશે. શ્રીરામકૃષ્ણ મિશનના પ્રથમ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં આવો સુઅવસર આપણને સાંપડ્યો એ પણ આ પ્રસંગને માટે સૌથી વધુ ઉચિત અને મહત્ત્વનું છે. સો વર્ષોના અનુભવ પછી ઉચ્ચારેલ અનુભવ અને શાણપણભરી વાણી મિશનના પ્રયત્નોને નવ યૌવન બક્ષશે. એટલું જ નહીં પણ આત્માનુભૂતિમાટે સમર્પિત ભક્ત અનુયાયીઓને માટે એ વાણી પ્રેરણારૂપ બની રહેશે.
આ સંદર્ભમાં શ્રીકૃષ્ણને અર્જુનને કહેલા શબ્દોની હું આપને યાદ અપાવું છુંઃ
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ ગીતા ૯.૩૪
હે અર્જુન! તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારી પૂજાને પરાયણ થા, તથા મને નમસ્કાર કર. આ રીતે મારા શરણને પ્રાપ્ત થયેલો તું તારા અંતઃકરણને મારામાં યોજવાથી મને પામીશ.
મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ ૫૨સ્પ૨મ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ ૨મન્તિ ચ ॥ ગીતા ૧૦ : ૯
બધું મારાથી સંભવે છે એમ સમજીને પંડિતો માર યુક્ત થઈ મને ભજે છે અને મારામાં ચિત્ત જોડીને મને પ્રાણ સમર્પિત કરીને પરસ્પર એક બીજાને સમજાવતા, મારું વર્ણન કરતાં તેઓ નિત્ય સંતુષ્ટ રહે છે.
ઉપર્યુક્ત શ્લોકમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ભક્તમાં એના પ્રિય પ્રભુના ગુણ પ્રતિબિંબિત થાય છે. આ મહાન મિશનના -સંઘના યોગ્ય અંગયંત્ર બનવા માટે, મિશનના આદર્શોને પૂર્તિ માટે સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ દ્વારા કાર્યાન્વિત થયેલા આ મિશનના વ્યવસ્થાતંત્રને અસરકારક અને કાર્યકુશળતાપૂર્વક ચલાવવા એના ભક્તોએ, અનુયાયીઓએ અને શુભચિંતકોએ તેના મૂળ પ્રેરણાસ્રોતની મૂર્તચેતનાને પોતાનામાં ઉતારવી પડશે. બે દિવસની ચર્ચા માટે નક્કી થયેલા વિષયો આપણને આ માટે એક ઉત્તમ તક સુલભ કરી આપશે. આપણી માતૃભૂમિના સર્વાંગી પુનર્જાગરણ અને તેને સ્વાર્થભર્યાં સંકુચિત વિચાર-વલણોમાંથી મુક્ત કરવા શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશને કાર્યાન્વિત કરવાની તેને આચરણમાં મૂકવાની આજે તાતી જરૂર છે. શું શ્રીરામકૃષ્ણદેવને મન માટી અને પૈસા એક ન હતા? તૃષ્ણા માનવને ક્યારેય પૂર્ણ બનવા દેતી નથી-એ વાત એમણે પોતાનાં જીવન દ્વારા શું નિદર્શિત નથી કરી? શું તેઓ સત્યનું મૂર્ત સ્વરૂપ ન હતા? ધન, ભૌતિક પદાર્થો-સુખવૈભવો મેળવવાની લાલસા, જુઠાણાંની મહામારી સમગ્ર દેશમાં શું વ્યાપી ગઈ નથી?
પોતાનાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીના ભવ્ય વિકાસ દ્વારા પશ્ચિમના લોકોને નવું સ્વર્ગ તો સાંપડી ગયું છે. પણ સમગ્ર પશ્ચિમનું જગત આજે ઈર્ષ્યા-હૃદયની બળતરાઓ અને માનસિક અસંતુલનથી પીડાઈ રહ્યું છે. એમને માટે સ્વામી વિવેકાનંદે વેદાંતનો અમર સંદેશ આપ્યો છે.
એટલે ભક્તજનો, આપણે સંન્યાસી હોઈએ કે ગૃહસ્થ, પૂર્વમાં હોઈએ પશ્ચિમમાં-ગમે ત્યાં હોઈએ ગમે તે સ્થાને હોઈએ પણ જો આપણે આ ત્રિપુટી-શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત મહાન આદર્શોને અનુરૂપ જીવન જીવીશું તો આ જીવતા ઈશ્વર એવા માનવની આપણે ઘણી મોટી સેવા કરીશું અને માનવજન્મને પણ પૂર્ણપણે સાર્થક કરી શકીશું. આપણે જ્યાં હોઈએ ત્યાં મિશનનાં આ આદર્શને આપણે આચરણમાં મૂકવો જોઈએ. આજની મહામારીની વ્યથામાંથી ત્વરિત મુક્તિ અપાવવા મિશન મહત્તમ માત્રામાં જવાબદારીભર્યાં કાર્યો હાથ ધરે તે માટે સમય પાકી ચૂક્યો છે. આ સંમેલનના અંતે જેઓ પોતાને શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના અનુયાયી માને છે તે બધાને શિરે એક મોટી જવાબદારી આવે છે અને તે એ છે-માનવને પોતાની સર્વોત્કૃષ્ટ અને ગૌરવાન્વિત મહત્તા પ્રાપ્ત કરવાની પાકી ખાતરી કરાવી આપે. ભગવાન બુદ્ધે પોતાનાં શિષ્ય આનંદને પોતાનો છેલ્લો સંદેશ આ શબ્દોમાં આપ્યો હતોઃ ભગવાન બુદ્ધની પૂજા એમને ચંદનપુષ્પ વગેરે અર્પવામાં નથી પણ તે પૂજા તો છે તથાગતના સંદેશ-સૂચનનું જીવનમાં અનુસરણ. મિશનની સેવાપ્રવૃત્તિમાં માત્ર વૃદ્ધિ કરવાને બદલે જે પોતાની જાતને શ્રીરામકૃષ્ણદેવના અનુયાયી ગણે છે તે બધા શ્રીગુરુદેવે પ્રસ્થાપિત કરેલા આદર્શોનું પોતાના જીવનમાં અનુશિલન કરે એ વધારે મહત્ત્વનું છે એટલું જ નહીં એ મહાન કાર્ય બની રહેશે. એ સમાજ માટે દીવાદાંડીરૂપ બનશે અને સમાજને આગળ ધપાવશે. આ મહાન પ્રસંગે આપણે સૌ આ પવિત્ર પ્રતિજ્ઞા કરીએ. મિત્રો, ઉપદેશ કરતાં આચરણ ઉત્તમ છે. આજે દુર્માર્ગે ચાલનારા-દોરવાયેલા લાખો લોકો માટે શ્રીરામકૃષ્ણદેવના અનુયાયીઓ માર્ગસૂચક સ્તંભ અને દીવાદાંડીરૂપ બની રહેવા જોઈએ. આ જ છે નરનારાયણની સર્વોત્તમ સેવા.
સદ્ભક્તો, આપણે સૌ આ ત્રિપુટી-શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીને પ્રાર્થીએ કે તેઓ આપણને એવાં પ્રેરણા, અંતરદૃષ્ટિ અને મનની દઢતા અર્પે કે જેથી આપણા જીવનની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ-આત્માનુભૂતિ અને આ જીવતા માનવદેવની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ-આત્માનુભૂતિ માટે આપણે આ મહાન જીવન-સંદેશ જ્યોતનું વહન કરી શકીએ. શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીએ આપણને હસ્તાંતરિત કરેલા મહાન આદર્શને સાથે રાખીને ચાલો આપણે સૌ જીવંત પ્રભુ એવા માનવની સેવા માટે આપણી જાતને પુનઃ સમર્પિત કરી દઈએ. આપણા સૌ પર એમના આશીર્વાદ વરસતા રહો! આપણે આશા સેવીએ અને પ્રાર્થીએ કે મિશનની આવનારી ભાવિ શતાબ્દીઓ માનવના સર્વોત્કૃષ્ટ ધ્યેય-આત્માનુભૂતિ સુધીની આગેકૂચમાં આપણી માનવજાતી પર ઘણા મંગલ વરસાવતી ૨હે. આ મહાન પાવનકારી ત્રિપુટી આપણા પર આશીર્વાદ વરસાવતી રહે અને આપણી ઉન્નતિમાં માર્ગદર્શન આપતી રહે! ‘વાહ ગુરુકી ફતેહ!’
ભાષાંત૨: શ્રી ચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here




